શનિવાર, 15 એપ્રિલ, 2023

Girnar

 ગિરનાર જેમ અનેકનો માનીતો દેવ રહ્યો છે , એમ ઘણા ઘણા સંઘર્ષોનો એ સાક્ષીય રહ્યો છે.


                હસ્તિનાપુર પુરની ધરતી પરથી નીકળેલો એક યાત્રા સંઘ આજે ગિરનારની ગોદમાં આવી લાગ્યો હતો. કેઈ ગામ - નગરોને ભેટતો ભેટતો યાત્રા સંઘ શત્રુંજયના આદિનાથ ભગવાનને નમીને ચાલ્યો આવતો હતો , યાત્રાનું છેલ્લું તીર્થ હતું : ગિરનાર ! 


                 ગિરિ યાત્રા આરંભાઈ. સંઘપતિ ધનશેઠનો મન - મોરલો કળા કરી ઊઠ્યો. દિવસોનું સ્વપ્ન આજે સાકાર થતું હતું. કામવિજેતા ભગવાન નેમિનાથનો ભવ્ય દરબાર આવ્યો , યાત્રીઓ નાચી ઊઠ્યા. 


                   સંઘવી ધનશેઠે પૈસાને આજે  પાણી કરતાંય સસ્તા જ ગણ્યા હતા. પંચરંગી ફૂલોની માળા મધમધાટ વેરી રહી. ધૂપના મધમધાટ વાતાવરણને સુવાસિત કરી રહ્યા હતા. નૈવેધની સોડમે રંગમંડપને ભરી દીધો. દ્રવ્યપૂજા પૂર્ણ થઈ , ભાવપૂજા શરૂ થઈ.


                 આખો સંઘ પ્રભુભક્તિમાં ખોવાઈ ગયો. પણ ત્યાં જ રંગમાં ભંગ પડ્યો ! પાછળથી એક બીજો સંઘ આવ્યો , એના સંઘવી હતા વરુણ શેઠ. એ સંઘ મહારાષ્ટ્રમાં આવેલા મલયપુરથી સંઘે પ્રસ્થાન કર્યું હતું. સંઘવી દિગંબર મતના અનુયાયી હતા. ભગવાન નેમનાથને અંગે રચાયેલાં આભૂષણો અને કંઠે છવાયેલા ફૂલહાલો જોઈને એમનું ધર્મઝનૂન ઝાલ્યું ન રહ્યું. એ આગળ ઘસી ગયા અને એક જ ઝાટકે એમણે ફૂલહારો ને આભૂષણો ફંગોળી દીધાં.


               ધનશેઠ આ અણધારી આફતનો હજી વિચાર કરે , એ પહેલાં તો આ બધું બની ગયું. ત્યાં તો વરુણશેઠનો ગર્વભર્યો અવાજ કાને અથડાયો. 


                 ' વીતરાગીને રાગી બનાવવાનો આ ધંધો કેવો ! પ્રભુ તો પ્રભુ છે. હાર ને આભૂષણો એમને ન ખપે. ' 


                ધનશેઠ ને યાત્રીઓનું દિલ સળગી ઊઠ્યું. શેઠે પડકાર નાખ્યો : અમારી પૂજાને વેરણછેરણ કરનાર તમે કોણ ? 


               વરુણ ઝાલ્યો ન રહ્યો : તમે વળી કોણ એટલે ? અમે આ તીર્થના માલિક ! અમે આ મંદિર ને મૂર્તિના ઈજારદાર ! તમે શ્વેતાંબરો તો આજકાલના છો. તીર્થ અમારું છે. પછી તમને કહી પણ ન શકીએ ?


                  ધનશેઠને હાડોહાડ લાગી આવ્યું : રે ! કેવી આ જોહુકમી ને કેવું આ જૂઠ ! ગિરનાર પર વળી દિગંબરોનો હક્ક ક્યારથી ? આ તો ઠીક શ્વેતાંબરોની દયા કે , દિગંબરો ગિરનારની યાત્રા કરી શકે છે !


                  અમારું તો એક જ કહેવું છે. દિગંબર વિધિ પ્રમાણે જ પૂજા કરવી હોય તો કરો , નહિ તો સજા માટે સજ્જ રહો !


                     સજા ! ધરમની ધજાને અણનમ રાખવા જતાં સજા મળે જ નહિ ! ને મળે તોય એ સજા શહીદને માટે મજા બને. અમે શહીદ છીએ. શાસનની ને અનુશાસનની શાન અમે નંદવા નહિ દઈએ. 


                   વાત વધી પડી. યાત્રાએ યુદ્ધનો વેશ સર્જ્યો. બંને પક્ષના ડાહ્યા આગેવાનો આગળ આવ્યા , ને નિર્ણય લેવાયો કે ગિરિનગરના રાજવી વિક્રમની રાજસભામાં બંને પક્ષ પોતપોતાના મંતવ્યો રજૂ કરીને , ગિરનારની ઈજારદારીનો ન્યાય માંગે ! 


                   બંને સંઘો નીચે આવ્યા. સભાનું વિસર્જન થઈ ચૂક્યું હતું. છતાં બંને પક્ષે રાજસભાનાં દ્વાર ખખડાવ્યાં. 


                  વિક્રમરાજ બહાર આવ્યા. પરિસ્થિતિ સાંભળતાં જ એમને વિવાદ વકરેલો જણાયો. એમણે સવાર પર વાત ઠેલતાં કહ્યું :


               ' તમારો નિર્ણય કાલની રાજસભા કરશે. '


                 ધનશેઠના દિલમાં શ્રદ્ધા હતી. ગિરનાર આપણો જ છે. શ્રદ્ધા અને વિશ્વાસનો ભેટો કરાવવા એમણે રાતે ગિરનારની અધિષ્ઠાત્રી દેવીને આરાધી. મધરાતે દેવીએ દેખા દીધી. ધનશેઠે પૂછ્યું : માં ! ગિરનાર કોનો ? આવતી કાલના નિર્ણય ટાણે આપ  વહારે ધાશો ને ?


                દેવી બોલ્યાં : ધનશેઠ સાંચને આંચ નથી. તમે કાલે વિક્રમરાજાને કહેજો કે ,

અમારા  ' સિદ્ધાણં બુદ્ધાણં ' સૂત્રમાં અમે ગિરનારનું રોજ સ્મરણ કરીએ છીએ , એ જ પ્રબળ પ્રમાણ છે. ગિરનારની ઈજારદારી કોની ? આ સવાલ જ રહેતો નથી !


                  સવાર થઈ. આશા વિશ્વાસભર્યા હૈયાએ ધનશેઠ રાજસભામાં આવ્યા. ધનશેઠે પોતાની વાત રજૂ કરતાં કહ્યું : રાજવી ! ઇતિહાસના પાનાંની સાખ અત્યારે બાજુ પર મૂકો , તોય એક સાધારણ વાત પરથી જ વાદનો નિર્ણય થઈ શકે એમ છે. અમે ચૈત્યવંદનના સૂત્રમાં રોજ ગિરનારને યાદ કરીએ છીએ. નાનાં છોકરાંને પૂછો , તોય એ કહી આપે કે , ગિરનાર શ્વેતાંબરોનો ! અમે એને રોજ રોજ યાદ કરીએ છીએ. 


                વિક્રમને વાત વાજબી લાગી. એમણે વરુણ શેઠ તરફ જોઈને પૂછ્યું : તમારે શું કહેવું છે ? એમણે મોં - માથા વિનાની વાતો રજૂ કરી. અંતે વિક્રમે કહ્યું : 


                 ' વરુણ શેઠ ! આવી નબળી વાતોથી વાદ ન જિતાય. ધનશેઠની શરત માન્ય રાખો છો ? '


                  વરુણ શેઠ ઝંખવાણા પડી ગયા. એમને થયું : આમાં માયા કાં ન હોય ! રાતોરાત નવી ગાથા બનાવીને , બધા યાત્રીઓને એમણે ગોખાવી દીધી હોય , એવું પણ  કેમ ન બને ? એમણે કહ્યું : 


                '  રાજવી ! ધનશેઠની વાત કબૂલ ! પણ એ સૂત્ર બોલનાર એમના સંઘનો યાત્રી ન હોવો જોઈએ. આજુબાજુથી કોઈને બોલાવો અને એ જો સિદ્ધસ્તવમાં સ્મરણ કરાવત ગાથા બોલે , તો ગિરનારના ઈજારદાર એ , બસ ! '


                પાવનવેગી સાંઢણી પલાણાઈ . થોડીક ઘડીમાં તો એક નાની દીકરીને લઈને એ સાંઢણી રાજદરબારે હાજર થઈ ગઈ. 


                રાજાએ દીકરીને પૂછ્યું : તને સિદ્ધસ્તવ સૂત્ર આવડે છે ?


               જવાબ ' હા ' માં આવ્યો. રાજાએ પૂછ્યું : ' એમાં ગિરનારનું સ્મરણ કરવામાં આવે છે ખરું ? '


               નાની બાળા તરત બોલી : હા , હા. ' ઉજ્જિંત - સેલ - સિહરે... ' ગિરનાર પર્વતના શિખર પર જેમના દીક્ષા , જ્ઞાન અને નિર્વાણ : આ ત્રણ કલ્યાણક ઊજવાયાં , એ નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.


                  બાળાના બોલ પૂરા થયા - ન થયા , ત્યાં તો એની પર ફૂલોની વૃષ્ટિ થઈ. ધનશેઠ મનોમન જાણે એ બોલ્યા : માં ! તેં અણીને અવસરે આબરૂ રાખી !


                  વિક્રમરાજાએ નિર્ણય જાહેર કર્યો : ગિરનારનો એક માત્ર ઈજારદાર શ્વેતાંબરો જ છે. 


                  ઈતિહાસમાં ગિરનારની ઈજારદારીનો એક વધુ પુરાવો એ દહાડે દાખલ થયો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top