શનિવાર, 15 એપ્રિલ, 2023

શેઠ શ્રી નરશી નાથા

 શેઠ શ્રી નરશી નાથા



સૂત્ર :- જ્ઞાતિ મારા માટે શું કરે છે એ નહિ પણ હું જ્ઞાતિ માટે શું કરું છું એ વિચારો 

➖➖➖➖➖➖➖➖

આજે અમે આપ સમક્ષ એક અનમોલ રત્નની ઝાંખી કરાવવાના છીએ. કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિના દીર્ઘદૃષ્ટિવંત શેઠ શ્રી નરશી નાથા જેમણે સમગ્ર જ્ઞાતિને અખંડ મજબૂત બનાવવા માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. મહાદાનવીર એવા નરશી નાથાએ પોતાનું સંપૂર્ણ જીવન જ્ઞાતિને એકજૂથ કરી દરેક જ્ઞાતિજનને સધ્ધર બનવાના પ્રયાસો કર્યા છે.


શેઠ શ્રી નરશી નાથાનો જન્મ ૧૭૮૪માં થયો હતો. આજે ૨૩૫ વર્ષ પછી પણ તેમનું નામ આદર, ગૌરવ અને અભિમાન સાથે લેવાય છે. માત્ર કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિ શા માટે? મુંબઈના ઇતિહાસમાં અને ગુજરાતીઓની તારીખમાં પણ નરશીશેઠનો ઉલ્લેખ તેજસ્વી તારલા તરીકે થાય છે.


નરશી શેઠ અસામાન્ય માનવી હતા એથી જ તેમણે સામાન્ય માણસની જેમ પરિવાર સંચાલનથી ક્યાંય આગળ જઈ જ્ઞાતિ ઉત્કર્ષનો યજ્ઞ ચલાવ્યો હતો. 


મૂળ તેઓ નલિયા ગામના અને જન્મ થયો નાગડા ગોત્રમાં. ૧૮૦૧માં કચ્છમાં દુકાળ પડ્યો એથી દીકરા નરશીને સાથે લઈ પિતા નાથાશેઠ મુંબઈ આવ્યા. મુંબઈમાં ત્યારે ચોખ્ખું પાણી મેળવવું અઘરું હતું. એથી પિતા-પુત્રે લોકોને ચોખ્ખું પાણી પીવડાવવાનું કામ આરંભ્યું. સદ્‍વ્યવહાર અને સદ્સ્વભાવથી ભાટિયા, પારસી, ખોજા, મેમણ, લોહાણા જેવી જુદી-જુદી કોમના વેપારીઓ સાથે તેમનો સંપર્ક દૃઢ થતો ગયો. સૌ પાસેથી વેપારની કુનેહનું પણ તલસ્પર્શી જ્ઞાન મળતું ગયું. ત્યાં જ વળી બ્રિટન અને અમેરિકામાંથી રૂ મળવું દુષ્કર થતાં અંગ્રેજોએ ભારતમાંથી રૂ આયાત કરવા માંડ્યું. ખાનદેશથી ગાડાં ભરી-ભરીને તો દક્ષિણ ભારતથી વહાણ ભરી-ભરીને રૂ મુંબઈ આવતું. આ કામ જટિલ હોવાથી માત્ર સાહસિકોને જ ફાવનારું હતું. નરશીશેઠે આ કામમાં ઝંપલાવીને જોતજોતામાં ઊંચી શાખ જમાવી દીધી. વેપાર વધતો ગયો એમ તેમણે જ્ઞાતિજનોના વિકાસનું કામ પણ હાથમાં લીધું. કચ્છના ગામેગામથી તેમણે દશા ઓસવાલ બંધુઓને મુંબઈ બોલાવ્યા. રહેવાની, ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી અને વેપારમાં આગળ વધવાને પ્રોત્સાહિત કર્યા. સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધે ત્યારે જ્ઞાતિજનો માટે સમર્પિત થવાનો આવો ભાવ તો વીરલા જ રાખી શકે. આટલું ઓછું હોય એમ નરશીશેઠે જ્ઞાતિજનોને ભાષા, ગણિત વગેરે શીખવાનો પ્રબંધ કરી આપ્યો. વેપારનો વ્યાપ વધતાં જ્ઞાતિજનોને દેશના જુદા-જુદા ખૂણે મોકલીને ત્યાં પણ થાળે પાડ્યા. એના પછી તેમણે હાથમાં લીધું સમસ્ત જ્ઞાતિને એક તાંતણે બાંધવાનું, સામાજિક સુધારાનું અને ધર્મનો વ્યાપ વધારવાનું ભગીરથ કાર્ય.


ઠેકઠેકાણે પ્રગતિ કરતાં-કરતાં તેમણે ધર્મને પણ જાળવી રાખ્યો હતો. કર્ણાટકના કુમઠા ગામમાં દેરાસર બંધાવ્યું. ત્યાંથી ૧૦ કિલોમીટર વાલગિરિ જંગલમાં જગ્યા ખરીદી. એલચી, લવિંગ, જાયફળ અને કાજુનાં ખેતરો આજેય છે જે જગ્યા જ્ઞાતિના ટ્રસ્ટ પાસે જ છે. ત્યાં રહેનારા જ્ઞાતિજનો પણ ધર્મ કરે એ માટે તેમણે જંગલમાં પણ દેરાસર બંધાવ્યું. મુંબઈમાં અનંતનાથ દેરાસરના મુખ્ય આગેવાન દાતા પણ નરશી નાથા જ હતા. અનંત નિવાસ, અનંત ભુવન, અનંત છાયા જેવી અનેક ઇમારતો બનાવી જ્યાં જ્ઞાતિજનોને ઝીરો રેન્ટલ પર ઘર ફાળવ્યાં. અનંતનાથ ટ્રસ્ટ પણ તેમણે બનાવ્યું જ્યાં સંપૂર્ણ જ્ઞાતિ એકસાથે મળીને રહે, આગળ વધે.


નરશી શેઠે નલિયા અને જખૌ વચ્ચે વટેમાર્ગુઓ માટે વિશ્રાંતિગૃહ, પરબ, વાડી, વાવ બંધાવ્યાં. નલિયામાં ધર્મશાળા બંધાવી. માંડવીમાં વિશ્રાંતિગૃહ અને ઠાકરશી વેરશી પીર સાથે મળીને ચંદ્રપ્રભુનું મનોહર જિનાલય બંધાવ્યું. અંજારના અચલગચ્છીય જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અનેક સ્થળે સદાવ્રત અને ભોજનની વ્યવસ્થા ઊભી કરી. 


જ્ઞાતિમાં ત્યારે વિધવા પુનર્લગ્નના ઓઠા હેઠળ કન્યાવિક્રયનું દૂષણ ઘર કરી ગયું હતું. એ કૂપ્રથા બંધ કરાવવા કચ્છના મહારાવ દેશળજી સાથે વિચારણા કરી, પછી જ્ઞાતિમાં ઠરાવ કરાવ્યો કે જ્ઞાતિની કન્યાનું લગ્ન તેના પિતા પૈસા માટે પરજ્ઞાતિમાં ન કરાવે સાથે જ જ્ઞાતિમાં લગ્ન થાય ત્યારે જો કન્યાના પિતા પાસેથી વરના પિતા ૧૦૦ કોરીથી વધુની રકમ લે તો બેઉ સંઘ ગુનેગાર થાય.    


આટલેથી જ નરશી શેઠ અટક્યા નહોતા. તેમણે ગામેગામ  જ્ઞાતિના સુકાની ઊભા કર્યા. નલિયાના ચંદ્રપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા પહેલાં મુંબઈથી સિદ્ધચલજીનો સંઘ કાઢ્યો.


બાવન ગામથી જ્ઞાતિજનોને નોતરી પહેલીવહેલી વાર જ્ઞાતિમેળો યોજ્યો. આ ક્રમ તેમણે આજીવન જાળવી રાખ્યો. એનાં મીઠાં ફળ એ છે કે આજે પણ કચ્છી ઓસવાલ જ્ઞાતિ દુનિયામાં ગમે ત્યાં રહી એક તાંતણે બંધાયેલી છે !


છુપું દાન – પહેલાંના જમાનામાં પ્રસંગોમાં લાડુ આપવાની રીત જે આજે પણ છે, નરશી નાથા લાડુમાં સોનાની ગિની નાખી લહાણી કરતા જેથી નબળા જ્ઞાતિજનને સહાયક બની શકાય. આમ અસંખ્ય લોકોને સધ્ધર બનાવનાર નરશી નાથાએ તેમની સંપૂર્ણ સંપત્તિ જ્ઞાતિને સમર્પિત કરી.


 ૧૮૪૨ની ૧૧ ડિસેમ્બરે નરશી શેઠ જિનચરણ પામ્યા. તેમનાં સેવાકાર્યોની નોંધ લઈને મહાપાલિકાએ ૧૯૬૮માં મસ્જિદ બંદરના માંડવી વિસ્તારના એક ધમધમતા માર્ગને નરશી નાથા સ્ટ્રીટ નામ આપ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top