સોમવાર, 2 નવેમ્બર, 2020

He nath Simandhar Prabhu Jain Stavan Lyrics

હે નાથ! સીમંધર પ્રભુ!

સુણજો કહું છું વાત હું!

તમને નિરખવા હર પળે

ઝંખી રહ્યો દિનરાત હું!

કાં આપશ્રી આવો કહીં,

અથવા મને બોલાવી હો!

હું છું તમારો એટલું નક્કી,

મને સ્વીકારી લો!


સ્વામી! તમે છો દૂર,

ખૂબ જ દૂર મહાવિદેહમાં!

આવી શકું ત્યાં એટલી

શક્તિ નથી મુજ દેહમાં!

દિલમાં પરંતુ દેવ!

તમને પામવાની પ્યાસ છે!

મુજ પ્યાસ ને મિટાવજો પ્રભુ!

એક બસ અભિલાષ છે!


હું કેમ આવું તુજ કને,

નથી પાંખ મારી પાસ રે!

ત્યાંથી મને જોઈ શકે છે,

આંખ તારી પાસ રે!

તું દૂર મુજથી હો ભલે,

પણ હું નિકટ તુજ સાવ રે!

મિટ માંડી બેઠો છું પ્રભુ!

તું આવ સત્વર આવ રે!


ક્યારે મળીશ, ક્યારે બનીશ,

ધન્યાતિધન્ય કૃતાર્થ હું!

ઝળહળ નિહાળીશ પ્રાતિહાર્યો,

સાંભળીશ પરમાર્થ હું!

આ સૃષ્ટિનું સૌન્દર્ય

સર્વોત્તમ નજર સામે હશે!

મુજ હ્રદય આનંદિત હશે

મુજ દેહ રોમાંચિત થશે!


પ્રભુવદનને નિરખ્યા કરીશ,

પ્રભુચરણને ચૂમતો રહીશ!

પ્રભુ મિલનના આનંદમાં

નાચી ઉઠીશ, ઝુમતો રહીશ!

મુજ ચરણ થનગનતા હશે!

મુજ હ્રદય રણઝણતું હશે!

મુજ રોમરોમે હરખના

દીવડા ઝળાહળ પ્રગટશે!


મન મૂકીને નાચીઝુમી,

બેશી જઈશ પ્રભુ ચરણમાં!

પ્રભુ ચરણને ડુબાડી દઈશ

હર્ષાશ્રુઓના ઝરણમાં!

આંખોં મીંચી ગદ્ ગદ્ થઈ

આભાર માનીશ નાથનો-

“કરુણા કરી હે પ્રભુ!

તમે આપી મને અદભુત ક્ષણો!"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top