ઋષભદેવને ભગવાનના ચોવીસ અવતારોમાંના એક માનવામાં આવે છે. તે મહારાજા નાભિના સુપુત્ર હતા. તેમણે ગુરુકુળમાં વાસ કર્યા પછી ગુરુના આદેશાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું પસંદ કર્યું. એમણે આદર્શ ગૃહસ્થાશ્રમનો આશ્રય લઇને ઉત્તમ પ્રકારનાં અસંખ્ય કર્મોનું અનુષ્ઠાન કર્યું. એકવાર એમણે બ્રહ્માવર્ત નામના દેશમાં મહર્ષિઓની સભામાં પોતાના સુપુત્રોને અને અન્ય અસંખ્ય મનુષ્યોને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ એમની ઉદાત્ત દૃષ્ટિને સારી પેઠે રજૂ કરે છે. એ સુંદર સારગર્ભિત સદુપદેશની કેટલીક
‘મહાપુરુષોની સેવા તથા સંગતિને મુક્તિનું મંગલમય દ્વાર માનવામાં આવ્યું છે અને વિષયીજનોનો સંગ અધઃપતનનું મુખ્ય કારણ છે. જે સર્વત્ર સમચિત્તવાળા, પ્રશાંત, ક્રોધરહિત, ઉત્તમ હૃદયવાળા તથા સદાચારી હોય તેમને મહાપુરુષો માની લેવાં અને એવા પવિત્ર પુરુષોનો જ સંગ કરવો. વિષયીજનોના સંસર્ગથી દૂર રહેવું.’
‘જ્યાં સુધી મારામાં અથવા વાસુદેવમાં પ્રીતિ કે શ્રદ્ધાભક્તિ નથી થતી ત્યાં સુધી દેહના સંબંધથી અથવા દેહાધ્યાસથી મુક્તિ નથી મળતી.’
‘જે મૃત્યુરૂપ સંસારચક્રમાંથી છોડાવી ના શકે કે અમૃતમય ના બનાવી શકે તે ગુરુ સાચા અર્થમાં ગુરુ નથી, તે સ્વજન સ્વજન નથી, માતા-પિતા માતાપિતા નથી, તે દેવ દેવ નથી અને તે પતિ સાચા અર્થમાં પતિ ના કહી શકાય.’
ઋષભદેવે પોતાના સૌથી મોટા સુપુત્ર ભરતનો રાજ્યાભિષેક કરીને દિગંબરરૂપે બ્રહ્માવર્ત દેશમાંથી પરમહંસ દશામાં પ્રયાણ કર્યું. એમને દિગંબર અવસ્થામાં રહેનારા પરમહંસોની પરંપરાના પુરસ્કર્તા કહી શકાય. માણસ બાહ્ય રીતે દિગંબર બને કે ના બને તોપણ એણે આત્મજ્ઞાનનો આધાર લઇને દેહાધ્યાસમાંથી મુક્તિ મેળવવી જોઇએ એ ખાસ યાદ રાખવાનું છે. જીવનનું સાચું કલ્યાણ એમાં જ રહેલું છે.
ભગવાન ઋષભદેવ અવધૂતવેશમાં વિચરતા દક્ષિણ કર્ણાટક પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં એકાએક જાગેલા દાવાનલે એમના શરીરને ભસ્મિભૂત કરી નાખ્યું.
મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક
|| મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક ||
પોષ વદિ તેરસની મેરુ પૂજનની તિથિ. (સંજ્ઞા.)
પોષ વદિ તેરસ. તે દિવસે રત્ન કે ધીનો મેરુ કરી તેનું પૂજન કરાય છે.
ભરત ક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને ખતમ કરવા પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીનો જન્મ – ફાગણ વદ આઠમ ના રોજ અયોધ્યામાં થયો. ભરત ક્ષેત્રની ઇશ્વાકુ ભૂમિમાં નાભિરાજા કુલકર પિતા અને મરુદેવા માતાને ત્યાં પ્રભુનો જીવન વિકાસ શરૂ થયો.
આ સમય યુગલિક કાળ કહેવાતો, કલ્પવૃક્ષની મદદથી ઇચ્છાપૂર્વક જીવન નિર્વાહ થતો.
ભગવાન ઋષભદેવ (શ્રી આદીનાથ દાદા )
ભગવાન આદિનાથનો મહિમા અપરંપાર છે. જૈનોના તિર્થાધિરાજ શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે ભગવાન બિરાજે છે. પ્રભુને ભરત – બાહુબલિ આદિ સો પુત્રો હતા. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી રાજા થઈ ગયા.
ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે જૈન – જૈનેતર પ્રજામાં પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે જૈનોના તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની ઘટના સંકળાયેલી છે અને તે રીતે કરોડો – અસંખ્ય વર્ષોથી આ પર્વનો મહિમા જૈન દર્શનમાં ખૂબ વખણાયેલો છે.
ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક હોવાને લીધે આજનો દિવસ કલ્યાણક તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે.
જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું. પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું.
ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇંદ્રે સુંદર દેખાતી વાળની લટોનો લોચ ન કરવા વિનંતી કરી તેથી બન્ને બાજુએ લટકતી બે લટોનો લોચ કર્યા વિના પ્રભુએ બે લટ એમ જ રહેવા દીધી.
ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ સમયે યુગલિયા લોકો સુખી-સમૃદ્ધ હતા, લોકોને ભિક્ષાચાર અંગે કોઈ ખ્યાલ ન હતો એટલે લોકો પ્રભુને ભિક્ષામાં હીરા, માણેક, રત્ન, સુંદર કન્યાઓ વગેરે આપવા લાગ્યા, પણ ભગવાનને નિર્દોષ આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે માનતું નહિ. આમ ગોચરી માટે નિર્દોષ આહાર માટે વિહરતા વિહરતા પ્રભુ હસ્તીનાપુર તરફ ગયા. હસ્તીનાપુર રાજા બાહુબલીના પુત્ર સોમપ્રભ હતા. તેમના પુત્ર રાજકુમાર શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગર શેઠ સુબુદ્ધિને સુંદર સ્વપ્ન આવ્યાં.
જેમાં શ્રેયાંસકુમારને અમૂલ્ય લાભ થશે એવો સંકેત દરેકને સ્વપ્નમાં જોવા મળ્યો. પ્રભુ ઋષભદેવને દીક્ષા લીધા પછી ગોચરી માટે નિર્દોષ આહાર મેળવવા વિચરતા વિચરતા ૧૩ માસનો સમય વીતી ગયો.
એ જ વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ ધર્યા અને એક ઘડો લઈ શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો. પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા અને શ્રેયાંસકુમારે એક પછી એક તમામ ઘડાનો રસ રેડી દીધો. આ પ્રમાણે ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે કર્યું. લોકોએ આનંદથી આ પ્રસંગ વધાવી લીધો. દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં અને શ્રેયાંસકુમારે લોકોને પોતાનો ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.
પ્રભુના ૧૩ માસના વર્ષીતપના અનુકરણ અનુમોદન માટે આજે પણ જૈન તપસ્વી આરાધકો ગુજરાતી ફાગણ વદ આઠમથી એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું એમ આખા વર્ષ દરમિયાન વર્ષીતપની આરાધના કરી અખાત્રીજના દિવસે જિન મંદિરમાં આદીનાથ ભગવાનને શેરડીના રસથી પ્રક્ષાલ પૂજા આદિ વિધિવિધાન કરવાપૂર્વ શેરડીના રસથી પારણું કરી આખાત્રીજની આરાધના ઊજવે છે.
શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા, ૬૩ લાખ પૂર્વ રાજ્યવસ્થામાં રહ્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહાસ્થાવસ્થામાં રહ્યા, એક હજાર વર્ષ સાધના કાળમાં કેવલજ્ઞાન વિના છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, બાકીના શેષ લગભગ એક લાખ પૂર્વે કેવલી અવસ્થામાં વિચરી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. મોક્ષે સિધાવ્યા. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ વર્ષ થાય (૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ). આમ ભગવાન ઋષભદેવે જીવ માત્ર માટે શાશ્વત સુખનો સંદેશો આપ્યો.
આજે એ વાતને કરોડોથી પણ વધુ વર્ષ થઈ ગયા છે, પણ એ સંદેશો હજીય પૃથ્વીને પાવન કરી રહ્યો છે. પ્રભુ પોષ વદ તેરસના રોજ બાકીનું આયુષ્ય કેવલી અવસ્થામાં પૂર્ણ કરી અષ્ટાપદ પર્વતના શિખર ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી મેરુ તેરસ તરીકે પ્રભુ આદિનાથની આરાધનાપૂર્વક જૈનો પર્વ માને છે.
પ્રભુ આદિનાથની સ્તુતિનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બનાવેલા શ્લોક જૈનોમાં ખૂબ પ્રસિદ્ધ છે.
આદિમં પૃથ્વીનાથાય આદિમં નિષ્પરિગ્રહમ્
આદિમં તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનં સ્તુમઃ
આ યુગના સૌ પ્રથમ રાજા, સૌ પ્રથમ સાધુ, નિગ્રંથ સૌપ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ સ્વામીને હું સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરું છે.
|| મેરુ તેરસ – પોષ વદ ૧૩ આદિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક – અભિજિત નક્ષત્રે ||
૫૦૦ ધનુષ્ય એટલે કે ૩૦૦૦ ફૂટ ની ઉંચાઈ વાળા ૧૦૮ જીવ ૧ સાથે , ૧ સમયે ક્યારેય મોક્ષે ના જાય
પણ આ વર્તમાન ચોવીસી ના પહેલા અછેરા (અપવાદ રૂપ દુર્લભ ઘટના ),માં
શ્રી આદીનાથ દાદા
એમના ૯૯ પુત્રો
અને ૮ પોઉંત્રો (ભરત ચક્રવર્તી ના પુત્રો) સહીત ૧૦૮ પૂન્યત્માઓ એકી સાથે,
૧ માત્ર કલ્યાણક ની ભૂમિ શ્રી અષ્ટાંપદજી થી મોક્ષે સિધાવ્યા
ત્યાર બાદ શ્રી ઇન્દ્ર દેવ એ ૩ ચિતા બનાવરાવી
૧ દાદા ની
૧ દાદા ના ગણધર ભગવંતો ની
અને ૧ બાકીના સાધુઓ ની.
પ્રભુ ના અવસાન બાદ શ્રી ભરત ચક્રવર્તી અવાચક અને ઉદાસ થઇ ગયા ત્યારે
ઇન્દ્ર દેવ એ વિશિષ્ટ હાવ ભાવ કરી ભરત ચક્રવર્તી ને રડતા શિખવાડ્યું
ત્યાર થી લોકો માં મૃત્યુ પાછળ રડવા ની પ્રથા શરુ થઇ
=========================================
ઋષભ નિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત… ઋષભ૦ ૧
પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગઈ ન કોય;
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય… ઋષભ૦ ૨
કોઈ કંત કરણ કાષ્ઠ [૧] ભક્ષણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય… ઋષભ૦ ૩
કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રમ્જન ધાતુ [૩] મિલાપ… ઋષભ૦ ૪
કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ… ઋષભ૦ ૫
ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદધન” પદ એહ… ઋષભ૦ ૬
==========================================
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. તેર
(2) જન્મ અને દિક્ષા વિનિતા નગરીમાં થયા.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક – જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ – નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન – વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ – ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા – ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય – ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક – પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ – ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર – પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર – ૫૦ લાખ કરોડ સાગરોપમ.
ભગવાન ઋષભદેવ (શ્રી આદીનાથ દાદા )
------------------------------------------------------------
શ્રી ઋષભ કથા (ભાગ પ્રથમ) જન્મ કલ્યાણક
ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્મોત્સવ
અહીં પ્રારંભ થાય છે ઋષભદેવ પ્રભુની કથા "ઋષભ કથા"
જગતના આદિ પુરુષની કથા,
સૌ પ્રથમ રાજાની કથા,
સૌ પ્રથમ ઋષિની કથા,
અવસર્પિણીના સૌ પ્રથમ તીર્થંકરની કથા,
"ઋષભ કથા"
આદિનાથ,રીખવદેવ,ઋષભદેવ,યુગદીદેવની કથા,
વિશ્વ આખું જયારે અંધાધુંધી ભર્યા વળાંક ઉપર ઉભું હતું,
અવસર્પિણીનો ત્રીજો આરો હતો,
કલ્પવૃક્ષો પણ મંદ પડી ગયા હતા,
યુગલીકોનો સંપ ઓછો થયો હતો,
એવે વખતે પરમ તેજથી દૈદીપ્યમાન એક દિવ્ય આકૃતિનું અવતરણ આ પૃથ્વીલોક પર થયું હતું,
જેમણે યુગલીક ધર્મનું નિવારણ કર્યું,
જેમણે રાહ બતાવી,અને
એ રાહ ઉપર આપણને પગ ભર કર્યા,
કરોડો વર્ષ પહેલાનો આ ઈતિહાસ છે, એક જીવંત કથા છે, "ઋષભ કથા"
ઋષભદેવ પ્રભુ ન પ્રગટ્યા હોત તો ધર્મ અને કર્મની ખબર ન હોત,
રાજગાદી અને ધર્મગાદી ઉપર જેઓ સ્વયં બિરાજમાન થયા હતા,
વ્યવહાર પથ અને મુક્તિ પથ એમ બન્ને પથના જેઓ સ્વયં મુસાફિર બન્યા હતા,
જયારે આપણે આપણા જ પોતાના જ કેદી બનીને નિગોદમાં સબડી રહ્યા હતા,
ત્યારે જેમણે હાથ જાલીને બહાર કાઢ્યા હતા એ ઈશ્વરની આ કથા છે "ઋષભ કથા"
આ એક એવી કથા છે જેમાં કલ્પનાના રંગો નથી,
જે સાક્ષાત છે,જે જીવંત છે,
એવા ઋષભ પરમાત્માની આ કથા છે,
જેમના આગમનથી પિતા નાભીરાયાનું હ્રદય પાવન બન્યું હતું,
જેમના અવતરણથી માતા મરૂદેવાનું અંત:કરણ ઘેલું ઘેલું બન્યું હતું,
એ માતાએ એક નહીં બે નહીં પણ ચૌદ-ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા,
કેવી મહા-ભાગ્યશાળીએ માતા હશે! જેના ઉદરમાં પ્રભુના નામનો સુરજ ઉગ્યો,
એના ભીતરમા પ્રભુના નામનો ચાંદ ખીલ્યો,
એના રોમ-રોમમાં પ્રભુના નામના પાંદ ફૂટ્યા,
દેહના તાર રણઝણવા લાગ્યા,જાણે કહેવા લાગ્યા,
જગત આખાને છતર-છાયા આપનારા પ્રભુ મારી કુખે અવતરશે,
હું કેવી પુણ્ય પનોતી! હું કેવી ભાગ્યશાળી!
દરેક વૈભવ મને આ ભવમાં મળી ગયો!
માતાનો હર્ષ વધવા લાગ્યો,ગર્ભના પ્રભાવથી કલ્પવૃક્ષો પ્રભાવશાળી બન્યા,
નદીના નીર વધ્યા,ચન્દ્રની ચાંદની વધી,સુરજનું તેજ વધ્યું,
પૃથ્વીના ધાન વધ્યા,પવનની ગતિ વધી,ફૂલોની સુગંધ વધી,
વાદળમાં વરસાદ બંધાયો,તડકો ઘટ્યો અને છાંયો વધ્યો,
તાપ ઘટ્યો અને ઠંડક વધી,
મંદ-મંદ ગતિએ સંચરતી માતાએ સમયની અવધી પૂરી કરી,
ચૈતરની ઘાણ રાત થઇ,ગ્રહો શ્રેષ્ઠ નક્ષત્રોમાં રહ્યા,
ચન્દ્ર ઉત્રાશ્ચ્રા નક્ષત્રમાં હતો,દિશાઓ પ્રસન્ન હતી,
પ્રજાજનો ખુશ હતા,પશુઓ નિર્ભય હતા,
ધરતી શ્વાસ લેતી હતી,પવન એકલો એકલો રમ્યા કરતો હતો,
રંગોની છોળ ઉછળતી હતી, ઠેર ઠેર રંગોળીઓ પુરાઈ હતી,
અને એવે વખતે મરૂદેવા માતાએ દુખ રહિત સુખ પૂર્વક,
આરોગ્ય પૂર્વક,આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો... જન્મ આપ્યો.... જન્મ આપ્યો...
દિક કુમારિકા આવી,સ્વયં ઇન્દ્ર મહારાજા પધાર્યા,
બાળ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઇ ગયા,
અને દેવોએતો ધૂમ મચાવી,
પ્રભુ ને નવરાવવા હર્ષ ઘેલા બન્યા,રસ ઘેલા બન્યા,
પાતાળ કળશો જેવા મોટા કળશો બનાવ્યા,
સુગંધી જલ ભર્યું, અને
અચ્યુતેન્દ્ર એ બાળ ભગવાન ઋષભનો જન્માભિષેક કર્યો,
મેરૂ પર્વતના પગથીયા તો જળના પગથીયા બની ગયા,
વાજિંત્રો બોલી ઉઠ્યા,પર્વતો ડોલી ઉઠ્યા,
દૈવી સંગીતની મહેફિલ ઉઠી,
શોભા ન્યારી ન્યારી, શોભા ન્યારી...
શોભા ન્યારી છે જનમ કથા ની...
---------------------------------------------------------------------------------------------
શ્રી ઋષભ કથા (ભાગ દ્રિતીય) વિવાહ કલ્યાણક
સુનંદા-સુમંગલા સાથે આદિનાથ પ્રભુનો વિવાહ
દેવો સાથે રમતા રમતા પ્રભુએ બાલ્ય કાળ પસાર કર્યો,
પ્રભુ હવે યુવાન થયા, તેઓતો મોક્ષમાર્ગ ના સાધક હતા પણ લોક વ્યવહાર માટે અને ઇન્દ્રના કહેવાથી પ્રભુ લગ્ન માટે તૈયાર થયા.
દેવો ખુશ થયા,માતા-પિતા ખુશ થયા.
સુધર્મા સભા જેવો મોટો મંડપ રચાયો,
સુવર્ણ અને રજતની જોડીઓ બનાવાઈ,
શરણાઈના સુરો રેલાયા,
પ્રભુ મીંઢોળ બંધાવી વર બની શોભી રહ્યા હતા.
હાથમાં પાન અને સોપારી હતા,
સાથમાં સુનંદા અને સુમંગલા હતા,
ઋષભદેવ જેવા ભરથારને પામીને બાકી ની સ્ત્રીઓ સુનંદા અને સુમંગલાની ઈર્ષ્યા કરતી હતી,
પાનેતરમાં સજ્જ થયેલી સુનંદા અતિ આનંદમાં હતી,
મંગલ વસ્ત્રોથી તૈયાર થયેલી સુમંગલા અતિ મંગલ મંગલ દેખાતી હતી!
દેવોએ લાવેલા દિવ્ય વસ્ત્રોમાં જડેલા આભલા અને મઢેલા મોતીઓ પ્રભુની શોભા વધારતા હતા. સપ્તપદીના મંત્રો બોલતા હતા.
કુર્યાત સદા મંગલમનો ધ્વની પડઘાતો હતો અને એવે વખતે પ્રભુ નો હસ્ત મેળાપ થયો...
આ અવસર્પિણીના એ પ્રથમ લગ્ન હતા,
કરોડો વર્ષ પહેલા થયેલા એ લગ્નનો ધ્વની,
આજે હજુ એ જ પ્રમાણે ગુંજી રહ્યો છે....
વાગે શરણાઈ કેર સુર રે!
------------------------------------------------------------------
ભાગ તૃતીય (પ્રભુનો રાજ્યાભિષેક તથા દીક્ષા)
પ્રભુનો રાજ્યાભિષેક
પ્રભુએ યુગલીક ધર્મનું નિવારણ કર્યું, યુગલીયાઓ ખુબ ભોળા હતા,
પણ કાળના પ્રભાવે કષાયો થવા લાગ્યા,
ધીરે ધીરે તેઓ નીતીને ઓળખવા લાગ્યા,
પરસ્પરનો સ્નેહ ઘટતો ગયો,
અને પિતા નાભી રાજાની આજ્ઞાથી પ્રભુ રાજા બનવા તૈયાર થયા,
ભોળા યુગલીયા ખુશ થયા,
રાજ્યાભિષેક કરવા કમળપત્ર લઇ જલ ભરવા ગયા,
એટલામાં જ ઇન્દ્રે આવી પ્રભુનો રાજ્યાભિષેક કરી દીધો,
યુગલીયા પાછા આવ્યા તો પ્રભુ દિવ્ય વસ્ત્રો અને અલંકારો પહેરી-
સુવર્ણના સિંહાસન પર બિરાજેલા હતા.
પ્રભુને જોતાની સાથે જ તેઓની આંખો સ્થિર થઇ ગયી,અને વિચારવા લાગ્યા,
હવે આ કમળપત્રમાં લાવેલું જળ પ્રભુના મસ્તક ઉપર તો ન જ નખાય,
આથી બાળક જેવા નિર્દોષ યુગલીયાઓએ પ્રભુનો મસ્તકાભિષેક કરવાને બદલે,
પ્રભુનો ચરણાભિષેક કરી દીધો, યુગલીકો વિનીત હતા,
આથી એ નગરી વિનીતાના નામે ઓળખાવા લાગી,
પ્રભુ રાજા બન્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં પસાર કર્યા,
પ્રજાનું પાલન કર્યું, સૌને સંસ્કાર આપ્યા,કળા શીખવી,જીવન જીવતા શીખવ્યું,
અને છેલ્લે લોકાંતિક દેવોએ આવીને વિનંતી કરી,
વૈરાગ્ય વાસિત પ્રભુ સાધનાના પંથે જવા તૈયાર થયા,
મરૂદેવા માની આંખમાં આંશુનું તળાવ ભર્યું છે,
રાજમહેલનું ફળિયું કરૂણ મંગલ કોલાહલવાળું બન્યું છે,
પ્રભુ વિદાય લેશે.
રાજ મહેલ છોડશે,
અંત:પુર છોડશે,
ગામ છોડશે,
નગર છોડશે,
સ્વજનો છોડશે,
પ્રજાજનો છોડશે,
સત્તા અને સંપતિ છોડશે,
વૈભવ છોડશે,
બંધનો છોડશે,
પ્રભુ ચાલ્યા જશે?
આમ એકલા મૂકી દેશે?
પ્રભુના ચાલ્યા જવાની કલ્પના ધ્રુજાવી મુકે છે!
માતા આઘાતથી સ્તબ્ધ બની છે..
હજુ ગઈ કાલની જ વાત હોય એમ ઋષભને રાજતિલક કર્યું હતું,
અને આજે એ ત્રિભુવન તિલક બનવા જાય છે,
સુનંદા રડતી,સુમંગલા રડતી,
મરૂદેવા માતા રડતા,
ત્રણ-ત્રણ સ્ત્રીઓ એક ઋષભ માટે રડ્યા કરતી,ઝૂર્યા કરતી,ઝંખ્યા કરતી,
પણ પ્રભુએ સર્વસ્વ છોડી દીધું,
પ્રભુના હસ્તે વર્ષીદાન
વરસ લગી દાન આપ્યું,
છેલ્લે સુદર્શન શીબીકામાં બેસી સિદ્ધાર્થવન તરફ પ્રયાણ કર્યું,
પ્રભુ પ્રસન્ન હતા અને સ્વજનો ઉદાસ હતા,
પ્રભુની ડાબી તરફ ચાલતા ભરતની આંખો નહોતી રડતી.. હ્રદય રડતું હતું,
પ્રભુની જમણી તરફ ચાલતા બાહુબલીની આંખો નહોતી ભીંજાઈ...રોમ-રોમ ભીંજાઈ ગયા હતા,
પ્રભુએ સર્વનો ત્યાગ કર્યો અને સાવ્ત્થ યોગનું પચ્ચખાણ કર્યું,
સમ-સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો,
ઇન્દ્ર મહારાજાની વિનંતીથી પ્રભુનો ચૌમુષ્ટિ લોચ
ઇન્દ્ર મહારાજાની વિંનતીથી ચઉ-મુષ્ટિ લોચ કર્યો,
દિવ્ય વાજિંત્રોથી સિદ્ધાર્થવન ગુંજી ઉઠ્યું,
અને પ્રભુએ ચૈતર વદી-૮ના શુભ દિવસે દીક્ષા લીધી,
પ્રથમ યતી બન્યા અને ગતિ અટકાવી દીધી,
આશિષની વર્ષા થઇ,સીવાસે પંથા નાશંતુ!
-------------------------------------------------------------------------------
શ્રી ઋષભ કથા (ભાગ ચતુર્થ) પ્રભુનો વિહાર
પ્રભુનો નિત્ય વિહાર
ભગવાન ઋષભદેવ સાધુ બન્યા,સંત બન્યા,
અને બીજા ચાર હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી હતી,
પરમાત્માતો ત્યાગી હતા, ભવોભવના વૈરાગી હતા,તપસ્વી હતા,
પ્રભુ સાથે દીક્ષિત થયેલા રાજાઓ ક્ષુધા પરીસહને સહન ન કરી શક્યા,
અને એટલે જ પ્રભુથી છુટા પડી ગયા, ફળોને તોડીને ખાવા લાગ્યા,
પાંદડાઓના ચીર બનાવી પહેરવા લાગ્યા,
નદીનું વહેતું જળ પીવા લાગ્યા,
ઉતરણની શૈયા બનાવી સુવા લાગ્યા,
અને તેઓ તાપસ બની ગયા,
ત્રણ જગતના નાથતો એકલા એકલા વિહરવા લાગ્યા,
નમી અને વિનમી પ્રભુની સેવામાં રહ્યા,
પણ પ્રભુ મૌની હતા,ધ્યાન અને કાર્યોત્સર્ગમાં જ લીન રહેતા,
પ્રભુની સેવાથી નમી-વિનમીને સઘળી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થઇ,
પ્રભુની સેવામાં નમી-વિનમી
પ્રભુને બધા જ વ્હાલા હતા,અને બધાને પ્રભુ વ્હાલા હતા,
બધા કહેતા પ્રભુ મ્હારા છે,
પંખીઓ મધુર કલરવ કરી કહેતા પ્રભુ મ્હારા છે,
પશુઓ પોતાની ભાષામાં કહેતા પ્રભુ મ્હારા છે,
ભમરાઓ ગુંજન કરી કહેતા પ્રભુ મ્હારા છે,
ઠંડી હવાની લહેરખીઓ પણ કહેતી પ્રભુ મ્હારા છે,
ઋષભ સંતના તો જ્યાં જ્યાં પગલા થતા,ત્યાં ભક્તો માટેતો વસંત ખીલતી,
ફૂલોના રંગ પણ પ્રભુને જોઇને લાલ થયા,ભક્તોતો પ્રભુને નીરખી-નીરખીને માલામાલ થયા,
પ્રભુ નિરીહ હતા,અપેક્ષા વિનાના હતા,
નિરપેક્ષ બની વિહાર કરતા પ્રભુએ આહાર અને પાણી વિનાના કેટલાય દિવસો પસાર કર્યાં,
--------------------------------------------------------------------------------
ભાગ પંચમ (પ્રભુને ઇક્ષુરસથી પારણું)
શ્રેયાંસકુમાર દ્વારા પ્રભુને શેરડી રસનું પારણું
ઋષભ કથાના પંચમ ભાગ સ્વરૂપે અહીં પ્રસ્તુત છે પ્રભુનો પારણા ઉત્સવ..
નિહાળો અને માણો..
સાધનાના પથ પર વિહાર કરતા કરતા પાદચારી પ્રભુ,
ગામે-ગામે નગરે-નગરે પારણા માટે પધારતા,
પ્રભુ ને શું જોઈએ છે એ લોકો ને ખબર નથી,
પ્રભુને હજી બધા રાજા જ માનતા હતા,
ભિક્ષા દાનની કોઈને ખબર નહોતી,
ભિક્ષા વિના પણ પરમાત્મા પ્રસન્ન રહેતા.
પારણા માટે બારણે આવીને પાછા જતા
લોકો કહેતા
નાથ! દિવ્ય વસ્ત્રો લ્યો!
દિવ્ય પુષ્પમાળા લ્યો!
દિવ્ય આભૂષણોથી કૃતાર્થ કરો,
વાજિંત્રો સ્વીકારો,
અપ્સરાઓ લઇ અમને સફળ કરો.
પણ પ્રભુને કશું જ ખપ નહોતો.
કરુણાથી ભીના-ભીના બનેલા પ્રભુ બહારથી કોરા-કોરા રહીને પાછા જતા,
ને આભમાં વાદળ ન હોવા છતાં લોકોની આંખમાં ચોમાસું બેસતું,
૪૦૦-૪૦૦ દિવસો વહી ગયા.
ફરતા ફરતા પ્રભુ હસ્તિનાપુર નગરમાં શ્રેયાંશ કુમારના બારણાંમાં પારણા માટે આવી ઉભા.
વૈશાખનો ધોમ ધખતો તાપ દજાડતો હતો,
બળ-બળતી બપોર આગ વરસાવતી હતી,
ઘટ-ઘટમાં ઘર-ઘરમાં રગ-રગમાં ઉની ઉની લૂ વાતી હતી.
છતાય પ્રભુ પ્રસન્ન હતા,ખુશ હતા,અદીન હતા,આનંદિત હતા,
શ્રેયાંશે પ્રભુને દીઠા,પ્રભુ મીઠા લાગ્યા,
શ્રેયાંશ કુમારને પ્રભુ સાથે નવ ભવની પ્રીતિ હતી,
જુગ-જુગ જુનો એ પ્રેમ જાગ્રત થયો,
શ્રેયાંશે ત્યારે જ કો`ક ખેડૂતે લાવી મુકેલા શેરડી રસના ઘડાથી પ્રભુને પારણું કરાવ્યું.
જય જયકાર થયો,દેવોએ વસુંધરા વરસાવી,
અહો દાનં,અહો દાનંની ઘોષણા થયી,
દિવ્ય-પુષ્પ વૃષ્ટિ થયી,
આનંદ આનંદ છવાઈ ગયો,
હરખના હિંડોળા બંધાયા,
સ્ત્રીઓએ મંગલ ગીતો ગાયા,
અને
ઋષભ પ્રભુ ચારેકોર છવાયા.
અવસર્પિણીનો એ પ્રથમ પારણાનો અવસર હતો,
ભિક્ષા દાનનો એ પ્રથમ ભવ્ય પ્રસંગ હતો,
દાન ધર્મનો એ પ્રથમ ભવ્ય ઉત્સવ હતો,
------------------------------------------------------------------------------
ભાગ છટ્ઠો (ઋષભદેવ પ્રભુની સાધના,વિહાર)
અષ્ટમહા પ્રાતીહાર્ય સહ પ્રભુનો વિહાર
પારણા બાદ ઋષભદેવ પ્રભુ સાવ એકલા અટુલા નિર્જન વનમાં વિહરવા લાગ્યા,
પ્રભુના જ્યાં જ્યાં પગલા પડતા એ ધરા ધન્ય બની જતી,
પ્રભુના આગમનથી વૃક્ષો ડોલવા લગતા,
પંખીઓ બોલવા લગતા,
પ્રભુ વિચારતા તો પંખીઓને હરતો-ફરતો સુરજ લાગતો,
કારણ
પ્રભુના દેહનું તેજ દૈદીપ્યમાન હતું,
પ્રભુ ફૂલ છોડ પાસેથી પસાર થતા તો ફૂલોની સુગંધ બમણી થઇ જતી,
દિશા-દિશામાં ઘનઘોર નિશામાં વાલમજી ઋષભ વનમાળી બનીને
ખબર અંતર પૂછવા આવ્યા છે એવું પવન કહેતો ફરતો,
સાધનામાં ધ્યાન મગ્ન ઋષભ પ્રભુ
શિયાળાની કડકડતી ઠંડી હોય કે,
ઉનાળાની બળબળતી ગરમી હોય કે,
ચોમાસાનો ધોધમાર વરસાદ હોય તો પ્રભુ દિન બન્યા વિના
સાધનામાં લીન બની રહેતા,
તેઓને જાણે અંધાર કે ઉજાસની ખબર નથી,
દિવસ કે રાતની ખબર નથી,
સવાર કે સાંજની ખબર નથી,
ઠંડી કે ગરમીની ખબર નથી,
ભૂખ કે તરસની ખબર નથી,
સુખ કે દુ:ખની ખબર નથી,
રાગ કે દ્રેષની ખબર નથી,
દુર કે નજીકની ખબર નથી,
બસ માત્ર સાધના,સાધના અને સાધનામાં પ્રભુ તલ્લીન બન્યા,
ચાલો..ચાલો એ ઋષભની સાધના કાનથી નિહાળીએ
--------------------------------------------------------------------------------------
ભાગ સપ્તમો (ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ)
પ્રભુની દેશના
નાનું બાળક જેમ એક-એક ડગલું ભરે એમ પ્રભુએ એક-એક ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું,
પ્રભુ નિર્મોહી બન્યા,
નિર્મમ બન્યા,
દેહ પ્રત્યે પણ મમતા વિનાના થયા,
સમતાના સાગર બન્યા,
પ્રભુના શરીરમાં એક પણ રોગ નથી
કારણ
પ્રભુ રાગ વિનાના બન્યા છે,
પ્રભુના આત્મામાં એક પણ દોષ નથી
કારણ
પ્રભુ દ્રેષ વિનાના બન્યા છે,
પ્રભુના રોમ-રોમમાં સ્હેજ પણ ક્રોધ વગેરે નથી,
કારણ
પ્રભુ ક્ષય વિનાના બન્યા છે,
એક પછી એક શુક્લ ધ્યાનમાં પરમ વિભૂતિ લીન થતા ગયા,
કર્મોના આવરણને દુર કર્યા,અને ઉત્તમોત્તમ અનંત કાલ સુધી રહેનારું,
ભૂત-ભવિષ્ય અને વર્તમાનના વિષયો જાણે પ્રભુના હાથમાં જ હોય,
તેવું દેખાડનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
એ દિવસે દેવાધિદેવ કેવલજ્ઞાન પામ્યા,
એ ફાગણ વદી અગિયારસ (૧૧)નો દિવસ પણ ધન્ય બન્યો,
પ્રભુને કેવળજ્ઞાન થયું એટલે દિશાઓ અતિ પ્રસન્ન થઇ,
વાયરો સુખે-સુખે વહેવા લાગ્યો,
તારકોને સુખ થયું,
તિર્યંચોનું દુ:ખ ગયું,
દેવો નાચ-ગાન કરવા લાગ્યા,
ઇન્દ્રોના સિંહાસન ડોલ્યા,
ફૂલો મહેંકી ઉઠ્યા,
ત્રણે ભુવનમાં જ્યોતિ થઇ,
સુરજ વધુ પ્રકાશવા લાગ્યો,
મિથ્યાત્વનું અંધારું દુર થયું,
મોહનું પુર ઓસરી ગયું,
દેવો દ્વારા કરાયેલ સમોવસરણની રચના
હવે પ્રભુ ત્રિભુવન રાજા બન્યા,
અઢાર કોડા-કોડી સાગરોપમ બાદ ધર્મની સ્થાપના કરી,
કેવળી બનીને દેશના આપવા લાગ્યા,
પ્રભુની વાણી શિયાળામાં હુંફ આપે છે,અને
ઉનાળામાં ઠંડક આપે છે,
આવો,આવો સમોવસરણમાં બેઠેલા નાથની વાણીનું ગાન સાંભળીયે....
-------------------------------------------------------------------------------------
ભાગ અષ્ટમો(અંતિમ) (ઋષભદેવ પ્રભુનું નિર્વાણ)
પ્રભુનું નિર્વાણ
હજારો વર્ષો સુધી અનેક જીવોને દેશનાથી પ્રતિબોધ કરતા કરતા,
કરુણા સાગર પરમાત્મા ઋષભદેવજીના ચોર્યાસી લાખ પૂર્વ વર્ષ વીતી ગયા,
મહા વદી-૧૩ના દિવસે શીવગતી પામ્યા,યોગ નિરોધ કર્યો,
પરમ જિનેશ્વરના મનુષ્યપણાંનું આયુષ્ય પૂરું થયું,
હવે પહેલા જેવું વાતાવરણ રહ્યું નથી,
રસ્તો એનો એ જ છે... બસ... પ્રભુના ચરણ નથી,
રાજીવલોચન પરમાત્મા ચાલ્યા ગયા,
સિદ્ધ થયા, દુર-સુદુર છેક ક્ષિતિજને પેલે પાર
દેહથી ત્યાં જઈ શકાતું નથી,એવી એ ભોમકા છે,
પ્રભુના મોટા દીકરા ભરતજીને ખુબ આઘાત લાગ્યો,
આઘાતમાં ને આઘાતમાં હેબતાઈ ગયા,
પિતા ઋષભજીના ચાલ્યા જવાથી ચક્કર-ચક્કર થઈને એ ઢળી પડ્યા,
એમની આંખમાંથઈ આંશુ નીકળતા નથી,
ત્યારે ઇન્દ્ર મહારાજાએ પોંક મૂકી..
એ વખતે સહુને ખ્યાલ આવ્યો કે આને રૂદન કહેવાય,
અને એ વખતે ભરત રાજા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા,
પ્રભુના પગલા પડી રહ્યા અને ચરણો વહી ગયા,
પ્રભુ ચાલ્યા ગયા અને સ્મરણો રહી ગયા..
સુરજ જેવા પ્રભુ અસ્ત થયા... અને કિરણો પણ વહી ગયા,
અષ્ટાપદ પર્વત (આદિનાથ પ્રભુની નિર્વાણ ભૂમિ)
પ્રભુની એક-એક વાત યાદ આવે છે,
પાણીમાં જોઈએતો પ્રભુનું પ્રતિબિંબ દેખાય,
રેતીમાં આંગળીઓ ફેરવીએતો પ્રભુનું ચિત્ર દોરાઈ જાય,
હર ચીજમાં પ્રભુ જ દેખાવા લાગ્યા,
દુનિયામાં એક વ્યક્તિના ચાલ્યા જવાથી કેટ-કેટલું બદલાઈ જતું હોય છે..
ભગવાનના ચાલ્યા જવાથી દિવસ સુરજ વિનાનો બની ગયો,
રાત ચંદ્ર વિનાની બની ગયી,
સંધ્યાના રંગો વિખરાઈ ગયા,
પ્રભુ સિદ્ધ થયા,
બુદ્ધ થયા,
શિવગામી બન્યા,
મોક્ષગામી બન્યા,
પરમ પદ પામ્યા,
પંચમ પદ પામ્યા,
નિર્વાણ પામ્યા,
દૂધમાં સાકર ભળે એમ સિદ્ધમાં ભળી ગયા,
સાગરમાં નદીઓ સમાય એમ સિદ્ધ લોકમાં સમાઈ ગયા,
અંધારામાં મૂકીને અજવાળામાં ચાલ્યા ગયા,
આવજો એટલું કહેવા પણ ન રોકાયા,
પ્રથમ તીર્થેશ્વર,
પ્રથમ રાજેશ્વર,
પ્રથમ મુનીશ્વર,
જગદીશ્વર,
પરમેશ્વર,
સિદ્ધિના શિખરે જઈ ચડ્યા,
દુર-દુર.......... દુર-દુર......
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો