ગુરુવાર, 19 નવેમ્બર, 2020

24 tirthankar chaityavandan

૨૪ તીર્થંકરો ના ચૈત્યવંદન :


શ્રી આદિશ્વર ભગવાન ચૈત્યવંદન :


આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય; 

નાભિરાયા કુલમંડણો, મરૂદેવા માય.

પાંચસો ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ દયાલ; 

ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ. 

વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણીખાણ; 

તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.


શ્રી અજીતનાથ ભગવાનનું ચૈત્યવંદન :


અજીતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી; 

જીતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી.

બહોંતેર લાખ પૂર્વ તણું, પાળ્યું જિણે આય; 

ગજ લંછન લંછન નહી, પ્રણમે સુરરાય.

સાડા ચારસો ધનુષ્યની એ, જિનવર ઉત્તમ દેહ; 

પદ પદ્મ તસ પ્રણમીયે, જિમ લહીએ શિવ ગેહ. 


શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન :


સાવત્થી નયરી ઘણી, શ્રી સંભવનાથ; 

જિતારિ નૃપ નંદનો, ચલવે શિવસાથ.

સેના નંદન ચંદને, પૂજો નવ અંગે; 

ચારસો ધનુષ્યનું દેહ માન, પ્રણમો મનરંગ

સાઠ લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય; 

તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય.


શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન :


નંદન સંવર રાયના, ચોથા અભિનંદન; 

કપિ લંછન વંદન કરો, ભવદુ:ખ નિકંદન.

સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; 

સાડા ત્રણસો ધનુષ્યમાન, સુંદર જસ કાય.

વિનીતા વાસી વંદિયે એ, આયુ લખ પચાસ; 

પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ.


શ્રી સુમતિનાથ ભગવાનનું ચૈત્યવંદન :


સુમતિનાથ સુહંકરૂં, કોસલ્લા જસ નયરી; 

મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી.

કૌંચ લંછન જિન રાજિયો, ત્રણસો ધનુષ્યની દેહ; 

ચાલીશ લાખ પૂર્વ તણું, આયુ અતિ ગુણગેહ.

સુમતિ ગુણો કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ; 

તસ પદપદ્મસેવા થકી, લહો સુખ અવ્યાબાધ.


શ્રી પદ્મપ્રભ ભગવાનનું ચૈત્યવંદન :


કોસંબીપૂરી રાજિયો, ધર નરપતિ તાય; 

પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય.

ત્રીસ લાખ પૂર્વતણું, જિન આયુ પાળી; 

ધનુષ્ય અઢીસો દેહડી, સવિ કર્મને ટાળી.

પદ્મલંછન પરમેશ્વરુ એ, જિનપદ પદ્મની સેવ; 

પદ્મવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિતમેવ.


શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન :


શ્રી સુપાર્શ્વ જિણંદ પાસ, ટાળ્યો ભવ ફેરો; 

પૃથ્વી માતા ઉરે જયો, તે નાથ હમેરો.

પ્રતિષ્ઠિત સ્તતુ સુંદર, વાણારસી રાય; 

વીસ લાખ પૂર્વ તણું, પ્રભુજીનું આય;

ધનુષ્ય બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; 

પદ પદ્મે જસ રાજતો, તાર તાર ભવ તાર.


શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન


ચંદ્રપ્રભુ આરાધીએ, દોઢસો ધનુષ્યની કાય; 

મહસેન પૃથ્વીપ પુત્ર જશ, રાણી લક્ષ્મણા માય.

જસ આયુ દશ લાખ પૂર્વ, શ્વેત વર્ણનો દેહ; 

ચંદ્ર લંછન ચંદ્રપુરી નૃપ, શીતલ ગુણ નમો સ્નેહ.

પૂજિત ઇન્દ્ર નરેન્દ્રથી, રાગદ્વેષ જયકાર, 

ગૌતમ નીતિ ગુણ સુરિ કહે, સેવે શિવ દાતાર.


શ્રી સુવિધિનાથ ભગવાનનું ચૈત્યવંદન


સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; 

મગર લછંન ચરણે નમું, રામા રૂડી માત.

આયુ બે લાખ પૂર્વતણું, શત ધનુષ્યની કાય; 

કાકંદી નગરી ધણી, પ્રણમું પ્રભુ પાય.

ઉત્તમ વિધિ જેહથી લહ્યોએ, તેણે સુવિધિ જિન નામ; 

નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ.


શ્રી શીતલનાથ ભગવાનનું ચૈત્યવંદન


નંદા દઢરથ નંદનો, શીતલ શીતલનાથ; 

રાજા ભદિલપુર તણો, ચલવે શિવપુર સાથ. 

લાખ પૂર્વનું આઉખું, નેવું ધનુષ્ય પ્રમાણ; 

કયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ.

શ્રીવત્સ લછંન સુંદરૂં એ, પદ પદ્મે રહે જાસ; 

તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ.


શ્રી શ્રેયાંશનાથ ભગવાનનું ચૈત્યવંદન 


અચ્યુત કલ્પીથકી ચવ્યા, શ્રી શ્રેયાંશ જિણંદ; 

જેઠ અંધારી દિવસે છઠે, કરત બહુ આનંદ.

ફાગણ વદી બારસે જનમ, દીક્ષા તસ તેરસ; 

કેવલી મહા અમાવાસી, દેશના ચંદન રસ.

વદી શ્રાવણ ત્રીજે લ્હ્યા એ, શિવમુખ અખય અનંત; 

સકલ સમીહિત પુરણો, નય કહે ભગવંત.


શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન 


વાસવ-વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; 

વાસુપૂજ્ય કુલ ચંદ્રમાં, માતા જયા નામ.

મહિષ લછંન જીન બારમા, સિત્તેર ધનુષ્ય પ્રમાણ; 

કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ.

સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; 

તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય.


તીર્થંકરના ચૈત્યવંદન


શ્રી વિમલનાથ ભગવાનનું ચૈત્યવંદન 


અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા, માધવ સુદી બારસ; 

સુદી મહા ત્રીજે જન્મ,તસ ચોથો વ્રત્ત રસ.

સુદી પોષ છઠ્ઠે લહ્યા, વર નિર્મલ કેવળ; 

વદી સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ.

વિમલ જિનેશ્વર વંદીએ, જ્ઞાનવિમલ કરી ચિત્ત; 

તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.


શ્રી અનંતનાથ ભગવાનનું ચૈત્યવંદન 


અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી; 

સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી.

સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર;

વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર.

લંછન સિંચાણા તણું એ, કાયાધનુષ્ય પચાસ; 

જિન પદ પદ્મ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ.


શ્રી ધર્મનાથ ભગવાનનું ચૈત્યવંદન 


વૈશાખ સુદી સાતમે, ચવ્યા શ્રી ધર્મનાથ; 

વિજય થકી મહા માસની, સુદી ત્રીજે સુખજાત.

તેરસ માહે ઊજળી, લિયે સંજમ ભાર; 

પોષી પૂનમે કેવલી, બહુ ગુણના ભંડાર.

જેઠી પાંચમ ઊજળી એ, શિવપદ પામ્યા જેહ; 

નય કહે એ જિન પ્રણમતાં, વાઘે ધર્મ સ્નેહ.


શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન


શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો; 

વિશ્વસેન કુળ નભોમણિ, ભવિજન સુખ કંદો.

મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; 

હત્થિણાઉર નયરી ઘણી, પ્રભુજી ગુણ મણિ ખાણ.

ચાલીશ ધનુષ્યની દેહડી, સમચોરસ સંઠાણ; 

વંદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ.


શ્રી કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન 


કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય; 

સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય.

કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; 

કેવલજ્ઞાનિક ગુણો, પ્રણમો ધરી રાગ.

સહસ પંચાણું વર્ષનું એ, પાલી ઉત્તમ આય; 

પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય


શ્રી અરનાથ ભગવાનનું ચૈત્યવંદન 


ઠાણ સર્વાર્થ થકી ચવ્યા, નાગપૂરે અરનાથ; 

રેવતી જન્મ મહોત્સવ, કરતા નિર્જરનાથ.

જયકર યોનિ ગજવરૂ, રાશી મીન ગણદેવ;

ત્રણ વર્ષમાં થિર થઈ, ટાળે મોહની ટેવ. 

પામ્યા અંબતરૂ તલે એ, ક્ષાયિકભાવે નાણ; 

સહસ મુનિવર સાથશું, વીર કહે નિર્વાણ.


શ્રી મલ્લિનાથ ભગવાનનું ચૈત્યવંદન 


મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નયરી; 

પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી.

તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ્ય પચવીશની કાય; 

લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય.

વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; 

પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. 


શ્રી મુનિસુવ્રત ભગવાનનું ચૈત્યવંદન 


મુનિસુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ; 

વાનર યોનિ રાજવી, સુંદર ગણ ગિર્વાણ.

શ્રાવણ નક્ષત્રે જનમીયા, સુરવર જય જયકાર; 

મકર રાશી છદ્મસ્થમાં, મૌન માસ અગીયાર.

ચંપક હેઠે ચાંપીયા એ, જે ઘનઘાતી ચાર; 

વીર વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર. 


શ્રી નમિનાથ ભગવાનનું ચૈત્યવંદન :


મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો; 

વિજયરાય સુત છોડીને, અવર મત માચો.

નીલકમલ લંછન ભલું. પન્નર ધનુષ્ય દેહ; 

નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણીગેહ.

દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય; 

પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય.


શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્યવંદન :


નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; 

સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય.

દશ ધનુષ્યની દેહડી, આયુ વરસ હજાર; 

શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર.

શૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; 

જિન ઉત્તમ પદપદ્મને, નમતાં અવિચલ ઠાણ.


શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન :


જય ચિંતામણી પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી; 

અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી.

પ્રભુ નામે આંનદ કંદ, સુખ સંપત્તિ લહીયે; 

પ્રભુ નામે ભવ ભવતણાં, પાતક સબ દહીએ.

ૐ હ્રીઁ વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વનામ; 

વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ.


શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન :


સિદ્ધાર્થ સુત વંદિયે, ત્રિશલાનો જાયો; 

ક્ષત્રિયકુંમાં અવતર્યો, સુર નરપતિ ગાયો.

સિંહ લંછન પાઉલે, સાત હાથની કાયા; 

બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા.

ખિમાવિજય જિનરાયના એ, ઉત્તમ ગુણ અવદાત; 

સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top