વૃક્ષનું આપણા દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે, તેથી જ આપણા પૂર્વજોએ વૃક્ષોને ધર્મ સાથે જોડ્યા અને તેમને જીવનમાં વધુ મહત્વનું સ્થાન આપ્યું. હિન્દુ ધર્મમાં, વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે. આપણા જીવનમાં વૃક્ષોનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. વૃક્ષને ધર્મ સાથે જોડવાનો હેતુ ફક્ત તેમનું મહત્વ વધારવાનો નથી, પણ તેમનો બચાવ કરવાનો પણ છે.
જૈન ધર્મના 24 તીર્થંકરોના નામ, તેમના સંકળાયેલ વૃક્ષો અને તેમના વિશિષ્ટ પ્રતીકો નીચે આપેલા કોષ્ટકમાં આપ્યા છે....
ક્રમ જૈન તીર્થંકરોના નામ જૈન તીર્થંકરોથી સંબંધિત વૃક્ષના નામ વૈજ્ઞાનિક નામ અને કુળ સામાન્ય નામ જૈન તીર્થંકરોથી સંબંધિત પ્રતીકો
1.ઋષભ દેવ - ફાયકસ બેંગાલેન્સીસ (મોરેસી) - વડ/વડલો - બળદ
2. અજિતનાથ - આલાસ્ટોનીયા સ્કોલારીસ (એપોસાયનેસી) - સપ્તપર્ણી - હાથી
3. સંભવનાથ - શોરિયા રોબસ્ટા (ડિપ્ટોરોકાર્પેસી) - સાલ - ઘોડો
4. અભિનંદનાથ - બુકેનેનિયા લેન્ઝેન (એનાકાર્ડીએસી) - ચારોળી - વાંદરો
5. સુમતિનાથ - કેલીકાર્પા મેક્રોફાયલા (વર્બીનેસી) - લતાપ્રિયંગુ - સારસ પક્ષી
6. પદ્મપ્રભુ - ફાયકસ બેંગાલેન્સીસ (મોરેસી) - વડ/વડલો - કમળ
7. સુપાર્શ્વનાથ - આલ્બેઝિયા લેબેક (માઈમોઝેસી) - શિરીષ - સ્વસ્તિક
8. ચંદ્રપ્રભુ - કેલોફાયલમ ઇનોફાયલમ - (ક્લુસિએસી) - સુલતાન ચંપો - ચંદ્ર
9. સુવિધિનાથ - ફેરોનિયા એલિફેન્ટમ (રૂટેસી) - કોઠા - મગર
10. શીતલનાથ - ફાયકસ લેકર (મોરેસી) - પાકુર - કલ્પવૃક્ષ
11. શ્રેયાંસનાથ - સરકા અશોકા (સિઝાલપિનિએસી) - અશોક - ગેંડો
12. વાસુપૂજ્ય - સિમ્પ્લોકાસ રેસમોઝા (સિમ્પ્લોકેસી) - લોધવૃક્ષ - ભેંસ
13. વિમલનાથ - સિઝીજિયમ ક્યુમિનિ (મીરટેસી) - જાંબુ - સુવર
14. અનંતનાથ - સરકા અશોકા (સિઝાલપિનિએસી) - અશોક - બાજ પક્ષી
15. ધર્મનાથ - બ્યુટિયા મોનોસ્પર્મા (ફેબેસી) - ખાખરો/ કેસુડો - વજ્ર
16. શાંતિનાથ - સીડ્રસ દેવદારા (પાઈનેસી) - દેવદાર - હરણ
17. કુંથુંનાથ - સિમ્પ્લોકાસ રેસમોઝા (સિમ્પ્લોકેસી) - લોધવૃક્ષ - બકરી
18. અરનાથ - મેન્જીફેરા ઈન્ડિકા (એનાકાર્ડીએસી) - આંબો - માછલી
19. મલ્લિનાથ - સરકા અશોકા (સિઝાલપિનિએસી) - અશોક - કળશ
20. મુનિસુવ્રત - માઈકેલિયા ચંપાકા (મેગ્નોલિએસી) - સોનચંપા - કાચબો
21. નમિનાથ - મિમુસોપ્સ ઈલેન્જી (સેપોટેસી) - બોરસલી - નીલ કમળ
22. નેમનાથ - સલિક્સ કેપ્રિયા (સેલીકેસી) - વિતાસા અથવા બ્રેડ મસ્ક - શંખ
23. પાર્શ્વનાથ - વુડફોર્ડિયા ફ્રૂટિકોઝા (લીથ્રેસી) - ધાવડી - નાગ
24. મહાવીર સ્વામી - શોરિયા રોબસ્ટા (ડિપ્ટોરોકાર્પેસી) - સાલ - સિંહ
જૈન ધર્મમાં 24 તીર્થંકરો થયા છે, દરેક તીર્થંકરને એક ચોક્કસ વૃક્ષ હેઠળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેથી જ આ ચોક્કસ વૃક્ષોને જૈન ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન છે. હાલમાં, જ્યારે પૃથ્વી પરથી હરિયાળી ઓછી થઈ રહી છે, જો વૃક્ષોનું ધાર્મિક મહત્ત્વનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે તો વૃક્ષોનું આડેધડ કાપવાનું બંધ કરી શકાય તેમ છે.
જૈન ધર્મના પૂજનીય વૃક્ષો માત્ર ધાર્મિક મહત્વ જ નથી રાખતા પરંતુ તે અનેક પ્રકારના રોગોની સારવારમાં પણ ઉપયોગી છે. જૈન ધર્મના તીર્થંકરો વૃક્ષોની સાથે પ્રાણી પક્ષીઓ પણ સંકળાયેલા છે, અને દરેક તીર્થંકરોનું એક વિશિષ્ટ પ્રતીકો છે અને જૈન તીર્થંકરોની પ્રતિમા પર આ વિશિષ્ટ નિશાન પણ જોવા મળે છે જેના આધારે જૈન તીર્થંકરો સરળતાથી ઓળખી શકાય છે.
ઉપરોક્ત વૃક્ષો જૈન ધર્મ માટે આદરણીય છે તેમજ આ વૃક્ષોનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે, જેના કારણે તેમનું મહત્વ વધુ વધ્યું છે. આ વૃક્ષોનું મહત્વ અને તેમની સંબંધિત માહિતી નીચે મુજબ છે...
1. ફાયકસ બેંગાલેન્સીસ (Ficus benghalensis) :- સામાન્ય ભાષામાં તેને વડ અથવા વડલો કહે છે. આ વિશાળ કદના વૃક્ષની ઊંચાઈ લગભગ 30 મીટર અને શાખાઓ દૂર-દૂર સુધી ફેલાયેલી હોય છે. આ વૃક્ષમાંથી ઘણા હવાઈ મૂળ (વડવાઈ) નીકળે છે, જે પછીથી સ્તંભીય મૂળ તરીકે કાર્ય કરવાનું શરૂ કરે છે. વડ મોરેસી કુળનું વૃક્ષ છે, આ વૃક્ષની નીચે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ દેવ અને છઠ્ઠા તીર્થંકર પદ્મ પ્રભુને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ વૃક્ષનો દરેક ભાગ એક યા બીજી રીતે ઉપયોગી છે. આ વૃક્ષના પાંદડા અલ્સર, ચામડીના રોગો, ત્વચાની બળતરા અને તેના ફળોનો ઉપયોગ વિવિધ જાતીય રોગોમાં અને શુક્રાણુઓની સંખ્યામાં વધારવા માટે થાય છે.
2. આલાસ્ટોનીયા સ્કોલારીસ (Alstonia scholaris) :- સપ્તપર્ણી અથવા ડેવિલ્સ ટ્રી (એપોસાયનેસી કુળ) એ સદાહરિત રહેતું વૃક્ષ છે જેની છાલ કડવી હોય છે. તેના પાંદડા સાદા ચક્રીય, ભાલાકાર અને ઉપલી સપાટી ચળકતી, ફૂલો સફેદ અથવા લીલાશ પડતાં સફેદ રંગના હોય છે. ફૂલો અને ફળો સપ્ટેમ્બરથી માર્ચની મધ્યમાં આ વૃક્ષમાં થાય છે. આ વૃક્ષની નીચે ભગવાન અજિતનાથે જ્ઞાન મેળવ્યું હતું. તેની છાલનો ઉપયોગ મલેરિયા, અતિસાર, અપચો, ચામડીના રોગો, અસ્થમા અને પેટના કૃમિને નષ્ટ કરવા માટે કરવામાં આવે છે, તેના સત્ત્વનો ઉપયોગ હોમિયોપેથીની વિવિધ દવાઓના નિર્માણમાં થાય છે.
3. શોરિયા રોબસ્ટા (Shorea robusta) :- સાલ (ડિપ્ટોરોકાર્પેસી કુળ) એક મોટા કદનું પાનખર પ્રકારનું વૃક્ષ છે જેની ઊંચાઈ 18 થી 30 મીટર જેટલી હોય છે. તેના પાંદડા સાદા લંબગોળ, લાંબા, સુવાળા, હૃદય આકારના અથવા ગોળાકાર અને ફૂલો પીળા રંગના હોય છે. ફૂલો અને ફળો જાન્યુઆરીથી જૂનના મધ્યમાં આવે છે. આ વૃક્ષ નીચે જૈન ધર્મના ત્રીજા તીર્થંકર ભગવાન સંભવનાથ અને જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ વૃક્ષની છાલનો ઉપયોગ અલ્સર, ઘા, બેક્ટેરીયલ ઇન્ફેક્શન, એનિમિયા વગેરેના ઉપચાર માટે થાય છે, અને ફળો અને પાંદડાઓ શક્તિ વર્ધક તરીકે ઉપયોગમાં લેવાય છે.
4. બુકેનેનિયા લેન્ઝેન (Buchanania lanzen) :- ચારોળી (એનાકાર્ડીએસી કુળ) એક મધ્યમ કદનું પાનખર પ્રકારનું વૃક્ષ છે જેની છાલ ઘેરા ભૂરા અથવા કાળા રંગની હોય છે. પાંદડા સાદા, બે ભાગવાળા, નિસ્તેજ અને સમાંતર હોય છે અને ફૂલો લીલા, સફેદ રંગના હોય છે. જાન્યુઆરીથી મે દરમિયાન આ વૃક્ષમાં ફૂલો અને ફળો આવે છે. આ વૃક્ષ નીચે જૈન ધર્મના ચોથા તીર્થંકર અભિનંદન નાથે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેના મૂળ ત્વચાના રોગો અને પેટ સંબંધિત રોગોમાં વપરાય છે, અને બીજ વજન વધારવા માટે, સામાન્ય શારીરિક નબળાઇ અને માનસિક રોગોની સારવારમાં વપરાય છે, અને તેલનો ઉપયોગ શરીરને માલિશ કરવા માટે કરવામાં આવે છે.
5. કેલીકાર્પા મેક્રોફાયલા (Callicarpa macrophylla) :- લતાપ્રિયંગુ (વર્બીનેસી કુળ) એક ઝાડી ઝાંખરા જેવું વૃક્ષ છે જેના પાંદડા સાદા, લંબગોળ, ભાલાકાર અને ફૂલો ગુલાબી રંગના હોય છે. જૈન ધર્મના પાંચમા તીર્થંકર ભગવાન સુમતિનાથે આ વૃક્ષ નીચે જ્ઞાન મેળવ્યું હતું. આ વૃક્ષના ફૂલો અને ફળોનો ઉપયોગ ત્વચાના રોગો, ડાયાબિટીઝ, સામાન્ય નબળાઇ, અલ્સર વગેરેમાં થાય છે. તેનો ઉપયોગ ઝેરી પ્રાણીના કરડવા પર પણ થાય છે.
6. આલ્બેઝિયા લેબેક (Albizia lebbeck) :- શિરીષ (માઈમોઝેસી) એક મોટા કદનું વૃક્ષ છે જે સામાન્ય રીતે 20 મીટરની ઊંચાઈ ધરાવે છે. થડ શાખાઓ વગરનું અને તેના ઉપલા ભાગ પર શાખાઓ અને પાંદડાંની અર્ધચંદ્રાકાર છત્રી જોવા મળે છે. તેના પાંદડાઓ દ્વી પિંચ્છાકાર સયુંકત પ્રકારના હોય છે. આ વૃક્ષની છાલનો ઉપયોગ કફ, દમ, આંખના રોગો, પેઢાને મજબૂત કરવા, સોજો વગેરે રોગોમાં થાય છે અને તેના બીજ ત્વચાના રોગો, સોજો, લ્યુકોડર્મા વગેરેમાં વપરાય છે. આ વૃક્ષની નીચે જૈન તીર્થંકર ભગવાન સુપાર્શ્વનાથને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
7. કેલોફાયલમ ઇનોફાયલમ (Calophyllum inophyllum) : - તે ક્લુસિએસી કુળનું એક નાનું અને સુંદર વૃક્ષ છે જેને સામાન્ય ભાષામાં સુલતાન ચંપો અથવા એલેક્ઝાન્ડ્રિયલ લોરેલ કહે છે. આ વૃક્ષ નીચે જૈન ધર્મના તીર્થંકર એવા ભગવાન ચંદ્રપ્રભુને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેના બીજનું તેલ સાંધાના દુઃખાવામાં વપરાય છે.
8. ફેરોનિયા એલિફેન્ટમ (Feronia elephantum) :- કોઠા અથવા કોઠું (રૂટેસી) તરીકે ઓળખાતું તે એક ખૂબ શાખાવાળું, પાનખર પ્રકારનું વિશાળ વૃક્ષ છે. તેના પાંદડા સયુંકત પ્રકારના અસમપ્રમાણતાવાળા હોય છે, જેમાં નાના નાના સુગંધિત ફૂલો અને ખાટ્ટા-મીઠા સુગંધિત ફળ આવે છે. ફળનો ઉપયોગ પેટના રોગોમાં થાય છે. આ વૃક્ષ નીચે ભગવાન સુવિધિનાથ (પુષ્પદંત) ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
9. ફાયકસ લેકર (Ficus lacor) :- પાકુરની છાલનું સત્વ (મોરેસી કુળ) શરીરમાં અલ્સર અને અતિશય લાળના સ્ત્રાવ માટે વપરાય છે. ભગવાન શીતલનાથને આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
10. સરકા અશોકા (Saraca asoca):- અશોક (સિઝાલપિનિએસી), એક નાનું સદાહરિત વૃક્ષ છે, તેના પાંદડા સંયુક્ત પિંચ્છાકાર પ્રકારના અને ફૂલો તેજસ્વી લાલ કે નારંગી રંગના જોવા મળે છે. આ વૃક્ષની છાલ સૂકવીને દવા તરીકે વાપરવામાં આવે છે. તે માસિક સ્રાવ દરમિયાન અતિશય રક્તસ્રાવને અટકાવે છે. અશોકના ફૂલો પાણીમાં પીસીને લોહિયાળ ઝાડામાં આપવામાં આવે છે. અશોકના વૃક્ષના બીજનો ઉપયોગ ડાયાબિટીઝમાં થાય છે. આ વૃક્ષની નીચે જૈન ધર્મના અગિયારમા તીર્થંકર ભગવાન શ્રેયાંસનાથને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ભગવાન મલ્લિનાથ અને અનંતનાથે પણ આ વૃક્ષ નીચે જ્ઞાન મેળવ્યું હતું.
11. સિમ્પ્લોકાસ રેસમોઝા (Symplocos racemosa) લોધવૃક્ષ (સિમ્પ્લોકેસી): - નાના થી મધ્યમ કદના આ વૃક્ષના, પાંદડા સાદા, આંતરે આવેલા અને ભાલાકાર હોય છે, ફૂલો નાના અને સફેદ અથવા આછા પીળા રંગના અને ફળો જાંબુડિયા અથવા કાળા રંગના હોય છે. ઔષધિય ગુણધર્મોથી સમૃદ્ધ, આ વૃક્ષનો ઉપયોગ અપચો, નેત્રરોગ, ફોલાઓ, ઘા અને ત્વચાના વિવિધ રોગોમાં થાય છે. આ વૃક્ષની છાલનો ઉપયોગ વિવિધ રોગોમાં થાય છે. ભગવાન વાસુપૂજ્યને આ વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
12. સિઝીજિયમ ક્યુમિનિ (Syzygium cumini) :- જાંબુ (મીરટેસી કુળ) સદાહરિત અને વિશાળ કદના આ વૃક્ષના પાંદડા લાંબા, સુવાળા અને ચળકતા હોય છે, ફૂલો નાના, સફેદ અને મોટા મોટા ગુચ્છામાં આવે છે અને ફળો ઘેરા જાંબુડિયા અથવા કાળા રંગના હોય છે. આ વૃક્ષ ભગવાન વિમલનાથ સાથે સંબંધિત છે. તેની છાલ, ફળ અને બીજ દવાઓ તરીકે ઉપયોગી છે. તેની છાલ ગળાના રોગો, શ્વસન માર્ગનો સોજો, ઉધરસ, અસ્થમા, મરડા જેવા રોગોમાં વપરાય છે. આ વૃક્ષના બીજ ડાયાબિટીઝમાં ઉપયોગી છે.
13. બ્યુટિયા મોનોસ્પર્મા (Butea Monosperma) :- ખાખરો કે કેસુડો (ફેબેસી કુળ) એ એક મધ્યમ કદનું પાનખર પ્રકારનું વૃક્ષ છે જેના ફૂલો લાલ નારંગી રંગના હોય છે. પાંદડાઓ ત્રણ પત્રિકાઓવાળા હોય છે. ખાખરાના ફળો સપાટ શીંગો જેવા હોય છે. ઔષધિય ગુણધર્મોવાળા બીજ પેટના કૃમિને નષ્ટ કરવામાં ઉપયોગી છે. તેના ફૂલ, બીજ અને છાલનો ઉપયોગ ત્વચાના વિવિધ રોગોમાં થાય છે. ભગવાન ધર્મનાથને આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
14. સીડ્રસ દેવદારા (Cedrus deodara):- દેવદાર (પાઈનેસી કુળ) એ એક વિશાળ અને સદાહરિત શંકુ આકારનું વૃક્ષ છે, જેની ઊંચાઈ 85 મીટર સુધીની હોય છે. આ વૃક્ષના પાંદડા સોજો વગેરેમાં વપરાય છે, તેલ ત્વચાના રોગો અને લોહીને લગતા રોગોમાં વપરાય છે. ભગવાન શાંતિનાથે આ વૃક્ષની નીચે જ્ઞાન મેળવ્યું હતું.
15. મેન્જીફેરા ઈન્ડિકા (Mangifera indica):- આંબો કે કેરી (એનાકાર્ડીએસી કુળ) એ સદાહરિત અને ખૂબ ડાળીઓવાળું વિશાળ વૃક્ષ છે, તેના પાંદડા સાદા, લાંબા અને ભાલાકાર હોય છે. આ વૃક્ષના ફૂલો પીળાશ પડતાં લીલા અથવા સફેદ ભૂરા રંગના હોય છે. તેના કાચા અને પાકેલા ફળ આખા ભારતમાં ખાવામાં આવે છે. કેરીના અર્કનો ઉપયોગ હોમિયોપેથીમાં થાય છે, પાંદડા અને ફૂલોનો ઉપયોગ ત્વચાના રોગો અને લોહીને લગતા રોગોમાં થાય છે. ભગવાન અમરનાથને આ વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
16. માઈકેલિયા ચંપાકા (Magnolia champaca) :- સોનચંપા (મેગ્નોલિએસી કુળ) એક ઊંચું, વિશાળ, સદાહરિત અને સુંદર વૃક્ષ છે. ચંપાની છાલ આછા ભૂરા રંગની, પાંદડા સાદા, આંતરે આવેલા, લંબગોળ, ભાલાકાર અને ઉપલી સપાટી સુવાળી હોય છે. આ વૃક્ષના ફૂલો પીળાથી નારંગી રંગના હોય છે. આ વૃક્ષના ફૂલો અને ફળોનો ઉપયોગ ચામડીના રોગો, ઘાના ઉપચારમાં, મેલેરિયા વગેરે માટે થાય છે. આ વૃક્ષની નીચે જૈન ધર્મના સોળમાં તીર્થંકર, મુનિસુવ્રતને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
17. મિમુસોપ્સ ઈલેન્જી (Mimusops elengi) :- બકુલ કે બોરસલી (સેપોટેસી કુળ) આ વિશાળ સદાહરિત વૃક્ષ ખૂબ જ ફેલાયેલું હોય છે. તેના પાંદડા સાદા, આંતરે આવેલા, લંબગોળ અને સુવાળા હોય છે, તેની કિનારીઓ તરંગીત હોય છે. તેના ફૂલો સફેદ રંગના અને સુગંધિત હોય છે. આ વૃક્ષની પાતળી દાંડીઓનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરવામાં આવે છે. આ વૃક્ષના ફૂલોનો ઉપયોગ ઘાને ભરવા માટે અને સુકા ફૂલોના પાવડર મગજના રોગો મટાડવામાં ઉપયોગી માનવામાં આવે છે. આ વૃક્ષના ફૂલોનો ઉપયોગ એરોમાથેરાપીમાં થાય છે, બીજનો ઉપયોગ બાળકોના પાચન તંત્રના ઇલાજ કરવા માટે થાય છે. આ વૃક્ષ ભગવાન નમિનાથ સાથે સંબંધિત છે.
18. સલિક્સ કેપ્રિયા (Salix caprea) :- વિતાસા અથવા બ્રેડ મસ્ક (સેલીકેસી કુલ). તે એક પાનખર પ્રકારનું ઝાડી ઝાંખરા જેવું વૃક્ષ છે, જેની ઊંચાઈ 6 થી 12 મીટર જેટલી હોય છે. આ વૃક્ષના ફૂલો સરળ અને નરમ હોય છે. આ વૃક્ષનો ઉપયોગ ચામડીના રોગો, ગ્રંથીઓમાં આવેલ સોજા, ઘા અને સ્નાયુઓને લગતા રોગો માટે થાય છે. આ ઉપરાંત બાળકોને આવતા તાવમાં પણ આ વૃક્ષના પાંદડા વપરાય છે. ભગવાન નેમનાથને આ વૃક્ષ નીચે મોક્ષ પ્રાપ્ત થયો હતો.
19. વુડફોર્ડિયા ફ્રૂટિકોઝા (Woodfordia fruticosa) ધાવડી :- (લીથ્રેસી કુળ) ખૂબ ડાળીઓવાળો, પાનખર પ્રકારનું, ઝાડી ઝાંખરા જેવું વૃક્ષ છે, તેની છાલ લાલાશ પડતાં ભૂરા રંગની હોય છે. પાંદડાઓ સાદા, સામસામે આવેલા, લંબગોળ, ભાલાકાર હોય છે, તેની આંતરિક સપાટી પર નાની નાની કાળા રંગની ગ્રંથીઓ જોવા મળે છે. ઘેરો લાલ રંગના ફૂલો ગુંચ્છામાં જોવા મળે છે. આ વૃક્ષના ફૂલોનો ઉપયોગ પેટના કીડા, ચામડીના રોગો, ડાયાબિટીઝ, પ્રજનન સબંધિત રોગો માટે થાય છે. આ વૃક્ષ પાર્શ્વનાથ સાથે સંબંધિત છે.
જૈન ધર્મના આદરણીય વૃક્ષોનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ આ વૃક્ષો ઘણા રોગોમાં પણ ઉપયોગી છે. હાલના સમયમાં જ્યારે માણસ પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપી રહ્યો છે ત્યારે વૃક્ષોને બચાવવા માટે તેના ધાર્મિક મહત્વને જાહેર કરવું એ વૃક્ષ બચાવવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. આ લેખનો આ દિશામાં એક નાનકડો પ્રયાસ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો