Talk of the Day Series
Motivational Story 54
નાજુક ફૂલોના બીજ પાતાળ ભેદીને નીલગગન તલે સ્મિત વેરે છે. અડગ ખડગ વચ્ચેથી'ય ઝરણું પોતાનો રસ્તો શોધી લે છે. પવન, પાણી ને પ્રકાશ.. પોતાનો પંથ સ્વયં શોધી લે છે. ટેકરા એને ક્યાં રોકી શકે. તો, સત્યના શોધકને ટીકાકારો ક્યાં અટકાવી શકે. શરત એટલી જ કે, સત્ય શોધકમાં સત્ત્વ જોઈએ. સત્ત્વ વગરના.. સફળતા વગરના હોય.
આવા જ એક સત્ત્વના શિખર જેવા, ખુમારી ને ખમીરીના પર્યાય સમા, સદીના શ્રેષ્ઠ, મુઠ્ઠી ઉંચેરા મહાપુરુષ, સ્વનામધન્ય, પૂ.આ.ભ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. (પૂ.આત્મારામજી મ.).
🌱 શીખ કુળમાં, એમાં'ય ઊંચા ઘરાનામાં એમનો જન્મ થયો. શીખ ધર્મગુરુએ એમનું ભવ્ય લલાટ, ભવ્ય અંગોપાંગ ને આગવી પ્રતિભા જોઈને કહ્યું, "ये लड़का धर्म का डंका बजाएगा| मुझे दे दो, बहुत महान होगा|" ઘણું બધું થયું, મહાસાગરને મળવાના ભાગ્ય લઈને આવેલી ગંગાને તમે નહેર તરફ વાળો, તો કુદરત થોડું સાખે! વાત્સલ્યભર્યા પિતાએ પોતાના લાડકવાયા પુત્રને પોતાના મિત્રને ત્યાં safe મૂકી દીધો.
🌱 એ મિત્ર જૈન હતા. પોતાના સંતાનની જેમ જ એમણે એનો ઉછેર કર્યો. દીત્તાસિંઘ બાળક મોટો થયો. ઘરમાં આવતા સ્થાનકવાસી સંતોનો પરિચય થયો. ધીમે-ધીમે સંપર્ક ગાઢ બનતો ગયો. ને આ જન્માન્તરીય સાધક આત્મા, બધાને પોતાની કુશાગ્ર બુદ્ધિથી સમજાવી-પટાવી સ્થાનકવાસી સંત બન્યા. "આત્મારામ" એમનું નામ પડ્યું. સાધુના વેશમાં એ ઓર દેદીપ્યમાન ને મહાન લાગ્યા.
🌱 એક વર્ષની અંદર એમણે કમાલનું અધ્યયન કરી લીધું. આખા સ્થાનકવાસી સમાજને એ આવતીકાલ જેવા લાગ્યા. થોડા જ પર્યાયમાં એટલે વરસમાં, એમણે 32 આગમ મોઢે કરી લીધા. ને બીજું જે-જે ગુરુએ આપ્યું, તે બધું જ કંઠસ્થ કરી લીધું. પણ.. એમની જ્ઞાન પ્રાપ્તિની લગન-ધગશ-ભૂખ અદમ્ય હતી. એમણે ગુરુજનોને કહ્યું, "આગળ મારે અભ્યાસ માટે શાસ્ત્રગ્રંથ કયો?" ગુરુવરોએ કહ્યું, "आत्माराम! तूंने सब पढ़ लिया| अब तेरे लिए कोई कुछ बचा नहीं है|"
🌱 આત્મારામજી મ. કહે, "ज्ञान तो अनंत है, वो कैसे पूरा होगा?" ઉદયમાન સૂરજે આસમાન માંગ્યું, એને રકાબીમાં ક્યાં સંતોષ! થોડા જ વરસના સંયમ પર્યાયમાં પૂ.આત્મારામજી મ.જે ગુરુ આજ્ઞા લઇ, સંસ્કૃત વ્યાકરણ આદિના અભ્યાસ કર્યા ને શાસ્ત્રો સ્વયં વાંચ્યા. પદાર્થોને પોતે જ ઉઘાડ્યાં ને પદાર્થ બોધે એમની દ્રષ્ટિ ઉઘાડી. એ જેમ-જેમ શાસ્ત્રો વાંચતા ગયા, એમ-એમ એમનો બોધ સ્પષ્ટ થતો ગયો. ને સ્પષ્ટ થતા બોધે એમના સત્ત્વને દિશા આપી.
🌱 એક દિવસ પૂર્ણ વિનય સાથે, ગુરુના ખોળે માથું મૂકીને કહ્યું, "गुरु म.," ગુરુના વાત્સલ્યના અધિકારી બનેલા શિષ્યે કહ્યું, "इजाजत दो, तो कुछ कहना है|" "बोल" આદેશ મળતા જ એમણે કહ્યું, "गुरु म., शास्त्र कुछ फरमाते है, और हम कुछ और ही करते है| शास्त्रों में जगह-जगह मूर्तिपूजा की बात लिखी है, और हम हर जगह मना करते आए|" અને ઘણી બધી વાત એમણે એમના સ્થાનકવાસી ગુરુને કહી.
🌱 બધું જ સાંભળ્યા પછી ગુરુ બોલ્યા, "तूं जो कहता है, वो सही है| शास्त्रों में मूर्ति की बात जगह-जगह है ही|" "तो गुरु म., हम ये मिथ्यात्व में क्यों बैठे? आप चलो|" ઘણી બધી વાર ગુરુ જોડે ચર્ચા કરી. એક દિવસ ગુરુએ કહ્યું, "आत्माराम! में तो अब यहाँ से निकल नहीं सकता| मेरी पूरी उम्र यहाँ गुजरी| अब यहाँ से निकलना कैसे? इतने सारे को छोड़ना कैसे? मगर.. तूं अभी नौजवां है, तूं सच की राह पकड़ के चला जा| मेरे आशीर्वाद है|"
🌱 પણ.. આત્મારામજીનો આત્મા માનતો નો'તો. ગુરુને ખૂબ સમજાવ્યા, છેલ્લે ગુરુએ કહ્યું, "प्रभु के रास्ते पे चल| मेरे आशीर्वाद है|" ને પછી પોતાના પ્રવચનોમાં 'મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત છે' ની ઉદઘોષણા કરી. ને સમગ્ર સ્થાનકવાસી સમાજમાં તહલકો મચી ગયો, ધમાલ મચી ગઈ. હો-હા થઇ ગઈ. ભયાનક વિરોધ થયો. જ્યાં-જ્યાં એમના પ્રવચનો થતા, ત્યાં-ત્યાં અમુક વર્ગે દેકારો મચાવ્યો. પણ.. આ તો સત્યના સૂરજની સવારી. વાદળાઓ પરવારી બેઠા, હારી નાઠા.
🌱 હદ તો ત્યારે થઇ કે, એ વખતના સર્વોપરી સમાજના સંતે જાહેરાત કરી કે, "आत्माराम नास्तिक हो गया है| इनके व्याख्यान में कोई भी न जाए, और गोचरी-पानी भी न वहेराये| और स्थानक में उतरने न देवे|" ઉતરવાની તકલીફ, ગોચરીની તકલીફ, અપમાન-અવહેલના.. તે છતાં એક રુવાંટામાં'ય ડર કે ચિંતા કે નફરત વગર.. એ વિહરતા રહ્યા, પ્રવચન કરતા રહ્યા.
🌱 ધીમે-ધીમે પરિવર્તનની લહેરો આવી. ઠેર-ઠેર એમની વાતોને યુક્તિસંગત ને શાસ્ત્રસંમત જાણી, વિરાટ જન સમુદાયે વધાવી. એમાં એક દિવસ એક અજબ ઘટના બની. એક દિવસ એ વિહાર કરતા-કરતા ગામમાં પધાર્યા. ને એક ભાઈના વિશાળ મકાનમાં ઉતારો મળ્યો. ખૂબ પ્રેમથી ઘરના માલિકે આવકાર્યા. બપોરનો ટાઈમ થયો. પંજાબની ભયાનક ગરમી, એમાં ખુલ્લા પગે મહાત્માઓ ગોચરી પધાર્યા.
🌱 મોટો સમુદાય હતો. ઘરેઘર ફરી ગોચરીની ઝોળી હાથમાં ઉપાડી, પરસેવાથી રેબઝેબ થયેલા મહાત્મા મુકામમાં આવ્યા. પૂ.આત્મારામજી મ. પણ થાકી તો ગયા જ હતા. આકરા વિહારો, પ્રવચનો, પરિશ્રમોથી. એટલે વાપરવા આસનેથી ઉઠ્યા. ને હજુ વાપરવા બેસે ત્યાં તો, "अय, निकलो बहार| घर में किस को पूछ के घूस गए? चलो, बहार चलो| उठाओ सामान, नहीं तो..." પૂ.આત્મારામજી મ.જે કહ્યું, "भैया! हम घर के मालिक की इजाजत लेके आये है|"
🌱 "अरे, घर का मालिक में हु, वो तो मेरा छोटा भाई है| निकलो, यहाँ से| मेरा घर है|" પૂ.આત્મારામજી મ. કહે, "भैया! गोचरी आ गई है, अगर आप रजा दो, तो भिक्षा करके निकल जाएंगे|" "नहीं, अभी के अभी बहार निकलो, जल्दी करो|" ને પૂ.આત્મારામજી મ.જે બધા સાધુઓને કહ્યું, "घर का मालिक मना करता है| चलो, और कहीं" ને વળતી જ પળે, પાતરા ને સામાન-ઉપધિ લઇ, પંજાબની ભયાનક ગરમીમાં આગ જેવા રસ્તા પર સાધુ સમુદાય નીકળી પડ્યો. એક ઝાડ નીચે જઈ ગોચરી વાપરવા બધા સાધુ બેઠા.
-------------------------------------------------------
ઝાડ જગ્યા આપે, જૈન નહિ.. કેવું!
દીકરો કાઢે, ને વૃદ્ધાશ્રમ રાખે.. એવું!
ધાર્મિક કટ્ટરતામાં જ્યારે કટુતા ભળે, ત્યારે ધર્મની લઘુતા થાય જ. કટ્ટરતા.. કટુતા વગરની જોઈએ. દ્રઢતા.. દ્વેષ વગરની જોઈએ. મક્કમતા.. મુલાયમતા સાથે જોઈએ. પણ.. ઝનૂન-ખુન્નસ આ વિવેક ક્યાં રહેવા દે.
-------------------------------------------------------
🌱 ગોચરી પૂરી થઇ, ને થોડીક જ વારમાં ગામે ધડાકો સાંભળ્યો. ને નવું નવું જ બાંધેલું ઘર તૂટી પડ્યું. આખું ગામ દોડ્યું, તો આ એ જ ઘર હતું જે ઘરમાં પૂ.આત્મારામજી મ. વિશાળ સાધુ સમુદાય સાથે ગોચરી વાપરવા બેસવાના હતા. પણ.. मुद्दै लाख बुरा चाहे, क्या होता है?, होता वही, जो मंजूरे खुदा होता है! ચમત્કાર એ થયો કે, મહાત્માની માનહાની કરનારા આ ઘરમાં કોઈની જાનહાની ન થઇ. એ'ય મહેરબાની માનવી જ પડે, કેમ કે મહાત્માના પુનિત પગલાં થયા હતા.
🌱 પૂજ્ય આત્મારામજી મ.જે પરિવારનો દોષ તો ન કાઢ્યો, પણ.. ઇતિહાસ કહે છે, એ દિવસથી એ ગામના બધા જ કૂવાના પાણી ખારા થઇ ગયા! ભૂલ એકની, ભોગવે બધા... એ કેવું! દીવો બુઝાવે એક, અંધારું બધાને.. એવું!
🌱 આજે, જૈનશાસનમાં આ સદીના આટલા વિરાટ સાધુ સમુદાયનો જશ.. જો એક નામ પર લખાય, તો એ માત્ર આત્મારામજી મ. જ! એમના શકવર્તી શાસનકાર્યો, શાસન પ્રભાવનાઓ ને જિનશાસનને એમણે કરેલું પ્રદાન, એ જાણવું હોય તો એમના જીવનચરિત્રને વાંચજો. પાલીતાણામાં દાદાની ટૂકમાં માત્ર ને માત્ર એક જ જૈનાચાર્યની મૂર્તિ બિરાજે છે, જે છે આ જ પૂ.આત્મારામજી મ.ની.
🌱 એમની ખુમારી-ખમીરી-ખેલદિલી, એમની ફક્કડ સાધુતા.. પ્રત્યેક જૈને એકવાર જાણવી, નહીં તો.. એ જૈન, પોતાને મળેલા.. ગુરુને આપનારા ગુરુને ભૂલી ગયો! એ ડાળી પકડી ઝૂલે છે, થડને ભૂલે છે. છેલ્લે.. આજે એમની દેદીપ્યમાન, જાજ્વલ્યમાન અપૂર્વ શ્રામણ્ય જીવનની 124મી પુણ્યતિથિએ, શીખ કુળમાં જન્મી, જૈનત્વની શીખાને પ્રજ્જ્વલિત કરનારા, શ્રમણ ધર્મના શિખરને સર કરનારા, છેલ્લા 200 વર્ષમાં સર્વપ્રથમવાર જેમને 50,000 માનવ મેદનીની હાજરીમાં.. તીર્થાધિરાજ શત્રુંજયની ગોદમાં ચતુર્વિધ શ્રી સંઘે ભેગા થઇ આચાર્ય પદ પ્રદાન કર્યું હતું, એવા વર્તમાનકાળના તપાગચ્છની સંવેગી પરંપરાના પ્રથમ આચાર્ય, પૂજ્યપાદ ન્યાયાંભોનિધિ આ.ભ.શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.ના ચરણે.. હૃદયના અનંત વંદના. ખુન્નસ વગરની ખુમારી, કટુતા વગરની કટ્ટરતા, અક્કડતા વગરની ફક્કડતા, અમને મળો.. એ જ અપેક્ષા.
આ લોકડાઉનનો સમય છે. માટે.. એમની ઠેર-ઠેર ભવ્ય ગુણાનુવાદની સભાઓ કરી ન શક્યા. ભલે.. સભા નહીં, એમનો સ્વભાવ તો આપણે માંગી શકીએ!
यह तन विष की बेलरी, गुरु अमृत की खान,
शीश दियो जो गुरु मिले, तो भी सस्ता जान!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો