સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 132

 Motivational Story 132

Part A


-------------------------------------------------------

આપના પરિવારને સામે રાખીને જ વાંચજો.

-------------------------------------------------------


સત્ય ઘટના


🚩 કંપીને Surrender થઈ જનારા ને ચરણચંપી કરી રહી જનારા.. બંન્ને કાયરો છે. તલવાર શૂરવીરોનું માથુ ઉડાડી શકે છે, પણ.. ઝૂકાવી તો ન જ શકે. અકબરની સલ્તનત સામે જ્યારે રાજસ્થાનના રાજાઓએ સર ઝૂકાવી મુજરો કર્યો ત્યારે મેવાડનો મહારાણો પ્રતાપ એક એવો મર્દ બચ્ચો નીકળ્યો જેણે ડંકાની ટોચ પર એલાન કર્યું, "ભલે રાજપાટ ગુમાવવા પડે, પણ.. આ તુચ્છ-યવનોની શરણાગતિ ને ગુલામી તો ક્યારેય મંજૂર નહિ કરું. ને કદાચ રાજ છોડવુ પડે, તો ડુંગરાની કોતરોમાં રહીને’ય મેવાડને મુક્ત કરાવીશ.. કરાવીશ.. ને કરાવીશ જ."


🚩 અકબરની દરિયા જેવી સેનાએ જ્યારે બધા જ રાજાઓને ગુલામ બનાવી દીધા. એમના કિલ્લાઓ તોડીને, માણસોને ફોડીને, ત્યારે રાણા પ્રતાપે જોયુ, મા ભોમને માટે જીવતા રહીને સમયની રાહ જોવી જરૂરી છે. અને રાણા પ્રતાપ ડુંગરાની કોતરોમાં ને ગુફાઓમાં ને ખીણ ને ખાડામાં ને ક્યારેક ઝાડ નીચે.. મા ભોમને-મેવાડને યવનોની કેદમાંથી મુક્ત કરાવવા જીવતા ને ઝઝૂમતા રહ્યા.


🚩 પણ.. પરિસ્થિતિ એક દિવસ એવી આવીને ઊભી રહી કે, ખાવાના ધાન લાવવા’ય ધન ના રહ્યુ. રાણા પ્રતાપે પોતાના વફાદાર સાથીઓને, સામંતોને ગળગળા સાદે કહ્યું, “તમે બધાએ ઘર-ગામ ને પરિવાર છોડી મારી સાથે આટલા કષ્ટ વેઠ્યા. હવે હું જ તમને આદેશ કરું છું, તમે ઘરે જાઓ. મારી ચિંતા છોડો. તમે જીવતા હશો, તો આ રાણો ક્યારેક મા ભોમ મેવાડને ફરીથી ગર્વોન્નત મસ્તક કરશે."


🚩 પણ.. વફાદાર સાથીઓ ન ગયા. થોડાક દિવસ પછી રાણાએ ભરી આંખોએ ખૂબ સમજાવ્યા. ત્યારે રડીને પોતાના રાણાના પગમાં આળોટી વીર યોદ્ધાઓએ પાછા પગે વિદાય લીધી. રાન-રાન ને પાન-પાન અટવાતી જિંદગીનો ઘણો સમય વ્યતીત થયો.


🚩 ને એક દિવસ રાણા પ્રતાપે ભૂખ્યા બાળ કુંવરને બચેલો મળેલો એક રોટલાનો ટુકડો ખાવા આપ્યો. બાળકુંવર રાજી થઈને ટુકડો મોઢામાં મૂકે એ પહેલા તો સમડી કે કોઈ પંખી ચીલઝડપે આવીને તરાપ મારીને બાળકના હાથમાંથી રોટલો ખેંચી ઉડી ગયું. ભૂખ્યા રાજકુંવરની આંખમાં આંસુ ઉભરાણા. રાણાજી આ દ્રશ્ય જોઈ રડી પડ્યા. ક્યાં સોનાની કટારીમાં રતન જડ્યા ચમચે દૂધ પીતો મારો બાળક, ને ક્યાં આજે લુખ્ખો-સૂકો રોટલો’ય નસીબ નહિ!


🚩 એમણે નિર્ણય કર્યો, માતૃભૂમિના અન્નજળ ખૂટ્યા છે. હવે મેવાડનો ખોળો છોડવો જ પડશે. તો જ ભાગ્ય ક્યાંક જાગશે ને માતૃભૂમિને મુક્ત કરાવી શકીશ. સાથે રહેલા ગણતરીબાજ ચુનંદા સાથી જોડે ચર્ચા કરી. બધાએ નિર્ણય કર્યો, આજે જ નીકળીએ. પણ.. રાણા પ્રતાપ ને સાથીઓ બે દિવસથી ભૂખ્યા હતા.


🚩 એટલે રાણાએ પોતાની તલવાર એક સાથીને આપી ને કહ્યુ, “ખૂબ સાવધાની સાથે તલવાર વેચીને જે પૈસા આવે એમાંથી ભોજન સામગ્રી લઈને તું ગુપ્ત સ્થળેથી આવી જા. આપણે જમીને આગળ વધશુ.‘’ બધાની આંખ ભરેલી હતી. સાથી ગુપ્ત રીતે તલવાર વેચવા ભામાશા ની દુકાને પહોંચ્યો. ને કહ્યુ, “શેઠ! આની જે કિંમત આવે તે આપો.‘’


🚩 ભામાશાએ તલવાર જોઈ-તપાસી. ને યુવાનને પૂછ્યું, “આ તલવાર તારી જ છે ને? ચોરીનો માલ તો નથી ને?‘’ યુવાન, “શેઠ! મારી જ છે. અમે રાજપૂત છીએ. અમારી આખી પરંપરા યુદ્ધવીરોની છે. દેશ માટે શિર સાટે જીત અપાવી છે.‘’ ભામાશા, “યુવાન! તો તને શરમ નથી આવતી? રાજપૂતનો દિકરો થઈ તલવાર વેચવા નીકળ્યો છે. તમારે તો મા મેવાડની ધરતીને યવનોના હાથમાંથી પાછી લેવાની હોય. ને તું તલવાર વેચવા આવ્યો છે?‘’


🚩 યુવાન બોલ્યો, “ભામાશા શેઠ! મેવાડવીરો મા ભોમ માટે આજે'ય માથા વધેરવા તૈયાર છે. પણ.. શેઠ! એકલા માથા વધેરવાથી યુદ્ધ નથી જીતાતું. લાવ-લશ્કર ને યુદ્ધના શસ્ત્ર-સંરજામ જોઈએ. સૈનિકોના ઘરનો ચૂલો’ય સળગતો રાખવો પડે. આ તો શેઠ અમને’ય ખબર છે. પણ.. અત્યારે ખુદ મેવાડના મહારાણાને’ય ખાવાના સાંસા છે. ને રાણા પ્રતાપે બે દિવસથી પેટમાં અન્નનો દાણો’ય નથી નાખ્યો."


🚩 "શેઠ! ગઈકાલની જ વાત. એક રોટલાનો ટુકડો બચ્યો હતો. તે બાળકુંવરને ખાવા આપ્યો, ને તે’ય પંખી ઝપટ મારી લઈ ગયું. મહારાણા પ્રતાપનું દિલ આ જોઈ ટુકડે-ટુકડે તૂટી ગયું. એમણે માતૃભૂમિ મેવાડ માટે સર્વસ્વ ત્યાગનો સંકલ્પ રાખ્યો છે. પણ.. ભામાશા શેઠ! આજે એમની પાસે ખાવાને તો નહિ, પણ.. બચ્ચા માટે’ય કશુ નથી. એમણે એમના બધા જ સામંતોને જીવતા રહેશો તો આપણે ફરી માંને મુક્ત કરી શકશુ, કહીને ઘેર મોકલી દીધા. ભૂખ્યા-તરસ્યા એ’ય ખૂબ ખેંચાયા. છેલ્લે મહારાણાની આજ્ઞાથી રડતા-રડતા ગયા. તો’ય અમારા જેવા સંકલ્પ લઈને બેઠા છે. જીવશુ ત્યાં સુધી મહારાણાને નહિ જ મૂકશુ. ભલે.. જે થવાનું હોય તે થાય."


🚩 "શેઠ! અમારો’ય પરિવાર છે. બૈરા-છોકરા છે. પણ.. અમને બધાને વારસામાં 'વતનપ્રેમ' મળ્યો છે. એટલે પરિવારે પણ અમને પ્રાણના ભોગે’ય ટેક જાળવવાની ને મહારાણાજીને એકલા નહિ મૂકવાની તાકીદ કરી છે. શેઠ! હવે આ તલવારની ઉપર જે અપાતું હોય તે આપો. આ મહારાણા પ્રતાપની પોતાની તલવાર છે. ઝટ્‌ કરો. મહારાણા ભૂખ્યા બેઠા છે. આજે મેવાડની ધરતીને રામરામ કરવાના છે.‘’ આટલુ સાંભળતા તો...


To be continued...

Part B


-------------------------------------------------------

આપના પરિવારને સામે રાખીને જ વાંચજો.

-------------------------------------------------------


સત્ય ઘટના


🚩 યુવાન સૈનિકે કરેલી મહારાણા પ્રતાપની પરિસ્થિતિનું વર્ણન સાંભળતા ભામાશાની આંખો છલકાઈ ઉઠી. ને ભામાશા ઊભા થયા. પેલા સૈનિકને ભેટી પડ્યા. ને બોલ્યા, "મેવાડના રક્ષક! મારા તને નમન!‘’ ને ધીમેથી કાન પાસે જઈ કહ્યુ, “ભઈલા! તો તો મહારાણા અહિ નજદીકમાં જ બિરાજ્યા હશે ને?‘’ પેલા યુવાને કહ્યુ, “ભામાશા શેઠ! મહારાણા સાવ પાસે ગુપ્ત સ્થાને રહ્યા છે.‘’


🚩 છલકાતી આંખે શેઠ ભામાશા જૈને પૂછ્યું, “ભાઈ! મહારાજા ક્ષેમકુશળ તો છે ને? આટલા દિવસથી અમને કોઈ સમાચાર જ નથી. મેં ઘણી બધી શોધ કરી. પણ.. ભાળ ન મળી. ને ભાળ મળે ત્યાં પહોંચીએ એ પહેલા તો આપણા મહારાણાજી ત્યાંથી વિદાય થઈ ગયા હોય. મારા મેવાડના સૈનિક! મને એ કહે કે, મહારાણાની સાથે રસાલો કેટલો છે. કેટલા બાળકો છે?‘’


🚩 પેલો સૈનિક કહે, “24 જણનો રસાલો છે.‘’ બધુ વિગતે કહ્યુ. એ વખતે આ જૈન શ્રેષ્ઠીએ ભાવવિભોર બની તલવાર પાછી આપતા કહ્યુ કે, “ભાઈ! મહારાણાજીને મારા ઝાઝા જુહાર કહેજે. ને હું થોડીક જ વારમાં મહારાણાજીની સેવામાં ઉપસ્થિત થાઉ છું. ને મેવાડની શાનના દર્શન કરી ધન્ય બનીશ. તું મને ગુપ્ત સ્થાનનું Address આપી દે. ને તું નીકળી જા. હું ભોજન સામગ્રીની વ્યવસ્થા કરીને તારી પાછળ પહોંચ્યો જ સમજ. ને મહારાજાને કહેજે, પ્રજા દર્શને આવે છે.‘’


🚩 યુવાને Address કાનમાં કહ્યુ ને સપાટાભેર અદ્રશ્ય થઈ ગયો. જૈન શ્રેષ્ઠી ભામાશાએ વિચાર્યુ, સૌપ્રથમ મહારાણાજીને મળુ. એમને જમાડુ. પછી આગળ વાત. ને એમણે મુનિમજીને હાંક મારી. ભામાશાના અંગત ને ખાસ વિશ્વાસુ મુનિમજીએ આવીને શેઠને પ્રણામ કર્યા. ને પૂછ્યું, “શેઠ! સેવા ફરમાવો.‘’ એ વખતે ભામાશા શ્રેષ્ઠીએ એકદમ ધીમેથી કહ્યુ, “મુનિમજી! 30-35 માણસની રસોઈ Urgent તૈયાર કરાવો. ભોજન અતિ ઉત્તમ ને સ્વાદિષ્ટ હોવુ જ જોઈએ.‘’


🚩 ને કાનમાં કહ્યુ, “ભોજન તૈયાર થાય એટલે ખાંડીવાવના ટેકરા પાસે લઈને આવો. હું ત્યાં તમને મળીશ. ઝાઝા માણસો સાથે લાવતા નહિ.‘’ બીજી કેટલીક અગત્યની સૂચનાઓ આપી. જૈન શ્રેષ્ઠી ભામાશાએ 7 નવકાર ગણી મંગલ કર્યુ. ને ખાંડીવાવના ટેકરે જવા પગ ઉપાડ્યા. કોઈને ગંધ પણ ન આવે એટલી સાવચેતી સાથે વાંકાચૂકા વળાંકો વટાવી શેઠ ભામાશા મહારાણા પ્રતાપ પાસે પહોંચે એ પહેલા, મહારાણાની તલવાર પાછી લઈ પોતાનો વિશ્વાસુ સાથી પાછો આવ્યો એ જોઈ એકવાર તો મહારાણાને મનમાં થયુ કે, પ્રતાપની તલવાર ખરીદવા’ય કોઈ તૈયાર નહિ? કેવો પાપોદય, કેવો સમય!


🚩 ને ત્યાં જ પેલા સાથીએ મહારાણાને સવિનય તલવાર પાછી સોંપતા કહ્યુ, “મહારાણાજી! જૈન શ્રાવક ભામાશાને ત્યાં હું તલવાર વેચવા ગયો.” મહારાણા પ્રશ્નભરી નજરે જોતા રહ્યા. “એમણે તલવાર હાથમાં લીધી. માથે અડાડીને કહ્યુ, મારા મહારાણાજીને કહેજો મહારાણા પ્રતાપની તલવાર અમૂલ્ય છે. એ તો દુશ્મનોના માથા વધેરતી હોય. એ વેચાતી ના હોય.“ એક મિનિટ મહારાણા પ્રતાપ ભાવુક થઈ ગયા. ને બોલ્યા, “શાબ્બાશ! ભામાશા, શાબ્બાશ!."


🚩 ને સાથી બોલ્યો, “મહારાણાજી! ભામાશા શેઠે એમ કહ્યુ કે હું પોતે બધી સામગ્રી લઈને આવુ છું. તું જા. મારે મહારાણાના દર્શન કરવા છે.‘’ પ્રતાપી મહારાણા પ્રતાપ પોતાની પ્રજાના પ્રેમ પર મુસ્તાક થઈ ગયા. ને એક મિનિટ આંખ બંધ કરી ત્યાં તો, "મહારાણા પ્રતાપનો જય હો." કહેતા ભામાશાએ આવવાની આજ્ઞા માંગી. મહારાણા પ્રતાપે આવકાર્યા. ને આવતાની સાથે જ શહેર આખાના શેઠશ્રી ભામાશાએ મહારાણા પ્રતાપના ચરણોમાં પોતાની પાઘડી ધરી દીધી.


🚩 ને મહારાણાનો જયનાદ કરી બોલ્યા, “મહારાણાજી! મારા માણસો ભોજન સામગ્રી લઈને થોડી જ વારમાં આવી રહ્યા છે. આપની સેવાનો લાભ મને મળે એવી મારી આપને કરબદ્ધ પ્રાર્થના છે. આપ મને સેવાનો લાભ આપશો.‘’ રાણા પ્રતાપ પ્રજાના પ્રેમ પર ઓવારી ગયા.



-------------------------------------------------------

એક મિનિટ કથા પછી વાંચજો,

સત્તા મળ્યા પછી જે લોકોએ લોકોને દબાવ્યા છે, સતાવ્યા છે, રડાવ્યા છે, ને લાંચો લઈ જે લોકોએ લોકોના કામો કર્યા છે, એ લોકો જ્યારે Post પરથી ઉતરી જાય છે ત્યારે લોકો એને મળવા તો નથી જતા. ઉપરથી લોકો એને લોકમાં બદનામ કરતા રહે છે. પુણ્યોદયમાં કોઈને સાચવે એને પાપોદયમાં કોઈ સાચવનાર મળે જ મળે. સત્તા ને સંપત્તિથી કોઈ માણસ પરવશ થાય, પણ પ્રેમથી પોતાનો થાય.

-------------------------------------------------------



🚩 કથા - રાણા પ્રતાપ કંઈ બોલે ત્યાં તો મુનિમજી આવ્યા. શેઠે બધા જ માણસોને દૂરથી રવાના કર્યા. ને ભોજન સામગ્રીના થાળ ને વાસણો પોતે મુનિમજી સાથે લઈને આવ્યા. જેથી મહારાણાની હાજરીની ખબર અકબરને ન મળે. શેઠ ભામાશાની આ દૂરંદેશી પર મન ઓવારી ગયા વગર રહેતુ નથી. મહારાણાનો રસાલો દિલથી ભીનો બની ગયો. શેઠ ભામાશા આગ્રહ કરી કરીને પીરસતા જાય ને મહારાણાને પોરસ ચડાવતા જાય.


🚩 રાણાનો આખો રસાલો આજે ભરપેટ જમ્યો. બાળકુંવર તો મનગમતુ ભોજન ને બાળભોજ્ય આઈટમો ખાતા-ખાતા આનંદથી થનગન-થનગન નૃત્ય કરવા લાગ્યો. બધાએ આજે લાંબા સમય પછી સ્વાદિષ્ટ ને સ્નેહસિક્ત ભોજન કર્યું. બધા જમી લીધા પછી શેઠ ભામાશાએ રાજાની સામે માથુ ટેકવ્યું ને પાઘડી મૂકીને કહ્યું, "મારા મહારાણા! મારે નજરાણુ આપના ચરણે ધરવુ છે. આપ મને રજા આપો.'' એ વખતે ભીના બનેલા...


To be continued...

Part C


-------------------------------------------------------

આપના પરિવારને સામે રાખીને જ વાંચજો.

-------------------------------------------------------


સત્ય ઘટના


🚩 શેઠ ભામાશાએ મહારાણાના ચરણોમાં પાઘડી મૂકીને કહ્યું, "મારા મહારાણા! મારે નજરાણું આપના ચરણે ધરવું છે, આપ મને રજા આપો." રાણા પ્રતાપ બોલ્યા, "શેઠ! નજરાણુ તો રાજાને ધરાય, મને નહિ.'' એ વખતે છલકતી આંખે જૈન શ્રાવક ભામાશા બોલ્યા, "મહારાણાજી! આપ અમારા રાજા-મહારાજા છો, હતા અને રહેવાના. પણ.. અમારા મહારાણા એકમાત્ર મહારાણા પ્રતાપ જ. મહારાણાજી! આપ સૈન્ય ભેગુ કરો અને યવનોના હાથમાંથી ને મ્લેચ્છોના કબ્જામાંથી માતૃભૂમિને મુક્ત કરો. મારુ નજરાણુ સ્વીકારો, મહારાણા!''


🚩 "ભામાશા શેઠ! મોગલોની સેના દરિયા જેવી છે. એને પહોંચી વળવા એટલા શસ્ત્રો-સૈનિકો, હાથી-ઘોડા ઘણુ બધુ જોઈએ. એ મળે તો જ યુદ્ધમાં મેવાડ માતૃભૂમિને આપણે આતતાયી ને વિદેશી યવનોથી, પારકાથી મુક્ત કરાવી શકીએ. ભામાશા! એ માટે અઢળક સંપત્તિ જોઈએ. અને એ અત્યારે ન થઈ શકે. બાકી.. માતૃભૂમિ વિદેશીઓના કબ્જા હેઠળ, એ તો આપણી શરમ છે.. કમનસીબી છે. એ પીડા છે એટલે જ આ માતૃભૂમિથી દૂર જઈ પુરુષાર્થ, પુણ્ય અને ક્ષેત્રનો સાથ મેળવી ફરીથી મેવાડની માતૃભૂમિને યવનોથી મુક્ત કરીશ.''


🚩 ભામાશા, "મહારાણાજી! આપ આટલા દૂર મેવાડની ધરતી છોડી જાઓ, એ કેમ ચાલે? મેવાડનો મહારાણો મેવાડ છોડે તે ન ચાલે, મહારાણા!'' "પણ.. ભામાશા! એ વગર કોઈ રસ્તો નથી દેખાતો.'' ભામાશા, "મહારાણાજી! છે.. રસ્તો છે જ. મેવાડની ભૂમિના દેશભક્તો લોહીના છેલ્લા ટીપા સુધી દેશ માટે લડતા પાછા પડે એવા નથી. લક્ષ્મીવંતો મા ભોમ માટે પોતાનુ સર્વસ્વ અર્પણ કરતા પાછા પડે એમ નથી."


🚩 "મહારાણાજી! શરૂઆતનુ નજરાણુ મારું સ્વીકારો. ને કરો પડકાર આ શિયાળીયાઓને, મેવાડનો રાણો સિંહ છે. એની એક ગર્જના કાફી છે આ ડફેરો માટે, આ લુચ્ચા શિયાળીયાઓ માટે.'' મહારાણા બોલ્યા, "ભામાશા! તમારા જેવા મહાજન એ જ મેવાડની શાન છે. પણ.. પવાલુ પાણી માત્ર સ્હેજ માટીને ભીની કરશે. અહિ પવાલા.. પવાલી ને પીપ જમીનને માત્ર ગીલી કરી શકે. અહિ તો બારે મેઘ ખાંગા થાય તો કંઈક થાય.''


🚩 ભામાશા, "મહારાણાજી! કેટલા સૈનિકો જોઈએ?'' મહારાણા, "20,000 સૈનિકોનું મોટું લશ્કર હોય, તો જ વિચારાય. એના એક વર્ષનો ખર્ચો આવે....'' ત્યાં જ ભામાશા, "મહારાણાજી! ખર્ચાની ચિંતા આપ શું કામ કરો?'' છેલ્લે મહારાણા બોલ્યા, "ભામાશા! એક વર્ષનો ખર્ચો કેટલો આવે, એનો અંદાજ છે?''


🚩 તે વખતે ફરી આ જૈન શ્રાવકે મહારાણા પ્રતાપના પગ પાસે પોતાની પાઘડી મૂકીને કહ્યું, "મહારાણાજી! 25,000નું લશ્કર આપ ભેગુ કરો. ને 12 વર્ષ સુધી લશ્કરની તમામ જવાબદારી મારી. ને મહારાણા! આપ કહો તો આપની સેવામાં અબઘડી હાજર કરી દઉ ધન.'' ને એમણે રડતી આંખે કહ્યું, "મારા મેવાડના સરતાજ! મહારાણા પ્રતાપ! યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે.''


🚩 રાણા પ્રતાપ આ સાંભળતા ભાવવિભોર બની ભામાશાને ભેટી પડ્યા. એમની બંધ આંખો નીતરી રહી. જાણે મેવાડની ઉદયની ક્ષિતિજ વિસ્તરી રહી. મહારાણા એટલું જ બોલી શક્યા, "ભામાશા..." ને પોતાની જગ્યાએ જઈ બેસી ગયા. બધા જ સ્તબ્ધ થઈ આનંદાશ્ચર્યથી ભરાઈ ગયા. ભીની ભીની થોડીક ક્ષણો પછી મહારાણા બોલ્યા, "ભામાશા! 12 વર્ષ ચાલે એટલુ.. એટલે કેટલુ એનો અંદાજ તમને હોય જ. પણ..''


🚩 ભામાશા, "મહારાણાજી! એની ચિંતા આપ ના કરો. અમારા વડવાઓ આપના જ વડવાઓની સેવા કરતા હતા, કારભાર કરતા હતા. જે છે તે બધુ આપના પ્રતાપે જ છે. આપ મને આજે આ મોકો આપો. મને સેવાનો લાભ આપો.'' આટલુ બોલતા-બોલતા ભામાશાનુ ગળુ રૂંધાઈ ગયું. ને અત્યાર સુધી પાંપણોએ રૂંધી રાખેલા આંસુઓ મોતીની જેમ વરસ્યા.


🚩 ને રાણા પ્રતાપે તલવારને એક ઝાટકે મ્યાનમુક્ત કરી. વીજળીની જેમ ચમકતી તલવારને આકાશ સામે ધરીને ગર્જના કરી, "હું સૂર્યનારાયણની હાજરીમાં પ્રતિજ્ઞા કરું છું, ને ભામાશા તમને વચન આપુ છું કે, માતૃભૂમિ મેવાડની ધરતી પરથી વિદેશી યવનોના ડેરાતંબુને ઉપાડીને ફેંકી દઈશ. ને બીજી વાર મેવાડની ધરતી પર પગ મૂકવાની તો શું, પણ.. નજર નાખવાની પણ હિંમત ન કરે એવો પાઠ ભણાવી દઈશ. એવો સબક શીખવાડી દઈશ..''


🚩 ને સૂર્યના તેજમાં તલવાર ચમકતી રહી. ભામાશા, "મહારાણાજી! આપે મારી સાતે પેઢીને તારી દીધી. આખુ મેવાડ ને મેવાડની પ્રજા-મહાજન ફરીથી આપનું છત્ર ચાહે છે. મહારાણા! આપ ઉઠાવો તલવાર. વિદેશી દુશ્મનોને દો પડકાર, માતૃભૂમિને નથી દેવી તસુભાર. શિયાળીયા ભાગશે સુણી લલકાર, મેવાડના કણકણ ને જનજનનો પોકાર. મહારાણા પ્રતાપનો જયજયકાર!!!''


🚩 ને પછી મહારાણાએ જે સપાટો બોલાવ્યો, એ મેવાડની માતૃભૂમિનું મુક્તિગીત બની ગયું. ને મેવાડના ઈતિહાસને વળાંક આપનાર જૈન શ્રેષ્ઠી ભામાશા એ મેવાડી જનતાના હૃદયમા રાણા પ્રતાપ પછીનું સ્થાન બની ગયા.


કથા તો પૂરી કરીએ. પણ.. ચુસ્ત જૈનત્વને ધરનારા હંમેશા રાષ્ટ્રપ્રેમી રહ્યા જ છે. ભામાશા જેવા જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો જેને જેને સમજાયા છે, તેમણે અવસરોચિત દરેક કાર્યો કર્તવ્ય સમજીને તે-તે પ્રવૃત્તિને ધર્મના રંગમાં રંગીને કરી જ છે. આજે'ય એ રંગ ઘેરો છે.


દેશમાં જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આ જૈન સમાજ સામે ચાલીને દોડ્યો છે. પછી એ વાવાઝોડા હોય કે વરસાદ હોય, પૂર હોય કે આગ હોય, હરકત હોય કે હોનારત હોય, લીલો હોય કે ઘોલો હોય, પણ.. દરેક કાળ-દુકાળમાં જૈનો સાથી બનીને ચાલ્યા જ છે. પાંજરાપોળો-ગૌશાળા-Hospital-School-પરબો-અનાથાશ્રમ-વૃદ્ધાશ્રમ.. જૈનો બધે જ વરસ્યા છે. આ એટલે લખ્યું કેમ કે, કેટલાક રીડરોને એટલુ જ ખબર છે કે જૈનો પૈસા પથ્થરોમાં જ નાખે છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top