બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

Tirth Ni aashatna Thi Bachiye Prerak Prasango

 આદર્શ પ્રસંગો  તીર્થની આશાતના નવિ કરીએ !

     વડોદરાની શ્રાવિકા આશાતનાના માઠા ફળ અનુભવી આપણને ચેતવે છે કે ભાઈઓ ! તીર્થ વગેરેની શક્ય એટલી ભક્તિ કરો પણ મારો આગ્રહ છે કે આશાતના તો થોડી પણ ન કરતા. આમને આપણે ધર્મજ્ઞા નામ આપીએ. આ બહેન કહે છે : “મેં કરેલી એ આશાતના મારાથી જીંદગીભર ભુલાશે નહિં.” ૨૪ વર્ષની ઉંમરે પાલિતાણા પહેલી વાર યાત્રા કરવા મળી. ૨ યાત્રા કર્યા પછી થાકથી પગમાં ખૂબ કળતર થતું હતું. ચાલતા પગ આડા અવળા પડતા હતા. દર્દથી કંટાળી મારાથી બોલાઈ ગયું, “બાપરે ! આવી ત્રાસદાયક યાત્રા કરવા બીજી વાર નહીં આવું.” સાંભળી સગાઓએ મને ઘણું સમજાવ્યું કે આવું ન બોલાય. પણ કોઈનું માન્યું નહીં. ૫-૭ વર્ષ પછી ફરી કાકાજી ના સંઘમાં જવાનું થયું. ત્યારે યાત્રા કર્યા પછી ખૂબ પગ દર્દ થવાથી ફરી એવું જ બોલી પડી. પછી પણ ભયંકર પાપનો પસ્તાવો ન થયો. કોણ જાણે આ પાપને કારણે જ પછી ૧૪ વર્ષ સુધી યાત્રા કરવા ન મળી !

     પાલિતાણા યાત્રા કરવાના પોગ્રામ ઘણીવાર ઘડ્યા પણ કોઈને કોઈ વિઘ્ન આવી પડે ને યાત્રા થાય જ નહીં. આવું ઘણીવાર થવાથી મન વિચારે ચડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે મેં બે વાર આ ભયંકર આશાતના કરી. તેથી “૧૪-૧૪ વર્ષથી યાત્રા થતી નથી.” તેથી ખૂબ જ પસ્તાવાપૂર્વક દાદાને અંતરથી ઘણીવાર કાકલૂદી કરી, માફી માંગી. છોકરાઓને પણ સમજાવ્યું કે તીર્થની આશાતના કદી ન કરવી. ૧૪ વર્ષ પછી નણંદ સપરિવાર પાલિતાણાની યાત્રા કરવા જતા હતા. આમંત્રણ મળવાથી આ બહેને પોતાના બે સંતાનને સાથે મોકલવા વિચાર્યું. પોતાને ૨ દિવસ ઘણો પાશ્ચાતાપ થયો કે ૧૪ વર્ષથી યાત્રા થતી નથી. મારે પણ યાત્રા થાય તો કેવું સારું ? ભલે ! અત્યારે પુત્ર-પુત્રીને તો થાય છે ને ! તેમના ધન્ય ભાગ્ય ! પોતે પણ દાદાને યાત્રાએ બોલાવવાની આજીજી કરી, “સજા માફ કરો, હવે ક્યારેય કોઈપણ તીર્થની આશાતના નહીં કરું !!”

     પાલિતાણા નીકળતા નણંદ બા કહે, “ભાભી, તમે પણ ચાલો. મારા ભાઈએ તમને પણ આવવા રજા આપી છે ! ૩-૪ દિવસ તમારા બધા વિના ભાઈ પોતાનું બધું સંભાળી લેશે.” દાદાએ પોતાને માફ કરી, એમ વિચારી ધર્મજ્ઞાબહેન તો રાજી રાજી થઈ પાલિતાણા જવા તરત તૈયાર થઈ ગયા. નીકળ્યા પણ ઊંડે ઊંડે ભય લાગતો કે ભયંકર પાપ કર્યા છે. કોઈ વિઘ્ન તો નહીં આવે ને ? માંડ પુણ્યોદય જાગ્યો છે તો દાદાની યાત્રા તો થશે ને ? પરંતુ સાચા હૃદયથી કરેલા પાશ્ચાતાપના કારણે હેમખેમ પાલિતાણા પહોંચ્યા ! ત્યારે આનંદ આનંદ થઈ ગયો. બીજે દિ’ યાત્રા કરવા ગયા. બહેનની તબિયત અસ્વસ્થ હતી. તેથી નણંદ વગેરેએ ડોળીમાં બેસવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ ૧૪ વર્ષે ભાગ્ય જાગ્યું છે તેથી મનમાં ઉલ્લાસ જાગ્યો કે ગમે તે થાય પણ યાત્રા તો ચઢીને જ કરવી છે. ઉમંગથી ઉપર પહોંચ્યા. ત્યારે ધર્મજ્ઞાબહેનનો મનમોરલો નાચી ઉઠ્યો ! દાદાના દર્શન કરતા આભાસ થયો કે જાણે દાદા મને આવકાર આપી રહ્યા છે ! હર્ષાશ્રુ સાથે દાદાનો ખૂબ ખૂબ આભાર માનવાપૂર્વક ભાવથી ખૂબ ભક્તિ કરી. 

     હે જૈનો ! તમે શુભ ભાવથી શત્રુંજય જાવ છો. દાદા અને કવડ યક્ષને નિર્વિઘ્ન યાત્રાની વિનંતી કરી યથાશક્તિ ધીમે ચઢવું ને ધીમે ઉતરવું, ભક્તિભાવ વધારવો અને આશાતનાના પાપો ત્યજવા. દાદાનો અચિંત્ય પ્રભાવ છે કે બીમારને પણ કહું સારી રીતે યાત્રા ચોક્કસ થશે !!!

પંન્યાસ ભદ્રેશ્વરવિજયજી ગણિ. લિખિત જૈન આદર્શ પ્રસંગો પુસ્તક માંથી સાભાર...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top