વીરપ્રભુનું હાલરડું
“ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ગાવે હાલો હાલો હાલરૂવાના ગીત “
સોના રૂપા ને વળી રત્ને જડિયું પારણું,
રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત...
હાલો હાલો હાલો મારાં નંદને રે...
જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે આંતરે,
હોશે ચોવીશમા તીર્થંકર જિન પરિમાણ
કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી,
સાચી સાચી હુઈ તે મારે અમૃતવાણ...હાલો
ચૌદે સ્વપ્ને હોવે ચક્રી કે જિનરાજ,
વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રી રાજ
જિનજી પાસ પ્રભુનાં શ્રી કેશી ગણધાર,
તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ...હાલો
મારી કૂખે આવ્યા તારણતરણ જહાજ,
મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ
મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ,
હું તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ...હાલો
મુજને દોહલો ઊપન્યો બેસું ગજ અંબાડીએ,
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય
એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં,
તે દિન સંભારું ને આનંદ અંગ ન માય...હાલો
કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે,
તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રીજગદીશ
નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો,
મેં તો પહેલે સુપને દીઠો વીસવાવીસ...હાલો
નંદન નવલા બંધવ નંદીવર્ધનના તમે,
નંદન ભોજાઈઓના દીયર છો સુકુમાળ,
હસશે ભોજાઈઓ કહી દીયર મારાં લાડકા,
હસશે રમશે ને વળી ચૂંટી ખણશે ગાલ,
હસશે રમશે ને વળી ઠુંસા દેશે ગાલ...હાલો
નંદન નવલા ચેડારાજાના ભાણેજ છો,
નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છો,
નંદન મામલિયાના ભાણેજા સુકુમાર,
હસશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા,
આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ...હાલો
નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં,
રતને જડિયાં ઝાલર મોતી કસબી કોર,
નીલા પીલા ને વળી રાતા સર્વે જાતિના,
પહેરાવશે મામી મારાં નંદકિશોર...હાલો
નંદન મામા મામી સુખલડી બહુ લાવશે,
નંદન ગજવે ભરશે લાડુ મોતીચૂર,
નંદન મુખડા જોઈને લેશે મામી ભામણા,
નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર...હાલો
નંદન નવલા ચેડા મામાની સાતે સતી,
મારી ભત્રીજી ને બેન તમારી નંદ,
તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે,
તુમને જોઈ જોઈ હોશે અધિકો પરમાનંદ...હાલો
રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘૂઘરો,
વળી સુડા મેના પોપટ ને ગજરાજ,
સારસ હંસ કોયલ તીતર ને વળી મોરજી,
મામી લાવશે રમવા નંદ તમારે કાજ...હાલો
છપ્પન કુમરી અમરી જલકળશે નવરાવિયા,
નંદન તમને અમને કેલીઘરની માંહી,
ફૂલની વૃષ્ટિ કીધી યોજન એકને મંડલે,
બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહી...હાલો
તમને મેરુગિરિ પર સુરપતિએ નવરાવિયા,
નીરખી નીરખી હરખી સુકૃત લાભ કમાય,
મુખડા ઉપર વારું કોટિ કોટિ ચંદ્રમા,
વળી તન પર વારું ગ્રહ-ગણનો સમુદાય...હાલો
નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું,
ગજ પર અંબાડી બેસાડી મોટે સાજ,
પસલી ભરશું શ્રીફળ ફોકળ નાગરવેલશું,
સુખલડી લેશું નિશાળિયાને કાજ...હાલો
નંદન નવલા મોટા થાશો ને પરણાવશું,
વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર,
સરખા વેવાઈ વેવાણને પધરાવશું,
વર-વહુ પોંખી લેશું જોઈ જોઈને દેદાર...હાલો
પીઅર સાસર માહરા, બેહુ પખ નંદન ઊજળા,
મારી કૂખે આવ્યાં તાત પનોતા નંદ,
માહરે આંગણે વુઠા, અમૃત દૂધે મેહુલા,
માહરે આંગણે ફળિયા, સુરતરુ સુખના કંદ...હાલો
ઈણી પેરે ગાયું માતા ત્રિસલા સુતનું પારણું,
જે કોઈ ગાશે લેશે પુત્રતણા સામ્રાજ,
બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું,
જય જય મંગલ હોજો, દીપવિજય કવિરાજ...હાલો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો