વાત વર્ષો પહેલાંની છે. ત્યારે પાલિતાણામાં માનસિંગ ઠાકોરનું રાજ્ય ચાલે. ઠાકોર ભારે કરડો , ભરાડી અને એંટવાળો માણસ. આ ઠાકોરના રાજ્યમાં કરસન ચોપદાર નામનો ભગત હતો.
શત્રુંજય પર્વત પર આદિશ્વર દાદાના દરબારમાં રોજ ચાર વાર છડી બોલાય. છડી બોલનારનું નામ કરસન ચોપદાર. કરસનનો અવાજ અષાઢી મેઘની ગર્જના જેવો અને લહેકો તો જાણે મોરના ટહૂકાનો માળો ! છડી બોલાય ત્યારે ભલભલા ડોલી ઊઠે. એની અવાજની ખૂબી તો ખરી જ , પણ એના રણકારમાં જે રંગ હતો તે તો આદિશ્વર દાદા પ્રત્યેની ચોળ - મજીઠ જેવી શ્રદ્ધાનો રંગ હતો. ક્યાંય જોવા ન મળે તેવો રૂડો રંગ.
એક દિવસ માનસિંગ ઠાકોર ગિરિરાજની યાત્રાએ આવ્યા. તે જેવા દાદાના દરબારમાં આવ્યા ત્યાં કરસને હલકદાર કંઠે દાદાની છડી પોકારી. દ્રુપદ ગાન જેવી , ઘેઘુર અવાજે કરસનની નાભિમાંથી નીકળતા નરવા સાદે બોલાયેલી છડી સાંભળીને ઠાકોર ખુશખુશાલ થઈ ગયા. ખુશાલી પ્રગટ કરવા , પોતાનો જમણા પગનો સોનાનો તોડો હતો એનો પેચ કઢાવીને હાથમાં લીધો. સવાસો તોલાનો એ નક્કર તોડો કરસનને આપવા હાથ લાંબો કર્યો પણ , ચતુર ઠાકોર આપતાં અટકી ગયા : કરસન ડાબો હાથ કાં ધરે ? કરસન કહે : જમણો હાથ દાદા સિવાય કોઈની પાસે ના ધરાય ! ઠાકોરે તોડો પાછો પહેરી લીધો. જોનારા બધા જોતાં જ રહી ગયા.
કરસન તો આદિશ્વર દાદાનો હાડસાચો ભક્ત. ભગવાન પણ , જે તેને દિલ દે છે તેને તે પણ દિલ દઈને દે છે. રોજ સવાર થતાં દાદાનો ગભારો ખૂલે ત્યારે કરસન નાહી - ધોઈને સ્વચ્છ થઈને ગભારા પાસે આવીને ઝૂકી ઝૂકીને નમન કરે. મોકળા મને અને ખૂલ્લાં કંઠે દાદાની છડી પોકારે. પછી અંદર જઈ , દાદાના ખોળામાંના ફૂલના ઢગલાને હાથથી થોડાં આઘાપાછાં કરે અને ત્યાંથી રાણી છાપ ચાંદીનો એક રૂપિયો અને એક પાવલી ( ચાંદીનો સવા રૂપિયો ) એના હાથમાં આવે ! કહે : દાદા રોજ મને આપે છે. આ વાત બારોટ લોકોના કાને પહોંચી. બધા બારોટ કહે : આ રૂપિયાનો હક્ક અમારો. કરસન કહે : ભલે બાપા ! તમે લેજો. વળતે દિવસે દરબાર ખૂલતાં બારોટ આવી ગયા. કરસન પણ આવ્યો. પૂજારીએ ગભારો ખોલ્યો. છડી બોલાઈ. બારોટ અંદર ગયા. ફૂલ આઘાંપાછાં કરીને રૂપિયો ગોતવા લાગ્યા પણ ફૂલ સિવાસ કશું હાથ ના આવ્યું. રૂપિયો મળ્યો નહીં. ઢીલે મોઢે બધા બહાર આવ્યા. પછી કરસને અંદર જઈને દાદાને નમન કરીને ફૂલ આમતેમ કર્યા. બધા જોઈ જ રહ્યા હતા. કરસનના હાથમાં ચળકતો ચાંદીનો રૂપિયો આવ્યો.
બધા એકી અવાજે બોલી ઊઠ્યા : વાહ ! આદિશ્વર દાદા સાચા અને તેનો ભગત પણ સાચો.
શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય શ્રી પ્રદ્યુમ્ન સુરિ મહારાજ સાહેબ દ્વારા લિખિત પાઠશાળા બૂકમાંથી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો