Motivational Story 134
Part A
-------------------------------------------------------
આપના પરિવારને સામે રાખીને જ વાંચજો.
-------------------------------------------------------
સત્ય ઘટના
ગઈકાલનો સૂર્ય ગમે તેટલો દેદીપ્યમાન હતો, પણ.. આજ માટે શા કામનો? વીતી ગયેલો ભૂતકાળ ગમે તેટલો ભવ્ય કેમ ન હોય, પણ.. સૂર્યની જેમ આજે ઉજાસ નહિ આપી શકે. પણ.. તે છતાં ભૂતકાળની યાદો ને વાતો આજે'ય ઉલ્લાસ, જોશ, હોંશ ને પ્રેરણા આપવામાં સક્ષમ હોય છે, સમર્થ હોય છે.
ભૂતકાળનો સ્મરણદીવો આજે'ય પ્રકાશ વેરી પથ પર પ્રયાણના અરમાન જગાડી.. સફરના હમસફર બનાવી દે છે. વીતેલા ઈતિહાસની, કુલ પરંપરાની ને વહીવંચા પાસેથી જાણેલી, વડવાઓના પૂર્વજોના પ્રતાપની, પ્રતિભાઓની, સત્ત્વ ને શૌર્યની કથાઓ, હકીકતો આજે'ય હોંશલો જગાડી દે છે. જરૂર છે.. ઈતિહાસને જોવાની, વાંચવાની ને જાણવાની ઈચ્છા. આવી ઈચ્છા જાગે, તો વાંચો એક સત્યઘટના. ઈતિહાસના પાનામાં છાનામાના સંતાઈને સૂતેલા ખેમાદેરાણી અચાનક જડી ગયા.
કથા.
✴️ જૈન ઈતિહાસ જ્યાં આજે'ય વેરાયેલો ઠેર-ઠેર નજરે પડે છે, ને આજે'ય જ્યાં 8-10 જૈન મંદિરો હયાત છે. ને જે ડુંગરાના પગથિયા જૈન મંદિરના પથ્થરોથી આજે'ય બનેલા સ્પષ્ટ દેખાય છે, એ પાવાગઢની તલેટીમાં વસેલુ નગર. જેનું નામ, ચાંપાનેર. આ ચાંપાનેરના નગરશેઠ ચાંપશી મહેતા મહાજન સાથે રાજદરબારે જઈ રહ્યા હતા. રસ્તામાં ચાંપાનેરનો સુબો સાદુલખાન મળ્યો. બધા વાત કરતા જઈ રહ્યા હતા.
✴️ ત્યાં જ રસ્તામાં બંભ નામનો ભાટ મહાજનને જોઈ સામે આવ્યો. ને એની જબાનમાં એણે બાદશાહના વખાણ કર્યા. ને પછી મહાજનને ખૂબ ખૂબ વખાણ્યું. સૂબા સાદુલખાનનું શેતાની મગજ મહાજનની પ્રશંસા સાંભળી ન શક્યું. એણે જઈને બાદશાહ મહમદ બેગડાને ચઢાવ્યો કે બંભ ભાટે વાણીયાના જગડુશાહને કુબેરના અવતાર ગણાવ્યા ને તમને કાંઈ નહિ. બાદશાહ ઉશ્કેરાયો. કેટલાકના મકાન કાચા હોય છે, જ્યારે કેટલાકના કાન કાચા હોય છે. કાચા કાનના બાદશાહે બંભ ભાટને પકડી મંગાવ્યો, ને ખૂબ ધમકાવ્યો.
✴️ બંભ ભાટ બોલ્યો, "બાદશાહ! અમો ભાટ જે બોલીએ તે બરાબર જ બોલીએ છીએ. મહાજનને જે-જે બિરૂદો મળેલા તે અમે બોલીએ છીએ. 1315માં પડેલો ભયંકર દુકાળ, જે 'પરનોત્તરા દુકાળ' તરીકે આજે'ય પ્રખ્યાત છે. એવો દુકાળ આજ'દી સુધી ક્યારેય પડ્યો નથી. પણ.. એવા દુકાળની સામે સામી છાતીએ લડીને ભદ્રેશ્વરના આ જગડુશાહ દાતારે રાવ-રાણા-રંક-સતી-જતી-સંન્યાસી ને સમસ્ત રાજ્યને બચાવ્યું હતું. આવો દુકાળ આજ સુધી નથી પડ્યો. ને જગડુશાહ જેવો દાતાર શોધ્યો જડ્યો નથી."
✴️ બંભભાટના આ શબ્દોથી મહમદ બેગડો ધૂંઆપૂંઆ થઈ ગયો. ને ક્રોધથી લાલચોળ બનેલી આંખોએ દરબાર બરખાસ્ત કર્યો. પણ.. મનમાં પાઠ ભણાવવાની ગાંઠ વાળી દીધી. આ બધું જોઈ નગરશેઠ ચાંપશી મહેતા થોડાક ગંભીર બની ગયા. એમણે રસ્તામાં બંભ ભાટને કહ્યુ, "જો બંભ! મોટા સાથે વાદ-વિવાદમાં, જીભાજોડીમાં ના પડવું. એમાં જીતીયે તો કોપના ભોગ બનીએ, ને હારીએ તો જાતનો ભોગ લેવાય.''
✴️ બંભ ભાટ કહે, "મહાજન! દાતાર ગુણ ગાતા તલવારનો ભોગ બનવું પડે કે કિરતારના કોપનો ભોગ બનવું પડે. પણ.. દાતારના ગુણો ગાવાનો જ. ને મહાજન! યાદ રાખજો : કાયર, અડગ ને કૃપણ વચન, કાચળકોટ નિધાન; જ્ઞાનીદાન ભાટવચન, એ ગજદંત સમાન.'' આ સાંભળી નગરશેઠ મુગ્ધ બની ચૂપ થઈ ગયા. ને કહ્યુ, "દેખા જાએગા."
✴️ ત્યારપછી ઘણો સમય ચાલ્યો ગયો. મહાજન-ભાટ બધા જ આ વાત ભૂલી ગયા. પણ.. Jealousyથી પીડાતો સાદુલખાન અને બાદશાહ આ વાત ભૂલી નો'તા શકતા. એ વારે-તહેવારે મોકો શોધતા કે ક્યારે મહાજનને નીચાજોણું કરીએ. પણ.. મોકો હાથ નો'તો આવતો. એમાં એક દિવસ કુદરત રૂઠી. ને દેશમાં દુકાળ પડ્યો. ઠેર-ઠેર માણસો મરવા માંડ્યા. બધા ત્રાહિમામ્ પોકારી ગયા.
✴️ મહમદ બેગડો માણસોને વાઢી શકતો હતો, જીવાડી નો'તો શકતો. એ ગભરાયો. કોઈ ઉપાય ન રહ્યો. પણ.. શેતાની દિમાગી સાદુલખાને એક દિવસ બાદશાહના કાન ભંભેર્યા ને કહ્યુ, "પેલા વાણીયા છાપરે ચઢ્યા છે. ને પેલો વાંદરો બંભ ભાટ જે, તે દિવસે બાદશાહ કરતા'ય જગડુશાહને ઉંચા બોલતો હતો, તેને બોલાવો ને. એને સબક શીખવાડો કે શાહ કરતા બાદશાહ ચડે.''
✴️ ને બાદશાહનો પારો સાતમે આસમાને ચઢ્યો.. એ બોલ્યા, "सादुलखान! बराबर-बराबर। वो बंभ भाट अपने से ज्यादा उनको बता रहा था। आज पता चल जाएगा। बुलाओ, बद्तमीज़ को.. बुलाओ।" એક તો વાંદરો ને પાછો દારૂ પીધો, પછી બાકી શું રહે! ને સાદુલખાને મરીમસાલા નાખી બંભ ભાટને પકડાવ્યો. ને રાજદરબારમાં હાજર કર્યો. ને બાદશાહને કહ્યુ, "जहांपनाह! ये बद्तमीज़ बंभ भाट।"
To be continued...
Part B
✴️ સાદુલખાને મરીમસાલા નાંખી બંભ ભાટ ને પકડાવ્યો ને રાજદરબારમાં હાજર કર્યો. ને બાદશાહને કહ્યુ, "जहांपनाह! ये बद्तमीज़ बंभ भाट।" બાદશાહે બંભભાટને કહ્યું, "तूं उस दिन बादशाह को नीचा दिखाने में तुला था न? देख, आज तेरे वो शाह को बोल, बनिए को बोल, अकाल भारी पड़ा है। पूरे मुल्क को खाना डाले। अगर खाना न ही खिलाया, तो भारी सजा गानेवालो को और सुननेवालो को होगी। जो भुगतते दम नीकल जाएगा। और शाह बिरुद छीन लिया जाएगा।"
✴️ બંભ ભાટ પરિણામને વિચારતા ઝંખવાયો. આખા મુલ્કને ખવડાવવું શક્ય નો'તું, તો'ય એણે મહાજન ભેગુ કર્યું. ને મહાજનની મોટી-મોટી બિરૂદાવલી ગાઈ. ને પછી કહ્યુ, "બાદશાહ જોડે આ Challenge થઈ ગઈ છે, ક્યાં તો 'શાહ' બિરૂદ છોડો, ક્યાં તો દુષ્કાળ દૂર ના થાય ત્યાં સુધી રાજ્યને જમાડો. એવું બાદશાહનું કહેવુ છે.'' આખા'ય મહાજનમાં સોંપો પડી ગયો. 365 દિવસ.. લાખો લોકોને જમાડવા.. ને તે'ય દુષ્કાળમાં! જ્યાં પાણી'ય પાતાળે પહોંચ્યા છે ત્યાં ભોજન ક્યાંથી લાવવું?
✴️ ને ભાટ બોલ્યો, "દાતાર જગડુશાહના વંશજો આમ પાછા કાં પડો! સિંહ પારોઠના પગલા ક્યાં ભરવા માંડ્યો? મેરૂ ડગે, પણ.. જે ના ડગે એવી જેમની નામના જગે, એ આજે પાછા પગે? થશે હાંસી જગે!, જગડુશાહના વંશજ કહેતા મન ડગમગે!" ને બંભ ભાટે મહાજનના લોહીમાં એ ભૂતકાળને વર્તમાનકાળ બનાવી દીધો. પાછો પડે નહિ, ને ઉતરે નહિ, એવો પાનો ચડાવી દીધો.
✴️ આખું'ય મહાજન ભૂતકાળમાં ઉતરી ગયું. ને ભૂતકાળના દરિયામાંથી વર્તમાનકાળ માટે જોશ ને ઉત્સાહના, ખુમારી ને ખુદ્દારીના મણિ-મોતી-રત્નો લઈ થનગની ઉઠ્યું. ને નગરશેઠ ચાંપશી મહેતાના સૂરમાં બધાનો સૂર ભળી ગયો. નગરશેઠે કહ્યુ, "બંભ ભાટ! જે થવાનું હતું, એ થઇ ગયું. હવે એનો હરખ-શોક કરવો વ્યર્થ છે. શેતાન ને સત્તા જોડે વાદ-વિવાદ, હો હાર કે જીત.. બંન્ને કરે બરબાદ!"
✴️ "પણ.. તે મહાજનના ભરોસે જીભ આપી છે, તો જા. બાદશાહને કહી આવ. મહાજન વિચાર કરવા માટે એક મહિનાનો સમય માંગે છે. એક મહિનામાં હા કે ના જણાવશે.'' બંભ ભાટે ફરી મહાજનને પાનો ચડાવ્યો ને કહેતો ગયો, "યુદ્ધે ચઢ્યા રાજપૂત છૂપે નહિ, દાતાર છૂપે નહિ, ઘર માંગન આયા, તો મહાજન ચૂકે નહિ, યે અણમોલ અવસર આયા.'' ને મહાજને મીટીંગો પર મીટીંગો કરી. બધાનો એક જ સૂર હતો, પાછા તો પડાય જ નહિ.
✴️ આ બાજુ બંભ ભાટ બાદશાહ પાસે ગયો ને કહ્યુ, "મહાજને એક મહિનાનો સમય માંગ્યો છે. ત્યારપછી તમારી Offerનો જવાબ આપશે, હા અથવા ના.'' બાદશાહ કહે, "ठीक है, 1 महिने का Time दिया जाता है।" પણ.. ત્યાં બેઠેલો સાદુલખાન કહે, "अगर 1 महिने में जवाब नहीं आया, तो कोई भी बनिया अपने पीछे 'शाह' नहीं लिख सकेगा। अगर लिखा, तो कड़ी से कड़ी सजा होगी।"
✴️ મહાજન ખૂબ ગંભીર બની ગયું. હવે તો બાદશાહે મહિનાની મુદત આપી દીધી છે. એટલે ઝડપી નિર્ણય લેવો જ પડશે. ને દિવસ-રાત ચર્ચાઓ, પ્લાનો, યોજનાઓ ને આયોજનો કરવા માંડ્યા. છેલ્લે એક દિવસ નિશ્ચિત કર્યો, ને એ દિવસે.. દિવસો લખવાની શરૂઆત કરી. ચાંપાનેરના ઉદારદિલ શ્રેષ્ઠીઓએ ફટાફટ નામ આપ્યા ને ચાર મહિના જોતજોતામાં નોંધાઈ ગયા. તો'ય આઠ મહિના બાકી રહ્યા.
✴️ તે વખતે નગરશેઠે કહ્યુ, "હવે આપણે બહાર જવું જ પડશે.'' ને બધાએ નક્કી કર્યું હવે પાટણ જઈએ. ત્યાં વસતા ઋદ્ધિમંત શ્રેષ્ઠિઓ આ સદ્કાર્યમાં અવશ્ય આપણા સાથી બનશે. ને.. કોણે-કોણે જવું એમાં નગરશેઠે પોતાનું નામ પહેલું લખાવ્યું. ને કહ્યુ, "હું'ય સાથે જ આવીશ.'' ને નગરશેઠ જ્યારે કોઈના ઘરે જઈને ઊભા રહે ત્યારે ટીપ, Top પર પહોંચવાની છે, તે નક્કી થઈ જાય.
✴️ અત્યારે'ય સંઘના પ્રમુખ, Trustee કે શ્રેષ્ઠી જો ઊભા થાય.. લાભ લે ને લેવાનું કહે, ને સંઘના સભ્યોના ઘેર જાય તો સરવાળો મોટો જ મંડાયો હોય. સમૃદ્ધ શહેર પાટણને જ્યારે ખબર પડી કે ચાંપાનેરથી મહાજન પધારી રહ્યું છે, ત્યારે એમણે ભાવભીનું સ્વાગત કર્યું. ને ઉમળકાભેર મહાજનનો ગામમાં પ્રવેશ કરાવ્યો. પાટણનું મહાજન આખું'ય ભેગું થયું. ને ચાંપાનેરના નગરશેઠ ચાંપશી મહેતાએ આખી વાત જણાવી ત્યારે...
To be continued...
Part C
✴️ પાટણનું મહાજન આખું'ય ભેગું થયું. ને ચાંપાનેરના નગરશેઠ ચાંપશી મહેતાએ આખી વાત જણાવી, ત્યારે પાટણના ઉદારદીલ મહાજને બે મહિનાનો લાભ લીધો. ને કહ્યુ, "મહાજનને જરૂર પડે, તો ફરી પધારે."
-------------------------------------------------------
યાદ રહે,
કોઈના સત્કાર્યને વધાવો, વખોડો નહિ. કેટલાકની ટેવ હોય, પહેલા Negative જ બોલે. ને ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દે. આ કુટેવ છે.
-------------------------------------------------------
✴️ ચાંપાનેરના મહાજને પાટણની ઉદારતાને ખૂબ ખૂબ વંદી ને અભિનંદી. એમનો ઉત્સાહ ખૂબ વધ્યો. અડધું વરસ તો લખાઈ ગયું. ત્યાંથી એ વેરાટગામ એટલે આજના ધંધૂકા ગામે આવ્યા. ધંધૂકાના મહાજને સરસ સ્વાગત સાથે મહાજનને ગામમાં આવકાર્યું. ધંધૂકાનું મહાજન રાત્રે ભેગું થયું ને 10 દિવસ લીધા. ચાંપાનેરના મહાજનને ખૂબ સંતોષ થયો. આ બાજુ મહિનાની મુદતમાં 20 દિવસ તો પૂરા થઈ ગયા ને રહ્યા માત્ર ૧૦ દિવસ! મહાજન ગમગીન થયું.
✴️ 10 દિવસમાં બાકીના પોણા છ મહિના કેમ થવાના? ને સૌથી વધુ દુઃખની વાત એ હતી કે 'શાહ'નું બિરૂદ તો છોડી દેવું પડશે. પણ.. બંભ ભાટ આપઘાત કરીને મરી જશે. મહાજન ચિંતાના મહાસાગરમાં ડૂબકી ખાતુ ધોળકા જવા નીકળ્યું. ઘણાના મનમાં ઉથલપાથલ મચી ગઈ હતી. હવે આગળ જવાનો કોઈ મતલબ નથી. પોણા છ મહિના ૧૦ દિવસમાં પૂરા નહિ જ કરી શકાય.
✴️ માખી બણબણાટ કર્યા વગર ન રહે. માખી જેવા માણસ ગણગણાટ કર્યા વગર નહિ રહે. એમણે ગુપચૂપ વાત છેડી. પણ.. ચાંપશી મહેતાને મહાજન કહે, "લાખો લોકોના પુણ્ય આપણા પુરુષાર્થને સફળ કરશે. પુણ્ય એમનું, પુરુષાર્થ આપણો, કૃપા પ્રભુની. બધું જ થશે. આપણે પુરુષાર્થમાં પાછા નથી પડવું.'' ને ધોળકા જતા મહાજન બપોર થતા હડાણા ગામે પહોંચ્યું. ભૂખ ને તરસ તો હતા જ, પણ.. એ શોધવામાં Time ખોવા મહાજન નો'તું તૈયાર.
✴️ હડાણાની ભાગોળથી એમણે ચાર ડગલા ભર્યા. ત્યાં તો એક મેલાઘેલા કપડાવાળો માણસ દોડતો આવ્યો. ને દૂરથી હાથ જોડી મહાજનને રોકાવા વિનંતી કરી. મહાજનને ઉતાવળ હતી. મેલાઘેલા કપડામાં દોડતો હાંફતો એ માણસ બોલ્યો, "પ્રણામ મહાજન! પ્રણામ!'' ને નગરશેઠ ચાંપશી મહેતાના પગ અટકી ગયા. એમણે દૂરથી જ તુરંત હાથ જોડ્યા ને કહ્યુ, "પ્રણામ! સાધર્મિક ભાઈ, પ્રણામ!''
✴️ ત્યાં તો આ મેલોઘેલો માણસ આવીને પગમાં પડી ગયો. નગરશેઠે એને પ્રેમથી પ્રણામ કર્યા. ને શેઠે પૂછ્યું, "બોલ ભાઈ! શું જોઈએ છે?'' નગરશેઠને લાગ્યું, ગામડામાં રહેતા આ તેજસ્વી મેલાઘેલા કપડાવાળા યુવાનને કાંઈક મદદ જોઈતી હશે. એમણે Help કરવાની તૈયારી સાથે ફરી પૂછ્યું, "બોલ ભાઈ!''
✴️ ને ત્યાં જ મેલાઘેલા કપડાવાળા યુવાનની આંખોમાં તેજ ઊભરાયું. એણે આજીજી સાથે કહ્યુ, "મહાજન! જોઈએ એટલું જ, આપ સૌના પગલા મારા આંગણને પાવન કરે ને છાશ લઈને જ જાય.'' બધા શેઠિયાઓની ઈચ્છા નો'તી. કેમકે 10 જ દિવસ હાથમાં હતા. ને હજુ પોણા છ મહિના નોંધાવાના બાકી હતા. જો 365 દિવસ પૂરા ન થાય તો 'શાહ ' બિરૂદ ને ઈજ્જત જવાની.
-------------------------------------------------------
પહેલા માણસો મિલ્કત વેચીને'ય ઈજ્જત બચાવતા હતા. આજે ઈજ્જત વેચીને'ય મિલ્કત બચાવે! આટલો ફરક ગઈકાલ ને આજમાં પડ્યો, તે ચોક્ક્સ.
-------------------------------------------------------
✴️ નગરશેઠે બધાની સામે જોયું. બધાને થોડીક ઓછી ઈચ્છા લાગી. નગરશેઠે કહ્યુ, "સાધર્મિકનું વેણ ઉત્થાપાય નહિ. ને ભોજનનું નોતરું પાછું ઠેલાય નહિ.'' ને નજરથી બધાને Convince કરી લીધા.
-------------------------------------------------------
"न निषिद्धं अनुमत्तम्" જેનો કર્યો નહીં ઈન્કાર, એનો થઈ ગયો સ્વીકાર.
ને યાદ રાખવા જેવુ છે કે, બધાને સામે રાખીને ચાલે, તે મોટો નહિ. પણ.. બધાને સાથે રાખીને ચાલે તે મોટો.
-------------------------------------------------------
✴️ ને.. બધાની મૂક સંમતિ સાથે નગરશેઠ યુવાન સાથે ચાલ્યા. રસ્તામાં નગરશેઠે યુવાનને પૂછ્યું, "ભાઈ! તારું નામ શું?" "જી.. મારું નામ ખેમો દેરાણી.'' નગરશેઠ એના વિનય-વિવેક પર.. એની મધુર ને મર્યાદાસભર વાણી ને વ્યવહારથી ખૂબ Impress થયા, પ્રભાવીત થયા. એમણે મનોમન વિચાર્યું, શેષ લઈ ખેમાને વિશેષ આગ્રહ કરીને કંઈક આપીશું.
ચાંપાનેરના નગરશેઠને અને મહાજનને ક્યાં ખબર હતી કે, તમે શેષ લીધા પછી એને વિશેષ આપીને જશો કે સવિશેષ લઈને જશો!
✴️ પરોપકાર કરનારને પરમ મદદ કરે જ, સવાલ છે ધીરજનો, શ્રદ્ધાનો, સમયનો. યુવાન ખેમો દેરાણી, હર્ષાશ્રુથી ભીંજાયેલા નયને બધાને લઈને ઘેર આવ્યો. ઘરમાં પિતાજી ને પરિવારે સૌનું સ્વાગત કર્યું, આવકાર્યા. ને આગ્રહભરી વિનંતી કરીને જમવા બેસાડ્યા.
-------------------------------------------------------
પ્રાચીન ગીત જે જૂની ભાષામાં છે, એમાં જે મીઠા શબ્દો લખ્યા છે, તે જ વાંચો. કદાચ.. તમે'ય કહેશો - Old is Gold.
માંડી થાળ અનોપમ લાવે, સાકરનો શીરો પીરસાયો;
દાંત જોર કાંઈ ન કરાવે, ઘરડા બુઢ્ઢા તે પણ ચાવે;
શિયાળે ઘણેરો ભાવે, તેનો ગુણ કહ્યો ન જાવે;
પાસે પાપડ વડી પીરસાવે, તે તો કેર કેરી ખવડાવે!
ગીતમાં તો ખૂબ લખ્યું છે.
-------------------------------------------------------
✴️ અનેક જાતની આઈટમો-વિવિધ રસાળ ભોજન દ્રવ્યોથી ભરપૂર ભક્તિ કરી મહાજન આ મેલાઘેલા યુવાનની ભક્તિ પર ને ઊંચા ને મોંઘા દ્રવ્યો પર મુગ્ધ બની ગયું, ભાવીત બની ગયું, ને તાજ્જુબ પણ થઈ ગયું. આ મેલાઘેલા કપડાવાળો યુવાન આટલી ઊંચી ભક્તિ કઈ રીતે કરે છે? શું ઉધાર લઈને આવ્યો કે ઓછીનું લઈને આવ્યો??? મહાજન વિસ્મિત નયને બેઠું છે.
To be continued...
Part D
✴️ કપડાં પરથી સામાન્યથી'યે સામાન્ય લાગતા યુવાને વિવિધ રસાળ ભોજન દ્રવ્યોથી કરેલી ભક્તિ પર ચાંપાનેરનું મહાજન મુગ્ધ બની ગયું, ભાવિત બની ગયું, ને તાજ્જુબ પણ થઇ ગયું. જમ્યા પછી અપાયેલા તાંબુલ ને મુખવાસની અલગ-અલગ સુગંધે સૌને મોજમાં લાવી દીધા. છેલ્લે જમીને મહાજન ને ખેમાદેરાણી બધા બેઠા.
✴️ એમાં ખૂબ જ નમ્રતાથી ખેમાદેરાણીએ પૂછ્યું, "મહાજન શા કાજે બહાર નીકળ્યું છે?'' ત્યારે નગરશેઠે ટીપનો કાગળ ખેમાનું નામ ઉમેરીને આપ્યો ને વાત કરી કે, "આ કાર્ય માટે મહાજન નીકળ્યું છે." ખેમાદેરાણીએ બધા નામો વાંચ્યા. બધાના દિવસો વાંચ્યા.. ને ખૂબ અનુમોદના કરીને કહ્યુ, "મહાજને મોટું મન રાખી મારું નામ કાગળમાં લખ્યું. હું ખૂબ-ખૂબ ધન્યવાદ કહું છું. હું'ય યથાશક્તિ લાભ લેવા ચાહુ છું.''
✴️ મહાજને કહ્યુ, "તમારી ભાવના ને શક્તિ હોય તે જ પ્રમાણે લાભ લેશો.'' ખેમોદેરાણી કહે, "મને મહાજન યથાશક્તિ લાભ આપે એવી હાથ જોડી વિનંતી છે. આપ સાહેબો થોડીક વાર બેસો. મારા પૂજ્ય પિતાશ્રીને પૂછીને આવું છું.'' મહાજન કહે, "ભલે.. ભલે..!'' આખું'ય મહાજન કેટલાય દિવસો પછી મોજથી જમ્યું હતું.
✴️ ખેમોદેરાણી પિતાજીની પાસે ગયો. મહાજને ચર્ચા કરી. એ જે લખાવે એક ટંક કે અડધો દિવસ તે પ્રેમથી સ્વીકારી લેવું. "આ ખેમા જેવી ભાવના કો'કને જ મળે." - બધા એક સાથે બોલી ઉઠ્યા. યુવાન ખેમોદેરાણી પિતા પાસે જઈ પગે લાગ્યો ને વાત કરી, "મહાજન પાવાગઢના ચાંપાનેરથી આવ્યું છે. 1 વર્ષની જવાબદારી દેશના દુકાળની બાદશાહે મહાજન પર ઢોળી છે. ને કહ્યુ છે, જો મહાજન જવાબદારી નહિ નિભાવે તો એ 'શાહ' Surname-અટક નહિ લખાવી શકે."
✴️ "જગડુ શાહ - ભામા શાહ - શાહ શબ્દ ફક્ત બાદશાહ ને પાદશાહ માટે જ વપરાશે. જો કોઈ વાપરશે તો એને સળીયા પાછળ ધકેલી દેવાશે. એટલે પાવાગઢથી મહાજન દિવસ નોંધાવવા નીકળ્યું છે. હજુ 6 મહિના જ થયા છે. મહાજન ખૂબ મહેનત કરે છે. પણ.. દિવસ 10 જ રહ્યા છે. એટલે શક્યતા ઓછી લાગે છે કે વર્ષ આખું પૂરું થાય. માટે મહાજન ચિંતામાં છે. ને નગર-નગર ને ગામેગામ ફરી રહ્યું છે. તો પિતાજી! આપણે કેટલા દિવસ લેવા છે?''
✴️ તે વખતે દરિયાવદિલ પિતા બોલ્યા,
-------------------------------------------------------
વાંચો બે પંક્તિ પ્રાચીન ગીતની,
'ખેમા! જાણજે ઘર બેઠા આઈ ગંગા,
યાહુણી રે, ખેમા અવશે આચાર, ખેમા ભેદ રાખીશ રે..
ખેમા! પચવીશમો તીર્થંકર જિનેસરે ભાખીયો રે..' આદિ...
-------------------------------------------------------
✴️ પિતા બોલ્યા, "બેટા ખેમા! ઘર બેઠા ગંગા આવી છે. તારાથી લેવાય એટલો લાભ લઈ લે. બેટા! સમયને જાણે તે નર મહાન છે. સંઘ તો 25મો તીર્થંકર કહેવાયો છે. તારાથી થાય એટલુ સંઘનું-મહાજનનું માન કરી લે." ખેમા દેરાણીના કોઠે-કોઠે આનંદના દીવા પ્રગટ્યા. પિતાની જે થાય તે કરવાની છૂટ મળતા જ એણે વાજા મંગાવ્યા.
✴️ ને વાજતે-ગાજતે મહાજન-સંઘ પાસે આવ્યો. લળી-લળીને પગે લાગ્યો. આખો’ય પરિવાર ખુશીથી નાચતો હતો. આંખોમાં આંસુ હતા. આત્મામાં આનંદ હતો. અંતરમાં ઉમંગ હતો. વાતાવરણમાં અનોખો રંગ હતો. યુવાન ખેમા દેરાણીને વાજતે-ગાજતે આવતો જોઈ નગરશેઠ ને મહાજન વિચારમાં પડી ગયું. આ ધૂની યુવાન વાજા લઈને કેમ આવ્યો?
✴️ ત્યાં જ ખેમા દેરાણી ને એના પરિવારે મહાજનના ચરણ સ્પર્શ કર્યા. ને કહ્યુ, ‘’આપે અમારી વિનંતીનો સ્વીકાર કર્યો. ને અમારા રાંકના આંગણાને પાવન કર્યું તે બદલ અમે ભવોભવ આપના ઋણી રહીશું. આપે આટલો ઉપકાર કર્યો છે, તો એક બીજો’ય ઉપકાર કરો, એવી અમારા પરિવારની વિનંતી છે.‘’ મહાજન બોલ્યું, “ખેમાદેરાણી, બોલો.‘’ મહાજનને કોઈ જુદો જ ખ્યાલ હતો. એ વખતે યુવાન ખેમોદેરાણી બોલ્યો,
To be continued...
Part E
✴️ યુવાન ખેમા દેરાણીને વાજતે-ગાજતે આવતો જોઈ નગરશેઠ ને મહાજન વિચારમાં પડી ગયું કે આ ધૂની યુવાન વાજા લઈને કેમ આવ્યો? ત્યાં જ પૂરા પરિવારે મહાજનના ચરણસ્પર્શ કર્યા ને યુવાન ખેમો દેરાણી બોલ્યો, "હું સંઘે આપેલા લાભનો બદલો વાળવા સમર્થ નથી. પણ.. આપ જે મહાન સત્કાર્ય માટે નીકળ્યા છો, એમાં મને લાભ આપો.‘’
✴️ નગરશેઠ ચાંપશી મહેતા ને મહાજને તો ખેમોદેરાણી ટંક કે અડધો દિવસ જે આપે તે સહર્ષ સ્વીકારી લેવાનું નક્કી જ કરેલું હતું. એટલે મહાજને કહ્યુ, ‘ ખેમાદેરાણી! તમે જે આપશો, તે અમારે નવે નિધાન અમે એને સ્વીકારીશું.‘’ ને.. આંખોમાં છલકાતા આંસુઓએ અમીછાંટણાના રૂપ લીધા. ને ખેમોદેરાણી બોલ્યો, “તો મહાજન! મારા 360 દિવસ સ્વીકારો!!!‘’
✴️ ને આ શબ્દો સાંભળતા આભા બનેલા સૌ આભાર માનવાનું પણ ભૂલી ગયા, એ હદે બધા જ ચોંકી ઉઠ્યા. થોડીકવાર સુધી તો નગરશેઠ પણ મૌન થઈ ગયા. ને પછી બોલ્યા, “ખેમાદેરાણી! આપણા વેંત પ્રમાણે બોલવુ. નહિ તો વેતરાઈ જઈએ. પોતાની શક્તિ હોય એટલું ચઢીએ. નહિ તો માણસની કિંમત ઘટે. ખેમાદેરાણી! જે બોલો તે વિચારીને બોલો. શક્તિ પ્રમાણે ભક્તિ હોય.‘’
✴️ ખેમોદેરાણી કહે, “શેઠ! હું બહુ જ વિચાર કરીને બોલ્યો છું. ને મારી શક્તિ કરતા તો ઓછું જ બોલ્યો છું. શેઠ! આપ મારી ચિંતા ના કરો. મને વાંધો નહિ આવે. બસ! મને હા પાડો, લાભ આપો.‘’ શ્રીમંતાઈમાં જન્મેલા, ઉછરેલા ને રહેલા નગરશેઠ આ ઉદારતાને વિચારતા અવાક્ બની ગયા! પણ.. યુવાન ખેમાદેરાણીની છટા.. એમાં ભળેલો આત્મવિશ્વાસનો રણકો.. શેઠને વિશ્વાસ આપી ગયો કે, આ રણકો બોદો ન હોય, આ મરદ એમને એમ બાથ ભીડે એવો નથી!
✴️ આખું'ય મહાજન સ્તબ્ધ હતું ને કરબદ્ધ હતું. નગરશેઠ ચાંપશી મહેતાએ ખેમાદેરાણીને કહ્યુ, “ખેમાદેરાણી! આ મેલાઘેલા કપડા ઉતારો. ને નાહી ધોઈ સારા કપડા પહેરો. આટલી શ્રીમંતાઈને આ કપડા ન શોભે.‘’ તે વખતે ખેમોદેરાણી કહે,
-------------------------------------------------------
પ્રાચીન ગીતના શબ્દો છે,
અમે વીવા, વાર તહેવાર સ્વાંગના પાલટૂં રે;
ને નવી જાણું સાલ દુશાલ રે;
અમે ગામડીયા ગમાર નગરના જાણીયે રે;
અમે મેલડીયા હીંગતોલ; અમે તો વાણીયા રે,
અમે ગામડીયા ગમાર....
-------------------------------------------------------
✴️ નગરશેઠ ચાંપશી મહેતાની આંખે ઝળઝળીયા આવી ગયા. એ ખેમા દેરાણીને વિસ્મયપૂર્વક.. અહોભાવપૂર્વક જોઈ રહ્યા. સ્વપ્ને’ય જે જવાબ વિચારી ન શકાય તે જવાબ જાગતા સાંભળી એમનું શેર લોહી આ સાધર્મિકની વાણી સાંભળતા ચઢી ગયું. આખું મહાજન, "ધન્ય! ધન્ય!" બોલી ઉઠ્યું.
-------------------------------------------------------
યાદ રહે,
સારા કામમાં સાથીદાર, જગનો સ્વામી સમયસર મોકલે જ છે.
-------------------------------------------------------
✴️ નગરશેઠ ને મહાજન દિલ ખોલીને અનુમોદના ને પ્રશંસા કરતા જ રહ્યા. ત્યારે ખેમોદેરાણી બોલ્યો, “નગરશેઠ ને મહાજન! આપે મને આ લાભ આપ્યો. આ રંકને તમે રત્ન સરીખો અવસર આપ્યો. આપ સૌની મહેરબાનીને કેટલી વંદુ. ને વખાણું! આપે જો મને આ લાભ ન આપ્યો હોત, તો મારો પૈસો પાપાનુબંધી પુણ્યનો બની રહેત. જ્યારે આપે ઉદારતા કરી, તો મારી લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યની બની ગઈ!‘’
✴️ ને યુવાન ખેમોદેરાણી વધુ બોલી ન શક્યો. એની આંખોના આંસુઓએ જીભના શબ્દો પર કબજો કરી લીધો. નગરશેઠ ચાંપશી મહેતા તો આ યુવાનને જોઈ જોઈ મસ્તક હલાવતા રહ્યા. એમના મનમાં થયું, અમે લક્ષાધિપતિ છીએ, આ લક્ષ્મીપતિ છે! કેવી સહજતાથી આટલો મોટો અદભૂત લાભ લઈ લીધો. અમે દિવસમાં રહ્યા, એ વરસમાં! ને છેલ્લે.. નગરશેઠ ન રહી શક્યા, એ ઉઠ્યા ને ખેમાદેરાણીને નીતરતી આંખે ભેટી પડ્યા.
✴️ પછી તો નગરશેઠ ને મહાજન બોલ્યું, “શેઠ અમે નહિ, શેઠ તમે છો. અમે તો તમારા દાસ થવાને યોગ્ય છીએ.‘’ પછી તો હરખથી ઘેલા થયેલા ને નિશ્ચિંત થયેલા શેઠે ને મહાજને પાલખી મંગાવી. ને ગામેગામ સત્કાર પામતા ખેમાદેરાણીને ઠેઠ ચાંપાનેર લાવ્યા. આખા’ય મુલકમાં વાયુ વેગે આ વાત સમાચાર બની પ્રસરી ગઈ. ઠેઠ બાદશાહ સુધી ઉડતી-ઉડતી વાત પહોંચી, ત્યારે મહમદ બેગડો બે ઘડી, "वाह! बनिया, वाह!" બોલી ઉઠ્યો.
✴️ પણ.. સાદુલખાનના પેટમાં તેલ રેડાયું. એણે બાદશાહની કાનભંભેરણી પૂરજોશમાં ચાલુ કરી દીધી. ને બાદશાહને કહ્યુ,
To be continued...
Part F
✴️ હરખથી ઘેલું થયેલું ને આખા'ય મુલ્કને 365 દિવસ જમાડવાના ખેમાદેદરાણીએ લીધેલી જવાબદારીથી નિશ્ચિંત થયેલું ચાંપાનેરનું મહાજન ગામેગામ સત્કાર પામતા ખેમાદેદરાણીને લઇ ઠેઠ ચાંપાનેર આવ્યું. આખા'ય મુલ્કમાં વાયુવેગે આ વાત સમાચાર બની પ્રસરી ગઈ. પણ.. સાદુલખાનના પેટમાં તેલ રેડાયું. એણે બાદશાહની કાનભંભેરણી પૂરજોશમાં ચાલુ કરી દીધી.
✴️ ને એણે બાદશાહને કહ્યુ, “ये बनिए अपन को बेवकूफ समजते होंगे। आप सबसे पहले उनको तराश लेना। ताकि बाद में नामुक्कार न हो जाए।" ને જ્યારે બાદશાહના દરબારમાં નગરશેઠે મહાજન ને ખેમાદેદરાણી સમેત Entry લીધી ત્યારે બાદશાહે સૌને આવકાર્યા ને પૂછ્યું, "क्या हुआ?"
✴️ ત્યારે મહાજન વતી નગરશેઠ બોલ્યા, “बादशाह सलामत! अरिहंत परमात्मा की महेरबानी से आपने जो चाहा था वो पूरा करके आए है। और ये हमारे जैन श्रेष्ठी श्री खेमादेदराणी पूरे मुल्क को खाना खिलाएंगे।" ને નગરશેઠના ઈશારે નવયુવાન ખેમોદેદરાણી આગળ આવ્યો. એણે બાદશાહને સલામ કરી. બાદશાહ ખેમાદેદરાણીના દેદાર જોઈ હબકી ગયા. ને મનોમન વિચારે ચડી ગયા.
✴️ આ મેલાઘેલા ને જાડા કપડાવાળો પોતે જ ભૂખ્યો ન રહેતો હોય તો સારુ. એ શું મુલ્કને જમાડવાનો! ને તે'ય 1 વર્ષ પર્યંત! 365 દિવસ આ શું જમાડવાનો! બાદશાહે એના દેદાર જોઈ પૂછ્યું, "ये बंदा पूरे साल मेरे पूरे मुल्क को खाना खिलाएगा?" નગરશેઠ ચાંપશી મહેતાએ કહ્યુ, "जी जहांपनाह! 1 साल तक हमारे खेमा शाह देश और सभी को जिमाएँगे।"
✴️ બાદશાહનું મન સંતોષ પામ્યું. પણ.. શંકા'ય રહી. એમણે સીધું જ ખેમાદેદરાણીને પૂછ્યું, "आपके पास कितने गांव है? सालाना कितनी कमाई होती है?'' એ વખતે ખેમાદેદરાણી બોલ્યો, "જહાંપનાહ!"
-------------------------------------------------------
_જૂના કાવ્યગીતમાં વાંચો.. _
તવ ખેમો બોલીયો મહારે છે બે ગામ,
શાહ કહે જો ગામ રે, દોનુ ક્યા ક્યા નામ?
મુકે તવ પાલી-પળી, મુખ આગળ સુલતાન,
દેઉ તેલ પલી ભરઈ, પાલીયુ લે ઉધાન
-------------------------------------------------------
જૂની ગુજરાતી નવા ગુજરાતીને સમજવી અઘરી લાગે!
✴️ એ વખતે ખેમાદેદરાણી બોલ્યા, "બાદશાહ! મારી પાસે બે ગામ છે.'' બાદશાહ કહે, "જે ગામની કમાઈ પર તમે આટલો મોટો ખર્ચો કરવા તૈયાર થયા છો તો એવા મોટા ને માતબર ગામ કયા?'' એ વખતે ખેમાદેદરાણીએ 'પાલી' ને 'પળી' નામ આપ્યા. સાદુલખાન ત્યાં જ હતો. એણે બાદશાહને કહ્યુ, "ऐसे तो कोई गांव अपने मुल्क में है ही नहीं।" બાદશાહ કહે, "वो गांव कहां है?''
✴️ ને તુરંત જ ખેમાદેદરાણીએ 'પળી' અને 'પાલી' બાદશાહ સામે મૂકી. બાદશાહ કહે, "ये क्या है?'' એ વખતે બાદશાહ, નગરશેઠ, મહાજન ને દરબારીઓ બધા જ 'પળી' ને 'પાલી' જોઈ તાજ્જુબ હતા જ. એ બધાની તાજુબીને, ઉત્સુકતાને વિદારતા ખેમાદેદરાણી બોલ્યા, "આ પળી છે. એમાં તેલ ભરીને આપું છું. ને આ પાલી છે. એ ભરીને ધાન્ય લઉં છું. તેલ આપવું ને ધાન લેવું. પળી ગામ આપે છે ને પાલી ગામ લે છે.''
એટલે કે તેલ-અનાજ-કિરાણાનો ધીકતો ધંધો. એ પણ ન્યાય-નીતિ સંપન્નતાવાળો હોય તો જ આવા ઊંચા ભાવો જાગે.
✴️ બાદશાહ 1 મિનિટ માટે ઊભા થઈ ગયા. ને બોલ્યા, "मेरे मुल्क में खेमादेदराणी जैसे लोग है, ये देख आज मैं बहुत खुश हु। ऐसी प्रजा पर मुझे नाज़ है, फक्र है।'' ને બાદશાહે ઊભા થઈ ખેમાદેદરાણીના માન સમ્માન કર્યા. ને નગરશેઠ-મહાજનને, ખેમાદેદરાણીને હાથ જોડી કહ્યુ, "सच्चे 'शाह' आप हो!!!" ને એ દિવસથી કહેવત પડી કે, "એક શાહ વાણીયો, બીજો શાહ બાદશાહ!"
✴️ પછી તો ખેમાદેદરાણીએ પોતાના ભંડાર ખુલ્લા મુકી દીધા. ને નગરશેઠ ચાંપશી મહેતાએ અને જૈન મહાજને આખી વસ્તીને જે દિલથી જમાડી ને જીવાડી એના ઈતિહાસ.. શીલાલેખોમાં, પ્રતોમાં ને પરંપરાઓમાં આજે'ય જીવંત છે. ત્યારપછી અનેકાનેક ધર્મકાર્યો કરતા-કરતા ખેમાદેદરાણી એક દિવસ શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા ગયા. ને યાત્રાના અપૂર્વ ઉલ્લાસ સાથે થોડા ટાઈમે દેહ છોડ્યો.
કથા તો પૂરી કરીએ. પણ.. એક જૈન મહાજનની તત્પરતાએ, જૈન શ્રેષ્ઠીની ઉદારતાએ આખા'ય મુલકને સુરક્ષિતતા આપી દીધી. દોલત તો ઘણાને મળે છે, પણ.. ખેમાદેદરાણી જેવુ દિલ શોધ્યું જડે. ને તે'ય મહેનત ને જહેમત પછી જો પ્રભુની રહેમત થાય તો જ!!!
આ કાળ ઘણાનો કોળીયો કરી ગયો છે. જો ખેમાદેદરાણીની આ વાત આપણામાં સુપ્રભાત જગાડે, તો કોઈને ઘાતમાંથી બચાવવાનું કરજો. એ માટે થોડીક નજર આજુબાજુ કરજો. ને બંજર લાગે ત્યાં બાગ ઊભો કરવા બીજ વાવજો. છેલ્લે.. ખમ્મા! ખેમાદેદરાણી!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો