મંગળવાર, 29 જૂન, 2021

Acharya Prdhumansuri rachit yasho jivan pravachanmala book mathi


ગ્રંથભંડારોનું કેન્દ્ર સ્થાન પાટણ હતું એટલે પુરાણા ગ્રંથો જોવાનું બનતું રહ્યું. તેવામાં એક નોંધપાત્ર ઘટના બની. ત્યાંના લોકો દ્વારા યશોવિજયજી મહારાજ સાહેબને જાણવા મળ્યું કે અહીંના એક બ્રાહ્મણ પાસે નયચક્ર નામનો જૂનો ગ્રંથ છે. તેની પોથી ક્યાંય જોવા મળતી નથી. માટે નકલો કરવા જેવી છે. 

           શ્રી મલ્લવાદીજીએ રચેલ નયચક્ર ગ્રંથ માટે તરત જ ભટજી પાસે તે ગ્રંથની માંગણી કરી , પણ ભટજીએ તે ગ્રંથ આપવાની સ્પષ્ટ ના પાડી લીધી. ઘણી રીતે પ્રયત્નો કરી જોયા પણ સફળતા મળી નહીં , ત્યારે શ્રાવકોને કહી રાખ્યું કે ભટજી ક્યારે બહારગામ જવાના છે તેની તપાસ કર્યા કરજો. 

        એક દિવસ ભટજી 15 દિવસ માટે બહારગામ ગયા , ભટજી જે દિવસે બહારગામ ગયા તે જ દિવસે વસ્ત્ર , આભૂષણ , મીઠાઈ વગેરેના થાળો ભરી સંઘ સાથે શ્રી યશોવિજયજી ભટ્ટજીના ઘરે ગયા. ગોરાણી સાથે વાત કરી ને , કીધું કે અમારે તો એક ગ્રંથ જોઈએ છે , ગોરાણી પહેલાં તો ના પાડી એમને વિશ્વાસમાં લીધા ને કીધું કે ગ્રંથને કશું નહીં થાય , 15 દિવસે ગ્રંથ પાછો આપીશું. ત્યારે ગોરાણી ગ્રંથ આપ્યો. 

         હવે ગ્રંથ તો મળ્યો પણ દિવસ 15 જ છે. ગ્રંથ 18000 શ્લોક પ્રમાણ છે. લહિયાઓ છે , પણ તે ભૂલ કરે , બીજી નકલ નથી એટલે કામ તો ચોક્કસ કરવું પડે. યશોવિજયજી પોતે ગ્રંથ રચી શકે તેવા હોવા છતાં નકલ કરવા બેસી ગયા. 6 બીજા સાધુ અને સાતમા પોતે એમ 7 સાધુએ કામ શરૂ કરી દીધું. 

            પોષ મહિનાના ટૂંકા દિવસો છે , રાત્રે કામ ન થાય , દિવસે 10 કલાક જ પ્રકાશ હોય બીજા કામોમાં ઓછામાં ઓછો સમય આપીને ગ્રંથ લખવા માંડ્યો. પાટણના ઉપાશ્રયમાં એકાગ્ર થઈને બેઠા. જ્યાં જ્યાં અધુરું રહ્યું તે શ્રી યશોવિજજીએ પૂરું કર્યું. આખી પ્રત જોવાની જવાબદારી તેઓની , સહકારી બધાં 6 એ 6. આ લખાણમાં ક્યાંક કલમ જાડી છે , ક્યાંક પાતળી છે. પોતે સુધારવા માટે ચેક - ભૂંસ કરી છે. આ હસ્તપ્રત તેના મૂળ સ્વરૂપમાં આજે પણ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરમાં સચવાયેલી છે. 

              15 દિવસ માં ગ્રંથ પૂરો થયો. પાછા વસ્ત્ર , આભૂષણ , અલંકાર , મીઠાઈ વગેરે લઈને ગોરાણી પાસે ગયા અને ગ્રંથ સાભાર પાછો સોંપ્યો. નકલ કરવા માટે પણ આટલી મહેનત થતી હતી , ત્યારે વિચાર આવે છે કે જિનશાસનનું કેવું પુણ્ય તપતું હશે ? કલમ કેટલી ઝડપથી ચાલી હશે ? 

                 ગ્રંથની શરૂઆત કરતા પહેલા ગુરુઓને વંદન કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે પરમાત્માના રૂપનું ધ્યાન ધરીને , દેવસૂરિના રાજ્યમાં આ ગ્રંથની પોથી વિરલ છે માટે તેની નકલ કરું છું. ગ્રંથના અંતે 7 સાધુના નામો લખીને સંવત 1710 ના પોષ વદ 13નો દિવસ નોંધેલો છે. છેલ્લે શ્લોકમાં પ્રશસ્તિ લખી છે. 309 પાનાંનો આ આખો ગ્રંથ આજે અખંડિત આપણી પાસે છે. દેવસાના પાડાના ભંડારમાંથી આ હસ્તપ્રત પૂ. રામણિકવિજયજીને તથા આગમપ્રભાકાર શ્રી પુણ્યવિજયજીને મળી , ને અત્યારે તે INDOLOGY માં સુરક્ષિત છે. 

1. પૂજ્ય શ્રી યશોવિજયજી
2. પં. શ્રી નયવિજયજી  
3. પં. શ્રી કીર્તિરત્નજી 
4. પં. શ્રી તત્વવિજયજી
5. પં. શ્રી રવિવિજયજી
6. પં. શ્રી લાભવિજયજી
7. પં. શ્રી જયસોમજી

આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ રચિત યશોજીવન પ્રવચનમાળા બૂકમાંથી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top