Talk of the Day Series
Motivational Story 46
નહેર, નાળા, ને કુવા ઉભરાય, સરોવર, સરિતા, ને સાગર ઉભરાય, પણ.. એક નાનું પાત્ર, જે આ બધા કરતા હજારો-લાખો-કરોડો ને અબજો ઘણું નાનું હોવા છતાં, ને પાછું હાથવગું હોવા છતાં'ય ક્યારે'ય ઉભરાય નહિ. એમાં ગમે તેટલું ઠલવાય કે આવે તો'ય એ ઉભરાય નહિ. રે.. ઉભરાય નહિ એટલું જ નહિ, એ ભરાય પણ નહિ. એ આજ દિવસ સુધી ઉભરાયું હોય, ને ભરાયું હોય તો તે ચમત્કાર જ.. બાકી સાવ જ નાનું એ પાત્ર ઉભરાતું'ય નથી, ને ભરાતું'ય નથી.
આ જાદુઈ પાત્ર, આ ચમત્કારિક પાત્ર, એનું નામ અને એનું ગામ તમને ખબર હોય તો જણાવો. ને તમે શોધી શકો તો શોધી લો એનું નામ, ને છે કયે ગામ. પણ.. 1 મિનિટ, આ વિક્રમકૃપા પેજ એકવાર વાંચીને પછી શોધ કરો. કદાચ.. આ પેજ, તમને સેજ કામ લાગી શકે. એક નાનેરી કથા.
🌐 હતું વિશાળ રાજ્ય. અને રાજ્યથી'ય વિશાળ હતું, રાજવીનું દિલ. રાજવીની ઉદારતા ચારે તરફ સુગંધસી ફેલાઈને વહેતી. રાજવીનો નિયમ ને દિલ, કે કોઈપણ આવે એને દિલ દઈને આપવું, એને છલકાવી દેવો. હથેળી ધરે.. તો હથેળી, ખોબો ધરે.. તો ખોબો, પાત્ર ધરે.. તો પાત્ર, ને થેલી-થેલો-કોથળો જે પણ ધરે.. તે છલકાવી દેવો.
🌐 વર્ષોથી રાજવીએ આ નિયમ અખંડ રાખ્યો. સંબંધ ને પ્રતિબંધ ઘણા નડ્યા. પણ.. રાજાનો દેવાનો આનંદ, દાનનો પરમાનંદ, બધાને પાર કરી ગયો. એક દિવસની વાત છે. રાજવીએ દાન દેવાની શરૂઆત કરી. જેણે જે ધર્યું, તે રાજાએ ભર્યું. બધા આવતા ગયા, છલકાતા ગયા. રાજા મલકાતા, છલકાવતાં રહ્યા.
🌐 છેલ્લે એક યાચક બાકી રહ્યો. રાજાએ કહ્યું, "પ્રભુ! પધારો." પેલા યાચકે કહ્યું, "મહારાજા! હું કાલે આવીશ. આજે યાચકો ઘણા બધા હતા. આપનો દેવાનો કોટા પૂરો થઇ ગયો હશે. કાલે વહેલો આવીશ, લેવા માટે." રાજવી કહે, "ઉપરવાળાએ આપવામાં કોટા નથી રાખ્યો, તો નીચેવાળાએ દેવામાં કોટા બાંધવાની ભૂલ શું કામ કરવી? પ્રભુ! પધારો."
🌐 તો'ય પેલો યાચક કહે, "રાજવી! આજે રહેવા દો. મેં સાંભળ્યું છે કે તમે યાચકના પાત્રને છલકાવી દો છો. આજે તમે ઘણું બધું આપી દીધું. ખાલી થોડુંક જ રહ્યું હશે. મારું પાત્ર આટલાથી ભરાશે નહિ. રાજવી તમારો નિયમ નંદવાશે. હું કાલે પાછો આવીશ."
🌐 રાજા કહે, "પ્રભુ! આપ પધારો, લો. આપનું પાત્ર તો કેટલું નાનું છે. આવા તો કેટલા'ય પાત્ર છલકાય. એટલું આ રહ્યું. જુઓ, પ્રભુ!." પેલા યાચકે પાત્ર ધર્યું. રાજવીએ મુઠ્ઠી ભરીને પાત્રમાં મૂક્યું. રાજાને એમ કે, આ મુઠ્ઠી'ય આવા 2-3 પાત્રો ભરી દે, પણ.. પાત્ર ભરાયું નહિ. રાજાએ થોડુંક બીજું મૂક્યું, પણ પાત્ર ન ભરાયું.
🌐 રાજાએ અડધો દેગડો હતો, તે ખાલી કરી દીધો. તો'ય યાચકનું પાત્ર અડધું'ય ન ભરાયું. રાજવી વિસ્ફારિત નજરે એ યાચકને જોઈ રહ્યા. યાચક કહે, "રાજવી! હજુ ખાલી છે." રાજાએ બીજા દેગડા મંગાવ્યા. દેગડા ઠલવાતા ગયા. ખાલી થતા ગયા, નવા આવતા ગયા.
🌐 રાજવીના હાથ હવે તો દુ:ખ્યા. તો'ય રાજવી પોતાનો યાચકના પાત્ર છલકાવી દેવાનો નિયમ પાળવા ઝઝૂમતા રહ્યા. છેલ્લે મંત્રીઓએ કહ્યું, "રાજવી! આ કોઈક કૌતુક છે. આમાં કોઈક રહસ્ય છે." મંત્રીએ રાજવીને અટકાવ્યા ને કહ્યું, "આ યાચક, ને આ પાત્ર.. બંને રહસ્યમય છે. આપ યાચકને પૂછો. આ બધી લીલા શું?"
🌐 રાજાએ યાચકને કહ્યું, "પ્રભુ! તમારી આ માયા મને સમજાતી નથી. છે તો વાટકીથી'ય નાનું આ પાત્ર. ને દેગડાના દેગડા ખાલી થઇ ગયા, તો'ય એ ખાલી નું ખાલી જ. તમે કોણ, ને આ પાત્ર કેવું?" યાચક કહે, "રાજવી! હું તો યાચક છું. પણ ચમત્કાર તો આ પાત્રનો છે. આ પાત્ર આજ દિવસ સુધી કોઈ એને છલકાવી તો શું, આજ દિવસ સુધી ભરી'ય શક્યું નથી."
🌐 રાજવી કહે, "પ્રભુ! આ પાત્ર કોઈ દેવતાઈ ભેટ છે?" યાચક, "ના, રાજવી! આ પાત્ર તો મેં જ બનાવ્યું છે." રાજવી, "તો પ્રભુ! આ પાત્રમાં આવી આશ્ચર્યકારી શક્તિ ક્યાંથી આવી?" યાચક, "રાજવી! આ પાત્ર જેમાંથી બનાવ્યું ને એમાં જ એ રહસ્ય છે." રાજવી કહે, "આવું પાત્ર તમે શેમાંથી બનાવ્યું?"
-------------------------------------------------------
1 મિનિટ, કથા પછી વાંચજો.
તમે જો એ પાત્રનું નામ શોધી શક્યા હો, તો tally કરો. ને ન શોધી શક્યા, તો કથા આગળ વાંચો.
-------------------------------------------------------
🌐 યાચક કહે, "રાજાજી! આ પાત્ર મેં માણસના મનમાંથી-કાળજામાંથી બનાવ્યું છે! એટલે એનો સ્વભાવ છે કે, તમે ગમે તેટલું નાખો, ગમે તેટલું'ય આપો, તો'ય એ ધરાય નહિ, એ ભરાય નહીં, તો છલકાય ક્યાંથી! રાજવી, માણસનું મન ક્યારેય સંતોષ નથી પામતું. એને જે મળે તે ઓછું જ લાગે. એટલે જ આ પાત્ર ક્યારે'ય ભરાયું નથી ને કોઈ ભરી શકશે નહિ." રાજવીના મુખમંડલ પર પરમસત્ય પામ્યાનો સંતોષ ઝળહળી રહ્યો. આ કથા તો પૂરી થઇ.
આ લોકડાઉનનો સમય પણ ધીમે-ધીમે ડાઉન થઇ રહ્યો છે. લોક ખુલી રહ્યું છે ત્યારે, મનમાં થોડીક સંતોષી જીવનની ઝંખના જગાડજો. બાકી એટલું તો યાદ રાખજો કે, જરૂરત તો.. ગરીબની'ય પૂરી થાય છે. ઈચ્છા તો.. શ્રીમંતની'ય અધૂરી રહી જાય છે. અંબાણી-અદાણી ને કંપાણીને'ય ક્યાં ધરપત છે, ધખારા હજુ'ય છે જ! ને ખાસ, તમારા કોઈ સાધર્મિકને એકાદવાર પૂછજો, "ભાઈ! કાંઈ જરૂર છે?" એને જરૂર છે કે નહિ, પણ પૂછવાની તો જરૂર છે.
तन को सौ-सौ बंदिशे, मन को लगी न रोक,
तन की दो गज कोठरी, मन के तीनो लोक!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો