મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 127

Talk of the Day Series

Motivational Story 127


-------------------------------------------------------

પર્યુષણ મહાપર્વના પ્રથમ 5 કર્તવ્યો.

સુંદર ને સરળ શૈલીમાં સમજ.

-------------------------------------------------------


તીર્થાધિરાજ છે.. શત્રુંજય મહાતીર્થ. મંત્રાધિરાજ છે.. નવકાર મહામંત્ર. પર્વાધિરાજ છે.. પર્યુષણા મહાપર્વ. દેવો પણ દેવલોકને છોડી નંદીશ્વર દ્વીપે જઈ 8 દિવસ અષ્ટાહ્નિકા મહોત્સવ કરશે ને પરમાત્માની અપૂર્વ ભક્તિ કરશે. આપણે ઘરમાંથી બહાર પણ નહિ જઈ શકીએ, Covid-19ના હિસાબે. આપણે ઘરમાં જ રહેવુ પડશે. ઉપાશ્રયમાં’ય નહિ ને પ્રભુના જિનાલયમાં’ય નહિ જઈ શકીએ.


ઘરને ઘરમંદિર બનાવી, ઉરને ઉપાશ્રય બનાવી, આરાધના ને ઉપાસના.. "ભાવે ભાવના ભાવીએ." કરી ઉજવીએ.


ખૂબ Shortમાં પ્રથમ દિવસના 5 કર્તવ્યોને જાણીએ ને જાળવીએ.


✒️ 1) પહેલુ કર્તવ્ય - અમારી પ્રવર્તન :-

એટલે અહિંસા ધર્મનું પાલન કરવું, એથી આગળ.. કરાવવું. રાજા કુમારપાળ.. અહિંસાના ચુસ્ત ઉપાસકે એમના રાજ્યમાં કોઈને કોઈ મારી ન શકે.. જીવહિંસા ન કરી શકે. રે ‘મારુ‘ શબ્દ પણ કોઈ બોલી ન શકે. એવું પૂર્ણ અહિંસાનુ - જીવદયાનુ પાલન 18 દેશમાં કરાવ્યુ. તો શું આપણે દેશમાં, ગામમાં કે Societyમાં અહિંસાનુ પ્રવર્તન ન કરાવી શકીએ?


રે.. આપણુ વર્તન તો અહિંસક બનાવી શકીએ. આપણા ઘરમાં તો પ્રવર્તન કરાવી શકીએ. આપણી Factoryમાં, વ્યવસાયમાં પણ આપણે પ્રવર્તન કરાવીએ. શાસ્ત્રમાં લખ્યુ છે, આ દિવસોમાં દળવુ, ખાંડવુ, ધોવુ બંધ કરીએ. અભક્ષ્ય, અનંતકાય ને રાત્રિભોજન બંધ કરીએ. અળગણ પાણી ને T.V. આદિ બંધ કરીએ. શક્ય હોય તો Factory-Office વગેરે બંધ રાખીએ. અકબર જેવા રોજની સવા શેર ચકલીની જીભ ખાનારાને જગદ્‌ગુરુ હીરસૂરીજી મહારાજે હિંસા બંધ કરાવી દીધી. આપણે ખૂબ ઉપયોગપૂર્વક સાવધાનીથી કમ સે કમ 8 દિવસ રહીએ.


✒️ બીજુ કર્તવ્ય - સાધર્મિક ભક્તિ :-

સમાન ધર્મને આરાધે તે સાધર્મિક. આવા સાધર્મિકની ભક્તિ કરવી તે ઉત્કૃષ્ટ ધર્મ છે. એક અપેક્ષાએ સૌથી ચઢિયાતો ધર્મ છે. જગત્‌સિંહ નામના શ્રાવકે 360 જૈન શ્રાવકોને પોતાના જેવા કરોડપતિ બનાવ્યા હતા. તો પુણિયા શ્રાવકની કથા તો આપણા હૃદયને હચમચાવી દે.. ભાવીત કરી દે.. ભીનુ-ભીનુ કરી દે.. એટલી જબરજસ્ત ને અદ્‌ભૂત છે. કેવા એ પતિ-પત્ની કે, રોજ બેમાંથી એક ભૂખ્યા રહે ને એક સાધર્મિકને જમાડે! આજે એમને યાદ કરી યથાશક્ય સાધર્મિક ભક્તિ કરજો.


ને એક વાત છેલ્લે.. સ્થિતિસંપન્ન શ્રાવકે કમસેકમ એક સાધર્મિકનો ઉદ્ધાર કરવો જ જોઈએ. શાસ્ત્રો કહે છે, જે આ રીતે ઉદ્ધાર કરે છે, તેનો ભવસાગરથી ઉદ્ધાર થાય છે. થોડુક Search કરો, એવા સાધર્મિકોને જીવનબળ પૂરુ પાડવુ એ બીજુ કર્તવ્ય છે.


✒️ ત્રીજુ કર્તવ્ય - ક્ષમાપના :-

વેર-ઝેરને ભૂલી ક્ષમા માંગી લેવી ને ક્ષમા આપી દેવી. કોઈ ક્ષમા ન આપે તો’ય આપણે શુદ્ધ બની જઈએ, જો આપણે ક્ષમા માંગી લઈએ તો! આપણા કલ્પસૂત્રમાં સ્પષ્ટ પંક્તિ છે, ‘’જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા, જો ન ઉવસમઈ તસ્સ નત્થિ આરાહણા.“ એ માંગે કે ન માંગે, એ આપે કે ન આપે, આપણે માંગી લઈએ, આપણે છૂટ્ટા!


બાકી.. ક્રોધ જો એક વર્ષથી વધારે લાંબો ચાલે, એટલે ઝઘડો એક વર્ષ લંબાય ને મિચ્છામિ દુક્કડમ્‌ ન કરે તો, એનું સમ્યકત્વ પણ કદાચ ચાલ્યુ જાય. ક્યારેક સમરાદિત્ય કથા વાંચજો. એક ક્રોધના ભયાનક પરિણામો વાંચી આપણુ મન ધ્રુજી ઉઠશે. પ્રત્યેક જૈને આ કથા એકવાર વાંચવી જરૂરી. છેલ્લે.. ચંડકૌશિકનું દ્રષ્ટાંત યાદ કરીને ક્ષમા માંગી લેશો.


ક્ષમા માંગતા ને ક્ષમા આપતા મન હળવાશનો અનુભવ કરે જ છે. એકબીજા જોડેના મનદુઃખો ભૂલીને, અબોલા તોડીને ક્ષમાપના કરી લઈએ.


✒️ ચોથુ કર્તવ્ય - અટ્ઠમનો તપ :-

3 ઉપવાસ કરવા, આ વાર્ષિક આલોચના છે. જે સંવત્સરી પૂર્વે કરી જ લેવી જોઈએ. જો કદાચ અટ્ઠમ ન થાય, તો છૂટા-છૂટા 3 ઉપવાસ. એ ન થાય તો 6 આયંબિલ કરવા. એ ન થાય તો 9 નિવિ કરવી. એ ન થાય તો 12 એકાસણા કરવા. *એ ન થાય તો 24 બેસણા કરવા. જો કોઈથી બિલકુલ તપ જ ન થતો હોય, તો તેણે 6,000 સ્વાધ્યાય કરવો. છેલ્લે.. 60 બાંધી નવકારની માળા ગણવી.


પણ.. આ વાર્ષિક Penalty તો ભરવી જ. ન ભરે, તો તે શાસનનો ગુનેગાર ઠરે. નાગકેતૂએ જન્મતાની સાથે જ અટ્ઠમ કરેલો. અટ્ઠમથી દેવતાઓનું સાન્નિધ્ય થઈ શકે. અટ્ઠમ પરમ મંગલ છે. છેલ્લે.. 6,000નો સ્વાધ્યાય વાર્ષિક લવાજમ રૂપે.. Penalty રૂપે.. દંડ રૂપે પણ પ્રત્યેક જૈને ભરવો જોઈએ.


✒️ પાંચમુ કર્તવ્ય - ચૈત્યપરિપાટી :-

પ્રભુના જિનાલયોને જુહારવા દેરાસરોમાં દર્શન-વંદન-પૂજન કરવા જવું. ભલે રોજ ન જઈ શકાય પણ આવા દિવસોમાં તો અવશ્ય જવુ. પ્રભુમૂર્તિ.. એ પ્રાણ છે. ને જિનાલય એ પ્રભુનો દેહ છે. ચૈત્યપરિપાટી પ્રભુની ઉર્જાને ઝીલવાનું માધ્યમ છે. જોધપુરમાં શ્રી કુંથુનાથ પ્રભુનું જિનાલય છે, ત્યાં 28 અખંડ દિપક ઝળહળે છે, એ બધામાં કેસરવર્ણી જ્યોત થાય છે.


આણંદ પાસે નાપાડ ગામ છે, સાંજે આરતીમાં પાર્શ્વપ્રભુનું છત્ર એટલુ બધુ હાલે છે કે જાણે નૃત્ય કરે છે. અમે’ય આ નજરે જોયુ છે. ચૈત્યપરિપાટી અવશ્ય કરવી. 


આ પાંચ કર્તવ્યો પર્વાધિરાજના 8 દિવસ દરમ્યાન અવશ્ય આરાધી લેવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top