શનિવાર, 26 સપ્ટેમ્બર, 2020

આચાર્ય પદવી અને તેની સાથે સંકળાયેલી કેટલીક વાતો

 આચાર્ય પદવી અને તેની સાથે સંકળાયેલી કેટલીક વાતો

acharya padvi
acharya padvi


बूढोगणहरसद्दो, गोयमाईहिं धीरपुरुसेहिं | जोतं ठवेइ अपत्ते, जाणंतो सो महापावो || १ ||


અર્થ: આચાર્ય-સૂરિ-ગણધર-ક્ષમાશ્રમણ-દિવાકર-વાચક આવા શબ્દો મહાગુણના ભંડાર ગૌતમસ્વામી જેવા મહાપુરુષોમાં વપરાયા છે, તેને જાણી જોઈ અપાત્ર અથવા કુપાત્ર શિષ્યોમાં થાપન કરે, તે પદવી આપનાર ગુરુ પોતે મહાપાપી ગણાય છે. જ્ઞાનાદિ ગુણોની સંપૂર્ણતા ન હોય, તે અપાત્ર ગણાય છે, અને મહાવ્રતાદિ મૂલ અને ઉત્તર ગુણના વિરાધક હોય, તથા ઉત્સૂત્ર પ્રરૂપક હોય, તેવા કુપાત્ર સમજવા.


શ્રી જૈનશાસનમાં એકલી વિદ્વત્તાને સ્થાન નથી. ભણેલા હોય પરંતુ આચારમાં ગોળ મીંડા હોય, અષ્ટપ્રવચન માતામાં, શ્રદ્ધા કે આદર ન હોય. ઉત્તરગુણોમાં આદર ન હોય, અથવા ઉપેક્ષા હોય, તેવાઓને આચાર્ય બનાવાય નહીં, કહ્યું છે કે,


जहा खरोचंदनभारवाही, भारस्स भागी नहु चंदणस्स |

एवं खुनाणी चरणेणहीनो, नाणस्स भागी नहु सुग्गइए || १ ||


અર્થ: જેમ ચંદનના લાકડાનો ભાર ઉપાડનાર ગધેડો ચંદનના કાષ્ટના ભારનો ત્રાસ જ અનુભવે છે, પરંતુ તે બિચારા ગધેડાને ચંદનની સુગંધ કે શીતળતાની ઓળખાણ જ નથી. પછી તેને સુગંધ કે ઠંડક શી રીતે ભોગવાય ? તેમ, “ नाणस्स फलंविरती ” આવું જેને જાણવા મળ્યું જ ન હોય, તેને વિરતીના અભાવે સુગતિ શી રીતે મળે ? અર્થાત્ વિરતી વગર સ્વર્ગ કે મોક્ષ મળે નહીં. 


ત્રીજા પટ્ટધર પ્રભવસ્વામી મહારાજે પોતાના અતિ મોટા જવાબદારીવાળા સ્થાન ઉપર બેસાડવા, પટ્ટધર માટે પોતાના સમગ્ર સાધુસમુદાયમાં, ચૌદપૂર્વના જ્ઞાનના ઉપયોગથી તપાસ કરી, પરંતુ યોગ્ય આત્મા દેખાયો નહીં, પછી સમગ્ર શ્રાવકસંઘને પણ જ્ઞાનશક્તિથી તપાસી જોયો, પરંતુ એક પણ આત્મા યોગ્ય દેખાયો નહીં, ત્યારે છેવટે અજૈન દર્શનમાં રાજગૃહીમાં, સ્વયંભવ નામના બ્રાહ્મણને સંપૂર્ણ યોગ્યતાવાળો જાણીને, બે સાધુઓ મોકલી, પ્રતિબોધ પમાડી, દીક્ષા આપી, ચૌદપૂર્વ ભણાવીને, આચાર્ય પદવી આપી. પોતે અનશન કરી સ્વર્ગવાસી થયાં.


જેમ ચક્રવર્તી કે વાસુદેવ રાજવીની આજ્ઞામાં, ૩૨,૦૦૦ અને ૧૬,૦૦૦ રાજાઓ હતા અને તેવા મોટા રાજાઓની આજ્ઞામાં પણ, ૫૦-૧૦૦ જેવા રાજાઓ હોય. જેમ પ્રજાને સાચવવા માટે રાજા હોય છે, તેમ મુનિસમુદાયને સાચવવા, તેમનાં જ્ઞાનદર્શન-ચારિત્ર-તપની વૃદ્ધિ કરવા માટે એક બે જ નહીં ઘણાં આચાર્ય હોય તો પણ જરૂરી છે. 


જેમનામાં છઠ્ઠું-સાતમું ગુણઠાણું અવશ્ય હોય, તથા સમ્યગ્ દર્શન – સમ્યગ્ જ્ઞાન – સમ્યગ્ ચારિત્ર – સમ્યગ્ તપની પરાકાષ્ઠા હોય તે ભાવાચાર્ય કહેવાય છે. આ ચારેયમાં મીંડા હોય તે દ્ર્વ્યાચાર્ય (નામધારી) આચાર્ય કહેવાય.


ચૌદ પૂર્વધર  ભદ્રબાહુ સ્વામીએ પોતાના સગાં નાનાભાઈ વરાહમિહિર ને આચાર્ય પદવી આપી નહીં, તેથી તેણે દીક્ષા મૂકી દીધી. આચાર્ય મહારાજનો અને જૈનધર્મનો, જૈનસંઘનો, શત્રુ બન્યો. જીવ્યો ત્યાં સુધી કાવાદાવા કર્યા. મરીને વ્યંતર થયો. શ્રી સંઘને હેરાન કરવા થયું તેટલું કર્યું.


સાડાનવ પૂર્વ ભણેલા આર્યરક્ષિત સૂરીમહારાજે, પોતાની પાટે પોતાના સગાં ભાઈ ફાલ્ગુનરક્ષિતને, તથા સગાં મામા ગોષ્ઠામાહિલને, તથા તેવા જ વિદ્વાન આર્યવિન્ધને આપી નહીં. ગોષ્ઠામાહિલ અને ફાલ્ગુનરક્ષિતને પટ્ટધર બનાવવા કુટુંબીઓ અને મોસાળપક્ષનું દબાણ હતું, પરંતુ આચાર્ય લાગવગને પણ વશ થયા નહીં.


સુધર્મા સ્વામીની પાટપરંપરાએ થયેલા અઢારમાં આચાર્ય ભગવાન પ્રદ્યોતન સૂરીમહારાજે પોતાના પટ્ટધર બનનાર માનદેવસૂરી મહારાજ માટે કેટલી ઝીણવટ કરી હતી. જયારે સભા વચ્ચે આચાર્ય પદવી લેવા ક્રિયા કરનાર મહાપુરુષ માનદેવ મુનિરાજે બે મોટા અભિગ્રહ લીધા, “ જાવજીવ છવિગઈનો ત્યાગ ” તથા “ ભક્તકૂળોનો આહાર ન વાપરવો ” ત્યારે જ ગુરુદેવે પદવી આપી હતી.


સુધર્મસ્વામીની પાટપરંપરામાં ૬૧માં આચાર્ય વિજયસિંહસૂરીમહારાજ થયા. તેમના શિષ્ય સત્યવિજય પંન્યાસ મહારાજ થયા. તેઓ ઘણાં વિદ્વાન હતા, મહા ત્યાગી હતાં. ઘણાં શિષ્યો પણ હતા. શ્રી સંઘનો, ગુરુનો અને ગચ્છનો આચાર્ય પદવી લેવા ખૂબ આગ્રહ હતો. તો પણ ભવભીરૂ મહાપુરુષે સ્પષ્ટ ના પાડી દીધી કે, અમારામાં આચાર્ય પદવી લેવાની યોગ્યતા નથી.


કેટલાક વિદ્વાન મુનિરાજોના સમુદાયે એકમત બનીને વિજયપ્રભસૂરી મહારાજને તપાગચ્છના આચાર્ય બનાવ્યાં. આ આચાર્ય પદવીમાં ઉપાધ્યાયજી યશોવિજયજી ગણિવર્ય તથા ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ વિરુદ્ધ હતા, તેઓ અને ઘણો સાધુસમુદાય અલગ પડી ગયો હતો. પરંતુ આચાર્ય બનેલા વિજયપ્રભસૂરી મહારાજ, આચાર્ય બન્યા પછી, ખૂબ પ્રભાવશાળી દેખાયા, તેમના સમ્યગ્ દર્શન – જ્ઞાન – ચારિત્ર ખૂબ ઉચ્ચ જાણવાથી, તથા સમાજમાં પ્રભાવ પણ ખૂબ પડવાથી, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ અને ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે આચાર્ય મહારાજ પાસે માફી માંગી, ભૂલ સુધારી આજ્ઞા સ્વીકારી હતી. પરંતુ વિજયપ્રભસૂરી મહારાજ પછી તેમની પરંપરાના બધા જ આચાર્યો, શ્રી પૂજ્યો થયા અને સાધુઓ ગોરજી થઈ ગયાં હતાં. પ્રતિદિવસ શિથિલતાએ મર્યાદા વટાવી હતી.


ત્યારે મહાપુરુષ સત્યવિજય પંન્યાસે સૂરી પદવી ન લીધી, એટલું જ નહીં પરંતુ સાધુવર્ગમાં પ્રેવેશેલી શિથિલતા દૂર કરવા, ક્રિયા ઉદ્ધાર કર્યો. સાધુઓમાં પેસી ગયેલા સડાને નિર્મૂલ – નાબૂદ કર્યો અને સત્યવિજય પંન્યાસજી મહારાજની પરંપરાના મણિવિજયજી દાદા અને બુટેરાયજી (બુદ્ધિવિજયજી) મુલચંદજી, વૃદ્ધિચંદ્રજી સુધીના બધાએ આચાર્ય પદવી લીધી નહીં. મણિવિજયજી દાદા સુધી પંન્યાસપદવી ફરજીયાત લેવી પડી હતી. 


ઉપાધ્યાય મહારાજ સકલચંદ્રજી જેઓ વિદ્વાન અને સાથે ત્યાગી યોગીરાજ હતા. ઉપાધ્યાય શાંતિચંદ્રજી ગણિવર્ય જેઓ પણ ઘણાં વિદ્વાન હતા, વ્યાખ્યાનકાર હતા. વરુણ નામનો પશ્ચિમ લોકપાલ જેમને સાધેલો હતો. ઉપાધ્યાય વિમલ હર્ષ, ઉપાધ્યાય કલ્યાણવિજય, પંન્યાસ સિંહવિમલગણી, પંન્યાસ દેવવિમલગણી, પંન્યાસ કમલવિજયગણી આ બધા વ્યાકરણ – સાહિત્ય – ન્યાય – કાવ્ય – કોષ – પ્રકરણ – સિદ્ધાંત વગેરે શાસ્ત્રોના પારગામી હતા. આવા અનેક વિદ્વાનો, ત્યાગીઓ અને આરાધકોએ આચાર્ય પદવી લીધી નથી. એથી ચોક્કસ સમજાય છે કે આચાર્ય પદવી ઘણી જવાબદારી ભરેલું સ્થાન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “ तित्थयर समो सूरि ” અર્થ: આચાર્ય ભગવંત (તીર્થંકરના શાસનના પ્રતિનિધિ યાને સુકાની હોવાથી) તીર્થંકર ભગવાન જેવા ગણાય છે.


ઉપાધ્યાયની મહારાજ ફરમાવે છે કે, 


અત્થમિએ જિનસૂરજ કેવલચંદે જે જગદીવો;

ભુવન પદારથ પ્રકટન પટુજે, આચારજ ચિરંજીવો.


અર્થ: શ્રી તીર્થંકર દેવ રૂપ સૂર્ય અને સામાન્ય કેવલીરૂપ ચંદ્ર અસ્ત પામે છતે, જગતના પદાર્થને બતાવનાર, સમજાવનાર, દીપક સમાન, આચાર્ય ભગવાન જયવંતા વર્તો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top