સોમવાર, 17 એપ્રિલ, 2023

Motivation Story

 આદર્શ પ્રસંગો


                            પ્રથમ આયંબિલનો ચમત્કાર


     પાલનપુરના એ વતની હાલ સુરતમાં રહે છે. એમનું નામ ગિરીશભાઈ. એમને હોટલમાં ખાવાનું, રાત્રે ખાવાનું ઘણીવાર. કોઈ થાળી ધોઈને પીતા હોય કે આયંબિલનું ભોજન જમતાં હોય તો પણ તેમને ઉબકા આવે. એક વખત પોતાના બહેન-બનેવી અને પત્ની સાથે હોટલમાં તેઓ મજેથી ખાતા હતા અને પત્નીએ એક આયંબિલ કરવાનું દબાણ કર્યું. બહેન-બનેવીએ આ વાતને ટેકો આપ્યો. ગિરીશભાઈ કહે કે આગ્રહ હોય તો ઉપવાસ ખેંચી કાઢું પણ આયંબિલ તો મારાથી થઈ જ ના શકે. 


      છેવટે બધાના દબાણથી એમણે જિંદગીનું સૌ પ્રથમ આયંબિલ કર્યું. એમને એ ખૂબ અનુકુળ આવી ગયું ! બીજે દિવસે પણ કર્યું ! લગભગ ૩૨-૩૩ આયંબિલ સતત થયા ! સદ્દગુરુની પ્રેરણાથી એમણે લાગટ ૧૦૮ આયંબિલ કર્યા !! ગિરીશભાઈની આયંબિલની ગાડી હવે ચોથા ગિયરમાં આવી ગઈ હતી એમણે સતત ૧૭૫ આયંબિલ પુરા કર્યા !!!

 

     જે સંબંધીઓ આયંબિલ કરવા આગ્રહ કરતા હતા એ જ હવે પારણું કરાવવાના આગ્રહવાળા બન્યા. શરીરનું વજન ૯૪ કિલોમાંથી ૭૪ કિલો પર આવી ગયું હતું પણ ગિરીશભાઈને એનો વાંધો ન હતો. એમણે ૧૦૦૮ આયંબિલનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો ! સંબંધીઓ આ પડકાર ઝીલી શકવા સમર્થ ના બન્યા. બધાના અતિ આગ્રહથી એમણે ૧૮૧ આયંબિલે પારણું કરવું પડ્યું. 


     ચૈત્ર ૨૦૫૫ એમને વર્ષીતપ પૂર્ણ થવાના આરે છે ! એ સતત બીજો વર્ષીતપ કરવા થનગનાટ અનુભવે છે. (જૈન કાયાથી દુઃખને પણ ગણકાર્યા વગર શું શું કરી શકે છે એ વાત અહીં બહુ સ્પષ્ટ જણાઈ આવે છે.) ક્યારેક એવું વિશ્વમાં બનતું હોય છે કે માણસને જે જે શક્ય ન લાગતું હોય તે કરવા માંડે તો ખબર પડે કે આ તો સાવ સહેલું છે અને કોઈકને તો એ એટલું ગમી જાય છે કે પછી એ એની સાધના કરે છે ! તેથી તમે પણ નક્કી કરો કે પ્રભુએ કહેલા બધા અનુષ્ઠાનો આપણે અવારનવાર કરવા. એમ ક્યારેક એક અનોખા આનંદને મેળવવાની ચાવી તમારા હાથમાં આવી જશે !


પંન્યાસ ભદ્રેશ્વરવિજયજી ગણિ. લિખિત જૈન આદર્શ પ્રસંગો પુસ્તક માંથી સાભાર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top