Vighnahara Parshwanath surat શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
સહસ્ત્રફણાથી યુક્ત અને પદ્માસને બિરાજેલ ૪૧ ઈંચ ઊંચા, ૨૯ ઈંચ પહોળા શ્યામવર્ણના શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી રાંદેરના એક ધાબાબંધ જિનાલયમાં મૂળનાયક શ્રી આદેશ્વર દાદા ની જમણી બાજુ બિરાજમાન છે. સુરતની પાડોશમાં આવેલું રાંદેર પ્રાચીન છે. પાંચ મનોહર જિનાલયો આ ગામના જૈનની ધર્મપ્રિયતાના સાક્ષી છે. અને પ્રાચીન તીર્થમાળા સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ નોંધપાત્ર છે.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. વિઘ્નના વંટોળનું વિસર્જન કરી ભક્તને ભયરહિત બનાવતા આ પ્રભુજીનું ‘વિઘ્નહરા’ નામ યથાર્થ છે.
આદેશ્વર ભગવાન ઉપર ૧૬૮૩નો લેખ છે. શ્રીસંઘે આ જિનાલય સંવત ૧૮૦૦ આસપાસમાં બંધાયેલું છે. સં.૧૬૩૮માં રાંદેરમાં ચાતુર્માસ રહી શ્રી શ્રીપાળ મહારાજાના રાસની રચના કરતાં કરતાં પૂ. મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી અહીં જ સ્વર્ગવાસ પામ્યા ને તેમના સંકેત પ્રમાણે પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બાકીનો રાસ અહીં જ પૂર્ણ કર્યો. સં.૧૬૮૯માં મહોપાઘ્યાય શ્રી વિનય વિજયજી ગણીવરે રચેલી શ્રી સૂર્યપુર ચૈત્યપરિપાટીમાં તેમણે રાંદેરના જિનાલયોને પૂર્ણ જુહાર્યા છે.
રાંદેર સુરતની બાજુમાં નદી કિનારે આવેલું પ્રાચીન તીર્થ છે. ગામમાં પાંચ મનોહર જિનાલયો આવેલા છે. સવંત ૧૭૯૩માં રાંદેરમાં ૧૪ દેરાસર અને ૧૪૩ જિનપ્રતિમા હોવાની નોંધ છે. જૈનોનાં ૧૫૦ ઘર છે. રાંદેરમાં શ્રી શ્રીપાળ મયણા સુંદરીના રાસના રચયિતા મહોપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજ સાહેબ નું ગુરુ મંદિર પણ છે. મુંબઈથી 296 કિમી અને નવસારી 47 કિમી ના અંતરે છે
સ્તુતિ
જે પ્રભુના દર્શથી સહુ આપદા દૂરે થતી,
ને જે પ્રભુના સ્પર્શથી સહુ સંપદાઓ મળી જતી,
વિઘ્નો હરી શિવમાર્ગના,
જે મુક્તિ સુખને આપતા,
વિઘ્નહરા પ્રભુ પાર્શ્વને ભાવે કરુ હું વંદના.
જાપ મંત્ર
ૐ હ્રીં અર્હં,શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ
તીર્થનું સરનામું
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ જૈન શ્વતાંબર દેરાસર,
ડો.ઉત્તમરામ સ્ટ્રીટ નિશાળ ફળિયા, મુ.રાંદેર, સુરત.૩૯૫૦૦૫
ફોન નંબર - ૯૯૨૫૧૯૮૧૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો