Talk of the Day Series
Motivational Story 44
સોડ વાળીને સૂતા આવડે, એને કોઈ ખાટલો નાનો નથી પડતો. ને ટૂટીયું વાળીને સૂતા આવડે, એને કોઈ ચાદર નાની નથી પડતી. બાકી, પહોળા થનારાને તો, ઘર-બંગલો ને રાજમહેલે નાના પડતા હોય છે. રે.. દુનિયા'ય એને ક્યારેક નાની પડતી હોય છે. સુભુમ ચક્રવર્તીને છ ખંડી દુનિયા નાની પડી, ને સાતમા ખંડને જીતવા નીકળ્યો, ને કમોતે મૃત્યુ પામ્યો.
પહોળા નહિ, પરિમિત થતા શીખો. પહોળાની કોઈ limit નથી, હદ નથી. એટલે એમાં દોડવાનું જ હોય છે, પહોંચવાનું નહિ. અસંતોષ હંમેશા અશાંત રાખશે. એક નાનીશી ઘટના, 2600 વર્ષ પહેલાની, કરુણાસાગર પરમાત્મા મહાવીરસ્વામીજી ભગવાનના સમયમાં બનેલી આ સત્ય કથા છે.
💰 રાત અંધારી હતી. ચારે તરફ વીજળીના કડાકા ને ભડાકા થઇ રહ્યા હતા. વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો. નદીમાં પૂર ઉમટયા હતા. વાવાઝોડાએ વૃક્ષોને હચમચાવી દીધા હતા. ને કેટલા'યને ઢાળી દીધા હતા. ભયાનક તોફાન હતું.
💰 એ માઝમ રાતે, એક માણસ નદીમાં કૂદ્યો. ને દૂર-દૂરથી તણાઈને આવતા લાકડાને શોધીને, ખેંચીને નદીને કિનારે લઇ આવ્યો. ને પાછો નદીમાં કૂદ્યો. ને પાછો વૃક્ષોના લાકડાને ખેંચી લાવ્યો. આ વાવાઝોડાએ, ને વીજળીના કડાકાએ રાજમહેલમાં સૂતેલા રાણી ચેલણાને જગાડી દીધા. એ ઝરૂખે આવી ઉભા, આ કુદરતની રૌદ્ર લીલાને જોવા.
💰 ત્યાં જ વીજળીનો ભયાનક કડાકો થયો, ને વીજળી ક્યાંક નદીમાં પડી. પણ.. એના ઝબકારે, રાણીએ નદીમાંથી લાકડા ખેંચતા માણસને જોયો. રાણી સ્તબ્ધ બની ગયા. એમનું કરુણાપૂત હૃદય દ્રવી ઉઠ્યું. એમણે રાજા શ્રેણિકને કહ્યું, "તમે પરદુઃખભંજન રાજવી, ને તમારા રાજ્યમાં માણસે મોતની સામે આ ભયાનક રાતે, વાવાઝોડા વચ્ચે લાકડા ખેંચવા પડે."
💰 રાજા શ્રેણિકે સૈનિકોને એ માણસને મહેલમાં લઇ આવવા order કર્યો. ને કહ્યું કે, "સવારે મારી પાસે લઇ આવજો." સવારે સૈનિકોએ માણસને હાજર કર્યો. રાજાએ પૂછ્યું, "આવી માઝમ ને ભયંકર રાતે તું લાકડા ભેગા કરવા કેમ ગયો?" માણસે ડરતા-ડરતા ને ધ્રૂજતા-ધ્રૂજતા કહ્યું, "મહારાજા! માફ કરો. પણ.. મારે ઘેર બળદની જોડ હું બનાવી રહ્યો છું. એ જોડ પૂરી થવા આવી છે. ફક્ત બીજા બળદને શિંગડું બનાવવાનું જ બાકી રહ્યું છે."
💰 "પણ.. આ લાકડા શા માટે?" "મહારાજા! આ નદીમાં ગોશીર્ષ ચંદનના લાકડા ક્યારેક ભયાનક પૂર આવે, તો આવી જાય છે. આજે ભયાનક પૂરમાં એ લાકડાને લેવા જ હું ઉતર્યો હતો." રાજા કહે, "હવે લાકડાના બળદ મૂક. હું તને મારી એક-એકથી ચઢિયાતી વૃષભ જોડીઓમાંથી તને પસંદ પડે તે જોડ આપી દઉં. ચાલ, તને મારી વૃષભશાળા બતાવું."
💰 પેલો માણસ કઈ બોલી ન શક્યો. માણસને બોલવું હોય, છતાં ન બોલી શકે, તેવું બે વાર બને.. ક્યાં એનું હૈયું ભરાઈ ગયું હોય, ક્યાં એનું હૈયું ગભરાઈ ગયું હોય. રાજા શ્રેણિકે પોતાની શ્રેષ્ઠતમ બળદોની જોડી એક પછી એક બતાવી. પણ.. આ માણસે બધી જોડ નાપસંદ કરી. રાજા કહે, "આમાંથી એકે બળદ કે જોડ કામ નહીં લાગે? "ના, મહારાજા!"
💰 રાજા શ્રેણિક કહે, "હું તારે ઘેર તારી બળદ જોડ જોવા આવું છું, ચાલ. તને આ દુનિયાની શ્રેષ્ઠ બળદ જોડ પસંદ નથી, તો તારી એવી કેવી બળદ જોડ છે? ચાલ, થા આગળ." ને મહારાજા શ્રેણિક એ માણસને ઘેર પહોંચ્યા. ઉપરના માળે રાજા પહોંચ્યા. પેલા માણસે એક બંધ કમરાનો દરવાજો-પડદો ખોલ્યો ને આખો'ય રૂમ ઝળાહળ તેજે ચમકી ઉઠ્યો.
💰 શ્રેણિક રાજા આભા બની ગયા. હીરા-માણેક-મોતી ને રતનથી જડેલી બળદોની જોડીને જોઈ, શ્રેણિક બોલી ઉઠ્યા, "વાહ! અજબ-ગજબ." શ્રેણિક રાજાએ પૂછ્યું, "તારું નામ શું?" "મહારાજા! મારું નામ મમ્મણ છે." રાજા બોલ્યા, "મમ્મણ! આ બળદની જોડમાં હવે એક બળદનું શિંગડું બાકી છે, એને માટે તું આ બધી મહેનત કરે છે?"
💰 "હા, મહારાજા!" ને રાજા શ્રેણિક બોલ્યા, "મમ્મણ! આ મારું મગધનું સમગ્ર રાજ્ય આપી દઉંને, તો'ય તારી બળદની જોડી ખરીદી ન શકાય, એટલા મોંઘા રત્નોથી જડેલી છે. તારું અડધું શિંગડું પૂરું કરવા શ્રેણિકનું અડધું રાજ્ય ઓછું પડે. રાજ્ય સરકારની તિજોરી ખાલી થઇ જાય. તો'ય તારું અડધું શિંગડું ન બને." ને રાજા પ્રસન્ન બની, મમ્મણની પીઠ થબથબાવી વિદાય થયા.
-------------------------------------------------------
1 મિનિટ.
પ્રજાના ઝર-જમીન ને હકની રક્ષા કરે, તે સરકાર.
આજે તો પ્રભુના મંદિરની દાનપેટીઓ પર પણ TAX.. .. ..!
-------------------------------------------------------
💰 મમ્મણ ફરી પહોંચ્યો નદીએ, ને ખેંચેલા લાકડા તપાસવા લાગ્યો. કરોડો-કરોડો સોનામહોરોથી મૂલ્યવાન બળદો હોવા છતાં, મમ્મણ જીવ્યો ત્યાં સુધી, શિંગડું પૂરું કરવા ઝઝૂમ્યો! એનું રોજીંદુ ખાણું હતું, તેલ ને ચોળા. રોજ કાજુ-બદામ-પિસ્તા ને માલપુવા ખાઈ શકવાની સદ્ધરતા ધરાવતો આ મમ્મણ, આ ખોરાક પર જીવ્યો. કારણ.. પહોળા થવાની દોડ. જે છે, એમાં સંતોષ નહિ. યાદ કરો, અસંતોષ, હંમેશા અશાંત રાખે જ!
આ કથા તો પૂરી થાય છે. પણ.. લોકડાઉન હજુ પૂરું નથી થયું. થોડુંક આ મળેલા સમયમાં વિચારીએ. જે છે, એમાં જો જીવતા આવડી જાય, એમાં જો સંતોષ મેળવતા શીખી જઈએ, થોડુંક ચલાવતા શીખી જઈએ, તો પલંગ નાનો નહીં પડે, ચાદર ટૂંકી નહીં પડે. ફક્ત પહોળા થવાનું બંધ કરીએ, ને છેલ્લે.. તમારી પાસે Extra હોય તો, થોડુંક રાશન ને રોકડ તમારા સાધર્મિકો માટે મોકલજો.
ભેગું કરે મણ,
ભોગવે નહીં કણ,
એનું નામ મમ્મણ!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો