લોકડાઉનમાં ઘરે પરમાત્મા પધરાવ્યા છે, તો પૂજા કેટલા વાગ્યા સુધી થાય ? શું અષ્ટપ્રકારી પૂજા સાંજે 4 વાગ્યા સુધી કરી શકાય ?
શાસ્ત્રોમાં પૂજાપ્રકરણ વગેરેમાં પરમાત્માની ત્રિસંધ્યા પૂજા કરવી કહી છે. તેમાં સવારે વાસક્ષેપ પૂજા, મધ્યાહને અષ્ટપ્રકારી પૂજા અને સાંજે આરતી-મંગળદીવો કરવો વર્તમાનમાં પ્રચલનમાં છે. શક્ય હોય તો આ પ્રમાણે જાળવવું.
હાલની બદલાયેલી પરિસ્થિતિમાં સવારે વહેલા અષ્ટપ્રકારી પૂજા કરી લઈએ છીએ, જેથી અન્ય પૂજા કરવા આવનાર પણ પ્રભુપૂજાનો લાભ લઈ શકે. કારણસર વહેલા અષ્ટપ્રકારી પૂજા ન કરી શકીએ તો સવારે 12-1 વાગ્યા સુધીમાં તો કરી લેવી જોઈએ.
સંસારનાં કાર્યોની જ પ્રધાનતા રહે અને પ્રભુપૂજાનો નંબર સાંજે ચાર વાગે લાગે એ ઉચિત નથી. અલબત્ત, મુસાફરી વગેરે કારણે જિનપૂજા સૂર્યાસ્ત સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે. એટલે બપોરે ચાર વાગે પણ થાય. પણ એમાં ધ્યાન રાખવું કે, સંસારનાં કાર્ય કરતાં પ્રભુ પૂજાનું મહત્ત્વ સવિશેષ છે. સંસારનું કાર્ય ગૌણ કરવું, પ્રભુપૂજા નહિ.
વળી, સવારે કોઈએ અષ્ટપ્રકારી પૂજા કરી લીધી હોય અને પછીથી આપણને અષ્ટપ્રકારી પૂજાના ભાવ હોય તો ફરીથી પણ અષ્ટપ્રકારી પૂજા કરી જ શકાય છે.
પંચાશક પ્રકરણ વગેરે ગ્રંથોમાં પૂજાનો સમય ઉત્સર્ગથી મધ્યાહ્ન કહ્યો છે. પણ ત્યાં, આગળ એમ પણ કહ્યું છે કે 'વૃત્તિ-અનિરોધેન' એટલે આજીવિકા (ધંધો-નોકરી)ને બાધા ન પહોંચે તે રીતે મધ્યાહ્નની બદલે વહેલી-મોડી પણ પૂજા થઈ શકે છે. જૈનશાસન Practicalછે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો