સંયમ વિના નહીં ઉદ્ધાર સંયમ પ્રેમી માતા
ભાગ - ૧
ધર્મનગરી અમદાવાદ શહેર. એ ધર્મચુસ્ત શ્રાવિકાએ લગ્નપૂર્વે દીક્ષા માટે ખૂબ ધમપછાડા કર્યા પણ… અંતરાય કર્મ ભયંકર, છેવટે સંસાર માંડવો પડ્યો.
લગ્ન થવા છતાં સંયમનો રાગ અવ્વલ કોટીનો. સાધુ કે સાધ્વીને દેખે અને ગળગળા થઈ જાય. તેઓની મહાનતા પર નતમસ્તકે ઝૂકી પડે અને પોતાની અધમતા પર ફિટકાર વર્ષે.
સંયમ અને સંયમીઓ પ્રત્યે અવિહડ રાગને કારણે વ્યાખ્યાનાદિમાં પણ દીક્ષાની વાત આવે તો આંખમાં આંસુ આવ્યા વગર ન રહે. સંસારમાં રહેવા છતાં દીક્ષાની તડપન ઉત્કૃષ્ટ કોટીની.
વર્ષો વીતી રહ્યા છે. શ્રાવિકાને એક છોકરો થયો. મનમાં નિશ્ચય કર્યો કે, ‘હું તો અભાગણી કે દીક્ષા ન લઈ શકી. સંસારના કાદવમાં લેપાણી પણ… મારા પુત્રને તો શાસનને જ સોંપીશ. શાસનનો અણગાર બનાવીશ.’
નાનપણથી સંસ્કારો આપવાનું શરૂ કર્યું. જન્મથી માંડીને કદી કાચું પાણી પીવડાવ્યું નથી. ચોકલેટ-બિસ્કિટ જેવી અભક્ષ્ય ચીજોથી હંમેશા દૂર રાખ્યો. અરે ! ગર્ભકાળ વખતે પણ ધર્મમય જીવન વધુમાં વધુ નવકારમંત્રનો જાપ, પાપોનો ત્યાગ તે શ્રાવિકાએ કર્યો. તેમના મનમાં એક જ ભાવ રમે છે, ‘મારા દીકરાને શાસનનો સંત બનાવવો છે.’
રોજ સામાયિક, પ્રતિક્રમણ, અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાન શ્રમણ, સદગુરૂનો નિકટથી સત્સંગ કરાવે છે.
બાળક પાંચ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેને પાંચ પ્રતિક્રમણ ને અતિચાર કડકડાટ કરાવી દીધા.
આઠ વર્ષની ઉંમરે વિદ્વાન સંયમી ગુરૂભગવંત પાસે દીક્ષાની તાલીમ માટે મુક્યો અને પાંચ વર્ષમાં તો બાળકની વિશિષ્ટ પાત્રતા અને મા ની અંતરની ઈચ્છા તેના માટેની નાનપણની કરેલી કેળવણીના કારણે દીક્ષા નક્કી થઈ ગઈ. ગુરૂભગવંતોની પરીક્ષામાં પાસ થઈ ગયો અને પોતાને સંયમજીવન લેવાનો જબરદસ્ત ઉત્સાહ ઉછળ્યો.
એક દિવસ સુશ્રાવિકા સંયમપ્રેમી માતા ગુરૂભગવંત પાસે જઈ નજીકના મુહૂર્તે દીકરાને દીક્ષા આપવાની વાત મૂકી. પૂજ્ય ગુરૂભગવંતે કહ્યું, ‘બેન ! હજુ ઉમર નાની છે. બે વર્ષ વીતવા દો પછી દીક્ષા આપીશું. થોડો મોટો થાય તો નિત્ય એકાસણા વિગેરે ભગવાનની બધી આજ્ઞા બરાબર પાળી શકે માટે હાલ ઉતાવળ ન કરશો.’
ક્રમશઃ...
આચાર્ય વિજય શ્રી જિનસુંદર સૂરિ. લિખિત પુસ્તક સુકૃત અનુમોદના માંથી સાભાર...
*સંયમ વિના નહીં ઉદ્ધાર*
*સંયમ પ્રેમી માતા*
*ભાગ - ૨*
એક દિવસ સુશ્રાવિકા સંયમપ્રેમી માતા ગુરૂભગવંત પાસે જઈ નજીકના મુહૂર્તે દીકરાને દીક્ષા આપવાની વાત મૂકી. પૂજ્ય ગુરૂભગવંતે કહ્યું, *‘બેન ! હજુ ઉમર નાની છે. બે વર્ષ વીતવા દો પછી દીક્ષા આપીશું. થોડો મોટો થાય તો નિત્ય એકાસણા વિગેરે ભગવાનની બધી આજ્ઞા બરાબર પાળી શકે માટે હાલ ઉતાવળ ન કરશો.’*
*‘ગુરૂદેવ ! આવું ન બોલશો. મારી અંતરની ઈચ્છા છે કે નજીકના મુહૂર્તે આપ મારા લાડલાને દીક્ષા આપો. મારે એને દીક્ષા વેશમાં જોવો છે. પછી કોને ખબર શું થાય ?’*
આ પરમશ્રાવિકાએ જાણે નજીકમાં રહેલ પોતાનું મોત જોઈ લીધું હશે. તેથી પોતાનો આગ્રહ પકડી રાખ્યો. ગુરૂદેવશ્રીએ પણ યોગ્ય લાગતાં *‘હા’* પાડી.
નજીકના ખૂબ સારા મુહૂર્તે મહોત્સવ મંડાયો. જાતજાતના અનુષ્ઠાનો ગોઠવાયા. આખો સંઘ હિલોળે ચઢ્યો. ઘર ઘરમાં ઉલ્લાસનું વાતાવરણ હતું. સૌથી વધુ આનંદ સંયમરાગી મા ને હતો.
*‘હું સંયમ ન લઈ શકી પણ મેં મારા લાડલાને શાસનને સમર્પિત કર્યો તેનો મને ખૂબ ખૂબ આનંદ છે.’*
મહોત્સવના ત્રીજા દિવસે કોઈક કારણસર મંડપને આગ લાગી. વિશેષ નુકશાન ન થયું. પણ *લોકોમાં જાત-જાતની વાતો થવા માંડી કે ‘અપશુકન થયું.’ ‘દીક્ષા અટકાવવી જોઈએ.’ ‘નાનો બાળક જોખમમાં મુકાશે.’*
આ બધી લોકવાતોથી પર થઈને મર્દ બનેલી મા એ બેટાને કહ્યું, *‘બેટા ! જોયું તારી દીક્ષામાં કેટલું મોટું મંગળ થયું. ઉત્પન્ન થયેલી આગ તને સૂચવે છે કે તું જલ્દીમાં જલ્દી તારા કર્મોને બાળનારો બનીશ.’*
રંગેચંગે દીક્ષા થઈ ગઈ. દિવસો અને મહિનાઓ પસાર થયા. શ્રાવિકાને અસાધ્ય રોગ લાગુ પડ્યો. ૩-૪ મહિનામાં ૧૦ કીલો વજન ઘટી ગયું.
બાળમુનિને આ વાત ખબર પડતાં ઢીલા પડી ગયા. છેલ્લે જ્યારે માતા બાળમુનીને મળવા જાય છે ત્યારે બાળમુનિ *‘મા’* ની આવી હાલત જોઈ રડવા લાગ્યા. તરત જ ગુરૂદેવે તેને પોતાના ખોળામાં માથું મુકાવી શાંત કર્યો, સાંત્વન આપ્યું.
ત્યારે મા બોલી, *‘મુનિવર ! શરીર તો નાશવંત છે. આત્મા અમર છે. બેટા ! આ ગુરૂદેવ જ તમારી ખરી મા છે. એમનો ખોળો જ સાચો છે. આ ગુરૂમૈયાને ક્યારેય છોડતા નહીં. એમનો પડતો બોલ ઉઠાવજો. ઉત્કૃષ્ટ કોટીનો સમર્પણભાવ રાખજો. સ્વાધ્યાયમાં પાછા ન પડતાં. સંયમ ઉત્કૃષ્ટ કક્ષાનું પાળજો. ગુરુદેવની સેવા ક્યારેય ન છોડતાં.’*
*‘હે મુનિવર ! તમે જેટલું ઊંચું સંયમ પાળશો તેટલો વધુ આનંદ તમારી આ માતાને થશે.’* મા ની અંદર પડેલા સંયમરાગે શિખામણોનો ધોધ વહાવ્યો અને પુત્રમુનિએ પણ હૃદયપૂર્વક તે બધી વાતોને સ્વીકારી.
બે દિવસના રોકાણ બાદ શ્રાવિકા પોતાના ઘરે પાછા ફર્યા. થોડા દિવસમાં તેમનું મૃત્યુ થયું.
*હાલ પણ એ પુત્ર મુનિરાજ ઉત્કૃષ્ટ પરમ ગુરૂ-સમર્પણપૂર્વક ઉચ્ચ કક્ષાનું સંયમજીવન પાળી રહ્યા છે.*
*ધન્ય છે એ સંયમપ્રેમી માતાને !!!*
*ધન્ય છે માતાની ઈચ્છા પૂરી કરનાર એ બાળમુનિરાજને !!!*
*‘સંયમ ન લઈ શકીએ તો કમસે કમ કોઈને અંતરાય ન કરવો આટલો સંકલ્પ કરો.’*
*આચાર્ય વિજય શ્રી જિનસુંદર સૂરિ લિખિત પુસ્તક સુકૃત અનુમોદના માંથી સાભાર...*
*શ્રી પાર્શ્વભક્તિ મંડળ નવસારી... - 3*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો