સોમવાર, 17 એપ્રિલ, 2023

શિલ્પ વિધિ પ્રશ્નમંચ Shilp Vidhi


*પ્રશ્ન : પ્રભુજીના પ્રક્ષાલ માટેના કળશ અમારે નવા બનાવવા છે, તો કેવા બનાવવા ? તેમાં શું ધ્યાન રાખવું ❓*
*(ધર્મેશ શાહ, મુંબઇ)*

*જવાબ :* *કળશ એટલે કુંભ. તેની ખાસિયત પ્રમાણે જેનું પેટ મોટું હોય અને દેખાવમાં જે શોભારૃપ લાગે તેવા કળશ બનાવવા જોઈએ. ચાંદીના ફૂલપત્તાની ડિઝાઈનવાળા આકર્ષક કળશો બનાવી શકાય. મીનાકારીવાળા પણ કરાવી શકાય. જો કે રોજિંદી સાફ-સૂફીની વ્યવસ્થા બરાબર સચવાય, વધુ મહેનત પડે નહિ, એ માટે રોજ વાપરવાના કળશો સાદા - Plain જ કરાતા હોય છે.*
  *કળશ બનાવવામાં સૌથી મહત્ત્વની ધ્યાન રાખવાની બાબત એનું નાળચું છે. એ નાળચામાંથી પાણીની ધાર વ્યવસ્થિત પસાર થાય એ જરૃરી છે. ધાર વધુ પડતી મોટી પણ ન થાય અને નાની પણ ન થાય એ જોવાનું હોય છે. એમાં પણ અગત્યની બાબત નાળચાની શુદ્ધિ છે.*
  *સામાન્યથી પંચામૃતના તેમ જ ક્વચિત્ ઘી કે દહીંના અભિષેક થાય ત્યારે જો અંદરમાં સફાઈ બરાબર ન થાય તો તે નાળચામાં જામી જતા હોય છે. રોજ કળશ વગેરે ઉપકરણો સાફ કરવાવાળા તો પ્રાયઃ ઉપર ઉપરથી જ પાણીથી ધોતા હોય છે. એટલે અંદર ચીકાશના એક પર એક થર જામ થતા જાય અને પછી થોડા દિવસે સાફ-સફાઈ કરતાં લીલ-નિગોદ થઈ ગઈ હોય એવો ઘણીવાર ઘણાને અનુભવ થાય છે, માટે તાંબાની સળી અને અંગલૂંછણું નાળચામાંથી પસાર થાય એવા નાળચાવાળા કળશ હોવા જોઈએ. તથા દર અઠવાડિયે - દશ દિવસે - આંતરે આંતરે બધા કળશોની સફાઈ થતી રહે, એમ પણ થવું જોઈએ*
  *અહીં આનુષંગિક અન્ય મહત્ત્વની વાત એ છે કે, જેમ કળશના નાળચાની વિચારણા કરી છે, એમ પ્રક્ષાલ જળ જેમાંથી પસાર થઈ તાંબાની કુંડીમાં એકઠું થાય છે, એ તાંબા-પિત્તળની પાઈપો પણ આખી આંગળી પસાર થાય એવી વ્યવસ્થિત પહોળી હોવી જોઈએ. તેમાં પણ તામ્રસળી નાખીને અંગલૂંછણાથી સફાઈ થઈ શકે તેવું હોવું જોઈએ, નહિ તો કળશમાં લીલ-નિગોદ ન થાય પણ આ પ્રક્ષાલવાહક પાઈપોમાં થાય. આ સ્નાત્રજળ વહન કરનારી પાઈપો તાંબા-પિત્તળની હોવી જોઈએ, પ્લાસ્ટિકની પાઈપો વાપરવી યોગ્યનથી.*

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
​📝 *मुनि सौम्‍यरत्न विजयजी*
 *Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top