આમ તો આ પ્રશ્નના ઉત્તરમાં ગ્રન્થોના ગ્રંથો લખાયા છે. વળી, પ્રભુની પૂર્ણ આજ્ઞાપાલનરૃપ વિરતિ ધર્મ એ પણ પ્રભુની પ્રતિપત્તિપૂજા જ છે. અહીં પ્રશ્નકારનો આશય જિનાલયમાં પ્રભુની પૂજા સંબંધિત છે, જેના 4-5 મુખ્ય મુદ્દા જોઈએ
(1) પરમાત્મા એ તીર્થના સ્થાપક અને મોક્ષનો માર્ગ બતાવનારા છે. તેઓની ભક્તિથી આપણને પણ મોક્ષ મળે છે.
(2) જિનપ્રતિમાની ઉપાસના દ્વારા પરમાત્માના ઉત્તમ જીવન અને શુદ્ધ સ્વરૃપને જાણવાનું અને પામવાનું હોય છે. આપણું પણ જીવન ઉત્તમ ગુણો અને ચારિત્રસંપન્ન બને તથા પ્રભુના આલંબને આપણને પણ આપણા શુદ્ધ સ્વરૃપને પ્રગટાવવાની પ્રેરણા-બળ મળે માટે પ્રભુપૂજા કરવાની છે. જિનપ્રતિમા એ આત્મસ્વરૃપને પ્રગટ કરવા માટેનું પુષ્ટ આલંબન છે. પ્રભુપૂજાનો આ મુખ્ય અને શુદ્ધ આશય છે.
(3) જીવ સંસારમાં પણ પુણ્ય વિના સુખી થઈ શકતો નથી. પ્રભુપૂજા એ શ્રાવકો માટે પુણ્યબંધનું પ્રકૃષ્ટ કારણ છે.
(4) સંસારી જીવ અનેક આપત્તિઓ, વિઘ્નો, અંતરાયોથી ઘેરાયેલોછે. પ્રભુપૂજાના પ્રભાવે બાહ્ય-અભ્યંતર સર્વ પ્રકારનાં વિઘ્નો દૂર થાય છે.
(5) દુઃખમાં દીન ન બનીએ, સુખમાં લીન ન બનીએ, જીવનમાં સમતા પ્રગટે વગેરે અગણિત લાભો પ્રભુપૂજા દ્વારા થાય છે.
(6) વળી, પ્રભુપૂજાનો યોગ જેટલો સમય હોય તેટલો સમય જીવ સંસારના ખોટા આરંભ-સમારંભથી છૂટે છે અને શુભ ભાવમાં રહે છે. તથા આગળ જતાં સંયમ માર્ગ સ્વીકારવા સુધી પણ પહોંચે છે. માટે જ પ્રભુપૂજા એ શ્રાવકનું દૈનિક આવશ્યક કર્તવ્ય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો