☀️☀️દીક્ષા એટલે શું ?☀️☀️
એક વખત ભારતના પોલસપુર ગામની શેરીમાં છ વર્ષનો ઐમુત્તા તેના મિત્રો સાથે રમતો હતો. તે રાજા વિજય અને રાણી શ્રીમતિનો કુંવર હતો. રમતાં રમતાં તેણે સાધુ જોયા. તેઓ મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમસ્વામી હતા. તેમને માથે મુંડન અને ખુલ્લે પગે હતા. તેઓ ગોચરી માટે એક ઘેરથી બીજા ઘેર જતા હતા. તેણે દોડતા જઈને સાધુને કહ્યું કે જો આપ મારા મહેલમાં ગોચરી માટે પધારશો તો મને તથા મારી માતાને આનંદ થશે. ગૌતમ સ્વામી કબૂલ થઈ તેના મહેલમાં ગયા. ઐમુત્તાના બા રાણી શ્રીમતિ બાલ્કનીમાં ઊભા ઊભા બગીચો જોતા હતા. તેમણે ઐમુત્તાને તથા ગૌતમસ્વામીને પોતાના મહેલ તરફ આવતા જોયા અને ખૂબ ખુશ થતી તેમને આવકારવા ગઈ. ભક્તિભાવથી તેમનો સત્કાર કર્યો અને કહ્યું, "મત્થેણ વંદામિ." તેમણે ઐમુત્તાને પોતાને ભાવતા ખોરાક ગૌતમસ્વામી માટે લઈ આવવા કહ્યું, તે લાડુ લઈ આવ્યો. અને ગૌતમ સ્વામીના પાત્રામાં મૂકવા જ માંડ્યા. ગૌતમસ્વામીએ કહ્યું કે આટલા બધા લાડુની જરૂર નથી. ઐમુત્તા સાધુને ગોચરી વહોરાવવાથી ખુશ થયો.
ગૌતમસ્વામી ત્યાંથી પાછા ફર્યા ત્યારે ઐમુત્તાએ કહ્યું, "આપની ઝોળી બહુ ભારે છે. પ્લીઝ, મને ઉંચકવા દો."
ગૌતમ સ્વામીએ કહ્યું, "ઐમુત્તા, એ હું કોઈને ઊંચકવા માટે ન આપી શકું સિવાય કે જેણે દીક્ષા લીધી હોય અને સાધુ થયા હોય તે જ ઊંચકી શકે." ઐમુત્તાએ પૂછ્યું, "દીક્ષા એટલે શું?"
ગૌતમસ્વામીએ સમજાવતાં કહ્યું કે જેણે જગતના તમામ સુખો, કુટુંબ, તથા સગાંવહાલાં તેમજ સામાજિક અને વ્યાપારી સંબંધોનો ત્યાગ કર્યો હોય તે જ દીક્ષાનો સંકલ્પ કરી શકે. અને તો જ તે સાધુ થઈ શકે. લોકો પોતાના જૂના કર્મો ખપાવવા અને ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવવા દીક્ષા લે છે. રોજિંદા જીવનમાં માણસ પોતાની રોજીંદી પ્રવૃત્તિઓ દ્વારા કર્મ બાંધે છે. બીજી બાજુ સાધુ તથા સાધ્વી આવી કોઈ પ્રવૃત્તિઓ ન કરતા હોવાથી તેઓ નવા કર્મો બાંધતા નથી."
ઐમુત્તાને જિજ્ઞાસા થઈ અને તેણે પૂછ્યું, "ગુરુદેવ! તમે પાપ કરતા જ નથી? તમારે ખાવા જોઈએ, રહેવા જોઈએ, આ બધી પ્રવૃત્તિથી તમે ખરાબ કર્મો બાંધો જ છો."
બાળકની વધુ જાણવાની ઉત્કંઠા જોઈને ગૌતમ સ્વામી ખુશ થયા. તેમણે કહ્યું, "અમે ખોરાક લઈએ ખરા પણ ખાસ જ અમારા માટે બનાવ્યો હોય તેવો ખોરાક અમે લેતા નથી. અમે ઉપાશ્રયમાં રહીએ ખરા પણ તે અમારી માલિકીનો ન હોય. અને ત્યાં અમે થોડા જ દિવસ રહી શકીએ. અમે પૈસા પણ ન રાખીએ અને કોઈ ધંધાકીય વ્યવસ્થામાં અમે ભાગ ન લઈએ. આમ એક સાધુ પાપ થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે."
ઐમુત્તાએ કહ્યું, "ગુરુદેવ, તો તો મારે દીક્ષા લેવી છે."
ઐમુત્તા અને ગૌતમસ્વામી જ્યાં મહાવીર સ્વામી ઉપદેશ આપતા હતા ત્યાં પહોંચી ગયા. ઐમુત્તા જ્યાં બીજા સાંભળવા બેઠા હતા ત્યાં બેસી ગયો. ઉપદેશમાં મહાવીરે સમજાવ્યું કે જીવન શું છે? અને કોઈ કેવી રીતે જીવનના દુઃખોનો ત્યાગ કરી શકે. ઐમુત્તાએ પોતાની સાધુ થવાની ઇચ્છા મહાવીર પાસે પ્રગટ કરી. મહાવીર સ્વામીએ કહ્યું, "તારા માતા-પિતાની આજ્ઞા વિના અમે તને દીક્ષા ન આપી શકીએ."
ઐમુત્તાએ કહ્યું, "આ તો બહુ સહેલી વાત છે. હું ઘેર જઈને તેઓની આજ્ઞા લઈ આવું છું."
ઐમુત્તા ઘેર ગયો. તેણે તેની માતાને કહ્યું, "મા, હું દીક્ષા લેવા ઇચ્છું છું. તમે જ કહેતા હો છો કે આપણી ઘરેલુ જિંદગી અનેક પાપો તથા હિંસાચારથી ભરેલી છે. ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી પણ તેમ જ કહે છે. મારે પાપમાંથી મુક્ત થવું છે તેથી મહેરબાની કરીને મને દીક્ષા લેવાની અનુમતિ આપો."
ઐમુત્તાની માતા આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. પોતે ધાર્મિક વૃત્તિની હોઈને ઐમુત્તાનો પાપનો ડર અને દીક્ષા લેવાની ઇચ્છા જાણી મનથી ખુશ થઈ. ઐમુત્તા દીક્ષા લેવી એનો અર્થ તે બરાબર સમજ્યો છે કે કેમ તે તેઓ ચકાસવા માંગતા હતા. તેથી તેમણે કહ્યું, "દીકરા, દીક્ષા લેવી એ ઘણી અઘરી વાત છે. ત્યાં બહું શિસ્તબદ્ધ જીવન જીવવું પડે. ત્યાં તારી સારસંભાળ લેવા માતા-પિતા નહીં હોય. બધાં કષ્ટો તું કેવી રીતે સહન કરીશ?"
ઐમુત્તાએ કહ્યું, "માતાજી, આ ઘરેલુ જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. સાધુ થવાથી જે કંઈ તકલીફો પડશે તે કર્મોનો નાશ કરશે. અને મુક્તિ તરફ લઈ જશે."
આ સાંભળીને તેની માતા ખુશ થઈ. છતાં તેના દીક્ષા લેવાના નિર્ણયને વધુ ચકાસવા માંગતા હતા. તેમણે કહ્યું, "દીકરા, શા માટે દીક્ષા લેવાની ઉતાવળ કરે છે, થોડાં વર્ષો થોભી જા. અમારા ઘડપણને સાચવ અને તારા પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખવું પડશે ને!"
ઐમુત્તાએ કહ્યું, "માતાજી, મહાવીર સ્વામીના ઉપદેશમાંથી હું શીખ્યો છું કે કોઈ જુવાન નથી કે કોઈ ઘરડું નથી. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. કોણ પહેલું મરશે કે પછી મરશે તે પણ ખબર નથી. તો પછી શા માટે રાહ જોઈને મને આજે મળેલી તક જવા દેવી?"
હવે માતાને ખાત્રી થઈ ગઈ કે દીકરાને દીક્ષા લેવાનો અર્થ બરાબર ખબર છે. અને તેથી તેઓ ખુશ થયા.
તેમણે દીકરાને કહ્યું, "દીકરા, ખૂબ અભિનંદન! મને તારા માટે ગર્વ થાય છે. તું સારો સાધુ બની શકીશ. તારું ધ્યેય મુક્તિ છે તે તું ભૂલીશ નહીં. આખી જિંદગી અહિંસાનું પાલન કરજે. હું તને દીક્ષા લેવાની અનુમતિ આપું છું." ઐમુત્તાએ કહ્યું, "માતા, આપે મને અનુમતિ આપી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારી સોનેરી સલાહ હું કાયમ યાદ રાખીશ."
ઐમુત્તાના માતાએ તેને આશીર્વાદ આપ્યા. અને નવા જીવનની સફળતા ઇચ્છી. રાજા વિજય પાસેથી પણ અનુમતિ અપાવી.
થોડા દિવસ પછી દીક્ષા લઈ તે સાધુ બન્યો. સહુ તેને બાલમુનિ ઐમુત્તા કહેતા.
એક દિવસ બાલમુનિ ઐમુત્તાએ કેટલાક છોકરાઓને ખાબોચિયામાં કાગળની હોડી બનાવી રમતા જોયા. તેને રમવાની તીવ્ર ઇચ્છા થઈ. તે ભૂલી ગયો કે સાધુ થઈને પાણી સાથે રમાય નહીં. તે દોડતો છોકરાઓ પાસે ગયો અને રમવાની ઇચ્છા પ્રગટ કરી. બાળકો પણ એક સાધુ પોતાની સાથે રમવા આવ્યા છે તે જાણી ખુશ ખુશ થઈ ગયા. એમણે એમના પાત્રાનું ઢાંકણ ખોલી નાંખ્યું. અને એ જાણે કે હોડી હોય તેમ રમવા લાગ્યા. તેમણે બધાને કહ્યું, "જુઓ, મારી હોડી પણ તરે છે." એટલામાં બીજા સાધુઓ ત્યાં આવ્યા અને જોયું તો બાલમુનિ પાણી સાથે રમતા હતા. તેમણે કહ્યું, "બાલમુનિ! આ શું કરો છો? સાધુ થઈને પાણીથી ન રમાય તે ભૂલી ગયા? પાણી સાથે રમવાથી પાણીમાં રહેલાં જીવાણુઓને નુકસાન થાય. સાધુ તરીકે આપણે પ્રતિજ્ઞા લીધી છે કે કોઈપણ જીવીતને દુઃખ નહીં આપું. તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો અને ખરાબ કર્મો બાંધ્યા."
બાલમુનિ ઐમુત્તાને પોતાની ભૂલ સમજાઈ. એમણે તરત જ પ્રાયશ્ચિત્ત કરવા માંડ્યું. "અરે! મેં આ શું કર્યું? મેં મારી માતાને વચન આપ્યું હતું કે પાપ લાગે એવું કોઈ કાર્ય હું નહીં કરું. આ સાધુઓ ઘણા દયાળુ છે કે મને મારું કર્તવ્ય યાદ કરાવ્યું જો આ સાધુઓ ન આવ્યા હોત તો મારું શું થાત?" તેને પોતે જે કંઈ કર્યું તેનું સાચું પ્રાયશ્ચિત્ત કર્યું. તે બીજા સાધુઓ સાથે ચાલ્યા ગયા. બહારથી પોતાના ઉપાશ્રયમાં પાછા ફરે ત્યારે તેમને ઇરિયાવહીય સૂત્ર કરવું પડે. તેથી બાલમુનિને પણ તે સૂત્ર ગોખવું પડે. બોલતાં બોલતાં તેઓ પાણિક્કમણે, બીયાક્કમણે, હરિયાક્કમણે, ઓસાઉત્તીંગ, પનગ...દગ....મટ્ટી.....વિચારવા લાગ્યા જો મેં કોઈપણ પાણી, લીલોતરી અથવા માટીમાં જીવંત જીવને દુઃખ પહોંચાડ્યું હોય તો હું માફી માંગુ છું.
તેના પ્રાયશ્ચિત્તનો કોઈ છેડો ન હતો. પોતે જે કંઈ કર્યું હતું તેને માટે તેઓ દુઃખી હતા. તેઓ વિચારવા લાગ્યા, "મેં આ શું કર્યું? કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવોને દુઃખ પહોંચાડ્યું? હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશ? મહાવીર સ્વામીનો સામનો કેવી રીતે કરીશ? હે જીવો, હું તમારા દુઃખનું નિમિત્ત બન્યો છું. મારા પાપો માટે મને માફ કરો. ફરી આવા પાપ હું ક્યારે ય નહીં કરું." સાચા દિલના પ્રાયશ્ચિત્તને કારણે તેના બધા જ ખરાબ કર્મોનો ક્ષય થયો અને તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. હવે તેઓ કેવલિમુનિ કહેવાયા...
પછી કેવલિ ઐમુત્તા મુનિ મહાવીર સ્વામીની સભામાં ગયા અને જ્યાં કેવલિ સાધુઓ બેઠા હતા ત્યાં બેસવા ગયા. કેટલાક વડીલ સાધુઓએ આ જોયું અને કહ્યું, "ઓ ઐમુત્તા, તું ક્યાં જાય છે? એ જગ્યા તો કેવલિ મુનિ માટે છે. માટે જ્યાં બીજા સાધુઓ બેઠા છે ત્યાં જઈને બેસો." મહાવીર સ્વામી વચમાં જ બોલ્યા અને કહ્યું, "સાધુઓ, કેવલિ મુનિનું તમે અપમાન ન કરી શકો. ઐમુત્તા મુનિ હવે કોઈ સામાન્ય સાધુ નથી. જ્યારે ઇરિયાવહીયા કરતા હતા ત્યારે જ તેમના ઘાતી કર્મોનો નાશ થયો છે અને તેઓ કેવલિ બન્યા છે."
સાધુઓને તેમની ભૂલ સમજાઈ તેમને વંદન કરવા લાગ્યા. અને વિચાર્યું "કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો."
અંતે બાલમુનિ ઐમુત્તાને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી.🎋🙏🏻🙏🏻🙏🏻🎋
https://chat.whatsapp.com/EQm2Z5o9WigA5rePgUktn4
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો