સોમવાર, 17 એપ્રિલ, 2023

Puniya Shravak ki Samayik

 || પુણિયા શ્રાવકની સામાયિકની કિંમત કેટલી ? ||


તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીના પરમ ભક્તિ પુણિયો શ્રાવક ભગવાનની દેશના પ્રમાણે પોતાનું જીવન ગાળતો હતો. ભગવાનની અદ્ભુત વાણી પાસેથી મળેલા વિચારોને એ પોતાના આચારમાં મૂકતો હતો અને એટલે જ ભગવાન મહાવીરે ઉપદેશેલા સર્વપરિગ્રહના ત્યાગનો સિદ્ધાંત એણે એના જીવનથી સાક્ષાત્ પ્રગટ કર્યો.


પરિગ્રહનો ત્યાગ કરીને અપરિગ્રહના માર્ગે ચાલનાર પુણિયાએ પોતાને વારસામાં મળેલી સઘળી મિલકતનું દાન કર્યું અને પછી આજીવિકા ચલાવવા માટે રૃની પુણિયો વેચીને તેમાંથી મળતી રકમથી એ સંતોષ માનતો હતો. આમાંથી એને રોજ બે આનાની આવક થતી હતી અને એટલામાં એમને તૃપ્તિ હતી.


સંતોષ અને સંપત્તિને કોઈ સંબંધ નથી. ગમે તેટલી સંપત્તિ હોય, તો પણ સંતોષ વિનાનો માનવી જીવનથી અસંતુષ્ટ અને મનથી ગરીબ રહે છે. સંતોષ એ તો વ્યક્તિએ પોતાની પ્રકૃતિમાં ખીલવવાની ચીજ છે.


આ પુણિયા શ્રાવકને ભગવાન મહાવીર તરફ અગાધ ભક્તિ હતી તો એટલી જ ભક્તિ પ્રભુના શાસનના સાધર્મિકો તરફ રાખતો હતો. રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં ભાવથી બોલાવતો હતો, એની બે વ્યક્તિની રસોઈ થાય એટલી આવક હતી એટલે પુણિયો અથવા તેની પત્ની બેમાંથી એક એકાંતરે ઉપવાસ કરતા અને રોજ એક સાધર્મિકને બોલાવીને પતિપત્ની ભાવથી ભોજન કરાવતા હતા.


સામાયિક એટલે સમયમાં સ્થિર થવું અને પુણિયો એવી સામાયિક કરતો કે એના આત્મભાવમાં ડૂબી જતો અને એના અંતરમાં પ્રભુભક્તિના અજવાળાં પથરાતાં હતાં.


બન્યું એવું કે એકવાર ભગવાન મહાવીરસ્વામીનું વ્યાખ્યાન પૂર્ણ થતાં રાજા શ્રેણિકે એમના મનને મૂંઝવતો પ્રશ્ન કર્યો. દરેક રાજપુરુષને પોતાના ભવિષ્યનો પ્રશ્ન હોય છે, આથી રાજા શ્રેણિકે ભગવાનને પૂછયું, 'ભગવાન! મારે નરકનો બંધ છે તો મારી નરકરગતિ ટળે એવો કોઈ ઉપાય બતાવો.'


ભગવાને રાજા શ્રેણિકને આને માટેના જુદા જુદા રસ્તા બતાવ્યા. એમાંનો એક રસ્તો એ હતો કે જો પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય એને મળે, તો ય એની નરકગતિ ટળી જાય.


આથી શ્રેણિક મહારાજાએ પુણિયા શ્રાવિકનું એક સામાયિકનું ફળ વેચાતું લેવા માટે એને બોલાવ્યો અને કહ્યું, 'તારા એક સામાયિકનું ફળ મને વેચાતું આપ. આને માટે તું કહે એટલી ધનસંપત્તિ આપવા હું તૈયાર છું, પણ કોઈપણ ભોગે મારે તારા એક સામાયિકનું ફળ જોઈએ. બોલ, તારે કેટલી કિંમત જોઈએ છીએ?'


પુણિયા શ્રાવકે નમ્રતાથી કહ્યું, 'મહારાજ, ધાર્મિક ક્રિયાનું ફળ એ રીતે વેચી ન શકાય. એની શી કિંમત ગણાય એનો પણ મને ખ્યાલ નથી. પણ જેમણે આપને સામાયિકનું ફળ વેચાતું લેવાનું કહ્યું હોય તેમને જ તેમની કિંમત પૂછી લો ને!'


શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર પાસે ગયા અને પુણિયા સાથે બનેલી ઘટનાની વાત કરી અને છેલ્લે પ્રભુને વિનંતી કરી કે હવે આપ જ આ શ્રાવકના સામાયિકની કિંમત કેટલી કહેવાય તે મને કહો.


ભગવાન મહાવીરે કહ્યું, 'સાચા શ્રાવક પુણિયાની સામાયિકનું મૂલ્ય માપવું અશક્ય છે. ઘણા મેરુ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય. આમ પુણિયાનું જીવન સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્તાનું મહિમાગાન કરે છે.


આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. ભગવાન મહાવીરે આ જ વાત બીજી રીતે દર્શાવતું કહ્યું કે કોઈ માણસ અશ્વ ખરીદવા જાય અને એ ઘોડાની લગામની કિંમત જેટલી થાય એટલી પુણિયાની સામાયિક સામે રાજા શ્રેણિકના રાજભંડારની થાય. આમ અશ્વની કિંમત તો બાકી જ રહે.


મહારાજ શ્રેણિક જોયું કે એમની સમગ્ર રાજસમૃધ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યાં. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે.


પ્રભુ મહાવીરના ભક્ત આ શ્રાવકના જીવનમાંથી ધર્મક્રિયાની ગરિમા પ્રગટ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભે તેવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે.'


સારાંશ


પ્રેમ વધારો અને ભૂલો ઘટાડો તો ક્ષમા આપોઆપ પડછાયાની જેમ તમારી પાછળ આવશે. કોઈ વેર-ઝેર ધરાવતી વ્યક્તિ હોય, કોઈ તમારો નિંદક કે ટીકાકાર હોય, તો પણ એની સામે ક્ષમા દાખવવી જોઈએ. સામેની વ્યક્તિનું કદાચ આપણે હૃદય પરિવર્તન ન કરીએ શકીએ,


તો પણ એના હૃદયને પ્રેમસભર બનાવી શકીએ છીએ. જો તમે વિરોધીના હૃદયને ક્ષમાની સંજીવનીથી પ્રેમસભર બનાવશો, તો સામેની વ્યક્તિમાં અચુક ચમત્કાર થશે અને એનામાં મૈત્રીભાવનું જાગરણ થશે, આથી જ એનો અર્થ એટલો કે ક્ષમારૃપી શસ્ત્ર પાસે હોય, તો કષાય કે વિકારનો પ્રહાર કશું કરી શકતો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top