ભાગ ૦૧
રાજા શ્રેણીકના પ્રશ્નથી ગણધર ભગવંત ગૌતમસ્વામી
રાજા શ્રીપાળનું ચરિત્ર પ્રકાશે છે
એક વખત શ્રી ગૌતમસ્વામી મહારાજ પ્રભુ મહાવીર દેવની આજ્ઞાથી રાજગૃહી નગરીમાં પધાર્યા. અને શ્રેણિક વિગેરે ને સ્વમુખે આ રીતે દેશના આપી કે અનંત ઉપકારી અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સર્વગુણોને ધારણ કરનાર સાધુ ભગવંતની ઉપાસના કરો તથા ;અત્યંત દુર્લભ એવું સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્ર અને સારા ભાવપૂર્વક તપ એ નવપદ રૂપી સિદ્ધચક્રને સેવવાથી (આરાધવા)થી સંસારસમુદ્રનો પાર પમાય છે. આ નવપદજીની સેવા કરવાથી શ્રીપાલરાજાની જેમ આ ભવમાં અને પરભવમાં અત્યંત વિશાળ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા ભયંકર વ્યાધિઓ અને શોક વિગેરે નાશ પામે છે. આ પ્રમાણે સાંભળીને શ્રેણિકરાજાએ પ્રશ્ન કર્યો કે
હે પ્રભુ ! એ પુણ્યાત્મા, પવિત્ર પુરુષ શ્રીપાળરાજા કોણ હતા.? ત્યારે શ્રી ગૌતમસ્વામી મહારાજ શ્રીપાળરાજાનું ચરિત્ર કહે છે.
અત્યંત શ્રેષ્ઠ અધિકારવાળો માલવ નામનો સુંદર દેશ હતો. ચારે બાજુ પરિવાર સરખા બીજા દેશો હતા તેમ હું માનું છું. તે માલવદેશના મસ્તકે મુગટ સરખી જેને કોઇની ઉપમા ન આપી શકાય તેવી સુંદર ઉજ્જયિણી નામની નગરી છે કે જે નગરીની શ્રીમંતાઇનો પાર કોણ કળી શકે.! આ ઉજ્જયિણી નગરીની મનોહરતાનો વિચાર કરીને સ્વર્ગપુરી સ્વર્ગમાં ઉંચે જતી રહી.અલકાપુરી નગરી તો દૂર જઇને વસી; અને લંકાનગરીએ તો સમુદ્રમાં જ ]ંપ્રપાત કર્યો. અર્થાત્ આ ઉજ્જયિણી નગરી સંપૂર્ણવૈભવથી વિશિષ્ટ હતી.
તે ઉજ્જયિણી નગરીમાં સર્વ રાજાઓમાં મુખ્ય પ્રજાપાલ રાજા પ્રતાપથી રાજ્ય કરે છે. એ રાજા સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરીનો સ્વામી છે. સૌભાગ્યસુંદરી સ્વભાવથી જ ચિત્તમાં મિથ્યાત્વને માનનારી છે,
જ્યારે રૂપસુંદરીને ચિત્તમાં
મનનીય સમ્યકત્વની વાત રમે છે. સ્વર્ગના દોગુંદક દેવની જેમ બન્ને રાણીઓ સાથે વિષય વિલાસને ભોગવતાં રાજાની તે બન્ને રાણીઓને એક એક પુત્રીરત્નની પ્રાપ્તિ થઇ. તે બન્ને પુત્રીઓમાંની એક પુત્રી અનુપમ કલ્પ વેલડીની જેમ તેનું રૂપ વધે છે તેમ તે પણ વધે છે અને બીજી પુત્રી બીજના ચંદ્રની કલાની જેમ વધે છે. હવે રાજાએ મનમાં અત્યંત ઉત્સાહ લાવીને સૌભાગ્યદેવીની પુત્રીનું સુર સુંદરી એવું સુશોભિત નામ સ્થાપન કર્યું. તેમ જ વળી રાજાએ મનમાં ઘણા ઉત્સાહને લાવીને રૂપસુંદરી રાણીની પવિત્ર અંગવાળી કુંવરીનું મયણાસુંદરી એવું નામ સ્થાપન કર્યું. હવે સૌભાગ્યસુંદરી રાણી પોતાનીપુત્રી સુરસુંદરીને સ્ત્રીઓ ની ચોસઠ કલાને શીખવાને માટે વેદશાસ્ત્રના જાણનાર બ્રાહ્મણ પંડિતને સુપ્રત કરે છે. તેમજ રૂપસુંદરી રાણી પોતાની પુત્રીને સ્યાદ્વાદ સિદ્ધાન્ત ના શ્રેષ્ઠ મર્મનો અભ્યાસ કરાવવા જિનકથિત શાસ્ત્રના જાણનાર વિદ્વાન પંડિતને સુપ્રત કરે છે. જાણે બુદ્ધિનો ભંડાર જ હોય એવી અને ચતુર તે બન્ને બહેનોએ ચોસઠ કલાઓને ભણી લીધી. એટલું જ નહી પરંતુ શબ્દશાસ્ત્ર, નામમાળા, નિઘંટુગ્રંથ, નિદાનગ્રંથ વિગેરે અનેક શાસ્ત્રાેને કંઠસ્થ કર્યા. વળી તે બન્ને કન્યાઓ કવિતા બનાવવાની કળાને શીખવા લાગી, તથા વાંજિત્ર વગાડવા, ગીતગાન કરવા જ્યોતિષ તથા વૈદકશાસ્ત્રાે તેમ જ છ પ્રકારના રાગ, નવ પ્રકારના રંગ વિગેરેની પણ જાણનારી થઇ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો