મમ્મણ શેઠની કથા
રાજગૃહી નગરીમાં જ્યારે શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા ત્યારની આ વાત છે. રાણી ચેલ્લણા સાથે રાજા મહેલની ખીડકીમાં બેઠા હતા. અષાઢની મેઘલી રાત હતી, ઝરમર મેઘ વરસતો હતો ને વિજળી પણ ચમકતી હતી. મહેલથી થોડે જ દૂર નદીમાં પાણી ઉભરાતા હતા. નદીમાં તણાઇ આવતા લાકડા એક માણસ પાણીમાં પડી ખેંચીને કાંઠે લાવતો હતો. વિજળીના ચમકારામાં આ દૃશ્ય ચેલણા રાણીએ જોયું અને આશ્ચર્ય થયું, કારણ કે શ્રેણિકના રાજ્યમાં કોઇ દુઃખી નથી તો આપણા જ નગરમાં આવો ગરીબ માણસ વસે છે? રાજાએ તરત માણસ મોકલી તે ગરીબ માણસને બોલાવ્યો અને પુછ્યું `એલા તું કોણ છે? આખું નગર ઘરમાં બેસી આનંદ માણે છે ત્યારે તું આવું સાહસ અને પરિશ્રમ શાને માટે કરે છે? ઉત્તર આપતા તેણે કહ્યું `મહારાજ! હું વણિક છું, મારું નામ મમ્મણ છે, મારા ઘરે બળદની એક સારી જોડ છે તેમાં એક બળદનું એક શિંગડું બનાવવું બાકી છે તે માટે હું સતત પ્રયત્ન અને ચિંતા કર્યા કરું છું.
આ સાંભળી વિસ્મિત થયેલા રાજાને થયું `કેવાંક બળદ હશે? બિચારો કેવો ધ્રુજે છે વરસાદના પવનમાં લાવને હું જ તેનું શિંગડું કરાવી દઉં ને રાજાએ પૂછ્યું `કેટલા દ્રવ્યનો વ્યય એ એક શિંગડું પુરુ કરવામાં થાય?' મમ્મણે કહ્યું મહારાજ એ તો જોયા વિના આપને ખબર નહી પડે, જેવા ત્રણ શિંગડા છે તેવું જ ચોથું પણ કરાવવાનું છે.' સાંભળીને કૌતુક પામેલા રાજા રાણી સાથે બીજા દિવસે મમ્મણના ઘરે ગયા એક પછી એક ઓરડા વટાવી અંદર એક અંધારીયા ઓરડામાં તેઓ પહોંચ્યા અને ખોલતા જ ઓરડો ઝળહળ થવા લાગ્યો, જોયું તો બે મોટા સોનાના રત્નજડીત વૃષભ ઊભા હતા, જ્યાં એવા ઉચિત હોય ત્યાં તેવા જ રત્નો તેમાં ગોઠવેલા હતા. શિંગડા, ખરી, મોઢું વગેરે રિષ્ઠ રત્નોથી બનાવેલા, આંખો પણ જાણે સાવ સાચી જણાય તેવા દુર્લભ રત્નોની હતી. આ વૃષભ (બળદો) તેનો ઘાટ, સોના-રત્નોની ઝીણવટભરી ચમત્કારી રચના જોઇ રાજા તો માથું ધુણાવવા લાગ્યા. રાણીને કહ્યું `આવા રત્નો તો આપણાં રાજકોષમાંય નથી આને ક્યાંથી આપવું? ક્યાંથી આપણને પોષાય? આપણી શક્તિ બહારની વાત છે. આવા બળદ તો ક્યાંય જોવા મળે તેમ નથી. મમ્મણશેઠ! તમે હવે શી રીતે આ કાર્ય પુરુ કરશો?
મમ્મણે કહ્યું સ્વામી! આ શિંગડા માટે મારો પુત્ર વહાણવટું કરે છે અમે જરાય ખોટો ખર્ચ કરતા નથી, સમય જરાય કોઇ વેડફતા નથી. રાંધવા ખાવામાં એક જ વસ્તુ `ચોળા' એક તપેલામાં તૈયાર, ઉપર થોડું તેલ નાખવાનું! એવા સ્વાદિષ્ટ લાગે કે ન પૂછો વાત. હું કોઇ ધંધો કરું તો મૂડી રોકાય, ખોટું સાહસ કરવું પડે, હાનિ પણ થાય, માટે રાતના તણાતા લાકડા ભેગા કરી વેચું છું. કોઇવાર આમાં ઓચિંતો લાભ પણ થઇ જાય આમાં મને મળી રહે છે. એટલે શિંગડું તૈયાર થઇ જશે. ઘણા વખતથી એક જ ઇચ્છા છે કે આ બળદનું સુંદર જોડલું તૈયાર થઇ જાય.
મમ્મણની અસીમ કંજુસાઇ જોઇ રાજા-રાણી એકબીજાની સામે આંખો ફાડી જોવા લાગ્યા, તેઓ મોઢામાં આંગળા નાખી ગયા. અરે! આવી કૃપણતા! રાજા-રાણી અકલ્પ્ય આશ્ચર્ય પામી ઘરે પાછા આવ્યા. મમ્મણ બિચારો કાળી મજૂરી કરતો રહ્યો. છેવટે તેનું જીવન પુરું થઇ ગયું પણ ઇચ્છા પૂરી ન થઇ મરીને તે ઘોર પરિગ્રહની કાંક્ષાથી નરકમાં ગયો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો