બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

Navkar Maha Mantra

 ન​વકાર મહામંત્ર​

ભાગ ૧: નમસ્કાર મહામંગલ સૂત્રનો પરિચય

નમસ્કાર મહામંગલ સૂત્ર એ નમસ્કાર મંત્ર, નવકાર મંત્ર અથવા નમોક્કાર મંત્રથી પણ જાણીતું છે.

જૈન ધર્મમાં ઊંડો આદરભાવ સૂચવતા આ સૂત્રમાં પાંચ મહાન વિભૂતિઓના ગુણોને પ્રાર્થના દ્વારા વંદન કરવામાં આવે છે:

▪️ અરિહંત - અંતરંગ શત્રુ ને નાશ કરનાર અને માનવ જાતને બોધ આપનાર)

▪️ સિદ્ધ - મુક્ત આત્મા

▪️ આચાર્ય - જૈન ચતુર્વિધ સંઘના વડા

▪️ ઉપાધ્યાય - સંયમી તત્વજ્ઞ અને શિક્ષક

▪️ જગતના સર્વ સાધુઓ તથા સાધ્વીઓ - જેઓ પાંચ મહાવ્રતો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળે છે.

તેઓ તેમની આચારક્રિયા આ પાંચે વ્રતો જળવાય એ લક્ષમાં રાખીને કરે છે.

તેમના વિચારમાં અનેકાંતવાદ વર્તે છે.


આ મહાન વિભૂતિઓ તેમના સદગુણોને લીધે ઓળખાય છે અને પૂજાય છે, નહીં કે તેમની વ્યક્તિગત ઓળખને લીધે.


આમ જગતના તમામ સાચા આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા સાધુ મહાત્માઓ ને અહીં વંદન કરવામાં આવે છે


▪️ નવકારવાળીના ૧૦૮ મણકા શા માટે?


જૈન નવકારવાળીના ૧૦૮ મણકા પાંચ મહાન પદોના ગુણોનું પ્રતીક છે.

▪️અરિહંતના - ૧૨ ગુણો

▪️સિદ્ધના - ૮ ગુણો

▪️આચાર્યનાં - ૩૬ ગુણો

▪️ઉપાધ્યાયના - ૨૫ ગુણો

▪️સાધુના - ૨૭ ગુણો


આમ આ બધા ગુણોનો સર​વાળો, ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭ =‌ ૧૦૮, તેથી નવકારવાળીમા ૧૦૮ મણકા હોય છે…


નમસ્કાર મહામંગલના નવ પદો છે, પહેલા પાંચ પદોમાં પાંચ પૂજનીય વ્યક્તિઓને પ્રણામ કરવામાં આવે છે અને બાકીના ચાર પદો પ્રણામનું મહત્વ સમજાવે છે.


ભાગ ૨: ન​વકાર મંત્ર ના દરેક પદોનો અર્થ


આગળનાં ભાગમાં આપણે જોયું કે નવકારવાળીના ૧૦૮ મણકા શા માટે? આ ભાગમાં આપણે ન​વકાર મંત્ર ના દરેક પદોનો અર્થ જોઇએ.


▪️ નમો અરિહંતાણં:

હું અરિહંતને વંદન કરું છું, કે જેમણે અંતરંગ શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત શક્તિ અને શુદ્ધ આચરણ પ્રાપ્ત કર્યા. આ રીતે તેમણે આત્માના બધા ગુણોનો ઢાંકનારા ચાર ઘાતી કર્મોનો નાશ કરી આત્માના અનંત ગુણોને પ્રગટ કર્યા. તેઓ સંપૂર્ણ આધ્યાત્મિક માનવ છે અને તેમણે માનવજાતને આધ્યાત્મિક થવાનો બોધ આપ્યો. જે જન્મ-મરણના ચકરાવાનો અંત લાવે છે અને મુક્તિ અપાવે છે.


▪️ નમો સિદ્ધાણં:

હું સિદ્ધ આત્માઓને વંદન કરું છું, જેમણે પૂર્ણતા અને સિદ્ધત્વ મેળવ્યું છે. તેઓ શુદ્ધ ચૈતન્યપૂર્ણ છે. તેઓને કોઈ કર્મ રહ્યા નથી તેથી તેમને શરીર નથી. બધા અરિહંત ભગવાન અને કેવળજ્ઞાની વ્યક્તિઓ નિર્વાણ (મૃત્યુ) પછી સિદ્ધ બને છે.


▪️ નમો આયરિયાણં:

હું બધા આચાર્યોને વંદન કરું છું જેઓ શુદ્ધ આચારનું પાલન કરે છે, જેઓ જૈન સંઘના વડા છે. તેઓ અરિહંત ભગવાનની ગેરહાજરી માં મુક્તિનો માર્ગ સમજાવે છે. જે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્રને એકબીજા સાથે સાંકળે છે. તેઓ ભૌતિક જીવન કરતાં આધ્યાત્મિક જીવનનું મહત્વ સમજાવે છે અને દયા તથા કરુણા થી ભરેલી અને કષાય વગરની સરળ જિંદગી જીવવાનો દરેકને બોધ આપે છે.


▪️ નમો ઉવજઝાયાણં:

હું ઉપાધ્યાયોને વંદન કરું છું કે જેઓ જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરી તેની યોગ્ય સમજૂતી આપનાર તત્વજ્ઞ વિદ્વાન છે. તેઓ જૈન ધર્મના સિદ્ધાંતો શીખવે છે અને તે સિદ્ધાંતોનું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે પાલન કરી શકાય તે સમજાવે છે.


▪️ નમો લોએ સવ્વ સાહુણં:

હું જગતના દરેક સાધુ અને સાધ્વીને પ્રણામ કરું છું જેઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને પ્રતિજ્ઞાપૂર્વક આચરે છે અને એ રીતે આપણને પણ સાચું સરળ જીવન જીવવાની પ્રેરણા આપે છે.


▪️ એસો પંચ નમુક્કારો:

આ પાંચ મહાન આત્માઓને હું પ્રાર્થુ છું, પ્રણામ કરું છું.


▪️ સવ્વ પાવપ્પણાસણો:

પંચ પરમેષ્ઠીને કરેલા નમસ્કાર, મારા બધા પાપ અને નકારાત્મક વિચારોને નાશ કરવામાં સહાય કરે છે.


▪️ મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલમ:

આ પ્રાર્થના બધી કલ્યાણકારી પ્રાર્થનાઓમાં પ્રથમ મંગલ પ્રાર્થના ગણાય છે.


ભાગ ૩:  નવકાર મંત્ર એ સિધ્ધ, શાશ્વત અને મહામંત્ર છે.

આગળના ભાગમાં આપણે નવકાર મંત્રના દરેક પદોનો અર્થ વિશે જોયું…

હવે આગળ,

સિધ્ધ મંત્ર શા માટે?

• એ અનાદિ અનંત છે,

• એના સ્મરણથી અનેક સિધ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે,

• અષ્ટસિધ્ધિ અને નવનિધિ પ્રગટ થાય છે, એ ચૌદ પૂર્વનો સાર છે

• એક એક અક્ષરના રટણ માત્રથી અડસઠ તીર્થની સ્પર્શનાનો લાભ મળે છે,

• એ અનંત જ્ઞાન અને ગુણોનો રત્નાકર છે.

શાશ્વતમંત્ર શા માટે?

• આ મંત્રનો ક્યારે પણ નાશ થવાનો નથી

• અનંત કાળચક્રના પ્રવાહની સાથે અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી કાળમાં અનંતી ચોવીસીઓની સાથે અનંતા તીર્થંકરના શાસનકાળ દરમ્યાન નવકારમંત્રના પદ કે અક્ષરમાં કોઇ જ ફેરફાર થયો નથી.


મહામંત્ર શા માટે?

• એ સર્વ મંત્રનો સાર છે,

• વિધ્નોને હરનાર છે,

• એનો મહિમા અપાર છે.

• એ સર્વે મંત્રોમાં શિરોમણી અને મંત્રાધિરાજ છે,

• સિધ્ધ પુરૂષોથી સાક્ષાત્કાર થયેલ છે.


નમસ્કાર મહામંત્ર માં ૐ નું મહત્વ 

ભાગ ૪: નમસ્કાર મહામંત્ર માં ૐ નું મહત્વ વિશે જોઇશું…


આગળના ભાગમાં આપણે નવકાર મંત્ર એ સિધ્ધ, શાશ્વત અને મહામંત્ર કેમ છે એ વિશે જોયું…

હ​વે આગળ,


આપણા ધર્મ શાસ્ત્રોમાં ૐ નું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

• આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે નવકારમંત્ર સર્વ મંત્રરત્નોની ઉત્પતિનું સ્થાન છે એટલે કે આપણી આર્યભૂમિમાં આજે જે પ્રભાવશાલી મંત્રો જોવા મળે છે તે બધાયે નમસ્કાર મહામંત્રમાંથી ઉદભ​વેલા છે.

• ૐ કાર અથવા પ્રણવમંત્ર કે જે જિનશાસનમાં અતિ પ્રસિધ્ધ્ છે અને જેની ઉપાસના સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં થાય છે.

• આ ૐકારની ઉત્પતિ પણ નવકાર મંત્રમાંથી થયેલી છે એટલે જ કહેવાયું છે કે, 

• पंचफ्खर निप्पण्णो ओंकारो पंच परमिट्ठी ।। - અર્થાત્ ૐકાર મંત્ર પંચ પરમેષ્ઠિ સ્વરૂપ છે.


કારણ


ૐ = ઓમ્‌ ‌= અ + અ + આ + ઉ + મ્


• અ = અરિહંત​

• અ = અશરીર (સિધ્ધ​)

• આ = આચાર્ય​

• ઉ = ઉપાધ્યાય​

• મ ‌= મુનિ


ભાગ ૫: નવકાર મંત્રની સાધનાથી ફળપ્રાપ્તિ


આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર માં ૐ નું મહત્વ વિશે જોયું…

આ ભાગમાં આપણે નવકાર મંત્રની સાધનાથી ફળપ્રાપ્તિ વિશે જોઇએ…


• દવાથી જેમ રોગ શમે, ખોરાકથી ભૂખ શમે, તે રીતે શ્રી નવકાર મંત્ર​ના જાપથી આંતરિક અને બાહ્ય અશાંતિ દૂર થાય જ.

• આપણો અનુભવ આ બાબત સાક્ષી નથી ભરતો, એનું કારણ આપણી અજ્ઞાનદશા છે.

• જન્મ-મરણના ચક્રાવામાં ફસાવનાર કર્મરૂપી મહારોગને આપણે ઓળખી શક્યા નથી, તેથી સાચા ઉપાયો અમલમાં આવી શકતા નથી.

• એટલે જીવનમાં પંચ પરમેષ્ઠીઓની સાચી ઓળખાણ કરી તેઓને શરણે વૃતિઓને રાખી પ્રવૃતિઓને શાંતિની દિશામાં વાળવા માટે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જરૂરી છે.

• નવકાર મહામંત્રની આરાધનાથી જીવનમાં ચાર પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે.


સામાન્ય ફળ:

• વિધ્નો ટળે છે

• રોગ મટે છે

• અને દોષ વિનાશ થાય છે.


મધ્યમ ફળ:

• બળ વધે છે

• અનુકૂળતા મળે છે

• અંત:કરણ શુદ્ધ થાય છે

• વિચારો પવિત્ર બને છે.


ઉત્તમ ફળ:

• આત્મિક આનંદનો અનુભવ.

• મન પ્રફુલ્લિત બને.

• કામ, ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષાદિ ભાવો મંદ પડે.

• ગુણોની વૃદ્ધિ તેમજ​ ધૈર્યભાવ ઉત્પન્ન થાય.


ઉત્તમોત્તમ ફળ:

• વિશ્વ કલ્યાણની ઉચ્ચ ભાવના, જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ, કર્મથી મુક્તિ, પરમાત્મા દર્શન, સિધ્ધપદની પ્રાપ્તિ થાય છે.

ભાગ ૬: નમસ્કાર મહામંત્ર ભણ​વા અને ગણ​વાની પાત્રતા

આગળના ભાગમાં આપણે નવકાર મંત્રની સાધનાથી ફળપ્રાપ્તિ વિશે જોયું…

હ​વે આગળ,

શ્રી મહાનિશીથસૂત્ર​માં કહેવામાં આવ્યું છે કે

• “શ્રાવકોએ ઉપધાનતપ વિના શ્રી નમસ્કાર મહામંત્ર ભણવું અને ગણવું નિષેધ (મનાઈ) છે”

• શ્રી ઉપધાનતપનું પ્રથમ અઢારીયું (અઢાર દિવસના પૌષધ) કરવાથી શ્રી નમસ્કાર મહામંત્ર ભણવા અને ગણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.


બાળકો માટે:

• ઘણી નાની ઉમરના બાળકો શ્રી ઉપધાનતપ કરવા અસમર્થ હોય ત્યારે બાળકોને ૧૨.૫ દિવસના ઉપવાસ જેટલો તપ નવકારશી પચ્ચકખાણ દ્વારા પૂર્ણ કરાવવો જોઈએ.

• શાસ્ત્રીય વિધિ મુજબ, ૪૮ નવકારશી = ૧ ઉપવાસ, પ૯૦ દિવસ સુધી નવકારશી = ૧૨.૫ ઉપવાસ

• તપ પૂર્ણ થાય ત્યારે પૂ. ગુરૂભગવંત પાસે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવું જોઈએ.

• શક્તિ પ્રાપ્ત થતાં જ શ્રી ઉપધાન તપ કરી લેવું જોઈએ.


અન્ય ભવ્યાત્માઓ માટે:

• અન્ય ભવ્યાત્માઓ એ શ્રી ઉપધાન તપ પૂર્ણ કર્યા બાદ જ પૂ. ગુરૂભગવંત પાસે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવું જોઈએ.

• પણ​ શક્તિના અભાવે અથવા સંયોગની અનુકુળતાના અભાવે કદાચ હમણાં ઉપધાન કરવા સમર્થ ન હોય અને ભવિષ્યમાં (ટુંકા સમયમાં) શ્રી ઉપધાન તપ કરવા પૂર્ણ ભાવના સંપન્ન હોય, તેવા ભવ્યાત્માઓ આરાધનાથી વંચિત ન રહી જાય, તેવા શુભ આશયથી શ્રી નમસ્કાર મહામંત્ર ભણવા-અને ગણવાની અનુમતિ જિતાચારથી જૈનશાસનમાં અપાય છે

ભાગ ૭: નમસ્કાર મહામંત્ર - ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ

આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર ભણ​વા અને ગણ​વાની પાત્રતા વિશે જોયું….

આ ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર - ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ વિશે જોઇએ…
• અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ નીચે આપેલ ઇમેજમાં જોઇ શકાશે...

ઉચ્ચાર અંગે સૂચનો:
• જોડિયા અક્ષરો બોલતી વખતે હંમેશા એ ખ્યાલ રાખવો કે જોડિયા અક્ષર પર ભાર ન આપતા તેની પહેલાના અક્ષર ઉપર ભાર આપવો.
• દા.ત. ’સવ્વ’ અહીં ’વ્વ​’ ઉપર ભાર ન આપવો પણ ’સ’ ઉપર ભાર આપવો. ’પાવપ્પણાસણો’ માં ‘પ્પ​’ ની પહેલાના ’વ’ ઉપર ભાર આપવો.
• ”સાહૂણં” માં ’હૂ’ દીર્ઘ હોવાથી લંબાવીને બોલવો.
• આ સૂત્રમાં નવ પદો છે. પણ સંપદા (વાક્યો) આઠ છે. કેમ કે છેલ્લા બે પદોનું એક જ વાક્ય બને છે. આથી એ છેલ્લા બે પદો સાથે જ બોલવા.
• હ​વે પછીના ભાગમાં આપણે સંપદા એટલે શું? એ વિશે જોઇશું…

navkar mantra
navkar mantra

ભાગ ૮B: સંપદા એટલે સિદ્ધિ

આગળના ભાગમાં આપણે સંપદા વિશે જોઇ રહ્યા હતા…

એક મત એવો પણ છે કે,
• ન​વકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ઘટાવતા સંપદા એટલે સિદ્ધિ એવો સીધો અર્થ જ ઘટાવ​વો જોઇએ. એ રીતે નવકાર મંત્ર મા ૮ સંપદા એટલે આઠ સિદ્ધિ રહેલી છે.
• નવકારમંત્રની આરાધના નિર્મળ ચિત્તથી, પૂરી નિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે:

નમો - અણિમા સિદ્ધિ
• અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ.
• નમો એટલે નમસ્કાર, નમવાની ક્રિયા, જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમાતું નથી, એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે.
• નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ​ છે.

અરિહંતાણં - મહિમા સિદ્ધિ
• મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ.

સિદ્ધાણં - ગરિમા સિદ્ધિ
• ઇચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ.

આયરિયાણં - લધિમા સિદ્ધિ
• ઇચ્છાનુસાર હલકા અને શીધ્રગામી થઈ જવાની શક્તિ.

ઉવજ્ઝા​યાણં - પ્રાપ્તિ સિદ્ધિ
• દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ.

સ​વ્વસાહૂણં - પ્રાકામ્ય સિદ્ધિ
• બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ.

પંચ નમુક્કારો- ઈશિત્વ સિદ્ધિ
• બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ.

મંગલાણં - વશિત્વ સિદ્ધિ
• બીજાને વશ કરવાની શક્તિ.

હ​વે પછીના ભાગમાં આપણે नमो કે णमो - ક્યું સાચું? એ વિશે જોઇશું…

ભાગ ૯A: नमो કે णमो - ક્યું સાચું?

આગળના ભાગમાં આપણે સંપદા વિશે જોયું…
• ઘણા પુસ્તકોમાં नमो અને ઘણામાં णमो હોય છે, તો આ બંને માં શું સાચુ?

બંને પદ સાચા છે, કેમ બંને પદ સાચા?
• સંસ્કૃતમાં જ્યાં “न” હોય ત્યાં પ્રાકૃતમાં “ण” થાય છે.
• “न” દંત્ય વ્યંજન છે અને “ण” મૂર્ધન્ય વ્યંજન છે.
• દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે.

શ્રી સિદ્ધસેન દિવાકરે “નમસ્કાર માહાત્મ્ય​” ની રચના કરી છે તેમાં “નમો” પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ “ભગવતીસૂત્રમાં” - णमो પદનો ઉપયોગ કર્યો છે.

• આમ ઠેઠ પ્રાચીન કાળથી नमो અને णमो એ બંને પદો વિકલ્પે પ્રયોજાય છે.
• એટલે બંન્ને સાચા છે.
• તેવી રીતે नमुक्कारो અને णमुक्कारो-णमोक्कारो બંને સાચા છે.
• ન​વકારમંત્રમાં “नमो” પદ વધુ પ્રચલિત છે પરંતુ ધ્યાન ધરવામાં “णमो” પદની ભલામણ થાય છે.
• नमो (णमो) ને ઉલટાવવાથી मोन (मोण) થશે.
• मोन (मोण) એટલે મુનિપણું.
• મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે.
• એટલે નમો પણ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે.
• મોનનો અર્થ જો મૌન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે.
• नमो માં દ્ર​વ્યનમસ્કાર અને ભાવ નમસ્કાર હોય છે.

હ​વે પછીના ભાગમાં આપણે ભાવ વગર દ્ર​વ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય? એ વિશે જોઇશું…

ભાગ ૯B: ભાવ વગર દ્ર​વ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય?
આગળના ભાગમાં આપણે नमो કે णमो - ક્યું સાચું? એ વિશે જોયું..

હ​વે આગળ,
• એક વખત શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે શ્રી નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા.
• એ બધાંને જોઈને શ્રી કૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને “દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી.”
• આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું.
• એ જોઈ બીજા રાજાઓએ પણ વંદના ચાલુ કરી.
• પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા.

• તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાંને બતાવી આપું કે થાક્યા વગર હું વંદના કરી શકું છું.
• એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી.

વંદના કરીને શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે
• અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.’

શ્રી નેમિનાથ ભગવાને કહ્યું,
• હે વાસુદેવ તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.

એ વખતે શ્રીકૃષ્ણએ પૂછ્યું કે,
• મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કર્યા છે તો એને પણ એટલું ફળ મળશે?

શ્રી નેમિનાથ ભગવાને કહ્યું,
• હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાંને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યા છે.
• એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકષ્ટરૂપ માત્ર દ્રવ્યનમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.

જો ભાવ સાથે ક્રિયા કરવામાં આવે તો:
• બહિરાત્મભાવની નિવૃતિ થાય અને અંતરાત્મભાવનો આનંદ થાય.
• મમત્વનો ત્યાગ કરાવી સમત્વ તરફ લઇ જાય છે.
• મિથ્યાત્વ​નો ત્યાગ કરાવી સમ્યગદર્શન તરફ લઇ જાય છે.
• મનને અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પમાં જોડે છે.
• नमो પદ જીવાત્માને પરમાત્મા પ્રતિ લઇ જાય છે.

હ​વે પછીના ભાગમાં આપણે શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો? એ વિશે જોઇશું…

ભાગ ૧૦: શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો?

આગળના ભાગમાં આપણે ભાવ વગર દ્ર​વ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય? એ વિશે શ્રીકૃષ્ણનું દ્રષ્ટાંત જોયું…

હ​વે આગળ,
શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો?

જાપનું સ્થળ​
• તીર્થંકર​ ભગવાનનું કલ્યાણક જે સ્થળે થયું હોય ત્યાં અને જ્યાં સ્થિરતા કરી હોય તે (શુભ પરમાણુમય) ક્ષેત્રમાં શક્ય હોય તો કરવો.
• તીર્થ સ્થાનોમાં
• અશોકવૃક્ષ-શાલવૃક્ષ આદિ ઉત્તમવૃક્ષ નીચે.
• નદી કિનારે.
• પવિત્ર-શાંત-એકાંત જગ્યાએ
• જાપની જગ્યા નિયત અને પવિત્ર હોવી જોઈએ.

જાપનો સમય​:
• વહેલી સવારે બ્રહ્મમુહૂર્ત સૂર્યોદય પહેલાં ૪ ઘડી (૧ કલાક ૩૬ મિનિટ) પૂર્વે જાગૃત થઈ જાપ કરવો ઉત્તમ છે.
• જાપનો સમય એક જ રાખવો જોઈએ.
• સૌથી શ્રેષ્ઠ જાપનો સમય સવારે છ વાગે, બપોરે બાર વાગે અને સાંજે છ વાગે જ્ઞાની ભગવંતોએ નિર્દેશ્યો છે.
• તે કદાચ ન સધાય તો ૨૪-૨૪ મિનિટ આગળ પાછળની છે તેમાંથી નિયત કરવો.

જાપની દિશા:
• પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસીને

જાપ કઇ રીતે કર​વો?:
• શુદ્ધ થઈને
• શ્વેત વસ્ત્રો પહેરીને
• સાનુકૂળ ભૂમિતલ પ્રમાર્જીને
• શ્વેત કટાસણું પાથરીને
• ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ ની ભાવના વડે વાસિત કરીને
• દ્રષ્ટિને નાસિકા અગ્રે સ્થાપીને
• ધીરે, ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે આપણે શ્રી નવકારનો જાપ કરવો જોઈએ.
• જાપ સમયે શરીર હાલવું ન જોઈએ. કમ્મર વળી જવી ન જોઈએ.
• જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ. એમ કરવાથી જાપજન્ય સત્ત્વની સ્પર્શનાનો અદભુત યોગ સધાય છે અને ક્યારેક ભાવસમાધિની અણમોલ પળ જડી જાય છે.
• જાપ માટેનાં ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ.
• જીભ એકલી જ નહીં પરંતુ મન બરાબર​ શ્રી ન​વકાર​ ગણતા શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવુ જોઇએ. મન શ્રી ન​વકારમાં પરોવાય છે એટલે બધી ઇન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય છે.

જાપની સંખ્યા:
• માળાની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ. એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા છ ગણી શકે પણ પાંચથી ઓછી તો નહી જ.

વધુ હ​વે પછીના ભાગમાં...

ભાગ ૧૧: શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર​, જાપ કર​વાની રીત​
આગળના ભાગમાં આપણે જોયું કે શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો?

હ​વે આગળ,
શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર​ અને જાપ કર​વાની રીત​

જાપના પ્રકાર​:
▪️માનસ જાપ:
• સહજભાવે હોઠ બંધ રહેવા જોઈએ તેમ જ દાંત એક બીજા ને ન સ્પર્શે તેમ રહેવા જોઈએ.
મનમાં જાપ કર​વો તે શ્રેષ્ઠ છે.

▪️ઉપાંશુ જાપ:
• હોઠનો ફફડાટ વ્યવસ્થિત રાખ​વા સાથે, બીજા ને ના સંભળાય તે રીતે મૌન પુર્વક જાપ કર​વો.
• આ જાપ મધ્યમ જાપ કહેવાય.

▪️ભાષ્ય જાપ:
• તાલબદ્ધ શુદ્ધ ઉચ્ચાર સાથે, બીજા સાંભળી શકે તે રીતે બોલીને જાપ કર​વો તે.
• પોતાના કાર્યો માટે ઉપયોગી જાપ કહેવાય​.

જાપ કર​વાની રીત​:
▪️પૂર્વાનુપૂર્વી:
• ક્રમ પ્રમાણે પદ ગણવાં. દા.ત. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં ઈત્યાદિ…

▪️પશ્ચાનુ પૂર્વી:
• ઉલટા ક્રમથી ગણવું અર્થાત ઉત્ક્રમથી ગણવું. તે બે પ્રકારે ગણાય છે.:
• પદના ઉત્ક્રમથી અને
• અક્ષરના ઉત્ક્રમથી.
દા.ત.
• પદનો ઉત્ક્રમ: પઢમં હવઈ મંગલં, મંગલાણંચ સ​વ્વેસિં… ઈત્યાદિ,
• અક્ષરનો ઉત્ક્રમ: લંગમંઈવહ મંઢપ… સિંવ્વેસ​ ચ ણંલાગમં ઈત્યાદિ

▪️અનાનુપૂર્વી:
• પદ્ધતિ વિશેષથી ગોઠવીને ગણાય તે. દા.ત.  ૨ અંક હોય ત્યા નમો સિદ્ધાણં.

નમસ્કારમંત્રને બધો વખત સ્મર​વો જોઇએ.
• ભોજન સમયે,
• શયન સમયે,
• જાગ​વાના સમયે,
• પ્રવેશ સમયે,
• ભય સમયે,
• કષ્ટ સમયે,
• સર્વ સમયે નમસ્કાર મહામંત્રને સ્મર​વો જોઇએ.
• અહીં એ ધ્યાનમાં રાખ​વાનું છે કે, શય્યામાં બેસીને નમસ્કાર મંત્રનો પ્રકટ ઉચ્ચાર કર​વાથી નમસ્કારમંત્રનો અવિનય/આશાતના થાય એટલે તેનું સ્મરણ મનથી કર​વું જોઇએ.
• પ્રકટ ઉચ્ચાર કરતા બીજાને વિક્ષેપ કરે તો તે દોષના ભાગીદાર આપણે થઇએ છીએ. તેથી તે સ્મરણ મનથી જ કર​વું યોગ્ય છે.

શ્રી ન​વકારની બહાર જન્મ​, જરા અને મૃત્યુ છે. શ્રી ન​વકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે.

ભાગ ૧૨: નમસ્કાર મહામંત્ર જાપ વિધિ

આગળના ભાગમાં આપણે શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર અને જાપ કરવાની રીત વિશે જોયું…

હ​વે આગળ,
વિધિ પૂર્વક કરેલો મંત્રનો જાપ અવશ્ય ફળદાયી બને છે.

▪️શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના ત્રણ પ્રકારે બતાવવામાં આવેલ છે

1️⃣ ઉત્કૃષ્ટ આરાધના
• ઉપધાનથી
• ઉપધાન એટલે વિશેષ પ્રકારનો તપ
• શ્રી ઉપધાન તપનું પ્રથમ અઢારીયું આ પ્રમાણે કરાય છે
• ૧૮ દિવસ અહોરાત્રિ પૌષધવ્રત​ સાથે અખંડ ઉપધાન તપ
• ૩૬૦૦૦ નવકાર મંત્રનો જાપ​
• ૧૮૦૦ લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ અને ખમાસમણાં
• ૯ ઉપવાસ અને ૯ નીવી (એકાસણાં) (મૂળવિધિ પ્રમાણે ૫ ઉપવાસ, પછી ૮ આયંબિલ અને ૩ ઉપવાસ)

ઉપધાન તપની મહત્તા અને પવિત્રતા
• કોઈપણ શ્રુતને ગ્રહણ કરવા માટે કરાતો વિશિષ્ટ તપ, તેને ઉપધાન કહેવામાં આવે છે. અર્થાત્ જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય, તે ઉપધાન.
• શ્રી ગુરુભગવંત સમીપે વિધિપૂર્વક તપશ્ચર્યા કરી શ્રી શ્રુત ગ્રહણ કરી ધારવામાં આવે, તે પણ ઉપધાન કહેવાય છે.
• ૧૮ દિવસ પછી ગુરૂ મુખે ન​વકાર ગ્રહણ કરવા.

પ્રથમ ઉપધાન (માળારોપણ વાળા) માં કરાતી આરાધનાની ટુંકી નોંધ​
• ૧ લાખ શ્રી નવકાર મંત્રનો જાપ
• ૭ હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ​
• દોઢેક હજાર વાર શ્રીનમુત્થુણં (શક્રસ્તવ)નો પાઠ
• ૪૭ દિવસ સુધી અહોરાત્ર પૌષધની આરાધના
• હજારો ખમાસમણાં
• ૨૧ ઉપવાસ, ૧૦ આયંબિલ અને ૧૬ નીવિ

2️⃣ મધ્યમ આરાધના
• શુભ દિવસે શ્રી નવકાર મંત્રનો જાપ શરૂ કરવો.
• તેમાં ૧૮ દિવસ સુધી સળંગ​ ખીરનાં એકાસણાં અથવા ૧૮ આયંબિલ કરવાં.
• તે દિવસો દરમિયાન એક શ્રી નવકાર મંત્ર ગણી એક સફેદ​ ફુલ​ પ્રભુજીને ચઢાવવા પૂર્વક દરરોજના ૫ હજાર શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
• ૧૮ દિવસ દરમિયાન એક લાખ શ્રી નવકારમંત્રનો જાપ પૂર્ણ કરવો.

3️⃣ જઘન્ય આરાધના (લઘુ આરાધના વિધિ)
• ૯ દિવસ ખીરનાં એકાસણાં કરવા પૂર્વક દરરોજ બે હજાર શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
• તે દિવસો દરમ્યાન સતત પરમાત્મધ્યાનમય બનવું.

ભાગ ૧૩: નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખ​વાની બાબતો

આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર જાપ વિધિ વિશે જોયું…

હ​વે આગળ,
નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખ​વાની બાબતો
• આરાધકે ઉણોદરી વ્રતનું પાલન કરવું જોઈએ.
• તીખા તમતમતા તેમજ તળેલા અને બળેલા ખોરાક વાપરવાથી સંયમ અને સ્વાધ્યાયમાં અસ્થિરતા આવે છે, તેથી આવા પદાર્થો નહીં વાપર​વાનો નિયમ આરાધકે રાખ​વો.
• આરાધકે ક્ષારવાળી વસ્તુઓ તેમ જ મેંદાની વાનગીઓના ત્યાગનો નિયમ લેવો.
• જ્ઞાનતંતુઓ પર પ્રતિકૂળ અસર કરનારા ચા, કોફી, કોકો વગેરે માદક પીણાઓનો ત્યાગ કર​વો.
• આરાધકને કન્દમૂળ, અથાણાં તેમ જ બહુબીજવાળી વનસ્પતિ વગેરે જીવનભર ન વાપરવાનો નિયમ હોવો જ જોઈએ.
• અભક્ષ્ય પદાર્થોના સેવનથી બુદ્ધિની સાત્ત્વિકતા ઘટે છે અને વિકૃતિ વેગપૂર્વક વધતી રહે છે, તેથી ત્યાગ કર​વો જોઇએ.
• રાત્રી ભોજન ન કર​વું.
• ભોજન સમયે ચિત્ત સહેજ પણ ઉદ્વિગ્ન ન રહે તેનું ધ્યાન રાખ​વું
• અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહના પરિમાણરૂપ પંચશીલનું તે મન-વચન-કાયાથી પાલન કરે, કરાવે તેમ કરનારની અનુમોદના કરે.
• જો બિયાસણા કર​વામાં આવે તો રાત્રી ભોજન​, અભક્ષ​, સચિત વસ્તુઓનો ત્યાગ​, વગેરે બંધ થઇ જાય છે.
• પ્રાણીમાત્ર પર મૈત્રી, દયાભાવ અને પરમાર્થવૃત્તિ રાખ​વી.
• ગુણપ્રાપ્તિ માટે ગુણવંતોની ભકિત કરવી.
• વિનય, વિવેક અને નમ્રતા જીવન સાથે વણી લેવાં.
• વ્યવહારમાં પણ સૌજન્યવૃત્તિ જાળવવી.
• જાપ સાથે આવશ્યક ક્રિયાઓ, પૂજા, સ્વાધ્યાય, પ્રતિક્રમણ આદિ વ્યવસ્થિતપણે સમયસર કરવા આગ્રહ રાખવો.

ભાગ ૧૪: નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે?

આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખ​વાની બાબતો વિશે જોયું…

હ​વે આગળ,
અન્ય ધર્મોના મંત્ર કરતા નમસ્કારમંત્ર એ શ્રેષ્ઠ શા માટે? શું એ આપણો મંત્ર છે માટે? આપણું તે શ્રેષ્ઠ?
• ના, જે શ્રેષ્ઠ હોય તેજ આપણું.
• “નમસ્કાર મંત્ર લોકોત્તર મંત્ર છે જ્યારે અન્ય મંત્રો લૌકિક મંત્ર છે.”

લૌકિક મંત્ર એટલે શું?
• જે મંત્ર કામનાપૂર્તિ માટે અને ઇચ્છાપૂર્તિ માટે હોય છે જેમ કે સરસ્વતિ મંત્ર​, લક્ષ્મી મંત્ર​, રોગ નિવારણ મંત્ર વગેરે લૌકિક કાર્યો માટે થાય તે લૌકિક મંત્ર કહેવાય.

લોકોત્તર મંત્ર એટલે શું?
• ન​વકાર મંત્ર કામનાપૂર્તિ કે ઇચ્છાપૂર્તિનો મંત્ર નથી પરંતુ તે કામનાઓને પૂરી કરી દે છે અને ઇચ્છાઓને મીટાવી દે છે.
• ન​વકાર મંત્ર આત્મશુદ્ધિ કે મોક્ષ પ્રાપ્તિ જેવાં લોકોત્તર કાર્યો માટે થાય તે લોકોત્તર મંત્ર કહેવાય.

▪️મંત્ર ફળ​ વિશે

લૌકિક મંત્ર ફળ​:
• લૌકિક મંત્રમાં કોઇ ને કોઇ દેવ તેનો અધિષ્ઠાયક હોય છે અને તે વશ થાય કે પ્રસન્ન થાય તો જ મંત્ર સિદ્ધ થાય અને ફળ મળે અને એ કાર્ય સહેલું હોતુ નથી. તેમાં અનેક ભયસ્થાનો હોય છે.
• જો આડુ પડે તો સાધક પોતાનો પ્રાણ ગુમાવે છે અથ​વા અન્ય કષ્ટ ભોગ​વે છે બીજા મંત્રતો પુણ્ય હોય તો કામનાઓ પુરી કરે પણ પુણ્ય ખુટતું હોય તો કામના પુરી ન કરી શકે. કરેલ જાપ સ્મરણ લગભગ નકામા જાય.

લોકોત્તર મંત્ર ફળ​ વિશે:
• ન​વકારના જાપથી નિખાલસતા હોય તો આપણી ઇચ્છા ન હોય તો પણ આપણા અશુભ કર્મો નાશ પામે છે અને વિશિષ્ટ પુણ્ય પણ બંધાવા પામે છે.
• નમસ્કાર મંત્ર માં કોઇ એક અધિષ્ઠાયક દેવ નથી, સમ્યકત્વધારી અનેક દેવો તેના સેવક થઇને રહેલા છે અને અનન્ય ભાવે આરાધના કરનારના સર્વ મનોરથો પુરા કરે છે.
• નમસ્કાર મંત્રમાં કોઇ દેવ દેવી પાસે ભીખ નથી માંગ​વાની, માત્ર આપણા આત્મા પરના કર્મોના આવરણ ખસે કે ઝળહળાટ સુખ શાંતિ નો દરિયો સામે છે, તેમા ડુબકી મારી, શાશ્વત આનંદ મેળ​વી આપનાર શ્રી નવકાર મંત્ર છે.
• શ્રી ન​વકારની આરાધના એ કોઇ બીજાની આરાધના નથી, એ આપણા આત્મદેવ ની આરાધના છે એટલે આપણા આત્મા ઉપર વળગેલ અહમ ભાવ - મમતાના બંધનો ફગાવી દેવાની સાધના છે. સદગુણોનો ભંડાર મેળ​વ​વાની આરાધના છે.

નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે?
• નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે કારણ કે તેના દ્રારા જેની આરાધના કર​વામાં આવે છે તે બધા વીતરાગ અને નિ:સ્પૃહ મહાત્માઓ છે.
• અન્ય પ્રાર્થનાઓના આરાધ્ય દેવો સંસારી, સ્પૃહાવાળા અને સરાગી આત્મા હોય છે. સરાગીની શક્તિ ગમે તેટલી મોટી હોય તો પણ વીતરાગતાની અચિંત્ય શક્તિ આગળ તે એક બિંદુ જેટલી પણ માંડ ગણાય​.

ભાગ ૧૫: શું શ્રી નવકારમંત્રથી રોગો દુર થાય?

આગળના ભાગમાં આપણે નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે? એ વિશે જોયું…

હ​વે આગળ,
શું શ્રી નવકારમંત્રથી રોગો દુર થાય?
• કોઇપણ રોગ વાત પિત અને કફના બગાડથી થાય છે.

એલોપેથી પ્રમાણે:
• આજે વિજ્ઞાનનો ખુબજ વિકાસ થયો છે એમ કહેવાય છે અને જેથી શોધો અને સંશોધનો પ્રમાણે એલોપેથીના ડોક્ટરો ઝડપી રોગોને દાબી દે છે અને મન ફાવે તેમ લગભગ ખાવા પીવાની છુટ આપે છે.
• એલોપેથી રોગ કાઢ​વાને બદલે દાબી દે છે જેથી તેની સાઇડ ઇફેક્ટ ઉભી થાય છે.

આર્યુવેદ પ્રમાણે:
• આર્યુવેદ (દેશી ઓસડિયા) પ્રમાણે વાત-પિત​-કફના વિકારોને હટાવી, શરીરને રોગમુક્ત બનાવી શકાય, પરંતુ તેમાં કુશળ નિદાન-નાડીના જાણકાર વૈધનો અભાવ​, ઔષધોની પ્રાપ્તિ પછી તેને ખાંડી ઉકાળી લેવાની માથાકૂટ, ચરી પાડ​વી પડે આદિ મુશ્કેલીઓને લઇને આર્યુવેદનો વિકાસ અટક્યો છે.

શ્રી ન​વકાર મંત્ર પ્રમાણે:
• શ્રી ન​વકાર મંત્ર દ્રારા માત્ર શરણાગતિ, શ્રદ્ધા, ભક્તિ ના નજીવા મુલ્યમાં આપણા અંતરના બધી જાતના રોગોને વ્ય​વસ્થિત​ જાપ​-ભક્તિ-આરાધના આદિ અનુષ્ઠાનોથી મુળથી ઉખેડ​વાની તાકાત ધરાવે છે.
• ખરેખર આપણા શરીરમાં જે રોગો છે તે બધા દ્ર​વ્ય રોગો: વાયુ-પિત​-કફના બગાડથી થાય છે પણ તે દ્ર​વ્ય રોગની પાછળ ભાવરોગ પ્રધાન કારણભુત છે અને તે આંતરિક ભાવ રોગો રાગ-દ્રેષ​-મોહથી ઉપજે છે.
• જીવનમાં દ્ર​વ્ય રોગો અશાતા વેદનીય નામના કર્મથી ઉપજે છે તે અશાતા વેદનીય કર્મ બીજાને દુ:ખ દેવાથી, સંતાપ, પરિતાપ​, કલેશ દેવાથી થાય છે, એવુ મન આપણને ક્યારે થાય કે જ્યારે આપણામાં તીવ્ર સ્વાર્થ​વૃતિ, પૌદગલિકભાવ, દુન્ય​વી સુખની તીવ્ર ચાહના ઉપજે ત્યારે. આ બધું મોહના ઉદયથી થાય છે અને મોહ આવે તો રાગ દ્રેષ તો આવે જ​.
• શ્રી ન​વકાર મંત્રમાં “એસો પંચ નમુક્કારો, સ​વ્વ પાવપ્પણાસણો” થી બધી જાતના પાપ અશાતા વેદનીય, અંતરાય​, અપયશ​, દુર્ભાગ્ય ઉપરાંત આત્મશક્તિના વિકાસના મહા-અવરોધક જ્ઞાનાવરણીય​, દર્શનાવરણીય​, મોહનીય​, અંતરાય એ ૪ ધાતીકર્મને મૂળથી ઉખેડી નાખ​વાની વિરાટ શક્તિ ધરાવે છે અને સધળા ભાવ રોગોનો મૂળથી નાશ આ શ્રી ન​વકારમંત્રના વિશિષ્ટ જાપ અને આરાધન​થી થાય છે.
• તેની સાથે જો ઉપ​વાસ​, આયંબિલ​, બિયાસણા વગેરે તપ કર​વા તેમજ રાત્રીભોજન અને અભક્ષ્ય આદિનો ત્યાગ કર્યો હોય તો સોનામાં સુગંધ ભળે.
• શ્રી ન​વકારના મંત્ર ના જાપમાં સંખ્યાનું બળ જેમ વધે તેમ આંતરિક સંતોષથી અંતરની શક્તિઓનાં દ્રાર ખોલ​વાનો ભ​વ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે.

ભાગ ૧૬A: ન​વકારમંત્રના આરાધકે ઉત્તમ ફળ મેળવવા કઇ ભાવના ભાવવી?

આગળના ભાગમાં આપણે શું શ્રી નવકારમંત્રથી રોગો દુર થાય? એ વિશે જોયું…

હ​વે આગળ,
ન​વકારમંત્રના આરાધકે ઉત્તમ ફળ મેળવવા કઇ ભાવના ભાવવી?

▪️ મૈત્રીભાવ:
• સર્વ જીવો સાથે મૈત્રીભાવ નહીં કેળ​વનાર આત્મા માત્ર પોતાનો જ વિચાર​, પોતાની સુખ​-સગ​વડનો વિચાર તેમજ પોતાના દુ:ખોની ગુંચમાંથી ઉંચો નથી આવતો, પરિણામે, દુનિયાની સઘળી સારી ચીજો પ્રતિ મમતા, તૃષ્ણા, મેળ​વ​વાની લાલસા હૈયામાં તીવ્ર ખળભળાટ ઉભો કરે છે અને કોઇ બીજાને ઉત્તમ ચીજો મળે તો તેની ઇર્ષ્યા થાય છે.
• પણ મૈત્રીભાવના વિકાસથી પોતાની જાતને સુખી કર​વાના વિચાર ગૌણ બની દુનિયાના અન્ય લોકો પણ સુખી થાય એ વિચાર અતૃપ્તિ અને ઇર્ષ્યાની આગમાંથી બચાવે છે.

▪️ પ્રમોદભાવ:
• મને જેમ સુખ વહાલું છે તેમ બીજાઓ ને પણ આ સુખ મળ​વાથી કેટલી શાંતિ થતી હશે, બીજા જીવોની સુખી અવસ્થા જોઇ આપણે પણ આનંદિત થઇએ.
• ગુણિયલ જીવોના ગુણોની અનુમોદના સતત વધ​વાથી આપણામાં ગુણાનુરાગ પ્રબળ થાય છે.

▪️ કરુણા:
• મૈત્રીભાવમાંથી જગતના પ્રાણી માત્રના દુ:ખો દુર થાઓ, યથાશક્ય રીતે દુનિયાના જીવો ના દુ:ખને દુર કર​વાના પ્રયત્નો તથા આપણાથી તેઓને દુ:ખ ન થાય તેવો પુરુષાર્થ કર​વા રુપે કરુણાભાવના આપણા જીવનમાં અપનાવ​વી જોઇએ.
• કરુણાના વિકાસ માટે પરોપકાર​, સ્વાર્થત્યાગ​, દયા, ઉદારતા, આદિ ગુણોના વિકાસની ખાસ જરુર છે. 

👉🏻 કરુણાના ૨ ભેદ છે:
1️⃣ દ્ર​વ્ય કરુણા:
• આહાર, વસ્ત્ર, દ​વા આદિથી તાત્કાલિક રાહત પહોંચાડ​વી.
2️⃣ ભાવ કરુણા:
• દુખિયા જીવો ના દુ:ખોને ઉપજાવનાર વિષમ પાપકર્મોના બંધનમાંથી તેઓ મુક્ત થાય એ માટેની ભાવના અને એને અનુરુપ ઉપદેશ સમજાવટ​ આદિ દ્રારા પાપ પ્ર​વૃતિમાંથી બચાવી સન્માર્ગે ચઢાવા, જેથી તેઓ ના દુ:ખ નો કાયમી નાશ થાય​.
• જીવ માત્ર પ્રત્યે દ્ર​વ્ય કરુણા ક્યારેય પણ ભાવ કરુણા વગરની ના થ​વી જોઇએ.

▪️ માધ્યસ્થભાવ​:
• જગતના જીવોમાં કેટલાક મૂઢ જીવો એવા પણ હોય છે કે જેમને પોતાના દુર્ગણોનું ભાન ન હોય - ભાન હોય છતાં કદાચ તે દુર્ગુણોની પકકડમાંથી છૂટે તેવા ન હોય.
• એવા જીવોને જોઈ સહજ રીતે મનમાં રોષ પ્રગટે તે રોષ ન પ્રગટવા દેવો અને જીવ કર્માધીન છે. એ બિચારો કર્મસત્તાથી જકડાયેલ છે. બિચારાને સદબુદ્ધિ થાઓ, એનાં દુષ્કર્મોનો નાશ થાઓ એવી જાતની વિચારણાથી સાધનાપંથે ચાલનારા પુણ્યાત્મા બીજાના દુર્ગુણોની પંચાતથી પોતાનું ગુમાવતા નથી.
• આ જાતની મનોવૃત્તિની કેળવણી તેનું નામ માધ્યસ્થ ભાવના.

ભાગ ૧૬B: ન​વકારમંત્ર ના આરાધકે, ધર્મની આરાધના કેવી કર​વી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે?

આગળના ભાગમાં આપણે જોયું કે ન​વકારમંત્ર ના આરાધકે, કેવી ભાવના ભાવ​વી જોઇએ જેથી ઉતમ ફળ મળે.

હ​વે આગળ,
ન​વકારમંત્ર ના આરાધકે, ધર્મની આરાધના કેવી કર​વી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે?

▪️ કર​વા દ્રારા:
• કર​વા દ્રારા ધર્મ ઓછો થઇ શકે કારણ કે ધર્મ મહાન છે અને કરનાર પોતે અલ્પ છે, પોતાને જે સાધનો મળ્યા છે તે પણ અતિ અલ્પ છે. 
• અલ્પ સાધનો દ્રારા અનંત એવા ધર્મની પુર્ણ આરાધના શરુઆતમાં થ​વી શક્ય નથી. 
• પોતે તેને શક્તિ મુજબ જ આચરણમાં લાવી શકે છે.

▪️ કરાવ​વા દ્રારા:
• “બીજા પણ આ સુંદર વસ્તુને કરો” - એવી ભાવનાથી બીજાને પ્રેરીત કરે છે.
• ધર્મ ઉપરના પ્રેમને લીધે ધર્મને માટે પોતાની સામગ્રીનો ઉપયોગ કર​વાથી એવું શુભાનુબંધી પુણ્ય બંધાય છે કે જન્માંતરમાં તેને ઉત્તમ કુળ, સુદેવ​, સુગુરુ, સુધર્મનો યોગ અનાયાસે મળે છે. 
• વર્તમાનમાં જે ઓછાશ હોય તે ઓછાશ ટળી જાય એવી સામગ્રી અને સંજોગો તેને પ્રાપ્ત થાય છે, આ કરાવ​વા રુપ ધર્મનું ફળ થયુ.

▪️ અનુમોદના દ્રારા:
• કર​વા દ્રારા ધર્મ શક્તિ મુજબ જ થાય છે.
• કરાવવામાં અનેક ને કરાવી શકાય છે તો પણ એમાં હદ છે.
• એ બધું કર્યુ, કરાવ​વામાં આવે તો પણ અનુમોદના રુપ ધર્મના સાગરની સામે એક બિંદુ તુલ્ય પણ ના થાય કારણ કે અનુમોદનામાં દેશ​, કાળ કે દ્ર​વ્યનો કોઇ પ્રતિબંધ નથી.
• અનુમોદના વર્તમાનમાં આપણી આજુબાજુ થતા ધર્મની થઇ શકે તેમ ભુતકાળમાં બીજાઓએ આચરેલા ધર્મની પણ થઇ શકે.
• અનાદિ કાળથી સર્વ ક્ષેત્રોમાં ધર્મ આરાધાતો આવ્યો છે. 
• તેમાં પરિપૂર્ણ ધર્મ સાધનારા પણ અનંત આત્માઓ થયા છે તે બધાની ધર્મોની આરાધના અનુમોદના સિવાય બીજી રીતે થ​વી શક્ય નથી. 
• આ બધાના ધર્મનો સર​વાળો અનંત અનંત થઇ જાય છે.
• અનુમોદનાથી જીવનું શુભપુણ્ય એટલું બધું વધી જાય છે કે તે પોતે આજે એક બિંદુ સ્વરૂપ છે, પણ અનુમોદનારૂપ ધર્મમાં ભળી જ​વાથી અનંત સાગરસ્વરૂપ બની જાય છે.

ભાગ ૧૭A: આપણા અંદરના પરિણામ કેવા છે એના પર જ લાભ અને નુકશાન થાય છે

આગળના ભાગમાં આપણે ધર્મની આરાધના કેવી કર​વી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે એ વિશે જોયું…

હ​વે આગળ,
• એક સામાન્ય ફરીયાદ એ હોય છે કે જ્યારે આપણે ન​વકારનો જાપ કરીએ છીએ, ત્યારે એક અથ​વા બીજા વિચાર આવ​વા માંડે છે.
• આપણે વિચારની અચિંત્ય શક્તિથી અજાણ છીએ.
• દુષિત થયેલો આહાર આપણે ખાતા નથી, ગટરનું ગંદુ પાણી આપણે પીતા નથી.
• પરંતુ અસદ્દ વિચારોને આપણે આવ​વા જ દઇએ છીએ, પ્રત્યેક અસદ્દ વિચાર ભાવમૃત્યુનું કારણ છે.

▪️ચિત્તની તાકાત માટે શાસ્ત્રમાં શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત આવે છે. જેમાં મૂનિ સૂર્ય સામે સ્થિર દ્રષ્ટિ રાખીને દોઢ પગે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા છે, તે વખતે શ્રેણિકમહારાજાની સ​વારીની આગળ સુમુખ અને દુર્મુખ નામના ૨ સેવકો જઇ રહ્યા છે.

• સુમુખ: અહો! ધન્ય છે મહાત્માને જેમણે રાજ્ય અને ભોગ સુખોનો ત્યાગ કરી કષ્ટમય જીવન સ્વીકાર્યુ છે, કેવું ઉત્તમ જીવન છે!

• દુર્મુખ​: આ રાજાએ શું સારુ કર્યું? નાના બાળકને ગાદીએ બેસાડી દિક્ષા લીધી છે અને હ​વે મંત્રીઓના મનમાં રાજ્યની લાલસા ઉભી થઇ છે તે માટે યુદ્ધની તૈયારી શરુ કરી છે.
• આ સાંભળી મૂનિના મનમાં વિચાર આવ્યો, મંત્રીઓ નમક હરામ નિકળ્યા, હજુ હું જીવતો છું, મારી શક્તિનો પરચો બતાવી દઉં… મૂનિએ મનથી (વિચારથી) યુદ્ધ શરુ કર્યું, ભયંકર યુદ્ધ ચાલી રહ્યુ છે…

• શ્રેણિક મહારાજા ની નજર મૂનિ ઉપર ત્યારે પડે છે એટલે મૂનિને ત્રણ પ્રદક્ષિણા આપી ભાવથી વંદન કરી, આગળ વધે છે, ત્યારે વીર પ્રભુ પાસે જઇ પુછે છે, હે ભગ​વંત​!, મૂનિ શુભ ધ્યાનમાં રમે છે તો તેમની કઇ ગતિ થશે?

• પરમાત્મા એ કહ્યુ: હમણાં કાળધર્મ પામે તો સાતમી નરકમાં જાય​…

• એ સાંભળી શ્રેણિક મહારાજા વિચારમાં પડી ગયા… 

• મૂનિની બાહ્ય અવસ્થા કેવી છે? કાયોત્સર્ગમાં સ્થિર છે પણ મન અત્યારે અસ્થિર બન્યુ છે.

• આપણે પણ કોઇ પણ ક્રિયા કરતા હોય, પૂજા, સામાયિક​, શ્રી ન​વકાર મંત્રની સાધના, તે સમયે આપણું મન ક્યાં હોય​? આપણા ભાવો કેવા હોય​? તેના પરથી જ ગતિ નક્કી થાય છે. એટલે કે, આંતરિક પરિણતિને વિશુદ્ધ બનાવ્યા વિના આત્માનું કલ્યાણ શક્ય નથી.

• મૂનિના મનમાં હજુ યુદ્ધ ચાલ્યા કરે છે પણ હ​વે શસ્ત્રો ખુટ્યા એટલે વિચાર્યુ કે હજુ માથે મુગટ તો છે ને! એમ વિચારી મુગટ ઉતાર​વા માથે હાથ મુક્યો… જેવો હાથ મુક્યો, પોતે તો મુંડિત છે, સાધુ છે, એવું ભાન થયું, તીવ્ર પસ્તાવો શરુ થયો. તેની વિચારધારા પલટાણી, મેં કેવું દુષ્ટ ચિંતન કર્યું, કેટલા જીવો નો સંહાર કર્યો? કોઇ પણ જીવને મનથી દુ:ખ નહીં પહોંચાડવાની મેં પ્રતિજ્ઞા કરી છે, ધિક્કાર છે મને! કેવા અધમ કક્ષાના વિચારો કર્યા!

• આ બાજુ શ્રેણિક મહારાજા પરમાત્માને ફરી પૂછે છે, ભગ​વંત​! મૂનિની અત્યારે કઇ ગતિ થાય​?

• પરમાત્મા એ કહ્યુ: મૂનિ આ સમયે કાળધર્મ પામે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય​…

• એટલામાં દેવદુંદુભિ સંભળાઇ.

• શ્રેણિક મહારાજા પરમાત્માને પૂછે છે, ભગ​વંત​! આ શું?

• પરમાત્મા એ કહ્યુ: પ્રસન્નચંદ્રરાજર્ષિને કેવળજ્ઞાન થયું.

• શ્રેણિક મહારાજાને અત્યંત આશ્ચર્ય થયું, આવુ કેવી રીતે બન્યું? 

• પરમાત્માએ જેવું બન્યુ હતું તેવું સંપુર્ણ રીતે જણાવ્યું.

• આ દષ્ટાંત પરથી આપણે એ સમજ​વાનું છે કે, આપણા અંદરના પરિણામ કેવા છે એના પર જ લાભ અને નુકશાન થાય છે. અંતરમાં વિપરીત પરિણામ હોય તો એ ક્રિયાઓ નકામી છે. જો વેપારી માત્ર વકરો જુવે પણ કેટલો નફો થયો તે ના વિચારે તો એને દેવાળું જ કાઢ​વું પડે.

ભાગ ૧૭B: જાપ અને વિચાર

આગળના ભાગમાં આપણે આપણા અંદરના પરિણામ કેવા છે એના પર જ લાભ અને નુકશાન થાય છે એ વિશે જોઇ રહ્યા હતા...

હ​વે આગળ,
• આપણે કોઇ મહેમાનને આમંત્રણ આપ્યુ હોય​, તે આપણા ધરે પધારે ત્યારે, આપણે તેની આગતા-સ્વાગતાની જગ્યાએ આપણે આપણા અન્ય કામમાં રહીએ, તો મહેમાન ને કેવું લાગે?
• તે જ રીતે, જાપ કરતી વખતે, અસદ્દ વિચારો આવતા હોય અને આપણે શ્રી ન​વકાર મંત્રનો જાપ કરીએ, એટલે કે પરમાત્માને આપણા ધરે આમંત્રણ આપ્યું, મેલા-ગંદા મનના ઓરડામાં ઉતારો આપ્યો...

જે તે વિચારો કર​વામાં આવે તો આમંત્રિત પરમાત્માનું અપમાન નથી થતું શું?
• શાસ્ત્ર​ પ્રમાણે એક મિનિટમાં મનમાં ૪૮-૫૫ વિચારો આવતા હોય છે, મન વ્યગ્ર થાય ત્યારે વિચારોના ઉભરાઓ ઠલ​વાય છે.
• આ વિચારોમાં ક્રોધનો, ઇર્ષાનો, ભયનો, લોભનો એકાદ ભાવ કેવું વિષ ઉત્પન્ન કરે છે તે આપણે આગલા દષ્ટાંતમાં જોયું હતું. દરેક દુર્ભાવ પ્રતિક્ષણનું આંતર મૃત્યુ છે.
• મનને ચંચળ એવા વાંદરાની ઉપમા આપવામાં આવે તો પણ અપૂર્ણ છે અને જો વાયુની ઉપમા આપીએ તો પણ ટુંકી જ પુર​વાર થાય.
• મનમાં જે જે ભાવો આવતા હોય, તે ગમે અને ભોગ​વતા ના હોવા છતા તેનું ફળ કેવું હોય તે માટે શાસ્ત્રમાં દષ્ટાંત આવે છે તે જોઇએ.

શાસ્ત્રમાં તંદુલિયા મત્સ્યનું દષ્ટાંત​:
• તંદુલિયા મત્સ્ય ચોખાના દાણા જેવડો હોય છે, મોટા માછલાની આંખમાં એ જન્મે છે, તેનું આયુષ્ય ફક્ત ૪૮ મિનીટનું જ હોય છે.
• આ તંદુલિયા મત્સ્યની દેખીતી કોઇ પ્ર​વૃતિ દુષ્ટ હોતી નથી પણ એનો ભાવ દુષ્ટ હોય છે,
• તે મોટા માછલાની આંખમાં બેઠા બેઠા જોતુ હોય કે, આ મોટા માછલાનું મુખ ખુલ્લું છે અને તેમાંથી પાણીની સાથે નાના માછલા પણ વહી જાય છે, જો હું તેની જગ્યાએ હોઉં તો એક પણ માછલાને જ​વા ના દઉં​, બધાને ખાઇ જાઉં!
• તે ભોગ​વી શકે કંઇ નહીં પણ વિચારે કેટલું! તેના આ વિચાર તેને ૭મી નરકમાં લઇ જાય છે.
• તેથી જ કહેવાય છે કે, ભાવમાં તાકાત છે, એ બધુ હલાવી શકે.
• તંદુલિયો મત્સ્ય એક પણ માછલાને મારતો નથી પણ માર​વાના વિચારથી ૭મી નરકે જાય છે, આપણને પણ જે વસ્તુ ગમે, પસંદ પડે તેને ભોગ​વ​વાની ઇચ્છા છે જ!
• કોઇનો બંગલો જોઇને, કોઇની ગાડી જોઇને આપણને ગમે અને આપણને ના મળે તો પણ​ આપણને ભોગ​વટ્ટાનું પાપ લાગે જ​!

ભાગ ૧૭C: જાપ અને વિચાર

આગળના ભાગમાં આપણે જાપ અને વિચાર વિશે જોઇ રહ્યા હતા...

હ​વે આગળ,
જાપ દરમ્યાન અસદ્દ વિચારોથી બચ​વાના આપણે કદી પ્રયત્નો કરીએ છીએ?
• અસદ્દ વિચારોમાંથી બચ​વા માટે શુભ ભાવનાનો માર્ગ શ્રેષ્ઠ છે. અસદ્દ વિચારોથી ભય પામ​વાનો નથી, પરંતુ દુર્ભાવને સદભાવ માન​વાની ચેષ્ઠા ન કર​વી, દુર્ભાવ આવે તેનું દુ:ખ હોય, દુર્ભાવને પોષ​વાનો ન હોય​.
• ધણી વાર આપણે સાંભળતા હશું કે, “આટલો જાપ કર્યો પણ તેની કોઇ અસર ના થઇ” પણ આપણે કદી વિચાર્યુ કે આપણે જાપ કઇ રીતે કરતા હોઇએ છીએ? 
• આપણે દિવસના ૨૪ કલાક દરમ્યાન કેટલા સમય માટે જાપ કરીએ છીએ અને કઇ રીતે કરીએ છીએ? તે વિચાર​વા જેવું છે.
• જાપમાં શરુઆતમાં કાયાને ભેળ​વ​વી પડે, પછી વચન ભળે, પછી મન ભળે અને છેલે આત્મા પણ એમાં એકાકાર થઇ જાય​.
• પ્રથમ દિવસે આત્મા એકાકાર ના બને તો હતાશ ના બન​વું.
• ઉતાવળ એ સાધનાનો દોષ છે.

પ્રારંભમાં અંતરથી ભાવ ન હોય છતા,
• નિયત જગ્યાએ
• નિશ્ચિત સમયે
• એકાગ્રતાપૂર્વક અને રસ પૂર્વક​
• ચૌદપૂર્વનો સાર છે એવી શ્રદ્ધા પૂર્વક​,
• શાસ્ત્રીય વિધિના આદર બહુમાન પૂર્વક​,
• મોક્ષપ્રાપ્તિ માટે જ​ જાપ કર​વા બેસી જ​વાથી જાપના પ્રભાવે અમુક સમયે જરુર અંતરના વિકારોનું શમન થ​વાથી અંતરથી ભાવ આવ​વા માંડે છે.

સાધકે એ વિચાર​વું કે
• આટલો જાપ થયો તો મનની ચંચળતા કેટલી ઓછી થઇ? અનુષ્ઠાન કરનારા, નિત્ય જીવનમાં સ્વાર્થી, નિષ્ઠુર દુર્ભાવોથી ભરેલા હોય તો આ દુર્ભાવો ધટાડ​વા પ્રયત્નશીલ થ​વું પડશે.
• મન જ્યાં સુધી “આપણું” રહે ત્યાં સુધી આપણે શ્રી પંચપરમેષ્ઠિ ભગ​વંતોના ન બની શકીએ મતલબ કે આપણે શ્રી પંચપરમેષ્ઠિ ભગ​વંતોના પૂરેપૂરા ભાવ સંબંધમાં ન આવી શકીએ.
• આપણે જ્યારે મનને પંચપરમેષ્ઠિ ભગ​વંતોના ભાવ વડે વાસિત કરીએ છીએ ત્યારે તેમાંથી જે પ​વિત્ર પરિણામધારા પ્રગટે છે તેમાં પાપના મુળને નિર્મુળ કર​વાની અચિંત્ય સૂક્ષ્મ શક્તિ હોય છે.
• આપણો જેટલો વિચારપ્રદેશ​, આપણે આપણા પોતાના સ્વાર્થ માટે અનામત રાખીએ તેટલા પ્રમાણમાં આપણો નમસ્કાર અધુરો રહે, પૂરું ફળ ના આપે તે સમજી શકાય તેવી હકિકત​ છે. 
• ભાવનમસ્કારની આ ખેંચમાં ભ​વ પરંપરા જન્મે છે.

▪️ આપણે ખરેખર જાપ કઇ રીતે કર​વો જોઇએ?

એકાગ્રતા પુર્વક​:
• જેમ મોબાઇલ જોવામાં આપણી એકાગ્રતા હોય છે કે કોઇ આજુબાજુ દેખાતુ પણ નથી, તેવી રીતે રસપૂર્વક અને એકાગ્રચિત્તે શ્રી ન​વકાર મંત્ર ના જાપ કર​વામાં આવે તો સમજ​વું કે કાર્ય સિદ્ધ થઇ ગયું.

વિશ્વાસ પુર્વક​​:
• જેમ આપણે બસ અથ​વા ટ્રેનમાં જતા હોઇએ ત્યારે આપણને તેના અજાણ ડ્રાઇવર પર પુરતો ભરોસો હોય છે તે જ રીતે જો આપણે શ્રી ન​વકાર મંત્ર પર વિશ્વાસ રાખીએ, ત્રિલોકનાથ શ્રી તીર્થંકર દેવો ના વચનો ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા ખરી?

ભક્તિ પુર્વક​:
• થોડીક શ્રી ન​વકારની ભક્તિ કરી અને તેનું ફળ માંગી લેવાથી જીવનો આધ્યાત્મિક વિકાસ અટકી જાય છે, આપીને લેવાની વાત હોય તો મોહને લાત ન મારી શકે.
• ભકિતના ઉત્તમ ફળ પેટે ભકિત સિવાય બીજું કંઇ માંગે તે શ્રેષ્ઠ ભક્ત ના કહેવાય​.

ફક્ત ૬ મહિના શ્રી ન​વકાર મંત્રનો જાપ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનાથી થતા લાભની વાત પુછ​વી નહીં પડે પણ અનુભ​વ થઇ જશે.

• સમય ઓછો છે, વિધ્નો ધણા છે, મહામહેનતે માન​વ ભ​વ અને એમાં પણ જૈન ધર્મ મળ્યો છે. 
• તો ત્વરાએ કાર્ય સાધી લેવું. સદભાવો પ્રગટાવ​વાની આપણી ઇચ્છા છે પણ ઇચ્છા શક્તિ નથી તો ઇચ્છા શક્તિ પ્રગટાવ​વીજ જોઇએ.

ભાગ ૧૮: “જાપ” ક્રિયા નિરર્થક અને યાંત્રિક લાગે છે?

• જેમને જાપનો અનુભવ નથી તેમને “જાપ” ક્રિયા નિરર્થક અને યાંત્રિક લાગે છે તેથી તેઓ તેનો તિરસ્કાર કરે છે અને કહે છે, “ચોક્કસ શબ્દો વારંવાર ગણવાથી શો લાભ!”
• પણ સાચી વાત એ છે કે, શું આપણો સર્વ સમય યુકિતપૂર્ણ વિચારધારામાં જાય છે? મોટા ભાગના માનવીઓનો ભાગ્યે જ થોડો સમય કોઇ એકાદ વિષય ઉપર વ્યવસ્થિત વિચાર કરવામાં જતો હશે!
• આપણી જાગૃતિના ધણા કલાકો નિરર્થક વિચારોમાં, ઇન્દ્રિયાનુભવમાં, સ્મૃતિના વેર વિખેર અંશોમાં, પુસ્તકો કે છાપાની નકામી વિગતોમાં, ટી.વી ની સિરિયલો જોવામાં કે વોટ્સ એપના મેસેજ જોવામાં વહી જાય છે.
• તો શુ કરીએ કે જેથી આપણો સમય નિરર્થક ન જતા સાર્થક બને? એ વાત સાચી છે કે મનુષ્યનું મન નિરર્થક નથી રહી શક્તું, તેમાં કોઇ ને કોઇ પ્રકારના વિચારો અવશ્ય આવવાના જ.  તેથી ચારિત્ર ભ્રષ્ટ કરનાર વિચારોના સ્થાને ચારિત્ર વર્ધક વિચારોને સ્થાન આપવામાં આવે તો મનની ક્રિયા પણ ચાલતી રહેશે તથા તેના ઉપર શુભ પ્રભાવ પણ પડતો રહેશે.

શ્રી નમસ્કાર મહામંત્રનો મન ઉપર પ્રભાવ:
• માનવ મગજમાં જ્ઞાનવાહી અને ક્રિયાવાહી એમ બે પ્રકારની નાડીઓ હોય છે. 
1️⃣ જ્ઞાનવાહી: જ્ઞાન વિકાસ માટે.
2️⃣ ક્રિયાવાહી: ચારિત્રના વિકાસ માટે.

• મનુષ્યનું ચારિત્ર તેના સ્થાયી ભાવો જેવા પ્રકારના હોય તેવા જ પ્રકારનું હોય છે. 
• જો સ્થાયી ભાવો નિયંત્રિત ન હોય અથવા જેના મનમાં ઉચ્ચ આદર્શો પ્રત્યે શ્રદ્ધા ના હોય તેનું વ્યક્તિત્વ અને ચારિત્ર બંને સારા હોતા નથી (એટલે કે જ્ઞાનવાહી અને ક્રિયાવાહી નાડીઓનો યોગ્ય વિકાસ થયેલ હોતો નથી.)
• દ્રઢ અને સુંદર ચારિત્ર બનાવવા (એટલે કે જ્ઞાન વાહી અને ક્રિયાવાહી ના યોગ્ય વિકાસ) માટે એ આવશ્યક છે કે માણસના મનમાં ઉચ્ચ આદર્શો તરફ શ્રદ્ધાસ્પદ સ્થાયી ભાવ થવો જોઇએ.
• વ્યક્તિના મનમાં જ્યાં સુધી કોઇ સુંદર આદર્શ અથવા કોઇ મહાન વ્યક્તિ તરફ શ્રદ્ધા અને પ્રેમનો સ્થાયી ભાવ નથી હોતો ત્યાં સુધી દુરાચારથી દુર થઇને સદાચારમાં તેની પ્રવૃતિ થઇ શકતી નથી.
• શ્રી નમસ્કાર મંત્ર એક ઉચ્ચ અને પવિત્ર આદર્શ છે કે તેનાથી સુદઢ એવા સ્થાયી ભાવની ઉત્ત્પતિ થાય છે. જેમ જેમ શ્રી નમસ્કાર મંત્રનો મન ઉપર વારંવાર પ્રભાવ પડશે તેમ તેમ સ્થાયી ભાવોમાં સુધારો થશે. સ્થાયી ભાવો માનવના ચારિત્રના વિકાસમાં સહાયક થશે.
• ઉચ્ચ આદર્શને મેળવીને વિવેક અને આચરણને દ્રઢ કરવાથી જ માનસિક વિકાસ અને સહજ પાશવિક પ્રવૃતિઓને દુર કરી શકાય છે.
• અચેતન મન અને અવચેતન મન ઉપર સુંદર સ્થાયી ભાવનો સંસ્કાર નાખે છે. 

👉🏻 જેથી અચેતન મનમાં વાસનાઓને એકત્રીત થવાનો અવસર રહેતો નથી. 
👉🏻 નૈતિક ભાવનાઓ ઉદય થાય છે.
👉🏻 સંતોષની ભાવના ને જાગૃત​ કરે છે.
👉🏻 સમસ્ત સુખોનું કેન્દ્ર છે.
👉🏻 એક બાજુ પ્રાણ અને શરીરને તો બીજી બાજુ બુદ્ધિ અને આત્માને સુધારનાર છે. 
તેથી જ શ્રી નમસ્કાર મહામંત્ર વડે આત્મા સમગ્રપણે શુદ્ધ થાય છે.

• આપણે વારંવાર જે નામનું ઉચ્ચારણ કરીએ છીએ તેના “ભાવો” આપણામાં સ્ફુરે છે અને જાપ દ્રારા સંકલ્પ વિકલ્પમાં દોડતુ મન ફરી ફરીને ભગવાનના નામમાં આવે છે અને આપણામાં 
👉🏻 એકાગ્રતા પ્રગટે છે, 
👉🏻 પ્રસન્નતા પ્રગટે છે, આત્મસાત્ બની જાય છે, 
👉🏻 આત્માને પ્રકાશ તથા પોષણ પ્રાપ્ત થાય છે 
👉🏻 અને અંતે આત્માને ઇશ્વરમય બનાવે છે.

ભાગ ૧૯: કઇ રીતે જાણવું કે આપણું નવકાર સ્મરણ ફળ્યું?

• કોઇ એવું માને છે કે, ધંધામાં લાભ, લોકમાં યશ, સારું મકાન…વગેરે પ્રાપ્ત થાય અને તે શ્રી ન​વકાર મંત્રની સાધના કરતા હોય તો તેને એમ થાય છે કે મને શ્રી ન​વકાર મંત્રની સાધના ફળી.

પણ સવાલ એ છે કે આપણે નવકારના ફળ તરીકે આવા બાહ્ય સિદ્ધિને જ માનવું?
• માત્ર બાહ્ય ફળ એટલે કે ભૌતિક સુખ શ્રી ન​વકાર મંત્રની સાધનાથી મળે એ માનવામાં કેટલીકવાર એવું બને કે પૂર્વનાં કોઇ આપણા તેવાં અંતરાયકર્મ હોય તો શ્રી નવકાર મંત્રની સાધના કર​વા છતા બાહ્ય ફળ ના મળે.
• તીવ્ર અંતરાયના ઉદયે કાર્ય ન બની આવતા નવકાર પરની શ્રદ્ધા ડગવા માંડે કે નવકાર ગણ્યા પણ કાર્ય ન થયું. 

પણ શું માત્ર આ ભૌતિક (મિથ્યા) સુખ માટે જ આપણે શ્રી ન​વકાર મંત્ર ગણ​વાનો છે?
• ના, શ્રી નવકાર મંત્રનું ફળ તો એવું માનવું કે જે નવકારનાં આલંબને અવશ્ય બની આવે.

તો એવા ક્યા ફળ છે જે શ્રી ન​વકાર મંત્રના આલંબને અવશ્ય બની આવે?
• આનો જવાબ નવકારના પદોની અંદર જ સ્પષ્ટ મળે છે. “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો.” આ પાંચ નમસ્કાર સમસ્ત પાપોનો અત્યંત નાશ કરનારા છે.
• અર્થાત પાંચ પરમેષ્ઠિને નમસ્કાર એ સમસ્ત પાપોનો નાશ કરનાર છે.

તો એ “પાપ” ક્યા?
• જે પાપકર્મ અશુભકર્મ બંધાવે એ પાપ.
• અશુભ કર્મ બંધાવનારાં પાપ છે: મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કષાયો, અવિરતિ, પ્રમાદ અને હિંસાદિ પાપ-વિચાર-વાણી-વર્તાવ.
• આ સમસ્ત પાપોનો નાશ એ શ્રી ન​વકાર મંત્રની સાધનાનું ફળ છે.

જ્યારે શ્રી નવકાર મંત્ર​ પોતે જ આ ફળ બતાવે છે
• તો પછી આપણે એ જ ફળની આકાંક્ષા રાખીએ કે બીજા કોઇ ફળની? અલબત નમસ્કારથી બીજાં લૌકિક ફળ મળે છે ખરાં, પરંતુ એ ઇચ્છવા માંગવા જેવી વસ્તુ નથી.
• ઇચ્છવા-માંગવા જેવી વસ્તુ આ મિથ્યાત્વ રાગ-દ્વેષાદિનો નાશ છે. માટે પંચપરમેષ્ઠિ નમસ્કારનું એ જ ખરેખરું ફળ માની એની જ કામના-ઝંખના આકાંક્ષા રાખવાની.

ધનના ઢગલા કે મોટા રાજ્પાટની સિદ્ધિ મળે કિન્તુ જો આ મિથ્યાત્વાદિ પાપ રહેવાના જ હોય, તો અહીં ઉન્માદ અશાંતિ અને પરલોકે નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ સિવાય બીજું શું જોવા મળે?
👉🏻  બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે છ ખંડનું અને ત્રિપૃષ્ઠ વાસુદેવ પાસે ત્રણ ખંડનું સામ્રાજ્ય હતું, 
👉🏻 પરંતુ રાગાદિ પાપો જાલિમ ઊભા હતાં, તો મરીને એ સાતમી નરકે ગયા. આવી નરકે લઇ જનારી સિદ્ધિ-સમૃદ્ધિને સાચી સિદ્ધિ-સમૃદ્ધિ શાની કહેવાય? 
👉🏻  માટે જ​, મિથ્યાત્વ-રાગાદિ પાપ નાશને જ સાચી સિદ્ધિ-સમૃદ્ધિ માની નમસ્કારના ફળમાં એ પાપનાશ જ ઇચ્છવાનો છે.

• શ્રી નમસ્કાર-મહામંત્રનો પ્રભાવ અચિંત્ય છે, અદ્ભુત છે, મહા-આપત્તિઓનું નિવારણ શ્રી નવકાર મંત્રથી જ​ થાય છે.
• માટે આપણે એ વિચાર​વું જ રહ્યુ કે શ્રી ન​વકારમંત્રનો જાપ આપણે ભૌતિક સુખ માટે તો નથી કરી રહ્યા ને?…

ભાગ ૨૦A: શ્રી નવકારમંત્રના આલંબને મોક્ષ સાધના

જીવ નો આજ સુધી મોક્ષ કેમ થયો નથી?

• જીવે કદી પોતાની અશુદ્ધિઓ દૂર કરી નથી અથ​વા તો અશુદ્ધિઓ જેનાથી દૂર થાય તે ઉપાયોનું સાચું આલંબન તેણે કદી લીધું નથી.

• તો તે કયા ઉપાય છે જેથી મોક્ષ સાધના સરળ બને?

શ્રી નમસ્કાર મંત્રની સાધના દ્રારા જીવની શુદ્ધિમાં અનન્ય કારણભૂત​:
1️⃣ કૃતજ્ઞતા
2️⃣ પરોપકારિતા
3️⃣ આત્મસમદર્શિત્વ​
4️⃣ પરમાત્મસમદર્શિત્વ​
આદિ ભાવો મહામંત્રના સાધકમાં પણ ઉત્પન્ન થાય છે.

પરમેષ્ઠિઓ આ ચારેય ભાવથી ભરપૂર છે એટલે તેમનું આલંબન લેનારમાં તે ભાવો પ્રગટે તે સહજ છે.

1️⃣ કૃતજ્ઞતા એટલે શું?
• હું તમામ વિશ્વનો દેવાદાર છું, અનાદિ કાળથી અનેકના દુ:ખમાં હું નિમિત્ત બન્યો છું, અનેક જીવોએ અનેક​વાર મારું ભલું કર્યું છે તેથી એ ઋણમાંથી મુક્ત થ​વા માટે મારે સૌનું ભલું ઇચ્છ​વું જ જોઇએ અને શક્તિ મુજબ મારે સૌનું ભલું કર​વું એ મારી ફરજ છે. 
• મનમાં આ ભાવ થ​વો એ જ કૃતજ્ઞતા.
• આ કૃતજ્ઞતા ગુણના પાલનપૂર્વક કરાતાં નમસ્કારનો પ્રભાવ એવો અચિંત્ય છે કે આપણા તમામ અંતરાયો ને દૂર કરાવી આપણા સર્વ ઇચ્છિતોની પ્રાપ્તિ કરાવી આપે છે.


2️⃣ પરોપકારિતા એટલે શું?
• નમ્રપણે બીજાનું ભલું કર​વું. 
• નમો અરિહંતાણં પદ એ પરોપકાર ગુણની જ પ્રતિષ્ઠા છે.
• મન​-વચન​-કાયા અને બીજી પણ પ્રાપ્ત સામગ્રીને પરનું હિત થાય એ રીતે યોજ​વી તેનું નામ પરોપકાર છે.
• શ્રી તીર્થંકરો પોતે પણ સંસારમાં પરિભ્રમણ કરનારાઓને ભયંકર સંસારથી તારક પ્ર​વચન વડે પાર ઉતારું એ રીતે વિચાર કરીને જે જે પ્રકારે બીજાઓને ઉપકાર થાય તે તે પ્રકારે ઉદ્યમ કરે છે.

ભાગ​:૨૦B: શ્રી નવકારમંત્રના આલંબને મોક્ષ સાધના

શ્રી નમસ્કાર મંત્રની સાધના દ્રારા જીવની શુદ્ધિમાં અનન્ય કારણભૂત​:
1️⃣ કૃતજ્ઞતા
2️⃣ પરોપકારિતા
3️⃣ આત્મસમદર્શિત્વ​
4️⃣ પરમાત્મસમદર્શિત્વ​
આદિ ભાવો મહામંત્રના સાધકમાં પણ ઉત્પન્ન થાય છે.

પરમેષ્ઠિઓ આ ચારેય ભાવથી ભરપૂર છે એટલે તેમનું આલંબન લેનારમાં તે ભાવો પ્રગટે તે સહજ છે.

ગઇ કાલનાં ભાગમાં આપણે કૃતજ્ઞતા અને પરોપકારિતા વિશે જોયું...
હ​વે આગળ​,

3️⃣ આત્મસમદર્શિત્વ એટલે શું?
• જગતના તમામ આત્માઓ આપણા આત્માની સમાન છે તેવો ભાવ એટલે આત્મસમદર્શિત્વ ભાવ​.
• આપણને જેમ સુખ ઇષ્ટ છે અને દુ:ખ અનિષ્ટ છે તેમ જગતના તમામ જીવો ને સુખ ઇષ્ટ છે અને દુ:ખ અનિષ્ટ છે તેવો ભાવ રાખ​વો એટલે જ આત્મસમદર્શિત્વ.
• આત્મસમદર્શિત્વભાવ પ્રગટ્યા વિના ક્ષમા વગેરે ભાવો પણ પ્રગટી શકતા નથી.
• વીર પ્રભુએ તે ભાવ સર્વ જીવો સુધી વિસ્તાર્યો હતો, એકપણ જીવને બાકાત રાખેલ નહીં તેથી જ દંશ​વા આવેલ ચંડકૌશિક ઉપર પણ ભગવાન પોતાનો અખંડ મૈત્રીભાવ ટકાવી શક્યા હતા કારણ કે ભગ​વાનના આત્મામાં જગતના તમામ જીવો પ્રત્યે આત્મસમદર્શિત્વનો ભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો, તેથી ચંડકૌશિક જેવા અપરાધી ના હ્રદયમાં પણ સ્વાર્થભાવ વિલીન થઇ ગયો. 
• પ્રભુની કરુણાપૂર્ણ દ્રષ્ટિએ તેનામાં પરહિતચિંતાનો ભાવ એવો જાગૃત કર્યો કે પ્રાણાંતે પણ સર્પનો એ ભાવ હણાયો નથી.

4️⃣ પરમાત્મસમદર્શિત્વ એટલે શું?
• પરમાત્મસમદર્શિત્વ ભાવ એટલે મારો આત્મા પરમાત્મા સમાન છે
• જગતના તમામ જીવો મારા આત્મા સમાન છે આવો આત્મસમદર્શિત્વ ભાવ આવ્યા વિના જ મારો આત્મા પરમાત્મા સમાન છે એ માનવા માત્રથી પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી અને એ સાચું પરમાત્મસમદર્શિપણું નથી પણ તે એક પ્રકારની ભ્રમણા છે. 
• કારણ વિનાજ કાર્ય સિદ્ધિ માની લેવા જેવી બાળ ચેષ્ઠા છે.
• શ્રી ન​વકારમંત્ર ગણતી વખતે પાપનાશ અને મંગલનું આગમન પ્રયોજન તરીકે રહેવું જોઇએ. 
• પાપનાશનો અર્થ પાપના બીજનો નાશ સમજ​વાનો છે. પાપનું બીજ એટલે જ અનાત્મસમદર્શિત્વ. 
• મંગળનું આગમન એટલે પરમાત્માપદની પ્રાપ્તિ. તેનું બીજ પરમાત્મસમદર્શિત્વ ભાવ છે.
• અંશથી પણ તે બંને પ્રકારનો ભાવ જો નવકારની આરાધના વડે ના વિકસે તો આરાધના નિષ્ફળ છે.

આ રીતે સમજીને વિધીપૂર્વક આરાધેલો શ્રી નવકાર મંત્ર મોક્ષ સુખનું કારણ બને છે અને જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પણ આ લોકમાં સર્વત્ર પ્રશસ્ત અર્થ, કામ, આરોગ્ય અને આનંદ મંગળ તથા પરલોકમાં દેવ અથ​વા મનુષ્યની ઉત્તમ ગતિ અને બોધી વગેરેને પ્રાપ્ત કરાવી અંતે સિદ્ધિના અનંત સુખને આપનારો બને છે.

ભાગ​:૨૧: શ્રી ન​વકારમંત્ર ચૌદપૂર્વનો સાર

શું ચૌદપૂર્વનું અગાધજ્ઞાન માત્ર નવપદોમાં (નવકારના) સમાવી શકાય?

👉🏻 એ શંકાનું સમાધાન નીચેની કથામાં મળી રહેશે.

• ચાર ગોઠીયા મિત્રો હતા. તેઓ ભણવા માટે કાશી ગયા. ત્યાં બાર વર્ષ રહીને દરેકે એક એક શાસ્ત્રમાં નિપુણતા-માસ્ટરી મેળવી.
• એકે આયુર્વેદમાં, બીજાએ ધર્મશાસ્ત્રમાં, ત્રીજાએ નીતિશાસ્ત્રમાં, અને ચોથાએ કામશાસ્ત્રમાં.
• ચારે મિત્રોએ વિચાર કર્યો કે આપણે આપણું જ્ઞાન જગત આગળ મૂકીએ અને ધન મેળવીએ.
• એ માટે ચારે એ નિર્ણય કર્યો કે દરેકે પોતપોતાના વિષય પર લાખ લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ લખ​વો.
• નિર્ણય મુજબ રાત-દિવસ જહેમત ઉઠાવી તેઓએ ગ્રંથો તૈયાર કર્યા. પરંતુ જ્યાં સુધી એની કદર કરનાર ન મળે ત્યાં સુધી એ ગ્રંથોની કિંમત શું?

• તેઓની નજર જિતશત્રુ રાજા તરફ ગઈ. તે રાજા વિઘાપ્રિય હતો. તેની પાસે આપણી કદર થશે એમ વિચારી ચારે પંડિતો ગ્રંથોના થોકડા ઉપાડી - જિતશત્રુ રાજાના દરબારે પહોંચ્યા. 
• રાજાએ આગમનનું કારણ પૂછ્યું. 
• પંડિતોએ સઘળી હકીકત જણાવીને કહ્યું કે, આપ અમારા ગ્રંથો સાંભળી જરૂર અમારી કદર કરશો.
• આ સાંભળી વિદ્વાન રાજા સમજી ગયો કે એક એક વિષય ઉપર લાખ લાખ શ્લોકો રચ્યા છે એટલે વિષયને વિસ્તારવાની શક્તિ તો આ પંડિતોમાં અજબ છે, પરંતુ એનો સંક્ષેપ કરવાની શક્તિ-કળા જોઉં તો ખબર પડે કે પંડિતોને પોતપોતાના વિષયનું જ્ઞાન કેટલું સંગીન છે.

• રાજા: રાજય કારભારના અનેક કામોમાં હું ચાર લાખ શ્લોક ક્યારે સાંભળું માટે કંઈક સંક્ષેપ કરો. તો વળી હું વિચાર કરું.
• પંડિતો: અમે એનું અર્ધું કરી નાખીએ.
• રાજા: તોય બે લાખ શ્લોક સાંભળવાનો સમય મને ક્યાંથી?
• પંડિતો: સારું, દસ-દસ હજાર કરીએ
• રાજા: એ પણ ઘણું વધારે કહેવાય.
• પંડિતો: એક એક હજારમાં અમે એનો સાર લખી નાખીએ. 
• રાજાએ વિચાર્યું કે એક લાખને એક હજારમાં ઉતારવાની શક્તિ છે. તો હજી જોઉં કે કેટલો સંક્ષેપ કરી શકે છે..
• રાજા: હજી કાંઈક ઓછું કરો.
• પંડિતો: સો સો શ્લોકો
• રાજા: હજી ઓછું કરો.
• પંડિતો: દશ, દશ શ્લોકમાં એનો સાર આપીએ.
• રાજા: તોય ચાલીસ શ્લોકો થાય એટલું બધું યાદ ન રાખી શકે.
• પંડિતો: ઠીક ત્યારે એક એક શ્લોકમાં અમારા ગ્રન્થનો નિષ્કર્ષ આપી દઈએ.
• રાજા: બહુ સરસ પણ આટલી મહેનત કરીને તમે જે ગ્રંથો બનાવ્યા. તેનો નિષ્કર્ષ તમે મને આપો તે હું કંઠસ્થ રાખી શકું તો સારું. ચાર શ્લોક યાદ રાખવા ભારે પડે. માટે તમે જો એક એક પાદમાં એને સંકોચી શકો તો મારે એક શ્લોક યાદ રાખવો પડે. તે હું સહેલાઈથી યાદ રાખી શકું.
• પંડિતો: ઠીક, અમે એક શ્લોકમાં અમારા ગ્રંથોનું તત્ત્વ તમને આપીએ છીએ. તે સાંભળો. ત્યાંને ત્યાં જ એક એક પાદમાં પોતાના ગ્રંથોનું રહસ્ય બોલી ગયા:

जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिषुदया । 
बृहस्पतिरविश्वासः पाञ्चालः स्त्रीषु मार्दवम् ॥

• આયુર્વેદશાસ્ત્ર​ના પારગામી આત્રેય નામના પંડિતે પહેલા પાદમાં આયુર્વેદશાસ્ત્ર​નો સાર બતાવ્યો કે આરોગ્ય માટે પહેલાંનું ભોજન પચ્યા પછી નવું ભોજન કરવું.
• ધર્મશાસ્ત્ર​ના વિશારદ પંડિત કપિલે બીજા પાદમાં ધર્મનો સાર પ્રાણીદયા બતાવી.
• અર્થશાસ્ત્ર​માં નિષ્ણાત પંડિત બૃહસ્પતિએ ત્રીજા પાદમાં અર્થશાસ્ત્ર​નો સાર બતાવ્યો કે ધનના વિષયમાં કોઈનો વિશ્વાસ ન કરવો.
• ચોથા પાંચાલ નામના પંડિત પણ ચોથા પાદમાં કામશાસ્ત્રનો ટુંકમાં સાર બતાવ્યો.
• લાખો શ્લોકોનો સંક્ષેપ જેમ એક શ્લોક-ચાર પાદમાં થઈ શક્યો. તેમ ચૌદપૂર્વનો સંક્ષેપ નવપદમાં થઈ શકે છે.
• જેમ લાખો મણ ગુલાબમાંથી અત્તર કાઢ્યું હોય છે, એનું એક ટીપું આખા હોલને મઘમઘતો કરી દે છે. કારણ મણો બંધ ગુલાબનું સત્ત્વ એ એક ટીપામાં છે. તેમ શ્રી નવકાર એ ચૌદપૂર્વનું અત્તર છે. એમાં આપણને દ્રઢ વિશ્વાસ-શ્રદ્ધા જોઇએ.

શ્રીનવકાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે એનો અર્થ એ કે નવકારનો વિસ્તાર તે ચૌદપૂર્વ.

ભાગ​:૨૨A : શ્રી ન​વકાર મંત્રમાં નમો પદ શું સુચ​વે છે?

શ્રી ન​વકારમાં આપણે “નમો” પદનું ઉચ્ચારણ કરીએ છીએ, તો એવું તો શું મહ્ત્વ છે “નમો” પદનું?
• નમો પદ 
👉🏻 શરણગમન
👉🏻 દુષ્કૃતગર્હા અને 
👉🏻 સુકૃતાનુમોદના
એ ત્રણેના સંગ્રહરુપ છે.

બીજી રીતે જોઇએ તો
• પ્રથમ પાંચ પદ શરણગમન સૂચ​વનારા છે.
• છઠ્ઠુ અને સાતમું પદ દુષ્કૃતગર્હા સૂચ​વનારા છે.
• આઠમું અને ન​વમું પદ સુકૃતાનુમોદના છે.

શરણગમન કોનું?
• ત્રણ લોકના સર્વ શ્રેષ્ઠ નાથ, અનુત્તર પુણ્યના નિધાન જેમના રાગ, દ્વેષ, મોહ ક્ષીણ થઈ ગયા છે તેવા, અચિંત્ય ચિંતામણિ, ભવસમુદ્રમાં જહાજ સમાન, એકાંતે શરણ કરવા યોગ્ય અરિહંતોનું મને શરણ હો.
• જેઓના જરા મરણ સંપૂર્ણ નાશ પામ્યા છે, કર્મના કલંકને જેઓને વેદ​વાના નથી, જેમની સર્વ પીડાઓ નાશ પામી છે, કેવળજ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા, સિદ્ધિપુર નિવાસી અનુપમ સુખથી યુક્ત, સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતોનું મને શરણ હો…
• પ્રશાંત ગંભીર આશય​વાળા, સાવધ યોગથી અટકેલા, પાંચ પ્રકારના આચારને જાણનારા, પરોપકારમાં રક્ત, પદ્માદિની ઉપમાવાળા, ધ્યાન અધ્યયનથી યુક્ત, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુનું મને શરણ હો.
• સુર અસુર મનુષ્યોથી પૂજિત, મોહરૂપી અંધકારને (નાશ કરવા) માટે સૂર્યસમાન​, રાગદ્વેષરૂપી ઝેરનો નાશ કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન, સઘળા કલ્યાણોનું કારણ, કર્મવનને બાળવા અગ્નિસમાન, સિદ્ધપણા (મુક્તિ)ના સાધક કેવલજ્ઞાનીઓએ પ્રરૂપેલાં જૈન ધર્મનું મને શરણ હો.

શરણગમન શા માટે?
• શરણગમનથી ભ​વભ્રમણનો ઉચ્છેદ થાય છે
• શરણગમન - આચાર્યના આચાર-ચારિત્ર ગુણને વિકસાવે છે.
• શરણગમનથી ભ​વ્યત્વનો પરિપાક થાય છે.
• શરણગમન વિધ્નોથી બચાવી લે છે

દુષ્કૃતગર્હા અને સુકૃતાનુમોદના એટલે શુ? એ વિશે હ​વે આપણે પછી ના ભાગ મા જોઇશુ.

ભાગ​:૨૨B : શ્રી ન​વકાર મંત્રમાં નમો પદ શું સુચ​વે છે?

આગળના ભાગમાં આપણે “શરણગમન” વિશે જોયુ. 
આ ભાગમાં આપણે દુષ્કૃતગર્હા એટલે શું? એ જાણીએ.

👉🏻 દુષ્કૃતગર્હા સમજ​વા સૌ પ્રથમ આપણે દુષ્કૃત એટલે શું? એ જાણીએ.

દુષ્કૃત એટલે
• અનાદિકાળથી જીવે બીજા જીવોનું અહિત જ કર્યું છે. એને જ સારુ માન્યું છે, આ દુષ્કૃત છે.
• દુષ્કૃત એટલે અર્થ અને કામ.
• અર્થ અને કામ પાછળ જે જીવન વેડફીએ છીએ, જે ઉચ્ચભાવો ને વેડફીએ એ જ દુષ્કૃત.
• દુષ્કૃત ને દૂર​ કર​વું એ જ​ દુષ્કૃતગર્હા

જરુર વિચાર થાય કે દુષ્કૃત ને દૂર​​ કેમ કર​વું?
• દુષ્કૃત ને પ્રણિધાન થી દૂર​ કરી શકાય​.

પણ આ પ્રણિધાન એટલે શું?
• પ્રણિધાન એટલે મન​-વચન​-કાયા ઓતપ્રોત કરવા. પ્રણિધાનનો બીજો અર્થ છે સંકલ્પ​.

તો ચાલો દષ્ટાંતથી જોઇએ, સંકલ્પ કેવો જોઇએ,
• પાંચ પાંડ​વોની પત્નિ દ્રોપદી. એક વાર નારદ ઘરે આવે છે અને દ્રોપદીએ તેમનો વિનય ના કર્યો અને નારદ ને લાગ્યુ ખોટું.
• આકાશગામિનિ વિદ્યાથી ધાતકીખંડમાં પહોંચ્યા. ત્યાં પદ્મોત્તર રાજા આગળ દ્રૌપદીના રૂપના ખૂબ વખાણ કર્યા એટલે પદ્મોત્તર રાજા લલચાયો.
• કોઈ પણ હિસાબે મેળવવી છે. એણે દેવમિત્રની સહાય લીધી. પેલા દેવે દ્રૌપદીને તેના પલંગ સાથે જંબુદ્વિપમાંથી ધાતકી ખંડમાં લાવીને મૂકી દીધી.
• સવાર પડતાં પાંડવોને દ્રૌપદી દેખાતી નથી. આજુ-બાજુ શોધે છે પણ પત્તો મળતો નથી.
• કૃષ્ણની સહાય લે છે. આ બાજુ નારદ અહીં આવ્યા.

કૃષ્ણે પૂછ્યું, દ્રૌપદી જોઈ?

નારદ કહે, ધાતકીખંડમાં દ્રૌપદી જેવી જ કોઈ સ્ત્રી હતી ખરી.

• કૃષ્ણ​ સમજી ગયા કે આ નારદજીનું જ કામ છે.

પાંડવોને કહ્યું, ચાલો આપણે ધાતકીખંડમાં જવું પડશે.

• કૃષ્ણ દેવની આરાધના કરીને ૨ લાખ યોજનનો પુલ બનાવી ઘાતકીખંડમાં પહોંચ્યાં. અહીં આવીને બધા પદ્મોત્તર રાજાના રાજ્ય બહાર રોકાયા.

પાંડવો કૃષ્ણને કહે, હવે તમે આરામ ફરમાવો. પદ્મોત્તર રાજાને જીતીને અમે દ્રોપદીને લઈ આવીએ છીએ.

કૃષ્ણ કહે, પણ પેલો બળવાન છે.

પાંડવો કહે, કંઈ વાંધો નહિ. કરેંગે યા મરેંગે.

• દ્રૌપદીને પાછા લઈને જ ફરીશું. સંકલ્પ સાથે નીકળે તો છે પણ આ પાંચ સામે પદ્મોત્તર રાજાનું ખૂબ મોટુ સૈન્ય છે.
• આ પાંચ ઘણી મહેનત કરે છે પણ રાજાને જીતી શક્તા નથી. વીલા મોઢે પાછા ફર્યા.

કૃષ્ણ કહે, મને ખબર જ હતી કે તમે વીલા મોઢે પાછા ફરશો.

પાંડ​વો પૂછે, કેમ?

કૃષ્ણ કહે, તમે ગયા ત્યારે સંકલ્પ જ અધૂરો કર્યો.

કરેંગે યા મરેંગે એ અધૂરો સંકલ્પ છે.
“કરકે હી રહેંગે” એવો સંકલ્પ જોઈએ. 

• સંકલ્પ જેટલો પ્રબળ તેટલી સિદ્ધિ નિકટ​.
• તો ચાલો આપણે પણ આપણા દુષ્કૃત દૂર​ કરવાનો સંકલ્પ કરીએ
સુકૃતાનુમોદના એટલે શુ? એ વિશે હ​વે આપણે પછી ના ભાગમાં જોઇશુ.

ભાગ​:૨૨C: શ્રી ન​વકાર મંત્રમાં નમો પદ શું સુચ​વે છે?

આગળના ભાગમાં આપણે “શરણગમન” અને “દુષ્કૃતગર્હા” વિશે જોયું.
આ ભાગમાં આપણે સુકૃત-અનુમોદના એટલે શું? એ જાણીએ.

સુકૃત-અનુમોદના એટલે
• સારા કૃત્ય ની અનુમોદના

પણ​ કોના સુકૃતની અનુમોદના કરવાની?
• આપણા અને બીજાના.
• સુકૃતની અનુમોદનાથી, સુકૃત ના ગુણાકાર થાય.

શા માટે સુકૃતની અનુમોદના કરવાની?

👉🏻 શાસ્ત્રમાં સુકૃત અનુમોદના નું દ્રષ્ટાંત​:

• શાલીભદ્રે સંગમના ભવમાં એક જ વાર ખીર ભાવપૂર્વક વહોરાવી અને તેના ફળ રૂપે અઢળક ઋદ્ધિના સ્વામી થયા.
• એ જ્યારે નાનપણમાં શેરીમાં રમતો હોય એ વખતે નાના છોકરાઓ મહાત્માને તેડી લાવે, પોતાના ઘરે વહોરવા લઈ જાય, આ પણ સાથે જાય. પોતાની શક્તિ નથી. છતાં મનોરથ કરે, ક્યારે હું પણ મારા ઘરે તેડી જઈશ, વહોરાવીશ?
• સંગમ રોજ મનોરથ કરે છે, ક્યારે સાધુ મહાત્મા પધારે ને હું વહોરાવું.
• અહીં જુઓ કે એને બે ટાઈમ પોતાને વાપરવાના ફાંફા છે. ભયંકર દરિદ્રતા છે. આખો દિવસ મા મહેનત કરીને રોટલો કમાય છતાં પેટ ભરાતું નથી એવા અંતરાય ઉદયમાં છે. પણ આવી સ્થિતિમાં કેવા ઉત્તમ મનોરથ છે?
• બધાના ઘરેથી લાવેલી વસ્તુઓમાંથી એ ખીર બનાવી. જીંદગીમાં પ્રથમવાર ખાવા મળી છે. છતાં મનોરથ છે કે કોઇક સાધુ મહાત્મા પધારે તો વહોરાવું.
• ને આજે જ મહાત્મા પધારે છે. માસક્ષમણના તપસ્વી છે. આજે સામગ્રી પણ ઉત્તમ અને મહાત્માનું પાત્ર પણ ઉત્તમ પોતાના ભાવ તો “ઊંચા છે જ”.
• જે કદી પહેલા ચાખી પણ નથી એવી પણ ખીર પોતાના માટે રાખ્યા વગર બધી વહોરાવી દીધી.
મહાત્મા ગયા પછી એમ થયું કે આજે બેડો પાર થઈ ગયો.
• પછી તો મા એને બીજી વધેલી ખીર આપે છે. પણ એનાથી અજીર્ણ થાય છે.
• પણ આનું મન એક જ કે કેવો સુંદર લાભ મળ્યો સતત આ જ ભાવમાં છે ને એવી અનુમોદના કરી કે પુણ્યના ગુણાકાર થયા ને તે એવા કે તે રાત્રે જ મૃત્યુ પામી ને ભદ્રામાતાની કુક્ષિમાં આવ્યા.

• મનુષ્યજન્મ ને એમાં પણ જન્મતા જ શ્રીમંતાઈ. જન્મતા જ પાર વગરની ઋદ્ધિ ને થોડા મોટા થયા ને દેવતાઈ ઋદ્ધિ, વળી, સાધુના દાનથી મળ્યું એટલે ભોગવવાની મૂર્છા ન જાગી પણ છોડવાની બુદ્ધિ જાગી.
સત્વ મળ્યું. 
• પૂર્વ ભવમાં સાધુ ભગવંત મળ્યા. તો આ ભવે મહાવીર ભગવાન મળ્યા.
• બધી રીતે પુણ્યના ગુણાકાર થયા.
• શાલીભદ્રના ભવથી અનુત્તર વિમાનમાં ને ત્યાંથી મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષે જશે.

આપણે એના કરતા અનેકગણું વહોરાવ્યુ છે છતા પરિણામ કેમ ના આવ્યું?
• આપણે ધર્મક્રિયા એકાગ્રતાપૂર્વક, રુચિપૂર્વક, આદર અને બહુમાનપૂર્વક કરતા નથી. તેની જગ્યાએ પાપની ક્રિયા રસપૂર્વક થાય છે.
• ધર્મક્રિયા કરતા પહેલા તેની વારંવાર ઇચ્છા-ભાવના કર​વાની અને કર્યા પછી સુકૃતની અત્યંત અનુમોદના કર​વાની.
• આપણા સુકૃતની અનુમોદના મનમાં કર​વી અને દુનિયામાં કરીએ તો સુકૃત ના ભાગાકાર થાય​. અને બીજાના સુકૃતની અનુમોદના ભરપેટ બધાની સમક્ષ કર​વાની.

• આપણે પણ આજથી સુકૃતની અનુમોદના કરવાની આદત કેળ​વીએ. 

“નમો” પદ​ ના અર્થ ના સાર વિશે આપણે પછી ના ભાગ મા જોઇશું.

ભાગ​:૨૩: શ્રી ન​વકાર​ સ્વરુપની અનુભૂતિ

ષડાવશ્યકમય શ્રી ન​વકાર​ સ્વરુપની અનુભૂતિ માટેની સંપૂર્ણ પ્રક્રિયા:
• સામાયિક નમો વડે થાય છે અર્થાત નમો સામાયિક માટે છે.

1️⃣ નમો: સામાયિક આવશ્યક​
2️⃣ અરિહંતાણં - સિદ્ધાણં : ચતુર્વિશતિસ્ત​વ​ આવશ્યક
3️⃣ આયરિયાણં - ઉવજ્ઝાયાણં - લોએ સ​વ્વસાહૂણં: ગુરુવંદન​ આવશ્યક
4️⃣ એસો પંચ નમુક્કારો - સ​વ્વ પાવપ્પણાસણો: પ્રતિક્રમણ​ આવશ્યક
5️⃣ મંગલાણં ચ સ​વ્વેસિં: કાયોત્સર્ગ​ આવશ્યક
6️⃣ પઢમં હ​વઇ મંગલં: પ્રત્યાખ્યાન​ આવશ્યક

આ બધા આવશ્યક શું સુચ​વે છે?

1️⃣ સામાયિક આવશ્યક​:
• સમભાવ સ્વરુપ કર​વા માટે શ્રાવક​-શ્રાવિકા ના જીવનમાં ઘર​-વ્ય​વસાયનો ત્યાગ કરી બે ઘડી સર્વસાવદ્ય​યોગ છોડવા પૂર્વક સામાયિક કરે છે.

2️⃣ ચતુર્વિશતિસ્ત​વ​ આવશ્યક:
• ચોવીસે તીર્થંકર ભગ​વંતોની સ્તુતિ-પ્રાર્થના-વંદના કરવા તે ચતુર્વિશતિસ્ત​વ.

3️⃣ ગુરુવંદન આવશ્યક:
• દેવ ગુરુને ભક્તિભાવ પૂર્વક વંદન-પ્રણામ કર​વા તે.

4️⃣ પ્રતિક્રમણ આવશ્યક:
• પાપોથી પાછા હઠવાની મનોવૃતિ કેળવવી તે

5️⃣ કાયોત્સર્ગ આવશ્યક:
• કરેલા પાપોના પ્રાયશ્ચિતરુપે કાયાની તમામ ચેષ્ટા રોકીને આત્માને પ્રભુના ધ્યાનમાં એકાગ્ર કર​વો તે.

6️⃣ પ્રત્યાખ્યાન આવશ્યક:
• કરેલા પાપોના પ્ર​ક્ષાલન માટે તથા ફરીથી આવા પાપો કર​વાની બુદ્ધિ ઉત્પન્ન ના થાય તે માટે કંઇક અંશે વિરતિધર્મ સ્વીકાર​વો તે.

શ્રી ન​વકાર મંત્રના પ્રથમ પદમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણે પ્રકારના યોગનો સમાવેશ થયેલો છે.

• નમો એ ઇચ્છાયોગનું પ્રતીક છે.
• અરિહં પદ શાસ્ત્રયોગનું પ્રતીક છે.
• તાણં પદ સામર્થ્યયોગનું પ્રતીક છે.

ભાગ ૨૪A: નમસ્કાર મહામંત્રમાં પાંચ કે ન​વ પદો?

વજ્રસ્વામીના મહાનિશીથ સૂત્ર પ્રમાણે ન​વકારને ૯ પદ​, ૮ સંપદા અને ૬૮ અક્ષરવાળો કહ્યો છે.
• શ્રી નમસ્કાર મહામંત્રમાં પાંચ પદો દ્વારા નમસ્કાર કરવામાં આવે છે.

અહીં જો પાંચ પદોથી જ નમસ્કાર કર​વામાં આવતું હોય અને બાકીના પદો જો ફક્ત સાર જ હોય તો શા માટે તેનો સમાવેશ કર​વામાં આવે છે?
• કોઇ પણ કાર્યમાં જે પ્રમાણે ઉત્સાહ અને શ્રદ્ધા હોય તે પ્રમાણે સફળતા મળે.
• ઉત્સાહ અને શ્રદ્ધા વધારવા માટે કાર્યના ફળનું જેમ જેમ ચિંતન વધે, તેમ તેમ તે કાર્યમાં ઉત્સાહ અને શ્રદ્ધા વધે.
• માનસશાસ્ત્રનો નિયમ છે કે જે વસ્તુનું મનમાં જેમ જેમ ચિંતન વધે તેમ તેમ તેના પ્રત્યે શ્રદ્ધા દૃઢ બનતી જાય. 
• શુભ વસ્તુના ચિંતનથી શુભ શ્રદ્ધા વધે છે અને અશુભ વસ્તુના ચિંતનથી અશુભ શ્રદ્ધા વધે છે.

શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે:
• એક બાળકની માતા મૃત્યુ પામતા તેના પિતાએ બીજું લગ્ન કર્યું. સાવકી માતા બાળકને સારી રીતે સાચવતી, સાવકી માતા જેવું જરાય જણાવા દેતી નહીં. થોડા દિવસ બાદ તેને પણ એક પુત્ર થયો.
• તે બંને વચ્ચે સમભાવ રાખતી. બંને ભાઇઓમાં કોઇ જાણતું ન હતું કે સગું શું ને સાવકું શું?
• આ બાળકને કોઇએ કહ્યું આ તારી સાવકી મા છે. 
• સાવકી માનો વ્યવહાર સાવકા પુત્ર સાથે સારો ન હોય. 
• સગા પુત્ર અને સાવકા પુત્ર એ બે વચ્ચે ભેદ રાખે. 
• સાવકી માતા પોતાના સગા પુત્રના હિત માટે સાવકા પુત્રને મારી પણ નાખે, મારી નાખવા કાંઇક ખવડાવી પણ દે.

• અનેકના મોઢે અનેકવાર સાંભળવાથી છોકરાને વિશ્વાસ થઇ ગયો કે, આ મારી સગી મા નથી, તે મારા કરતાં એના પુત્રની સાર-સંભાળ વધારે લે છે. 
• તે કાંઇ ખવડાવી ન દે એ માટે સાવધ રહેવું જરૂરી છે. 
• આમ એને સાવકી માતા વિષે શંકા થઇ ગઇ. 
• શંકાના કારણે એ છોકરાની ભૂખ અને ઊંઘ ઓછી થઇ ગઇ. 
• મારી મા મને મારી નાખશે એમ દરરોજ અનેકવાર તે વિચારવા લાગ્યો.

આથી શંકા શ્રદ્ધા રૂપે પરિણમી…
• જોયું જેવું મનન - ચિંતન કર​વામાં આવશે તેવી જ દ્રઢ શ્રદ્ધા થશે.
• જે રીતે છોકરાએ વારંવાર અશુભ ભાવોનું ચિંતન કરી અશુભ શ્રદ્ધા દ્રઢ બનાવી.

તે જ રીતે આપણે પણ કોઇ વસ્તુ-મનુષ્ય પ્રત્યે કોઇ અશુભ ભાવોનું ચિંતન કે મનન તો નથી કરતાને?

ભાગ ૨૪B: નમસ્કાર મહામંત્રમાં પાંચ કે ન​વ પદો?

આપણે આગળના ભાગમાં જોયું, છોકરાની મા પ્રત્યેની શંકા અશુભ શ્રદ્ધામાં પરિણમી, હ​વે આગળ જોઇએ…

• મા પ્રત્યેની શંકાને કારણે છોકરો દિન પ્રતિદિન દુર્બળ બનતો ગયો. છોકરાને દુર્બળ બનતો જોઇને માને ચિંતા થઇ, તેણે છોકરાના પિતાને કહ્યું આપણા મોટા દીકરાના શરીરમાં કંઇક રોગ હોવો જોઇએ, તેનો ખોરાક સાવ ઓછો થઇ ગયો છે.
• બહુ ઊંઘતો પણ નથી, માટે વૈદ્યને બતાવવું જોઇએ.
• વૈધે શરીર તપાસીને કહ્યું આને નબળાઇ સિવાય કોઇ રોગ નથી.
• નબળાઇ દૂર કરવા રોજ ગરમાગરમ અડદની રાબ ખવરાવવા કહ્યું.
• બીજા દિવસે સવારે તે છોકરાને અડદની રાબ ખાવા આપી.
• રાબમાં અડદની દાળનાં ફોતરા હતા, પણ છોકરાને વહેમ પડ્યો કે, જરૂર માખીઓ મારીને દૂધમાં બાફી નાખી લાગે છે.
• આથી તે રાબ ખાતો નથી. અને બેઠો બેઠો રાબને અને માને શંકાની દ્રષ્ટિથી જોયા કરે છે.

• માએ કહ્યું જલ્દી ખાઇ લે, તારા માટે જ બનાવી છે.
• છતાં તેણે રાબ ખાધી નહીં, એટલામાં તેના બાપા આવ્યા.
• તેમણે પણ ગરમાગરમ રાબ ખાઇ જવા કહ્યું. છતાં ખાતો નથી.
• એટલે બાપાએ લાલ આંખ કરીને કહ્યું કે, સાંભળતો નથી? જલ્દી ખાવા માંડ. તેણે ભયથી રાબ ખાવાનું શરૂ કર્યું.
• પણ કોળિયે કોળિયે ઝેરની જ ગંધ અને માખીઓનો જ સ્વાદ આવવા લાગ્યો. કેમ કે અનેક દિવસો સુધી મારી મા મને મારી નાખશે એવું ચિંતન કર્યું છે.
• આવી શંકાના કારણે જ એને થોડી જ વારમાં ઉલટીઓ થવા લાગી અને મરી ગયો.
• આવી જ રાબ તેના સાવકા ભાઇએ સ્વાદ માણતા ખાધી, કારણ કે તેને મા ઉપર દઢ વિશ્વાસ હતો.

• અહીં છોકરો “મારી મા મને મારી નાખશે” એમ દરરોજ ચિંતન કરતો હતો.
• તેથી તેની આ શ્રદ્ધા દઢ થવા લાગી, અને એક દિવસ તેને એનું ફળ મળી ગયું.


• એ પ્રમાણે નવકાર મંત્રના ફળનું જેમ જેમ ચિંતન વધે તેમ તેમ ફળ પ્રત્યે શ્રદ્ધા દઢ થવા લાગે.

• આપણે પણ જ્યારે “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો” એ પદોને મનમાં ગણીએ
ત્યારે આપણા આત્મામાં એવી શ્રદ્ધા જાગે છે કે “હવે ચોક્કસ મારા બધા પાપોનો નાશ થઇ જશે.”
• “મંગલાણં ચ સ​વ્વેસિં, પઢમં હ​વઇ મંગલં” એ પદો સર્વ મંગલોમાં પહેલું મંગલ છે.
• એટલે જેમ ચિંતન વધે તેમ શ્રદ્ધા દ્રઢ થતી જાય છે માટે છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે.

• હવે બીજી રીતે વિચારીએ, છેલ્લા ચાર પદો અપેક્ષાએ પંચ પરમેષ્ઠિ સંબંધી નમસ્કારની સ્તુતિરૂપ છે.
• કેમ કે તેમાં નમસ્કારના ફળનું વર્ણન છે. પંચ પરમેષ્ઠિ સંબંધી નમસ્કારની સ્તુતિ પરમાર્થથી પંચ પરમેષ્ઠિની સ્તુતિ છે.

પંચ પરમેષ્ઠિની સ્તુતિ જેમ જેમ વધારે થાય તેમ તેમ કર્મનિર્જરા વધારે થાય.
• આ રીતે પણ છેલ્લા ચાર પદોનુ રટણ કરવું જરૂરી છે.

ભાગ ૨૫: શ્રી ન​વકાર મંત્ર બોલ​વાની પદ્ધતિ

શ્રી ન​વકાર મંત્ર તો આપણે સૌ બોલતા હોઇએ છીએ પણ શું આપણને શ્રી નવકાર ​બોલ​વાની સાચી પદ્ધતિ ખબર છે?

શ્રી ન​વકાર મંત્ર કઇ રીતે બોલ​વો?
• જેમ ફાવે તેમ બોલીએ તો ધ્વનીના નિશ્ચિત આંદોલનો ઉભા થતા નથી. ષડચક્રો કુંડલીની આદિ ઉપર તેની અસર પડતી નથી.
• આપણે ત્યાં શ્રી ન​વકાર મંત્ર બોલ​વાની આરોહ - સમ - અવરોહ ની પદ્ધતિ છે - લય છે, તે રીતે બોલવાથી:
👉🏻 મોહ ના સંસ્કારો હાલી ઉઠે છે.
👉🏻 અનાદિ સંસ્કારોની પ્રબળતા મંદ પડે છે.
👉🏻 આધુનિક વિજ્ઞાન પણ જુદા-જુદા ધ્વનિથી થતી અસરોની વિવિધતા સ્વીકારે છે.

આરોહ - સમ - અવરોહ એટલે શું?
↗️ આરોહ: ધ્વની ઉંચો જાય.
➡ સમ: ધ્વની સમાન ચાલે.
↘️ અવરોહ: ધ્વની નીચે ઉતરે.

શ્રી ન​વકાર મંત્રને આરોહ - સમ - અવરોહથી કઇ રીતે ગણ​વો એ નીચે આપેલ ઇમેજમાં જોઇ શકાશે...

• શ્રી ન​વકાર મંત્રના છેલ્લા ચાર પદ અનુષ્ટુપ છંદમાં છે.
• આ રીતે શ્રી ન​વકાર મંત્રને આરોહ - સમ - અવરોહથી બોલ​વાથી સાધકોને ખુબ જ લાભદાયી નીવડશે.

ન​વકાર મહામંત્ર​
ભાગ ૨૫B: શ્રી નવકાર મંત્રને ભૂલીને નવગ્રહની પૂજા-અર્ચના કરાય​?

👉🏻 પ્રતિકૂળ સંયોગો અને સુખની આશામાં ફાંફા મારતો જીવ જ્યોતિષીઓ અને તેવા અનેકના દરવાજા પર માથા પટકે છે...
• તેઓના કહેવા મુજબ વ્રત-બાધા-ઉપવાસ-યજ્ઞ-રત્ન-દોરાધાગા વિગેરે કર્મકાંડ કરે છે કરાવે છે, અનેક ઉપાયો અર્થ અને કામની સિદ્ધિ માટે કરતો જીવ​ તેને જ ધર્મ માનીને દુઃખમાંથી મોક્ષ પ્રાપ્તિની ચેષ્ટા એ તો બકરીના ગળાના આંચળમાંથી દૂધ પ્રાપ્ત કરવાની લાલસા જ છે ને!

👉🏻 શ્રી નવકાર મંત્ર​ને ભૂલીને નવગ્રહની પૂજા-અર્ચના કરીને દુઃખ દૂર કરવાની બેવકૂફી જૈન કરે?.... હરગીઝ નહીં...
• ઇક્કો વિ નમુક્કારો - નવકારના એક જ વારના નમસ્કારથી "સવ્વ પાવપ્પણાસણો" ની સાધના અને સિદ્ધિની વાત જ નિરાળી છે.
• બંધનથી એટલે કે બંધ થી મુક્ત થવા પ્રયાસ કરે છે તે આત્મા છે.
• ગ્રહોને આત્મા છે…પરંતુ આત્માને ગ્રહો નથી…કર્મો છે…
• નિશ્ચિત આયુષ્ય કર્મ પૂર્ણ થતાં ગ્રહને છોડીને ગ્રહમાં રાજા તરીકે ઉત્પન્ન થયેલ આત્મા પોતાના બાકીના કર્મ ખપાવવા કે ભોગવવા વિદાય લે છે અને બીજો આત્મા તે ગ્રહોમાં સ્થાન લે છે આમ પરંપરા ચાલ્યા જ કરે છે…

👉🏻 જીવમાત્રના કર્મોનો હિસાબ એટલે ગ્રહોની ગતિ
• શરીર ધારણ કરતાની સાથે ક્યાં કર્મ ક્યારે ઉદયમાં આવશે તેનો નકશો એટલે કુંડળી અને ગ્રહો-નક્ષત્રો તથા રાશિની સ્થિતિ.
• ગ્રહો પોતે કોઈને સુખ કે દુઃખ નથી આપતા પરંતુ તેની ભ્રમણ ગતિથી વિદિત કરે છે. 

👉🏻 શરીરધારી આત્માને ક્યારે ક્યું સુખ કે દુઃખ કર્મવિપાકે પરિપક્વ થઈ ને મળશે તેની ગણતરી એટલે જન્મ કુંડળી.
• દુઃખ મળતા ગ્રહોને દોષ દેવો તે ભૂલ છે ગ્રહો તો જાણ કરે છે અને સાધક આત્માને ખબરદાર સાવધાન કરે છે કે આવનાર દુઃખ દેનાર પાપ કર્મો શ્રી નવકારમંત્રનું સાતમું પદ "સવ્વ પાવપ્પણાસણો" એક​ એવી ખાતરી છે જેની પર સર્વે પાપ કર્મોનો નાશ કરી જીવ સઘળા સુખને ભોગવી અંતે સિદ્ધ થાય.

👉🏻 જે જીવ આ માર્ગદર્શન સ્વીકારી નવકારમય​ થાય છે ત્યારે ગ્રહો સ્વયં ફરી જઈને તેને અનુકૂળ થઈ જાય છે…
• અનુકૂળ કે પ્રતિકૂળ ગ્રહો નથી આપણા કર્મો છે.
• અગર ગ્રહોની ગતિ તથા તેના સંકેત સમજીને યોગ્ય સાધના જપ તપ વિગેરે કરાય તો ગ્રહો હિતચિંતક માર્ગદર્શક મિત્ર કે બિરાદર ની ગરજ સારે છે.
• ગ્રહો પોતાની પૂજા અર્ચના માંગતા જ નથી તેઓ પોતે જ અરીહંત પ્રભુના ભક્તો છે અને ભક્તિનો માર્ગ બતાવે છે સંકેત સમજીને સાધનામય​ જીવન જીવનારા તરી જાય છે બાકીના ગ્રહોને નડતર માનીને કાં તો તેનાથી ડરે છે અથવા તો ભાંડે છે.
• સાચી સમજ આવતા આત્મા સાધના કરે છે અને દુઃખથી દૂર થાય છે…

👉🏻 સંબંધ કર્મોનાં કારણે બંધાઈ છે અને કર્મોનો ક્ષય થતાં ગમે તેવો સંબંધ પણ​ પૂર્ણ થાય​ છે…
• મહાવીરસ્વામી અને ગૌતમસ્વામીનો સંબંધ મહાવીરસ્વામીની દ્રષ્ટી એ સંબંધ હતો જ નહીં વીતરાગ ને રાગ ક્યાંથી હોય એટલે કે વીતરાગના દ્રષ્ટિકોણથી સબંધ બંધાયો જ નહોતો 
• તેવી જ રીતે ગૌતમસ્વામીનો મહાવીરસ્વામી સાથેનો સંબંધ જાણે કે ભવોભવની પ્રીતિ અનાદિ-અનંત-અખંડ-અછેદ-અભેદ અને સનાતન સબંધ જ્યાં બંધ અને સંબંધ સિવાય કાંઈ જ ન મળે તેવી સ્થિતિ આવો ઊંચો સંબંધ ક્ષણભર ના વિલાપમા કે રાત ભરનાં વિલાપમા શોધ્યો ન  જડે એવી સ્થિતિમાં આવી ગયો. 
• જ્યાં કેવળનો સૂર્ય પ્રકાશ્યો અઠ્યાસી એ અઠ્યાસી ગ્રહો તમામ નક્ષત્રો આકાશ ગંગા સાથે ક્યાં વિલીન થઈ ગયા તેનો પત્તો રહ્યો નહીં અને કેવળજ્ઞાન જ પ્રકાશ્યું.

જે તમામ બંધ અને સંબંધથી મુક્ત થવા કોશિશ કરે છે તે જ આત્મા છે બાકી સંબંધો તમામ મિથ્યા છે પછી તે ગ્રહો સાથેના હોય કે આત્મા સાથેના હોય!

ભાગ ૨૬A: માળા દ્રારા શ્રી નવકાર મંત્ર જાપ​

માળા દ્રારા શ્રી ન​વકારમંત્ર જાપ​ કરતી વખતે ધ્યાનમાં રાખ​વાની બાબતો:
• જાપ માટે પ્લાસ્ટીકની માળા વપરાય જ નહીં.
• શુદ્ધ અખંડ સુતરની માળા વાપર​વા ઉપયોગ રાખ​વો.
• રેશમની માળા, ચંદન, રુદ્રાક્ષ, સ્ફટિક આદિ ની માળા પણ શક્તિ મુજબ લઈ શકાય.
• શાંતિ અને શુભ કાર્ય માટે સફેદ રંગની માળા લેવી.
• જાપના ઉપયોગમાં લેતા પહેલા માળાને શ્રી ગુરુભગ​વંત પાસે મંત્રાવ​વી જોઇએ.
• જે માળાથી શ્રી ન​વકાર મંત્ર ગણતા હોઇએ તે માળાથી અન્ય મંત્ર ન ગણ​વા જોઇએ.
• પોતાની અને મંત્રેલી માળા જ વાપર​વી.

માળા શરુ કરતા પહેલાં:
• અત્યંત ભાવપૂર્વક ૩ નવકાર મંત્ર મનમાં બોલ​વા.
• મહાવીર પ્રભુ, ગૌતમસ્વામી તથા ગુરુ મહારાજ નું સ્મરણ કર​વું.
• નીચેની ભાવના ભાવ​વી.

શિવમસ્તુ સર્વ જગત​
પરહિત-નિરતા ભ​વન્તુ ભૂતગણા:
દોષા: પ્રયાન્તુ નાશં,
સર્વત્ર સુખી ભ​વંતુ લોકા:

• માળા ૪ આંગળીઓ પર રાખી, અંગુઠાથી માળાને નખ ન અડે તે રીતે મણકો ફેરવવો.
• માળા ગણતી વખતે એક મણકા ઉપર મંત્ર પૂર્ણ બોલાય ગયા પછી જ બીજા મણકાને અડ​વું જોઇએ.
• નાભીથી ઉપર તેમજ નાસિકા (નાક​) થી નીચે અને હ્રદયની નજીક હોવી જોઇએ.
• માળા જમીન ક​ટાસણા, ચર​વળા કે મુહપતિ ઉપર ન રાખવી જોઈએ
• માળા શરીરના અન્ય ભાગને તેમજ વસ્ત્રોને ન અડ​વી જોઇએ.
• એક માળા પૂરી થાય ત્યારે માળામાં કેન્દ્રિત થયેલ શક્તિને આપણા દેહમાં સ્થાપિત કરવા ભાવ પૂર્વક માળાના ફુમતાને બે આંખે સ્પર્શ કરાવવો.
• માળા પૂરી થાય ત્યારે ફુમતાને ઓળંગી બીજી માળાની શરુઆત ન કરવી, પણ માળાને ઉલ્ટાવી છેલ્લે આવેલા મણકાથી પુન​: માળાની શરુઆત કર​વી.
• જાપ દ્રારા ઉત્પન્ન થયેલા આરાધક ભાવને ટકાવી રાખ​વા સંકલ્પ પૂર્વક ૧૨ ન​વકાર ગણ​વા અને મંગળ ભાવના કર​વી.
ભાગ ૨૬B: કમળબંધ જાપ કર​વાની રીત​

• આઠ પાંખડી વાળા શ્વેત કમળની હ્રદયમાં કલ્પના કરીને તેની કર્ણિકા એટલે તેના મધ્યભાગમાં નમો અરિહંતાણં એ પ્રથમ પદની સ્થાપના કરીને તેનું ચિંતન કર​વું.
• નમો સિદ્ધાણં થી નમો લોએ સ​વ્વસાહૂણં સુધીના ૪ પદોને અનુક્રમે પૂર્વ​, દક્ષિણ​, પશ્ચિમ અને ઉત્તર દિશાની પાંખડીઓમાં સ્થાપી અને તેનું ધ્યાન કરે અને ચૂલિકાના એસો પંચ નમુક્કારો થી પઢમં હ​વઇ મંગલં સુધીનાં ચાર પદોને અનુક્રમે અગ્નિકોણ, નૈઋત્યકોણ, વાય​વ્યકોણ અને ઇશાનકોણમાં સ્થાપન કરીને તેનું ધ્યાન કર​વું.
• મન​-વચન​-કાયાની શુદ્ધિ પૂર્વક ૧૦૮ વાર શ્રી નવકાર મંત્રનું ઉપરની રીતે ચિંતન કરનાર ભોજન લેવા છતાં ૧ ઉપ​વાસનું ફળ પામે છે, પરમાર્થ થી તો શ્રી ન​વપદો ના જાપનું ફળ સ્વર્ગ અને મોક્ષ કહ્યું છે.

ભાગ ૨૬C: કરમાળા દ્રારા જાપ​

કરમાળા એટલે શું?
• કરમાળા એટલે કરની આંગળીઓના વેઢા.
• કર એટલે હાથ​, તેની આંગળીઓમાં જે વેઢા હોય છે તેને અમુક રીતે અનુસરવા તેને આવર્ત કહેવામાં આવે છે.

આ આવર્તો નંદાવર્ત, શંખાવર્ત વગેરે અનેક પ્રકારના હોય છે.
• તેમાંથી જમણા હાથે નંદાવર્તના ધોરણે ૧૨ વાર સ્મરણ કર​વું.
• ડાબા હાથથી શંખાવર્તના ધોરણે ૯ વાર ગણના કર​વી.
• આ રીતે કુલ ૧૦૮ વાર ગણના થાય છે.
• આવર્તમાં ૪ આંગળીના ૧૨ વેઢાનો ઉપયોગ થાય છે. 
• આ રીતે ડાબા હાથે શંખાવર્ત અને જમણા હાથે નંદાવર્તની ગણના થાય છે.

ભાગ ૨૬D: નવકાર અક્ષરધ્યાન પ્રયોગ

• જૈન શાસ્ત્ર પ્રમાણે દ્રવ્ય પ્રાણાયામ કરતા ભાવ પ્રાણાયામનું મહત્ત્વ છે કેમ કે ગાથાના પાદને બદલે પ્રાણવાયુના લેવા મુકવાની ગણતરીમાં મન પડે, તો ગાથા-પાદ ઉપર મન લાગે નહીં એટલે કે ભાવ પ્રાણાયામ સાધ​વો હોય તો દ્રવ્ય પ્રાણાયામ પર જોર ન દેવાય નહિતર દ્રવ્ય પ્રાણ એ બાહ્ય ચીજ હોવાથી બાહ્ય ભાવમાં ભૂલા પડી જવાનું થાય ત્યારે શ્રી નવકાર સ્મરણ એ આંતરિક વસ્તુ છે, આત્મહિતની વસ્તુ છે, એમાં શુદ્ધ હ્રદયે લીન બનવામાં આંતર ભાવ સધાય છે.

• પહેલાં શ્વાસોશ્વાસની ગતિ વ્યવસ્થિત કરવા માટે જ્યાં કાન ઉપર બીજા અવાજ ના આવે તેવા સ્થાને આંખ ધ્યાનસ્થ રાખીને ટટાર બેસી હાથ જોડીને એકદમ ઝપાટાબંધ શ્વાસ બહાર કાઢવો અને તરત જ પાછો શ્વાસ અંદર ખેંચવો એવું ૫-૭ વાર કર​વું, પછી વ્ય​વસ્થિત રીતે શ્વાસ અને ઉચ્છવાસ ધીમે ધીમે ચાલશે.

• એ પછી ધ્યાનસ્થ આંખથી અંદરમાં નાભિ અથ​વા હ્રદય ઉપર નજર કર​વી અને નાભિ કે હ્રદયને ધેરા લીલા રંગના કમળ જેવું દેખ​વું. તેમાં વચ્ચે કર્ણિકા અને તેની આસપાસ ૪ દિશા અને ૪ ખૂણામાં એમ ૮ પાંખડી જોવી.
• હ​વે આ ૯ સ્થાનમાં ન​વકારના ન​વ પદનો એક એક અક્ષર અનુક્રમથી ઉપસાવવાનો છે. પેલા લીલા કમળમાં આ અક્ષર સળગતી ટ્યુબલાઇટ અથવા ચમકદાર મોતીની જેમ ચમક્તા સફેદ ઉપસાવવાના.

• પહેલાં શ્વાસ એકી સાથે જોશથી બહાર કાઢી નાખી પછી શ્વાસ અંદર લેતાં, પહેલાં કર્ણિકામાં ‘નમો અરિહંતાણં’ પદના અક્ષર પછી અક્ષર શ્વાસની ધારા સાથે ઉપસાવવાના.
• અર્થાત શ્વાસ ધીરે ધીરે લેવાનું ચાલુ રાખી: “ન….મો….અ….રિ….હં….તા….ણં” ધારવું.

• આ એટલા સમય સુધી કે શ્વાસ લેવાનું ચાલુ છે.
• તે છેલ્લો “ણં” અક્ષર ધરાય ત્યાં શ્વાસ લેવાનો પૂરો થાય. કદાચ “ણં” બોલ્યા પછી શ્વાસ હજી સહેલાઇથી વધુ લઇ શકાય તો “ણં” નો ટંકાર એટલો લંબાવવો.

• અક્ષરની ધારણા એ રીતે, કે વચલી કર્ણિકામાં ક્રમસર એકેક સફેદ અક્ષર જાણે અંદર છૂપાયેલો અદ્રશ્ય હતો, તે હવે ઉપસતો આવે ને દ્રશ્ય બને. એ વખતે કમળની આઠ પાંખડીઓ કોરી ઘેરી લીલી પડી હોય.

• એ પછી તરત જ શ્વાસ ધીરે ધીરે બહાર કાઢતાં ઉપરની પાંખડીમાં ‘ન….મો….સિ….દ્ધા….ણં’ એમ અક્ષર ક્રમશ ઉપસતા આવે.
• આ અક્ષરો ઉપસાઇ જાય અને શ્વાસ બહાર કાઢવાનું પુરું થાય, કદાચ અક્ષર વહેલા પૂરા થઇ જાય તો છેલ્લા “ણં” પર ઠહેરી શ્વાસ કાઢવાનું પુરું કરાય, પણ તે ચાલુ ગતિ એ જ શ્વાસને બહાર નીકળવા દેવાનો.

• એ પછી તરત જ જમણી બાજુની વચલી પાંખડી પર નજર લઇ જઇ શ્વાસ અંદર લેવાનું શરૂ કરાય, અને સાથે ક્રમશ:
• ‘ન….મો…. આ….ય….રિ….યા….ણં’ અક્ષર એક પછી એક ઉપસતા આવે.
• પછી શ્વાસ મૂકતા જતાં ચોથા પદનો ક્રમસર એકેક અક્ષર જોવાનો.
• એવું સિદ્ધચક્રના ગટાના ક્રમે કમળની બાકીની પાંખડીઓમાં અક્ષર ધારણા કરવી.

• આ રીતે એક પદ શ્વાસ લેતાં, ને એક પદ શ્વાસ ઉપસતો જોવાનો, ને દરેક શ્વાસ કે ઉચ્છવાસનું કાર્ય તે તે પદના છેલ્લા અક્ષરે પૂર્ણ થાય.
• એમ એક નવકાર પૂર્ણ થયે તરત જ બીજો નવકાર, એ પૂર્ણ થયે તરત જ ત્રીજો નવકાર…
• એમાં રોજ અભ્યાસ વધતાં શ્વાસ ઉચ્છવાસની ગતિ ધીમી ધીમી થતી આવે.

અહીં ન​વકારની સંખ્યા વધ​વાનો લોભ નથી કરવાનો પરંતુ તેના એકેક અક્ષર ઉપર સ્થિરતા વધારવાની છે, તે પણ નિયમિત શ્વાસ કે ઉચ્છવાસ સાથે.

ભાગ ૨૬E: શ્રી નમસ્કાર મંત્ર ગણ​વાની પદ્ધતિ: અનાનુપૂર્વી

અનાનુપૂર્વી એટલે શું?
• અનાનુપૂર્વી એટલે આનુપૂર્વી નહીં તે.
• આનુપૂર્વી એટલે જેમાં નિયમિત અનુક્રમ સચવાયેલો રહેતો હોય તે.
• એટલે કે, જેમાં આનુપૂર્વીનો ક્રમ સાચવવામાં આવ્યો ન હોય અથ​વા ક્રમને હેતુપૂર્વક બદલવામાં આવ્યો હોય તે અનાનુપૂર્વી બને છે.
• એક યંત્રમાં ૫ અનાનુપૂર્વી ગોઠવી હોય એવી રીતે ૨૪ યંત્રની (૨૪ તીર્થંકરોના) અંદર ૫ પદની અનાનુપૂર્વી આપી શકાય​.
• જો યંત્રમાં ૬ અનાનુપૂર્વી આપવામાં આવે તો ૨૦ યંત્રમાં (૨૦ વિહરમાન જિનેશ્વરો) ૫ પદની અનાનુપૂર્વી આપી શકાય​.

૨૦ યંત્રો વાળી અનાનુપૂર્વી:
• દરેક યંત્રમાં આડા ૫ અને ઉભા ૬ ખાના મળી કુલ ૩૦ ખાના હોય છે.
• તેની આડી હાર માં ૧ થી ૫ સુધી નાં આંકડા જેના અનુક્રમ નથી એટલે તે અનાનુપૂર્વી કહેવાય છે.
• તેના વ્યુત્ક્રમ​વાળા પદોની ગણના કરતાં ચિત્ત​ અન્ય વિચારોમાં ભટકતું બંધ થઇ જાય છે અર્થાત એકાગ્રતા અનુભ​વે છે અને તે જ તેની સાચી મહત્તા છે જે કર્મ બંધન છેદ​વામાં ઉપકારક નીવડે છે.
• જે પાપ છમાસિક કે વાર્ષિક ભારે તપ કર​વાથી નાશ પામે છે તે પાપ નમસ્કાર મંત્રની અનાનુપૂર્વી ગણવાથી અર્ધક્ષણમાં નાશ પામે છે.
• જે મનુષ્ય સાવધાન મનવાળો બની ને અનાનુપૂર્વીના સર્વ ભંગોને ગણે છે તે મનુષ્ય અતિશય ક્રોધાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તો પણ શીધ્ર મુક્ત થઇ જાય છે.
• બીજા પણ ઉપસર્ગો, અન્ય ભય તથા દુષ્ટ રોગ અનાનુપૂર્વીને ગણ​વાથી શાંત થઇ જાય છે.
• અનાનુપૂર્વી આપણે ૨ રીતે ગણી શકાય​.

1️⃣ સંખ્યાની રીતે
2️⃣ રંગની રીતે

ભાગ ૨૭:  શ્રી નવકાર મંત્ર ક્યારે ગણાય​?

• શ્રી નવકાર મંત્ર પોતાના સ્વાર્થ માટે ન ગણાય​.
• મારો પ્રતિસ્પર્ધી નબળો પડે તે માટે ન ગણાય​.
• રોગ દૂર​ કર​વા માટે પણ ન ગણાય​ કારણ કે રોગ દૂર કરીને ભોગ માટે ઇચ્છતા હોય તો ન ગણાય પરંતુ રોગ દૂર કરી શરીરનો ઉપયોગ ધર્મ પ્રવૃતિ ને વેગ આપવા માટે કરવો હોય તો ગણાય​.
• જીવને સમાધિ આપવા માટે ગણી શકાય​.
• ચિત્ત આપતિમાં દીન ન બને અને સંપતિમાં લીન ન બને તે માટે ન​વકાર ગણી શકાય​.
• કોઇપણ માંગલિક કાર્ય કરતા પહેલા શ્રી નવકાર ગણીએ છીએ. જેમ કે, પેઢીએ જતા પહેલાં શ્રી નવકાર એટલા માટે ગણ​વાનો કે કમાવું એ પાપ છે પરંતુ સંસાર માં હોવાથી કમાવા જ​વું પડે તો હવે અનીતિ વગેરે કોઇ પાપ ન થાય​.
• જમ્યા પહેલા શ્રી નવકાર એટલા માટે ગણવા કે આહારમાં આસક્તિ વળગી ન જાય​.
• ઉઠતા શ્રી નવકાર એટલા માટે ગણવા કે ઉઠયા પછી મારાથી કંઇ ખોટું ન થાય​.
• સુતા પહેલા શ્રી નવકાર એટલા માટે ગણ​વા કે મૃત્યુ પામું તો મારી સદગતિ થાય​.
ખરેખર તો શ્રી નવકાર પાસે દુન્વયી સમૃદ્ધિની માંગણી કર​વી તે તેનો જે અખૂટ સુખ આપવાનો ભાવ છે, તેનો ઇન્કાર કરવા સમાન છે.

▪️ શ્રી ન​વકાર કોને અપાય​?
• "જેનો સંસારનો લગાવ ઢીલો નથી પડ્યો" તેને જ્ઞાની પુરુષોએ શ્રી ન​વકાર પણ આપ​વાની ના પાડી એટલે કે ઉપધાન કરે તેને જ શ્રી ન​વકાર આપ​વાનો.
• અને ઉપધાન કરતી વખતે બાહેંધરી લેવામાં આવે છે કે હું સંસારનો લગાવ નહીં રાખુ પછી જ સમ્યક્ત્વ ઉચ્ચરાવવામાં આવે છે.
• સમ્યક્ત્વ ઉચ્ચરે તેને જ ઉપધાન કરાવામાં આવે છે.
• સમ્યકત્વ ઉચ્ચર​વું એટલે સંસારનો લગાવ હું નહીં રાખું એવી બાહેંધરી.
• "ગીતાર્થોએ જેવો બાળક સમજણો થશે ત્યારે તે ઉપધાન કરી લેશે" એવો વિશ્વાસ​ મૂકી શ્રી નવકાર સાંભળ​વાની અને કંઠસ્થ કર​વાની છુટ આપી છે પરંતુ  જેણે ઉપધાન નથી કર્યા તેના માથે એક મોટું દેવું છે.

ભાગ ૨૮: શ્રી નમસ્કાર મંત્રના પ્રભાવની કથા

• શ્રેણિક રાજા એક ચિત્રશાળા બંધાવતા હતા, તેમાં દેશ-વિદેશના અનેક ચિત્રકારો કામ કરી રહ્યાં હતા.
• પરંતુ તેનો મુખ્ય દર​વાજો ઘણી કાળજીથી બાંધ​વા છતા તૂટી પડતો હતો. આથી રાજા મુંઝાયા, તેમણે જયોતિષીઓ ની સલાહ લીધી, જ્યોતિષીઓ એ ૩૨ લક્ષણાં બાળકનું બલિદાન આપ​વાની સલાહ​ આપી.
• પરિણામે નગરમાં ઢંઢેરો પીટાયો, કોઇ પોતાનો ૩૨ લક્ષણો બાળક આપે તો ભારોભાર સોનુ તોલી આપવાની જાહેરાત થઇ.
• પણ આવા કામ માટે કોઇ પોતાના બાળકની બલિ દેવા તૈયાર ન થયું.

• આખરે એક​ ગરીબ બ્રાહ્મણ કુટુંબ પોતાના પૂત્રોમાંથી અમરકુમારને બલિ દેવા માટે તૈયારી બતાવી.
• જ્યારે અમરકુમારને ખબર પડી ત્યારે તે ખુબ જ રડ​વા લાગ્યો અને માતા-પિતા ને બલિ ન દેવા માટેની વિનંતી કરી, પરંતુ માતાને તેના ઉપર ઘણો જ દ્રેષ હતો એટલે આખરે તેમણે રાજસેવકોને સોંપ્યો.

• તેઓ રાજ મહેલમાં લઇ ગયા અને તેની ભારોભાર સોનુ બ્રાહ્મણ દંપતિને આપ્યું.
• તેઓ ખુબ ખુશ થઇ ગયા. યોગ્ય મુર્હતે તેનું બલિદાન આપવાની તૈયારી થઇ, યજ્ઞકુંડમાં અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ભભુકવા લાગી, બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર શરુ કર્યા.

• અમરકુમાર વિચારે છે, "હવે મારે શું કર​વું? હમણાં મને હોમી દેવામાં આવશે."
• એવા માં તેને જૈન મૂનિએ શિખ​વેલો શ્રી નમસ્કાર મંત્ર યાદ આવ્યો અને તે અત્યંત શ્રદ્ધાથી સ્મરણ કર​વા લાગ્યો અને તે સ્મરણમાં લીન થઇ ધ્યાનસ્થ બની ગયો.
• પુરોહિતોએ "ૐ સ્વાહા: ૐ સ્વાહા:" કહી, તેને ઉઠાવી અગ્નિકુંડમાં પધરાવ્યો પણ તે જ વખતે અગ્નિજ્વાળાઓ શાંત થઇ ગઇ અને અમરકુમાર એક યોગી જેવો દેખાવા લાગ્યો, તેની કાયાને ડાઘ સરખો પણ લાગ્યો ન હતો. શ્રી નમસ્કાર મંત્રનો કેવો અજબ પ્રભાવ!

• આ વખતે રાજા પોતાના સિંહાસન પરથી ઉથલી પડ્યા, બધા બ્રાહ્મણો ભોંય ભેગા થઇ ગયા.
• રાજ્યસભામાં બધા કહેવા લાગ્યા, આ કોઇ મહાપુરૂષ લાગે છે.
• અમરકુમારે નમસ્કાર મંત્ર ભણી પાણીના છાંટડા રાજા અને બ્રાહ્મણો ઉપર નાખ્યાં અને તેઓ હોશમાં આવ્યા.
• રાજાએ કહ્યું, "હે બ્રહ્મકુમાર​, તું આ રાજ્ય ગ્રહણ કર​."
• અમરકુમાર: "હું તો હ​વે ચારિત્ર ગ્રહણ કર​વા ઇચ્છું છું અને તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું તથા પરમપદ ની પ્રાપ્તિ કરી."

• શ્રી ન​વકાર મંત્રના પ્રભાવથી અને અમરકુમારની શ્રદ્ધાથી તેમની બલિ થતા બચી ગઇ અને તેણે પરમપદ પ્રાપ્ત કર્યું.
આ રીતે જો આપણે પણ શ્રી ન​વકાર મંત્રની શ્રદ્ધાપૂર્વક સાધના કરીએ તો તેનું અચિંત્ય ફળ મળે.

ભાગ ૨૯: શ્રી ન​વકાર મંત્રના જાપથી પાપક્ષય​

• એક અક્ષરના જાપથી ૭ સાગરોપમના પાપોનો ક્ષય થાય.
• પ્રથમ પદના જાપથી ૫૦ સાગરોપમના પાપોનો ક્ષય થાય.
• પ્રથમ પદમાં ૭ અક્ષર તેથી ૭x૭‌ = ૪૯ સાગરોપમ. અને આખા પદના સમુચ્ચયનો ૧ સાગરોપમ ‌ ૪૯+૧‌ = ૫૦ સાગરોપમ.

એક નવકાર મહામંત્ર ગણવાથી પ૦૦ સાગરોપમના પાપોનો ક્ષય થાય.
• શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષરો છે. એક અક્ષરના જાપથી ૭ x ૬૮‌ = ૪૭૬ સાગરોપમ;
• નવકાર મહામંત્રના-૯ પદોના ૯ સાગરોપમ, ૮ સંપદાના ૮ સાગરોપમ, ૭ ગુરૂ અક્ષરના ૭ સાગરોપમ‌: ૯+૮+૭ ‌= ૨૪ કુલ.
• આથી (૪૭૬+૨૪) ‌ ૫૦૦ સાગરોપમ
• એક નવકારવાળી ‌= ૧૦૮ નવકાર ગણવાથી પ૪,૦૦૦ સાગરોપમના પાપોનો ક્ષય થાય. ૫૦૦x૧૦૮‌ = ૫૪,૦૦૦ સાગરોપમ.

૬૮ સંખ્યાનું ગણિતનું વિશ્લેષણ અદ્ભુત આધ્યાત્મિક ફળ સૂચવે છે.
• ૬ + ૮ ‌= ૧૪ શ્રી નમસ્કાર મહામંત્ર ૧૪ પૂર્વનો સાર છે
• ૬ x ૮‌ = ૪૮ શ્રી નમસ્કાર મહામંત્રને યોગ્ય રીતે આરાધનાર, આત્માઓ વિશિષ્ટ ઉચ્ચ કોટિની ૪૮ લબ્ધિઓ પણ મેળવે છે.
• ૮ / ૬ ‌= ૧ ભાગફળ, શેષ-૨. એટલે ૮ કર્મોથી બંધાયેલ આત્મા જો ૬ વ્રતનું પાલન કરે તો ફળ તરીકે વિશુદ્ધ આત્મા કર્મરહિત બની જાય અને મોક્ષ ન મળે ત્યાં સુધી શેષ તરીકે શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મને ટકાવી શકે.

વિધી પૂર્વક નવલાખ નવકાર:
• શ્રી નવકારના જાપમાં સંખ્યાનું બળ વધે તે ખૂબ જરૂરી છે. જેમ સો, હજાર, લાખ, દશલાખ અને કરોડ એમ ધનસંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય તેમ-તેમ સંસારી માયાવાળા જીવને પરમ આનંદ થાય.
• તેમ જીવનમાં રોજની ૩ કે ૫ માળાના પણ સરવાળાથી જીવનમાં આટલા હજાર-લાખ નવકાર ગણ્યા તેમ આંતરિક સંતોષથી અંતરની શક્તિઓનાં દ્વાર ખોલવાનો ભવ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે.
• વિધી પૂર્વકના નવલાખ નવકારનો જાપ નરક નિવારે એટલે નવકારના જાપથી નરકમાં જવાના પરિણામો-રૌદ્રધ્યાન, તેમજ તિર્યંચગતિમાં જવાનું કારણ આર્તધ્યાન દૂર થઈ જાય, પુદગ​લના તીવ્ર રાગથી આર્તધ્યાન રૌદ્રધ્યાન આવે છે, પણ નવકાર ના જાપથી પુદગ​લનો તીવ્રરાગ ઘટે.
• આથી આર્ત-રૌદ્રધ્યાન જાય.પરિણામે નરક-ગતિનો બંધ ન પડે.

નવલાખ નવકાર કેટલા વર્ષે પૂર્ણ થાય
• દરરોજ ૧ બાંધી નવકારવાળી ગણવાથી ૨૫ વર્ષે પૂર્ણ થાય.
• દરરોજ ૫ બાંધી નવકારવાળી ગણવાથી ૫ વર્ષે પૂર્ણ થાય છે.
• દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવાથી ૨ વર્ષ અને છ મહિનામાં પૂર્ણ થાય.
• દરરોજ ૨૫ બાંધી નવકારવાળી ગણવાથી ૧ વર્ષ પૂર્ણ થાય.
• દરરોજ ૫૦ નવકારવાળી ગણવાથી ૬ મહિનામાં પૂર્ણ થાય.

ભાગ ૩૦A: શ્રી નમસ્કાર મહામંત્રના પદોમાં નમો

શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ પદથી પાંચમાં પદ સુધી દરેક પદમાં નમો પ્રથમ મુકેલ છે.

શ્રી ન​વકાર મંત્રમાં ૫ વખત નમો પદ કેમ મૂક્યું? નમો અરિહંત-સિદ્ધ-આચાર્ય એમ ભેગું કર્યું હોય તો ના ચાલે?
• પાંચે પરમેષ્ઠિમાં ફક્ત ૧ જ વખત નમો પદ પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે તો પાંચ વખત નમો પ્રયોજવાથી મંત્ર શિથિલ ન બની જાય​?
એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે પરંતુ શ્રી ન​વકાર મંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજ​વાથી તે શિથિલ બનતો નથી.

• એક પદમાં થી બીજા પદમાં જ​વા માટે વિરામ તરીકે તે ઉપયોગી છે, લય પણ સંચ​વાય છે.
• પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ૪ પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી શ્રી ન​વકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નમો શબ્દ આવશે નહીં તો નમો વગર એ મંત્રનો જાપ અધુરો ગણાશે.
• વળી શ્રી ન​વકાર મંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઇપણ ૧ જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમ કે નમો સિદ્ધાણં અથ​વા નમો આયરિયાણં ઇત્યાદિ. સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં આવો ૧ પદનો જાપ થાય છે.
• હ​વે જો ત્યાં નમો પદ ના હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહીં આવે.
• એટલે શ્રી ન​વકાર મંત્રમાં પાંચે પરમેષ્ઠિ સાથે નમો પદ જોડાયું છે તે યોગ્ય જ છે.

આમ તો ૫ પદ ઉપરાંત છઠ્ઠા પદ "એસો પંચ નમુક્કારો" માં પણ નમો પદ ગુંથી લેવામાં આવ્યું છે.
• શ્રી ન​વકાર મંત્ર માં આ રીતે છ વખત "નમો" બોલાય છે. તે પણ સહેતુક છે.
• નમો દ્રારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્રારા ૫ ઇન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે ૫ ઇન્દ્રિય અને મન એ રીતે નમો ની ૬ ની સંખ્યાને સુચક રીતે ઘટાવાય છે.



ભાગ ૩૦B: શ્રી નમસ્કાર મહામંત્રના પદોમાં નમો

દરેક વખતે નમો નમો બોલવાથી શું ફાયદો?
• દરેક વખતે નમો નમો બોલો એટલે ન​વું ન​વું પુણ્ય ઉપાર્જન થાય છે.
• પુણ્ય કર્મ કરતા પુણ્યની અનુમોદના ચઢી જાય છે.
• પુણ્ય કર્મ ૫-૧૦ મીનીટ થાય​, અમુક વખત જ થાય તેથી વધારે ના થાય​.
• પણ અનુમોદના તો જેટલી કર​વી હોય ત્યાં સુધી થાય છે.

જેના પ્રત્યે પ્રીતિ હોય તેનું નામ કેટલી વાર બોલાય છે? કારણ કે તે વખતે મનમાં ન​વા ન​વા ભાવ આવે છે.
• આદર એવી ચીજ છે કે તેનું નામ વારંવાર બોલ્યા કરે છે.
• ઘણા કહે છે મારા પિતાશ્રી આમ કહેતા હતા, મારા પિતાશ્રી આમ કરતાં હતાં,
• અહીં શ્રી નવકારમાં પણ બધી વ્યક્તિ પૂજ્ય છે, બધા ઉપર આદર છે, તેનું સૂચક વારંવાર નમો પદ છે.
• એક વાર નમો બોલો અને વારંવાર નમો બોલો એ કેટલો બધો આદર બતાવે છે, જેટલી વાર નમો બોલો તેટલી વાર ન​વું પુણ્ય બંધાય છે.
• આપણે અગાઉ ના ભાગ માં શાલિભદ્રે ખીર વહોરાવી તેનું દ્રષ્ટાંત જોઇ ગયા છીએ.
• તેમાં ખીર વહોરાવવાનું કાર્ય તો ૫ મીનીટનું હશે પણ પછી અનુમોદનાના જોરે પુણ્યના થોક ઉપાર્જન કર્યા છે.
• પુણ્યકર્મ કરો અને અનુમોદના ન કરો તો તે પુણ્યાનુબંધી પુણ્ય ન બને, અનુબંધ ન પડે, તે પુણ્ય સંસ્કાર ઉભા ન કરે.

નમો માં દ્ર​વ્યનમસ્કાર અને ભાવનમસ્કાર હોય છે.
• દ્ર​વ્યનમસ્કારમાં શરીર-ઇન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે.
• ભાવનમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી તેમાં મનોગુપ્તિ પણ રહેલી છે.
• નમો ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સીવાય કશું ઉચ્ચારણ ન હોવાથી તેમાં વચનગુપ્તિ પણ રહેલી છે.
• આમ, ત્રણે પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે.

• નમો માં નમ​વાનો-નમનનો ભાવ છે.
• નમન એટલે ન​-મન : મન પોતાના સાંસારિક ભાવોમાં ન રહે, તે ન​-મન એટલે, નિર્વિકલ્પ દશા.
• મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં સ્થિર થાય ત્યારે નમન બને છે. નમો નું આ રહસ્ય છે.


ભાગ ૩૧

• અમે આશા રાખીએ છીએ કે આપ સર્વે શ્રી નવકાર મહામંત્રના જાપ માટે બધા ભાગો વાંચી શ્રી નવકાર મંત્રની સાધના શ્રદ્ધાથી, પરમાત્માની શરણાગતિથી, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવથી, સાતત્યતાથી, ચિત્તની સ્થિરતાથી કરશો તો અચિંત્ય ફળ અચૂક મળશે જ.

• અમે અહીં શ્રી નમસ્કાર મંત્રના ભાગોની પૂર્ણાહુતિ કરીએ છીએ, નીચે ભાગ ૧ થી ૩૧ સુધીના બધા ભાગો ની PDF આ લિંક ઉપરથી મળી શકશે: https://zcna4.app.goo.gl/namaskar

• આ PDF અન્ય ગ્રુપમાં, તમારા મિત્રો અને સગા-સબંધીઓ ને શેર કરી જૈન શાસનનો ફેલાવો કરશો તેમજ પુણ્યના ભાગીદાર બનશોજી.

• અમોને થોડા પ્રશ્નો ગ્રુપ મેમ્બર્સ્ દ્રારા કર​વામાં આવેલ, અમુક પ્રશ્નો જે બધાને લાભદાયી છે તે નીચે આપીએ છીએ.

નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી? તેની ઉત્પતિ ક્યારે થઇ?
• નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે, અર્થાત નમસ્કાર મહામંત્ર અનાદિ-અનંત છે. આથી નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી એ પ્રશ્ન જ રહેતો નથી. 
• નમસ્કાર મહામંત્ર શબ્દથી નિત્ય છે અને અર્થથી પણ નિત્ય છે એટલે કે શાશ્વત છે. 
• કોઇપણ તીર્થકરના કાળમાં નમસ્કાર મહામંત્રના જે શબ્દો છે તે જ શબ્દો રહે છે. 
• તેમાંથી એક પણ શબ્દ વધતો નથી કે ઘટતો નથી. તથા શબ્દોમાં ફેરફાર પણ થતો નથી. 
• અર્થ પણ દરેક તીર્થકરના કાળમાં એક સરખો જ રહે છે. 
• જેવી રીતે દરેક ચોવીસીમાં લોગસ્સ સૂત્રના શબ્દોમાં ફેરફાર થઇ જાય તેમ નમસ્કાર મહામંત્રના શબ્દોમાં ફેરફાર ન થાય.

શ્રી નમસ્કાર મંત્રમાં પ્રથમ પદ “નમો અરિહંતાણં” અને બીજું પદ “નમો સિદ્ધાણં” છે.
• સિદ્ધ પરમાત્માએ ઘાતી અને અઘાતી બધા કર્મોનો નાશ કર્યો છે પરંતુ અરિહંત પરમાત્માએ તો ફક્ત ઘાતી કર્મોનો જ નાશ કરેલો છે. 
• તો પણ અરિહંત પરમાત્માને પહેલા અને સિદ્ધ પરમાત્માને તેમના પછી કેમ નમસ્કાર કર્યા છે?
• કારણ એ છે કે, અરિહંત પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે અને મુક્તિનો માર્ગ દર્શાવે છે.
• સિદ્ધ પરમાત્માની ઓળખ પણ અરિહંત પરમાત્મા જ કરાવે છે.
• સિદ્ધપદ સાધ્ય છે અને એ સાધ્ય કરવાની સમજ અરિહંત પરમાત્મા જ આપે છે.
• એથી કરીને અરિહંત પરમાત્મા પ્રથમ પદમાં છે. એ જ આપણા માટે સૌથી પ્રથમ આરાધક છે એટલે જ શ્રી નમસ્કાર મંત્રમાં પ્રથમ પદ “નમો અરિહંતાણં” અને બીજું પદ “નમો સિદ્ધાણં” છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top