રવિવાર, 16 એપ્રિલ, 2023

Motivation Story

 ભગવાનની ભક્તિનો હિસાબ.!

           

એક કારીગરને મંદિરમાં થોડું બાંધકામ કરવાનું કામ મળ્યું. ભગવાનના મંદિરમાં કામ કરવાની તક મળી હતી. આથી એ ખુબ આનંદમાં હતો. એણે ખુબ પુરી નિષ્ઠા સાથે પોતાનું કામ પુરું કર્યુ.


એક દિવસ પોતાના કામનું મહેનતાણું લેવા માટે એ મંદીરમાં આવ્યો. પુજારીજીએ એ કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યુ. પીવા માટે પાણી અને બેસવા માટે આસન આપ્યું.


પુજારીજી અંદરના ઓરડામાં ગયા અને હાથમાં એક બંધ કવર લઇને આવ્યા. કવર કારીગરના હાથમાં મુકતાં કહ્યું ,”ભાઇ, આ તારા મહેનતાણાના 10800 રૂપિયા છે. આપણે અગાઉ નક્કી કર્યુ હતું તે મુજબનું જ મહેનતાણું છે”.


કારીગરે કવર લઇને ખીસ્સામાં મુક્યું અને પુજારીજીનો આભાર માન્યો. પુજારીજીએ કારીગરને કહ્યું. અરે ભાઇ, જરા પૈસા ગણી લે. બરાબર છે કે કેમ એ તપાસી લે.


કારીગર તો ખડખડાટ હસી પડ્યો. પછી બોલ્યો, અરે પુજારીજી, મને આપના પર પુરો વિશ્વાસ છે. આપ આ મંદીરમાં વર્ષોથી પુજા કરો છો. જો હું પૈસા ગણવા બેસું તો તે આપનું અપમાન કહેવાય. આપના જેવા સાધુ પુરુષમાં મને પુર્ણ શ્રધ્ધા છે. આટલું કહીને કારીગર પુજારીજીને વંદન કરીને જતો રહ્યો.


કારીગરના ગયા પછી પુજારીજી પોતાના હાથમાં રહેલી માળા સામે જોઈ રહ્યા અને પોતાની જાત પર જ હસવા લાગ્યા.


પેલા સાવ સામાન્ય અને અભણ કારીગરને મારા જેવા માણસમાં વિશ્વાસ છે અને મારા જેવા કહેવાતા પંડીતને પરમાત્મામાં વિશ્વાસ નથી આથી જ મેં કેટલા મંત્ર જાપ કર્યા તેની ગણતરી રાખું છું.


પુજારીજીએ પોતાના હાથમાં રહેલી માળા ભગવાનના ચરણોમાં મુકીને નક્કી કર્યુ કે, હું તારા માટે જે કંઈ કરીશ તેનો હીસાબ રાખવાનું આજથી બંધ કરીશ.


મિત્રો, આપણે પણ જાણતા અજાણતાં આવું જ કંઇક કરીએ છીએ.


કેટલા ઉપવાસ કર્યા.....?

કેટલા મંત્ર જાપ કર્યા.....?

કેટલી માળાઓ કરી.....?

કેટલી પ્રદક્ષિણાઓ કરી..?

કયાં ક્યાં કોને કોને કેટલું દાન આપ્યું.....?


આ બધાનો હીસાબ રાખતા હોઈએ તો એનો મતલબ એ થયો કે, મને મારા પ્રભુમાં વિશ્વાસ નથી.

કરેલી ભક્તિનો હિસાબ રાખીને શું આપણે આપણા પ્રભુનું અપમાન તો નથી કરતાને?


આપણા જીવનમાં આવા નાના બનાવો બનતાં હોય છે, નાના નુકશાન બચાવવા જતાં મોટું નુકશાન જીરવવુ પડે છે


જરૂરી હોય છે નાની નાની બાબતોમાં ભુલી જવાની. 


જેમકે


મને‌ પુછ્યું નહીં....

મને‌ નિમંત્રણ આપ્યું નહીં...

મને બોલાવ્યો નહીં...

મારી શુભેચ્છા સ્વિકારી નહીં...

મને‌ માન આપ્યું નહીં, વગેરે વગેરે....


છોડી દો આ બધું, એનાથી સંબંધીઓ સાથેના સંબંધમાં નવા પ્રાણ ફુંકાશે નવી ઊર્મિનો અહેસાસ થશે. સુક્ષ્મ અહંકાર સારા‌ માણસથી આપણને દુર કરી દે છે..

જો આ છુટી જાય તો બધા આપણા જ હોય છે.

અહંકાર જલ્દી છુટશે નહીં પણ પ્રયત્ન કરવાથી શક્ય છે.

સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજાવતા, અને તકને ઝડપતા આવડી ગયું તો સમજ જો કે જીંદગી જીતી ગયા અને જીવી ગયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top