મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 43

Talk of the Day Series Motivational Story 43

*રોગ ચેપી છે, તંદુરસ્તી નહિ. સંગ પણ ચેપી છે, પણ.. થોડોક ફરક. સંગની આગળ જો 'કુ' લાગે, તો સંગ જિંદગીને બરબાદ કરી દે. ને સંગની આગળ 'સત્' લાગે, તો જિંદગીને બાગ કરી દે. સંગની અસર તો.. સંક્રમણ તો.. થાય જ, Your choice!* જિંદગીને બરબાદ કરવી છે, કે બાગ બનાવવી છે. થોડા જ વરસો પહેલા બનેલી આ સત્ય ઘટના વાંચો.

👬 *હતા તો બંને જીગરી મિત્રો. પણ.. એક સદાચારનું ઊંચું શિખર હતો, ને બીજો દુરાચારની ઊંડી ખાઈ.* છતાં કો'ક જન્માન્તરીય ઋણાનુબંધે બંનેની દોસ્તી પાક્કી. *સોભાગચંદ સત્સંગી જીવ.* દેરાસર અને ઉપાશ્રયમાં, પૂજા અને પ્રવચન, ને ક્યારેક અધ્યયન, ને વધુમાં સામાયિક-પ્રતિક્રમણ.

👬 *જ્યારે માનચંદ તદ્દન વિપરીત.* એ દેરાસર-ઉપાશ્રય ને ધર્મસ્થાનોના બદલે સિગાર-બાર-નાર ને જુગારમાં જનારો ને જીવનારો. એની ચિક્કાર સંપત્તિ અહીં જ સમાપ્તિ તરફ જઈ રહી હતી. પણ... *Every dark cloud has a Silver line - કાળા વાદળાંને રૂપેરી કોર હોય, એમ એના આ પાપી જીવનમાં, કો'ક જનમના પુણ્યોદયે સોભાગચંદ જેવો સંસ્કારી મિત્ર મળ્યો હતો.*

👬 *મિયાં-મહાદેવની જોડી કેમ બને!* પણ.. અહીં તો બંને વિરુદ્ધ દિશાના પંથી, છતાં જોડી જામી, એકદમ ગાઢ જામી હતી. *બંને રોજ મળે, બેસે, વાતચીત કરે. બંને એકબીજાને સમજાવે, ને ખેંચવાની પૂરી કોશિશ કરે.* ક્યારેક લડી'ય પડે. પણ.. થોડીવારમાં પાછા એકના એક.

👬 એક દિવસ સાંજનો સમય. *બંને મિત્રો રસ્તામાં ભેગા થઇ ગયા.* માનચંદ રાજાપાટમાં હતો. એણે કહ્યું, *"સોભાગ! મને તારી દયા આવે છે. તું આવું લુખ્ખું જીવન જીવે છે. પશુ જેવું, ઘેટા જેવું તારું જીવન એક ઘરેડમાં દોડ્યાં કરે. આપણે પશુ જેવા નથી રહેવાનું. મારી સાથે મૌજ કર."*

👬 *"માનિયા!"* સોભાગચંદે કહ્યું, *"આપણે પશુ જેવા રહેવાનું નથી, તો પશુ જેવા થવાનું'ય નથી. આ તારી જિંદગી ખરેખર પશુ જેવી છે. જેને કોઈ વિવેક નહિ, કોઈ મર્યાદા નહિ, કોઈ નીતિ-નિયમ નહિ.* તું જૈન, તારા જૈનત્ત્વના સંસ્કારને થોડા જગાડ. ને તારી જિંદગીમાં આવેલા બગાડનો અગ્નિસંસ્કાર કરવા, થોડીક આગ લગાડ. *સ્વાદિષ્ટ ઝેર કરતા સાદું ભોજન શ્રેષ્ઠ. માનિયા! માની જા."*

👬 પણ.. રાજાપાટમાં ભરપૂર થઈને, મોઢામાં વાસ લઈને આવેલો માનચંદ વધુ પડતો હસવા લાગ્યો. *રોજેરોજ બંને વચ્ચે ચર્ચા થાય, ચડસાચડસી થાય, ક્યારેક જીભાજોડી થાય. પણ.. બંનેના જીવ જુદા ન થાય, એટલી ગાઢ મિત્રતા બંનેની હતી.* ઘણો સમય વીત્યો. ઘણીવાર બંને વચ્ચે અબોલા'ય થયા. પણ તે.. પાણીના પરપોટા જેવા ક્ષણિક.

👬 પણ.. *સોભાગચંદને બહુ દુઃખ રહે, કે મારો મિત્ર ખોટા રસ્તે છે.* એની આંખ ઘણીવાર ભીની બની જતી. *"अहो विचित्रा कर्मणो गति:"* ને *"कर्माय नम:"* કહી, તે સ્વસ્થ થઇ જતો. એક દિવસ માનચંદે હદ કરી. સોભાગચંદે જઈને કહ્યું, *"માનચંદ! હવે બસ થયું."* પણ.. રાજાપાટમાં ઝુમતા માનચંદે સોભાગચંદનું અપમાન કર્યું.

👬 કડવો ઘૂંટડો ગળી, સોભાગચંદ કહે, *"માનચંદ! મારે ખાતર હવે તું સુધરી જા."* માનચંદ કહે, *"સોભાગ! તું સમજી જા. જિંદગી આ જ છે."* બે વચ્ચે ઘણું બોલવાનું થયું. *પણ.. માનચંદ ન માન્યો. એક દિવસ સોભાગચંદે કંઈક વિચાર્યું.* એણે મનોમન નક્કી કર્યું, *મારે આટલો ભોગ આપવો પડે, તો આપીશ. પણ.. માનચંદને સીધે રસ્તે લાવીશ.*

👬 ને એક દિવસ એવો આવ્યો, સવાર-સવારમાં બંને મિત્રો ભેગા થઇ ગયા. *માનચંદ મૂડમાં હતો.* હળવી પળો હતી. ગમ્મત ચાલતી હતી. ચડસા-ચડસી થઇ રહી હતી. સોભાગચંદે જોયું, *આજે મોકો છે.* ને એણે મોકો જોઈ, ચોકો લગાવ્યો, *"સાંભળ, માનિયા! આજે જો તું મારી વાત માને, ને સુધરી જાય, ને એક વરસ જો તું કોઈ વ્યસન ન કરે, તો 1 વરસ પછી, 1,00,000/- રૂપિયા મારે તને આપવા."* (તે જમાનાના એક લાખ એટલે, આજના કરોડ ઉપર!)

👬 માનચંદ કહે, *"સોભાગ! તારા રૂપિયા તારી પાસે રાખ."* સોભાગચંદ કહે, *"એ તો મારા રૂપિયા મારી પાસે જ રહેવાના છે. તું કમજોર છે. વ્યસનોનો ગુલામ છે. તું નહીં છોડી શકે."* ખબર નહીં, પણ.. એ દિવસે માનચંદે કહ્યું, *"સોભાગ! એ વાતમાં કંઈ માલ નથી. લે, આજથી 1 વરસ, સંપૂર્ણ વ્યસનો ને પાપો છોડ્યા, જા બંધ. તારા રૂપિયા તૈયાર રાખજે."*

👬 સોભાગચંદ કહે, *"રૂપિયા અબઘડી જુદા મૂકું. પણ.. તારું સત્ત્વ માયકાંગલું છે. તું 24 કલાકમાં ફાટી ન પડે, તો કહેજે."* માનચંદને ચઢી ગઈ. એ કહે, *"સોભાગ! તું'ય હવે જોઈ લેજે."* ને ગટર તરફ જતી જિંદગીએ, ગંગા તરફ વળાંક લીધો. ને વળાંક લીધો, એટલે એટલો જબરદસ્ત વળાંક લીધો, કે *એણે પગ ને હાથ, હૈયું ને આંખ, ચારેને એટલા તો કબજે કર્યા, કે Beer Bar ને જુગારના દ્વાર, બધું જ એણે બંધ કરી દીધું.*

👬 એક મહિનો માનચંદ... માની ન શકાય, એટલી મક્કમતાથી જીવ્યો. *સોભાગચંદનો હરખ માતો નો'તો.* એક દિવસ એનાથી રહેવાયું નહિ, એ માનચંદને ભેટી પડ્યો. ને કહ્યું, *"માનિયા! તને માની ગયો."* ને બોલ્યો, *"कम्मे शूरा, ते धम्मे शूरा, આ કહેવત તારા જેવા માટે જ પડી હશે."*

👬 બે મહિના પછી એક દિવસ સોભાગચંદની આંખો વિશ્વાસ ન કરી શકી, એવી ઘટના બની. *માનચંદ ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં બેઠો હતો.* સોભાગચંદનું હૈયું હાથ ન રહ્યું. એ ભેટી પડ્યો ને બોલ્યો, *"માનચંદ! તે કમાલ કરી."* પણ.. કમાલ તો બીજે દિવસે થઇ કે, *માનચંદે પૂજાની જોડ માંગી, ને જિનાલયમાં પ્રભુની પૂજા કરી.*

👬 6-6 મહિના વીતી ગયા. *ક્યારેક પૂર્વના સંસ્કાર ગલગલી મનમાં કરી દે, તો'ય એકે દિવસ માનચંદે રાજમાર્ગ છોડી.. ગલીમાં પગ ન મૂક્યો.* 'गली से बचनेवाला, गड़बड़ी से बच जाता है|' *એક દિવસ માનચંદ સામાયિકમાં બેઠો ને નવકારવાળી હાથમાં લીધી.* ક્યારેક સોભાગચંદને થતું, *માનચંદ મારાથી'ય આગળ નીકળી ગયો. ગામનો ઉતાર, ભવપાર ઉતરી જવાનો.*

👬 ને ખરેખર આખું ગામ અચંબામાં હતું. આ પરિવર્તન કેવી રીતે થયું! *ઉતાર માનચંદ, ગામના ઉત્તમ માનપાન પામવા લાગ્યો.* વરસ પૂરું થયું, ને શરત પ્રમાણે સોભાગચંદ 1,00,000/- રૂપિયા લઇ માનચંદના ઘરે વહેલી સવારે પહોંચી ગયો. *માનચંદ પ્રતિક્રમણ કરીને સામાયિક પારી રહ્યો હતો.*

👬 સામાયિક પરાતા સોભાગચંદ દોડીને માનચંદને ભેટી પડ્યો. ને બોલ્યો, *"દોસ્ત! તું જીત્યો, હું હાર્યો. તારા સત્ત્વને હું ન જાણી શક્યો. માનચંદ! દોસ્ત કમાલ કરી, કમાલ કરી."* ને સોભાગચંદ રડી પડ્યો. પછી 1,00,000/- રૂપિયાની થેલી આપતા બોલ્યો, *"દોસ્ત! આ તારી જીતનો સરપાવ."*

👬 ને ત્યાં જ માનચંદ બોલ્યો, *"સોભાગચંદ! જીત તો તારી થઇ કે, તે મને મહાપાપની દુનિયા છોડાવી. દોસ્ત! તારા ઉપકારનો બદલો વાળવા લાખ રૂપિયા તો મારે તને આપવાના છે."* બંને મિત્રો ભેટયા, ને ખૂબ રડ્યાં.

-------------------------------------------------------
1 મિનિટ કથા પછી વાંચજો.
*નથી લાગતું, કે જિંદગીમાં એક સારો મિત્ર, સાચો ને સંસ્કારી મિત્ર હોય, તો જિંદગી સૌની પસંદગી બની જાય, સૌને ગમી જાય, એવી બની જાય. Imported ને antic આઇટમો કરતા, importance આવા મિત્રોને આપો, જે જિંદગીને accurate ને uptodate બનાવી, સૌની salute લઇ જાય, એવી બનાવી દે.*
-------------------------------------------------------

👬 માનચંદે સોભાગચંદને કહ્યું, *"સોભાગ! હવે આ રૂપિયા કોને માટે? હવે તો સંસાર ને સંપત્તિ, બધું મૂકી પ્રભુના પંથે જવાનો મનોરથ છે."* સોભાગચંદથી જોરથી રડી પડાયું. ને એ માનચંદના પગમાં પડી ગયો. માનચંદે પગ ખેંચીને કહ્યું, *"સોભાગ! મારો કલ્યાણમિત્ર તું છે. મારા જીવનને પવિત્ર કરનારો તું છે. બસ, ચારિત્રના પંથે તારા આશીર્વાદ આપ."* બે'ય મિત્રો ભેટી પડ્યાં.

👬 *ને એક દિવસ ગામ આખાની આંખોએ ગંગા-જમના વહાવી, સંયમ સ્વીકારતા માનચંદને જોઈ.* દીક્ષા પછી તો નૂતન મુનિએ હજારો લોકોને પોતાની જીવનકથા કહી, વ્યસન ને પાપથી પાછા વાળ્યા.

_*કથા તો પૂરી કરીએ. ને સંકલ્પ કરીએ, આ લોકડાઉનનો સમય પૂરો થાય ને થોડાક સત્સંગ તરફ ડગ માંડીએ. જીવનનું અંતિમ સત્ય આ જ છે. એ સ્વીકારવામાં હવે વધુ મોડા ન પડાય, તે જોજો.* માનચંદની જીવનકથા, આપણી જીવવાની પ્રથાને બદલે, તે જોજો. *આટલા દિવસ હોટલ વગર, લારી વગર, ઘણા બધા વગર, ને ન લખાય તેના વગર પણ, મોજથી જીવાયું છે. તો હવે.. માનચંદની કથાને માન દેજો. ને બોલજો.. "પરિવર્તન શક્ય છે, જો તું ધારે તો..."*_


*शेरी मित्र सो मिले, ताली मित्र अनेक,*
*यामे सुख-दुःख वामिए, सो लाखन में एक!*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top