સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 133

 Motivational Story 133

Part A


-------------------------------------------------------

આપના પરિવારને સામે રાખીને જ વાંચજો.

-------------------------------------------------------


સત્ય ઘટના


દ્રૌપદીના ચીર શ્રીકૃષ્ણજીએ પૂર્યા એ રોમાંચક ઈતિહાસ આપણે સાંભળ્યો છે, વાંચ્યો છે, પણ.. જોયો નથી. પણ.. એ બની ગયાને હજારો-હજારો વર્ષોના વહાણા વાયા. અન્યાયને રોકવા શ્રીકૃષ્ણજીને સ્વયં આવવુ પડ્યું. આવો જ એક અન્યાય રોકવા દૈવીતત્વોના આગમન જોઈ અંગ્રેજ સરકારના હાજા ગગડી ગયા હતા. વાંચો.. બનેલી સત્યઘટના.


🐐 શાહ સોદાગર શેઠ મોતીશા. દેશ-પરદેશમાં એમના નામના ડંકા વાગે. એમની ખુમારી ને હિંમતના ગીતો કવિઓ રચે. એવા શેઠ મોતીશા એક દિવસ પોતાની પેઢી પર બેઠા છે. દેશ-પરદેશ ચાલતા એમના વહાણો લાખો-કરોડોનો વ્યાપાર કરીને વારંવાર બંદરે લાંગરે, ને પેઢી ધમધમતી રહે. આજે શેઠ મોતીશાએ જોયું, તો એક કસાઈ બકરાનુ ટોળું લઈ પેઢીને અડીને પસાર થયો. મોતીશાએ આ જોયું. એમનુ દયાળુ હૃદય રડી ઉઠ્યું.


🐐 એમણે હાંક મારીને કસાઈને ઊભો રાખ્યો ને પૂછ્યું, "આ બકરાઓ ક્યાં લઈ જાય છે?'' કસાઈ કહે, "આ બધાને તો આજે કાપવાના છે.'' મોતીશા શેઠ, "શું કામ તું જીવોને મારે છે?'' કસાઈ, "શેઠ! આ તો અમારો ધંધો છે.'' ને કસાઈ બકરાને હાંકી ગયો. શેઠ મોતીશા એ દિવસે પેઢી પર બેસી રડ્યા. બીજે દિવસે શેઠ મોતીશા પેઢીના કામમાં મશગુલ છે. ને બકરાઓનો ગાંગરવાનો, 'બેં-બેં'નો જોરશોરથી અવાજ આવ્યો.


🐐 શેઠ મોતીશાની નજર પડી. ને એ ગાદી પરથી વીજળીવેગે ઊભા થયા. કસાઈને બોલાવ્યો. ને બકરાના પૈસા આપી બધાને છોડાવી લીધા. મોતીશાની આંખમાં ભાવાશ્રુ છલકાયા. બધા જ બકરાને એમણે પ્યારથી હાથ ફેરવ્યો. ને પાંજરાપોળમાં મોકલી દીધા. શેઠનો એ દિવસ ખુશી ખુશીમાં ગયો. અને આ સત્ય છે કે, એક સુકૃત જે દિવસે થાય, એક સારૂ કામ જે દિવસે થાય, એ આખો'ય દિવસ હસીખુશીમાં વીતે.


🐐 મોતીશા શેઠની એ રાત નિરાંતની રાત બની રહી. બીજે દિવસે નવો સૂરજ ઉગ્યો. પણ.. નવા-જૂનીના સમાચાર લઈને. મોતીશા શેઠ પેઢી પર લાખોના સોદામાં વ્યસ્ત હતા. ને બરાબર રોજના ટાઈમે પેલો કસાઈ કાલ કરતા વધુ બકરાને લઈને નીકળ્યો. મોતીશા શેઠનું ધ્યાન વ્યાપારમાં હતું. એટલે એમણે બકરાઓ જોયા નહિ. પણ.. પેલો કસાઈ પાક્કો હતો. એણે બકરાને પેઢી પાસે રોક્યા ને અવાજ કર્યો. બકરાઓ ગાંગરવા માંડ્યા.


🐐 મોતીશા શેઠનું ધ્યાન ગયું. એ ધંધો મૂકીને તુરંત નીચે રસ્તા પર દોડી આવ્યા. ને પેલા કસાઈને કહ્યુ, "ભાઈ! શું કામ તું બકરાને મારે છે? તને ખાધાખોરાકી આપી દઉં. તું ધંધો કર. મદદ કરું, પણ.. તું આ કત્લેઆમ બંધ કર'' થોડીક રકઝક પછી મોતીશાએ મોં-માગ્યા દામ આપીને બકરા ખરીદી લીધા. ને કહ્યુ, "હવે આ રસ્તે તું બકરા લઈને નીકળતો નહિ.''


🐐 પણ.. ચોથે દિવસે પાછો એ વધુ બકરા લઈને શેઠની પેઢી પાસેથી જ જાણીજોઈને હાકોટા કરતો નીકળ્યો. મોતીશા શેઠનું દિલ ઝાલ્યુ ના રહ્યું. એમણે પૈસા આપી બકરા છોડાવ્યા. ને કહ્યુ, "તું હવે આ બાજુથી નીકળતો નહિ.'' પણ.. પેલાને તો રોજનો વગર મહેનતનો નફો મળતો હતો. એ પાંચમે દિવસે ઓર વધુ બકરા લઈને પેઢીની પાસેથી નીકળ્યો.


🐐 મોતીશા શેઠે આજે સ્હેજ નારાજ થઈને કહ્યુ, “હું રોજ બકરા લઈ લઉં છું. એટલે તું દરરોજ બકરા વધારે ને વધારે લાવતો જાય છે. આ બરાબર નથી. જીવો કપાય, એની મરણચીસો મને વ્યથિત કરી દે છે, મારી ઊંઘ હરી લે છે. એટલે હું ખરીદી લઉં છું. હવે મહેરબાની કરી બકરા લઈ જવાનું બંધ કર.’’ ને મોતીશાએ પૈસા ચૂકવી બધા જ બકરા ખરીદી લીધા.


🐐 છઠ્ઠે દિવસે ફરી એ જ સીલસીલો ચાલ્યો. આજે વધુ બકરા લઈ કસાઈ એ રસ્તેથી નીકળ્યો. પેઢી આવી. મોતીશાની નજર અચાનક બકરાના ટોળા પર પડી. એ ઊભા થઈ ગયા. ને કડક સૂચના આપી દીધી, “આવતીકાલે આ રસ્તે આવતો નહિ.‘’ ને બધા બકરા ખરીદી લીધા. ને છેલ્લે કહ્યુ, “તું બીજો ધંધો કર, તને હું મદદ કરું.‘’ કસાઈ કહે, “અમારો તો આ બાપનો ધંધો છે.‘’ મોતીશા શેઠ બોલ્યા, “આ પાપનો ધંધો છે. ભલે તારા બાપનો ધંધો છે.‘’



-------------------------------------------------------

એક મિનિટ કથા પછી વાંચજો,

ઘણી બધી ભ્રમણાઓનો ભોગ માણસ બન્યો છે. વંશપરંપરામાં ને કુલપરંપરાના ચાલ્યા આવતા રિવાજો, વ્યવહારો કે આચારોને એ જડતાપૂર્વક વળગી રહે છે. ને ઝનૂનપૂર્વક એનો અમલ કરે છે. સત્ય જ્યારે સામે આવે, ત્યારે સમજવાની કોશીશ થવી જોઈએ. માત્ર પરિવાર કે પક્ષને ખાતર સમજવા છતા સત્યનો સ્વીકાર ન કરવો તે અપરાધ છે.


સમજવા છતા સત્યને છૂપાવવુ તે વિશ્વવ્યવસ્થાનો ગુનો છે. સમજવા છતા સત્યને ખોટુ ઠેરવવાનો, સત્યને અસત્ય ઠેરવવાનો પ્રયત્ન, ઈશ્વર સાથેની ગદ્દારી છે.

-------------------------------------------------------


To be continued...


Part B


🐐 ઘણાની દલીલ છે, જે પરંપરા વર્ષોથી માનતા આવ્યા હોઈએ તેને છોડી દેવી એ બેવફાઈ ના કહેવાય?


-------------------------------------------------------

યાદ રહે,

જે પરંપરા ને જે પ્રથા જિનાજ્ઞા સાપેક્ષ રહી હોય ને જીવપીડારહિત હોય, અહં ને મમતથી ગ્રસિત કે પ્રારંભિત ન હોય.. તે પરંપરા કે પ્રથા છોડવી તે બેવફાઈ છે. બાકી તો પૂર્વાપરથી પકડી હોય તે ચાલુ રાખવી એ બેવકૂફી છે. બેવફાઈ ને બેવકૂફીનો ભેદ યાદ રાખવા ને સમજવાલાયક છે.


બાપના કૂવાનું પાણી ખારું હોય કે બિનસ્વાસ્થ્યપ્રદ હોય, તો બંધ કરી બીજા કુવાનું કે B.M.C.નું પાણી પીવું તે બેવફાઈ નથી, પણ.. ન પીવું તે બેવકૂફી છે. સાચું સમજવાની જિજ્ઞાસા જોઈએ. સાચું સમજ્યા પછી સ્વીકારવાનું જીગર જોઈએ. પ્રથા ને પરંપરા જો ખોટી હોય, તો ખોટી થયા વગર એને છોડવાની તૈયારી ને તાકાત જોઈએ.

-------------------------------------------------------



🐐 કથા - કસાઈ પાસે એ Capacity જ ક્યાંથી હોય કે બાપનો કૂવો ખારો હોય, તો એના બદલે પાણી તો મીઠું જ શોધાય ને પીવાય, નહિ કે બાપનો છે માટે પીવાય. છ-છ દિવસથી બકરા લઇ જતા કસાઈને મોતીશા શેઠે ઘણુ સમજાવ્યો. Offer  આપી. પણ.. આજે'ય કસાઈ તો રોજની જેમ પૈસા લઈ રવાના થયો. સાતમે દિવસે મોતીશા શેઠ પેઢી પર સોદા પાડી રહ્યા હતા. ને ત્યાં જ બકરા-બકરીઓના અવાજે એમને Disturb કર્યા.


🐐 એમણે જોયું તો રોજ કરતા વધારે બકરા લાવીને કસાઈ શેઠની પેઢી પાસે ઊભો છે. મોતીશા શેઠ બહાર આવ્યા. આજે મોતીશા શેઠનો ચહેરો ફરી ગયો. એમણે કહ્યુ, "હું તને રોજ મોં માંગ્યા પૈસા આપીને સમજાવું છું, તું પાપનો ધંધો બંધ કર.. તું નથી માનતો. મેં તને Offer આપી, તને મદદ કરું, ધંધો કરાવું ને છેલ્લે તને કહ્યુ, તું આ રસ્તે બકરાને લઈને ન નીકળ. પણ.. તું રોજેરોજ વધારે ને વધારે બકરા લઈને આ જ રસ્તે જાય છે. મારો જીવ ખૂબ પીડાય છે. હવે કાલથી જો આ રસ્તે નીકળ્યો છે તો.. પરિણામ ભોગવવા તૈયાર રહેજે.‘’


🐐 કસાઈ કહે, "રસ્તો તમારો નથી. હું તો આ જ રસ્તે નીકળીશ.'' ને મોતીશા શેઠની ચંદ્રથી ધવલ આંખોમાં સિંદુરવર્ણો લાલઘૂમ સૂરજ ઉગ્યો. એમણે કહ્યુ, "જો.. તને છેલ્લી Warning આપુ છું કે, કાલથી આ બાજુ મહેરબાની કરીને ના  આવીશ.'' કસાઈ કહે, "આજે તો આ બધા જ કતલ થશે. ને કાલે હજુ વધારે લઈને નીકળીશ.''


🐐 કસાઈના મનમાં એમ કે આજે કતલ કરવાનું બોલીશ એટલે શેઠ પૈસા આપીને બકરા છોડાવી લેશે. વાણીયા આમે'ય શું કરી લેવાના? પણ.. એને ખબર નો'તી. સુખડ-ચંદનના લાકડાની આગ માત્ર સુગંધીત નથી હોતી, ક્યારેક સર્વનાશી પણ હોય છે. ને.. મોતીશા શેઠનો હાથ રીવોલ્વર લઈને બહાર નીકળ્યો. એમણે કસાઈને કહ્યુ, "હજુ સમજી જા. બાકી આ બંદુક કોઈની શરમ નહિ રાખે.''


🐐 ને.. કસાઈને એમ કે, ઢીલી દાળના ખાનારા વાણીયા ને હિંસાભીરું જૈન શું કરી શકવાનો? કસાઈ બોલ્યો, "શેઠ! રીવોલ્વરથી ડરે એ બીજા. મારો તો આ જ રસ્તો છે. ને હું આ જ રસ્તે બકરા કાપવા રોજ લઈ જઈશ. તમે રોકનાર કોણ? રસ્તો સરકારનો છે, તમારા બાપનો નથી." શેઠ મોતીશાની આંખો લાલઘૂમ બની ગઈ.


To be continued...

Part C

🐐 હાથમાં Revolver લઈને ઉભેલા શેઠ મોતીશાની આંખો લાલઘૂમ બની ગઈ. એમણે ફરી એક વાર Requestના સૂરમાં કહ્યુ. પણ કસાઈને શૂર ચઢ્યું. ને એ બોલ્યો, "થાય એ કરી લો. બકરા આ જ રસ્તે કતલખાને જશે. તમે શેઠ છો, સરકાર નથી.'' ને.. મોતીશાની આંગળીએ Trigger દબાવી દીધી ને ભડાકો થયો. રસ્તે દોડધામ મચી ગઈ. કસાઈ On the Spot Off થઈ ગયો, શાંત પડી ગયો.


🐐 મોતીશાની હિંગળો પૂરેલી આંખોએ હજુ કલર નો'તો બદલ્યો. મોતીશાની શાખ એટલી ઉંચાઈએ હતી કે, બધા જ એને નત્ મસ્તક રહેતા. અને રોજેરોજ બનતી આ ઘટનાએ વ્યાપારીઓને પણ ઉશ્કેરી દીધા હતા. બજાર રોજ જોતું. શેઠ આટલા પૈસા આપીને સમજાવે છે, ધંધાની Offer કરે છે, તો'ય શેઠને બાપ પર બોલે છે તે કેમ ચાલે? પોલીસો આવે એ પૂર્વે તો શાહ સોદાગર પોતે જ Courtમાં હાજર થઈ ગયા.


🐐 ઘણુ બધુ થયુ. ઘણા બધાએ શેઠની Favour કરી. પણ.. શેઠે એક જ કહ્યુ, "મારે કોઈ બચાવ કે વકીલ કાંઈ જ કરવું નથી. હું ગુનો કબુલુ છું. મેં ગોળી ચલાવી છે, ને માણસ મર્યો છે.'' જ્યારે શેઠે પોતે જ ગુનો કબુલી લીધો, તો આગળ દલીલો કરવાની રહી જ નહિ. અંગ્રેજોની કોર્ટે કેસ ચલાવી ફેંસલો આપ્યો ને મોતાશા શેઠને ફાંસી જાહેર કરી. બધે સોપો પડી ગયો.


🐐 ફાંસીની તારીખ જેમ-જેમ નજદીક આવતી ગઈ, એમ-એમ સમાજમાં ને સરકારમાં હલચલ વધતી ગઈ. પણ.. મોતીશા શેઠ પોતાની મોજમાં હતા. એમના ચહેરા પર જીવદયાનો આનંદ દીપી રહ્યો હતો. ને.. તારીખ આવી ગઈ. સવારથી જ સમાજમાં ને ક્યાંક સરકારમાં'ય વ્યથા હતી. આવા સજ્જન માણસને ફાંસી આપવા કોનુ મન માને! પણ.. મોતીશા શેઠ પોતે જ ગુનો કબુલ-મંજૂર કરે પછી કોનું ચાલે?


🐐 ને ફાંસીનો માંચડો તૈયાર થઈ ગયો. ફાંસી દેનારા જલ્લાદો આવી ગયા. અંગ્રેજ સરકારના અધિકારીઓની હાજરીમાં શેઠને જ્યારે લઈ જવા જલ્લાદોએ હાથ ઉપાડ્યા ત્યારે શાહ સોદાગર, શેરદીલ, શેઠ મોતીશા પોતે જ ફાંસીના માંચડા પાસે પહોંચી ગયા. વનકેસરી તો જંગલમાં જ મળે, પણ.. આ નરકેસરીને શહેરમાં જ્યારે ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા ત્યારે કમાલ થઈ.



-------------------------------------------------------

એક મિનિટ થોભો,

ઘણીવાર આપણે બોલી દઈએ છીએ, દુનિયામાં સારા માણસોને જ તકલીફ છે. સાચાની કદર નથી. ધર્મીને ઘેર જ ધાડ પડે. આ જમાનો ભલાનો નથી રહ્યો. ને.. આપણે 2-5 ઘટનાઓ સડસડાટ સંભળાવી દઈએ. જેમાં સારા ને ભલા માણસોને તકલીફ, દગો કે Tension આવ્યું હોય.


યાદ રહે,

જૈનદર્શન બહુ જ સ્પષ્ટ ને 100% કહે છે કે, જીવનની જફાઓ, દગાઓ કે મુસીબતો એ બધી જ પૂર્વકૃત કર્મના ઉદયે જ આવે છે. પરમાત્મા મહાવીર પ્રભુને'ય પોતાના કર્મો ભોગવવા જ પડ્યા. કર્મ હોય તો જ સજા હોય. એ જરૂરી નથી કે એ અત્યારે પાપ કરે છે કે પુણ્ય-ધર્મ કરે છે કે અધર્મ... એણે ગયા ભવોમાં જે કર્યું હોય, એનું ફળ એણે આ ભવમાં ભોગવવું જ પડે.


વાવણી પ્રમાણે લણણી. છેલ્લે જો તમારી સચ્ચાઈ હોય ને સાથે પુણ્યાઈ હોય, તો તમને અવશ્ય ઈશ્વરીય મદદ મળે જ મળે.

-------------------------------------------------------



🐐 મોતીશા શેઠના ગળામાં ફાંસી માટે લાવેલું મજબૂત દોરડું ભેરવવામાં આવ્યું. ફાંસીનો ફંદો ખેંચાયો. જોનારા અવાચક હતા. પણ.. મોતીશે શેઠને ફંદો ભીંસમાં લે ત્યાં તો દોરડું તૂટી ગયું. બધા આભા બની ગયા. દોરડું તૂટે જ નહિ એટલુ મજબૂત હતું. તૂટ્યું કઈ રીતે? તરત બીજા દોરડાનો ફંદો બનાવ્યો ને ફરી ગાળીયો નાખ્યો. પણ.. જોનારની નજર ચાર થઈ ગઈ. જ્યાં દોરડું ગળાને ભીંસે તે પહેલા તો ફટ્ કરતું તૂટી ગયું.


🐐 બધાને નવાઈ લાગી. કોઈ દિવસ નહિ ને આજે બબ્બે દોરડા તૂટે, ને તે'ય પાછા આટલા મજબૂત! પણ.. વખત બગાડવો પાલવે એમ નો'તો. તુરંત ત્રીજુ દોરડું લાવવામાં આવ્યું. એ'ય તૂટી પડ્યું. હવે તો બધા હેબતાઈ ગયા. એ કેમ બને છે, તે કોઈને સમજાયું નહિ. અંગ્રેજ અધિકારીએ વધુ મજબૂત દોરડું મંગાવ્યું. પણ.. ગળુ ભીંસાય એ પહેલા એ'ય ફટ્ કરતુ તૂટી પડ્યું. ચોથુ..પાંચમુ.. છટ્ઠુ.. દોરડા તૂટતા જ ગયા.


🐐 હલચલ મચી ગઈ. હો..હા.. થઈ ગઈ. બધા જ વિસ્ફારીત નજરે મોતીશા શેઠને જોઈ રહ્યા. અંગ્રેજ સરકારની કોઠીમાં-બેઠકમાં બધે જ સંદેશા Forward કર્યા. છેલ્લે મજબૂતમાં મજબૂત દોરડું લાવ્યા ને મોતીશા શેઠના ગળે ગાળીયો નાખ્યો. ખૂબ ચોકસાઈ, ખૂબ બારીકીથી ધ્યાન આપ્યું. જો કે એ પહેલા દોરડાને ખેંચીને ચકાસી લીધુ હતું. એ સૌથી Strongest દોરડું હતું. ને જ્યાં દોરડું ખેંચ્યું...


To be continued...

Part D

🐐 મજબૂતમાં મજબૂત દોરડું લાવી શેઠના ગળે ગાળિયો નાખ્યો. ને જ્યાં દોરડું ખેંચાયું ત્યાં તો તડ્-તડ્ કરતુ દોરડું તૂટી ગયું. બધા સ્તબ્ધ બની ચોંકી ઉઠ્યા. બધાના મોઢા ખુલ્લા રહી ગયા. થોડીક પળો તો કોઈ કાંઈ બોલી જ ના શક્યું. પણ.. પછી અંગ્રેજ Officers મોતીશા શેઠને ભેટી પડ્યા ને પગે લાગ્યા. ને બોલ્યા, "તમે કોઈ સામાન્ય માણસ નથી. તમે ઈશ્વરના અંશ છો. અમને માફ કરો.''


🐐 ને.. પછી તો અંગ્રેજ સરકારના મોટા-મોટા માથાઓ જોવા દોડી આવ્યા. બધા દોરડા તપાસે ને મોતીશા શેઠને જોઈ રહે. ઈતિહાસની બનેલી આ સત્યઘટના કહે છે, ત્યાર પછી તો આખી અંગ્રેજ સરકાર મોતીશા શેઠને Salute કરવા લાગી. ને છેલ્લે સરકારે પૂરા સન્માન સાથે દબદબાભેર એમને ઘરે મૂકવાનો, મોટા મોટા માથાઓને સાથે જવાનો Order કર્યો.



-------------------------------------------------------

નથી લાગતું?

"कुदरत के वहाँ देर है, अंधेर नहीं!

પણ.. તમે જ જો દીવામાં તેલ ન નાખ્યું હોય તો પ્રકાશની ઈચ્છા ભૂલ છે, અંધેર જ રહે.

-------------------------------------------------------



🐐 કથા તો હજુ કમાલની છે, આગળ વાંચો. - આ ઘટનાના પડઘા England પહોચ્યા. ત્યાં'ય આની પૂરજોશમાં ચર્ચાઓ ચાલી. પણ.. મોટા મોટા અધિકારીઓ ચશ્મદીદ ગવાહ હતા. બધાએ આશ્ચર્ય સાથે આ ચમત્કાર સ્વીકાર્યો. પણ.. British સરકારે લુખ્ખો સ્વીકાર ન કર્યો. બધા ઓફિસરોએ મળી મોતીશા શેઠને ખૂબ બહુમાન ને આદર આપ્યા.


🐐 ને કાયદો કર્યો કે, જે ઠેકાણે શેઠ મોતીશાને ફાંસી આપવાની તજવીજ થઈ હતી, એ જગ્યાએથી મોતીશા શેઠ પસાર થતા હોય ને જો કોઈને ફાંસી અપાતી હોય, તો ફાંસી બંધ રાખવી. એટલુ જ નહિ, એ માણસની ફાંસી કાયમી Cancel કરવી. ને.. એવું જ બન્યું. એક માણસને ફાંસી અપાતી હતી ને મોતીશા શેઠ ત્યાંથી નીકળ્યા. ને શેઠને જોતા જ એ માણસનો ફાંસીનો ગાળીયો કાઢી લેવાયો ને એને સજામુક્ત કરવામાં આવ્યો.


🐐 શહેર મુંબઈમાં જેણે-જેણે આ સાંભળ્યું એ બધા જ અવાક્‌ ને આનંદિત થઈ ગયા. મોતીશા શેઠનો આત્મા ખૂબ રાજી થયો. એમનુ મન હંમેશા પીડાતું હતું. ને એમની આંખો ક્યારેક ભીની બની જતી. પેલો કસાઈનો પ્રસંગ યાદ આવતા કમલપાંખડીસા એમના કાળજામાં કાંટા ભોંકાતા. પણ.. આ બન્યું એનાથી મોતીશા શેઠે બચી ગયાનો આનંદ માણ્યો. એટલે મારૂ બચવાનુ જો ઘણાને બચાવનાર બને તો મારુ બચ્યુ સાર્થક, કેવો સાત્ત્વિક આનંદ! આવો સાત્ત્વિક આનંદ અંતે પરમાનંદનું રૂપ ધરે છે.


🐐 મોતીશા શેઠનો એ દિવસ ખૂબ હર્ષભર ને પ્રસન્નતાસભર વીત્યો. બચ્યા કરતા બચાવ્યાનો આનંદ અપૂર્વ હતો. ફરી એક દિવસ એવુ બન્યું. એ જ જગ્યાએ એક માણસને ફાંસી અપાતી હતી. ગળે ગાળીયો ભેરવાતો હતો. ને જૈન શ્રેષ્ઠી મોતીશાનું ત્યાંથી નીકળવાનુ થયું. ને એ જોતા જ જલ્લાદોએ ને અધિકારીઓએ પેલા માણસના ગળામાંથી ફંદો કાઢી નાખ્યો ને મુક્ત કર્યો.


🐐 બધા આશ્ચર્ય પામી જોઈ રહ્યા. ને પછી ખબર પડી આ પ્રતાપ હતો પુણ્યપ્રતાપી મોતીશા શેઠનો! આવું 2-5 વાર બન્યું એટલે.. વા ને તો વા લઈ જાય. પવન પાંખે વાત ઉડતી ઉડતી ઘણે બધે ઠેકાણે પહોંચી ગઈ. ને પછી તો એવું બન્યું કે, જેના સગાની ફાંસી હોય એ લોકો મોતીશા શેઠને આંગણે યાચક બની ઊભા રહી જાય ને મોતીશા શેઠને ત્યાં લઈ જાય. ને શેઠને જોતા જ ફાંસીનો ફંદો ફેંકીને જલ્લાદો આ દયાના દૂતની.. આ દયાના દેવની મર્યાદા જાળવતા.. સન્માન જાળવતા.



-------------------------------------------------------

એક મિનિટ,

રાષ્ટ્રપતિને દયાની અરજી કરે ને રાષ્ટ્રપતિ મંજૂર કરે તો ફાંસી રદ થાય, એ દેશનો કાયદો છે. એ હોદ્દાનો અધિકાર છે. પણ.. આ તો એક વ્યક્તિના સન્માનમાં બાકાયદા સરકારનો Special હુકમ ને રાષ્ટ્રપતિ તો ચૂંટાય, ને એની હદ 5 વર્ષ.. જો કે પાંચ વર્ષની'ય Guarantee નથી. હોદ્દો જેની પાસે હોય તેની સહી, જ્યારે હોદ્દો નહિ....


આ તો જીવદયાનો અણનમ યોદ્ધો, એ જીવે ત્યાં સુધી ને આવે ત્યાં સુધી Permanent કાયમી અધિકાર! એ તો ઠીક, પણ.. એમનો પડે પગ, ને ફાંસી થાય રદ. એક અપેક્ષાએ જોઈએ તો Presidentનો તો End છે, પણ.. મોતીશા Permanent છે, એમને મુદત નથી.

-------------------------------------------------------



🐐 કથા - પછી તો એવું બનવા માંડ્યું કે, બધા જ ફાંસીની સજા પામેલા સગાઓ મોતીશા શેઠને લઈ જવા લાગ્યા. નિર્દોષ-દોષિત બધા જ છુટવા લાગ્યા. મોતીશા તો આકાશી મેહુલા.. માનસ સરોવરમાં ને મહાસાગરમાં બંન્ને જગ્યાએ મનમૂકીને વરસે. એને ક્યાં છોડ બકુલ હોય કે ઝાડ બાવળના, બંન્ને વચ્ચે ભેદભાવ હોય? પણ British Governmentમાં ચર્ચા ચકડોળે ચડી. ને નક્કી કર્યું, ને Order આવી ગયો.



-------------------------------------------------------

એક મિનિટ,

તમે કલ્પો, શું Order આવ્યો હશે? બે જ રસ્તા છે. ક્યાં તો મોતીશા માટે આ રસ્તો Band કરો. એમના આવવા-જવા પર પ્રતિબંધ મૂકો, ક્યાં તો ફાંસીબંધનો હુકમ પાછો ખેંચો.

-------------------------------------------------------



🐐 પણ.. તે વખતના રાષ્ટ્રનાયકોએ આપણી કલ્પના બહાર બહુ જ બુદ્ધિપૂર્વક ને વિવેકપૂર્વક સમજદારીભર્યો નિર્ણય લીધો કે, મોતીશા શેઠને રસ્તો બદલવાનું ન કહેવાય ને આપેલું સન્માન પાછું ન લેવાય. એટલે ફાંસી આપવાની જગ્યા જ આપણે બદલી દેવી. જેથી આ પ્રશ્ન પર પૂર્ણવિરામ મૂકાઈ જાય. ને.. બન્યું પણ એવું જ, ફાંસીની કોટડી Change કરી પ્રાયઃ યરવડામાં એને લઈ ગયા. કારણ માત્ર એક શેરદિલ, ઝીંદાદિલ મોતીશા શેઠ!


કથા તો પૂરી કરીએ. પણ.. યાદ રહે, સાચા માણસો અંતે સ્વીકારાય જ છે. સાચા માણસો અંતે સમજાય છે. સાચા માણસો અંતે વિજયી થાય છે. એમણે થોડુક સત્ત્વ, થોડીક ધીરતા ને થોડોક સમય રાહ જોવી અનિવાર્ય છે જ. બાકી જશ અને જય બંન્ને એના પક્ષે આવે જ!


છેલ્લે.. યાદ રાખવું,

'સારુ કામ અંતે સારુ જ કરે.'


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top