શું આપણાથી કુળદેવીને નૈવેદ્ય અર્પણ કરાય ? શું એ નૈવેદ્ય પ્રસાદરૂપે ગ્રહણ કરાય ?
કુળદેવી એટલે કુળની રક્ષક-સહાયક દેવી. તમારા કુળની રક્ષા અને સહાય કરવાની જવાબદારીવાળી દેવી તે કુળદેવી અને તેથી જ કુળ પરંપરાથી તેને નૈવેદ્ય અર્પણ કરવું, પ્રસાદ ગ્રહણ કરવો કે લગ્ન બાદ છેડાછેડી છોડવા વગેરે સાંસારિક વ્યવહારો થતા હોય છે. સંસારીઓને બાહ્ય આપત્તિમાં કુટુંબના વડીલની જેમ તે સહાયક થતા હોય છે તથા માર્ગદર્શન પણ આપતા હોય, એવું બની શકે છે. એટલે તેમનો ઉચિત શક્ય નિરવદ્ય વ્યવહાર થતો દેખાય છે.
અલબત્ત, કુળદેવી તે સમકિતિ જ હોય તેવો એકાંત નથી. મોક્ષમાર્ગના મહાન ઉપકારી એવા વીતરાગદેવ અને નિર્ગ્રંથ પંચમહાવ્રતધારી ગુરુભગવંત કરતાં પણ કુળદેવીને અધિકપણે માનવા-પૂજવા-ભક્તિ કરવી તે અનુચિત છે. અરિહંત પરમાત્મા અને કુળદેવી વચ્ચે મેરૃ અને તળેટી, આભ-ગાભનું અંતર છે, એ નિશ્ચિત જાણવું.
વળી, અહીં એક વાત ખૂબ સ્પષ્ટપણે સમજી લેવી કે જે-તે દેવ-દેવી પણ, આપણું પુણ્યનું બેલેન્સ હોય તો જ આપણને મદદ કરી શકે છે. કર્મસત્તા આગળ તે પણ લાચાર છે. એ કર્મસત્તા ઉપર ધર્મમહાસત્તાનો પ્રભાવ છે. એ ધર્મમહાસત્તાના સમ્રાટ અરિહંત પરમાત્માની ભક્તિથી દુનિયાની સર્વ ચીજો તો મળે, સાથે અનાસક્તિ પણ મળે છે, એટલે દેવ અને ગુરુને ક્યારેય ગૌણ કરી શકાય નહિ. આ બાબતમાં સમ્યક્ત્વથી ચલિત ન થવાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાહ્ય ક્ષણિક સુખ કે કાર્યસિદ્ધિમાં અટવાવું નહિ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો