Talk of the Day Series
Motivational Story 51
-------------------------------------------------------
👉 Please.. પરિવારને ભેગો કરીને વાંચો.
-------------------------------------------------------
માણસ જોયા વગર પગ મૂકે, તો કાંટો વાગે, કાચ વાગે, કાંકરો વાગે, ને ઠેસ વાગી જાય. માણસ જોયા વગર ચાલે, તો ખાડો આવે, પડી જાય, ગબડી જાય, ને પગ મચકોડાઈ જાય. ઇજા થઇ જાય. પણ.. માણસ જોયા વગર, ને વિચાર્યા વગર નિર્ણય લઇ લે, તો જીવનભર ચાલે એટલું નુકસાન, ને ક્યારેક તો જીવલેણ દુર્ઘટના ઘટી જાય. જેનું વળતર આખી જિંદગી સુધી રો-રો કરે, તો'ય ચૂકવી ન શકે. ને આખી જિંદગી એ નડતર બની, અંતરને નિરંતર પીડાથી તરબતર કરતુ જ રહે. એટલે જ.. આવેલા વિચારને આચારમાં મુકતા પહેલા, 100 વાર વિચાર કરવો.
એક દર્દભીની ઘટના, જે મારા ઉપકારી પૂ. બા. મ.સા. - શ્રી વિનીતમાલાશ્રીજી મ.જે 59 વર્ષ પૂર્વે મને કહેલી. એ જેવી યાદ રહેલી તેવી..
🦨 એક નાનું ગોકળીયુ ગામ. ગામ બહાર કુદરતી તળાવ ને પાતાળકુવો. વસ્તી ઓછી, મસ્તી વધુ, એવો આ spot. દરબારની ડેલી ને શેઠિયાની હવેલી, ને ગાર-માટીના ઘરોથી નાનકડું ગામ માપસર હતું. કુદરતી ભરપૂર વાતાવરણ હતું. એટલે અહીં.. શહેરોમાં જે T.V.ની screen પર જોવા મળે, એવા પશુ-પંખી-ઝાડ-પાન નઝારા ને જીવજંતુઓના scene સાચુકલા જોવા મળે.
🦨 એક દિવસ, એક નોળિયો ગાર-માટીના ઘરમાં આવી ગયો. ને ઘરમાં સૂતેલા ચાર મહિનાના બાળક પાસે બેસી ગયો. એટલામાં છોકરાની માતાએ બાળક તરફ જોયું, ને એ હેબતાઈ ગઈ. એણે ચીસ પાડી, નોળિયો ભાગી ગયો. પણ.. કલાક-બે કલાકે ફરી નોળિયો આવ્યો. ને છોકરા જોડે રમવા લાગ્યો. ફરી માતાએ ભગાડ્યો. પણ.. આ તો રોજનો ક્રમ થઇ ગયો. પણ.. માતા ખૂબ ગભરાઈ ગઈ. રખે ને, આ નોળિયો મારા બાળકને મારી ન નાખે એટલે આને મારી નાખું.
🦨 પણ.. પતિએ ના પાડી. આ નોળિયો ને આપણો બાળક, બંને સાથે રમે છે, કેટલા હસે છે. એને કંઈ હશે.. કોઈ જનમનું લેણું. તું ચિંતા ના કર. પછી તો, નોળિયો ઘરમાં જ જોવા મળે. બાળક પણ નોળિયાનો હેવાયો થઇ ગયો. ક્યારેક બાળક રડે, ને બાઈ નોળિયાને અવાજ કરે, ને નોળિયો ગમે ત્યાં હોય, પણ.. દોડી આવે. નોળિયો તો હવે ઘરનો member બની ગયો હતો. 7-8 મહિના વીત્યા હશે, એક દિવસ આ બેન કૂવે પાણી ભરવા ગઈ. નોળિયો ને બાળક બંને રમતા હતા. એટલે બાઈને બાળકના રડવાની ચિંતા નો'તી. ઘરમાં બંને ખૂબ રમતે ચઢ્યા હતા.
🦨 પણ.. ત્યાં જ, નોળિયાએ સ્હેજ ખડખડાટ સાંભળ્યો. ને એણે પોતાની નજરો ચારેકોર ઘૂમાવી. પણ.. કોઈ ના દેખાયું. પણ.. નોળિયાના નાકે સાપની ગંધ પકડી પાડી. ને એણે ચારે તરફ નજર દોડાવી. ઘરના ડામચીયા પાછળ, ગાદીઓ પાછળ એણે જોયું, તો ત્યાંથી એક સાપ સીધો, રમતા બાળક તરફ લપકારા મારતી જીભ લઈને ધસમસતો આવી રહ્યો છે. ક્ષણના'ય વિલંબ વિના, નોળિયાએ સાપ પર હુમલો કરી દીધો. પણ.. લાંબા સાપે, લપકારા મારતી જીભે નોળિયાને ડંખ માર્યો.
🦨 પણ.. નોળિયો પાછો ના પડ્યો, સાપ પણ મજબૂત હતો. એ ડંખ પર ડંખ દેતો ગયો. તો નોળિયો એને બચકા ભરતો ગયો. આખિર નોળિયાએ સાપને બાળક સુધી પહોંચવા ન દીધો. એણે સાપના ટુકડા કરી નાખ્યા. નોળિયાનું મોઢું સાપના લોહીથી લાલ-લાલ થઇ ગયું. આ લડાઈને બાળક નિર્ભયતાથી જોઈ રહ્યો હતો. જેમ અજ્ઞાની માણસને પાપનો ડર ન લાગે તેમ, આ નાદાન બાળકને સાપનો જરા'ય ડર નો'તો લાગતો. ડંખની પીડા, છતાં'ય પાછા બંને રમવા લાગ્યા.
🦨 ત્યાં જ ઘરનો દરવાજો ખુલ્યો, ને નોળિયો સીધો જ લોહીવાળા મોઢે, પાણી લઈને આવતી બેન સામે ગયો. નોળિયાના મનમાં હશે, આ ખુશખબરીના સમાચાર આપી દઉં. માથે પાણીનું માટલું લઈને આવેલી બેને નોળિયાનું મોઢું જોયું, જે લોહીના ટીપા અત્યારે'ય પાડી રહ્યું હતું. અને બેનના મનમાં ધ્રાસકો પડ્યો, આ નોળિયાએ મારા દીકરાને નક્કી ફાડી ખાધો લાગે છે, મારી નાખ્યો છે. એના લોહીથી એનું મોઢું ખરડાયું છે. ને બેન ભયાનક ગુસ્સામાં આવી ગઈ. એણે ગુસ્સામાં ને ગુસ્સામાં માથેથી માટલું નોળિયા ઉપર પટકી દીધું, ઝીંકી દીધું.
🦨 મોઢું ઊંચું કરીને ખુશખબર આપવા આવેલા નોળિયાની કબર, બેને ત્યાં જ ખોદી નાંખી. ને નોળિયાનો હરખ, મોત હડપ કરી ગયું. બાઈ ખૂબ ગુસ્સામાં આવી ગઈ. ને બોલી, "જનાવર એની જાત પર ગયું." ને ચીસ પાડતી, રડતી, એ પોતાના બાળક તરફ દોડી. ને.. રૂમમાં જઈને જોયું તો બાળક તો એકદમ ખડખડાટ હસે છે, ને સહીસલામત છે. તો લોહી... ને ત્યાં જ એની નજર પડી, સાપના ત્રણ ટુકડા પર. ને એણે ચીસ પાડી દીધી. એ પાછી દોડીને નોળિયા પાસે આવી. તડફડતા નોળિયાએ ત્યાં શ્વાસ છોડ્યા, એ જોર-જોરથી રડવા માંડી.
🦨 એના પતિને ખબર પડી, ને દોડી આવ્યો. ને એણે જોયું તો, માટલાના ટુકડા ને લોહીના ખાબોચિયામાં શાંત થઇ ગયેલો ઘરનો દોસ્ત નોળિયો. એ વિચારે એ પહેલા તો, પત્ની એને બાળક પાસે ખેંચી ગઈ. ને રડતા-રડતા બોલી, "આપણા બાળકની રક્ષા કરનારને, મોતની શિક્ષા આપનાર હું." ને હીબકા ભરતા પતિને એણે આખી કથની કહી. લાંબા સાપના ટુકડા જોઈ પતિ બોલ્યો, "નોળિયા! તારા કારણે બાળક બચ્યો, ને બાળકના કારણે તું મર્યો. નોળિયા! તું અમને માફ કરજે."
🦨 પતિ એટલું જ બોલ્યા, "તે ઘરમાં જઈને જોયું હોત, ને કરતા પહેલા થોડુંક વિચાર્યું હોત, તો આપણા બાળકના રક્ષકના.. આપણે ભક્ષક ન બનત." પતિ'ય ખૂબ રડ્યાં. પણ.. આંસુ એ ઔષધ નથી, આંસુ એ ઈલાજ નથી. માણસે ઇજા કરતા પહેલા વિચારવું જોઈએ. જિંદગીમાં નક્કી કરવા જેવું છે, ઈલાજ ન હોય એવી, ને એટલી ઇજા.. કોઈને ક્યારે'ય ન કરવી. પતિ-પત્નીએ નોળિયાના દેહની રડતી આંખે વિધિ કરી. આ કથા પૂરી થાય છે. પણ.. કથા કહે છે, જોયા વગર, ને વિચાર્યા વગર હવે કોઈ કામ કરતા નહિ. ને વિચારને આચારમાં મુકતા પહેલા, 100 વાર વિચાર કરજો.
આ લોકડાઉનનો સમય છે. 60 દિવસથી જેની સાથે છો, એ સાથી સાથે.. જોયા વગર ને વિચાર્યા વગર જીવનમાં કરેલા વ્યવહારને યાદ કરી, એકવાર આંખ ભીની કરજો. કદાચ.. રેતીમાં નદી વહી જશે.
માણસ ઉતાવળે ભૂલ કરે છે,
ને.. નિરાંતે પસ્તાય છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો