સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 130

Talk of the Day Series

Motivational Story 130

Part A


-------------------------------------------------------

સંવત્સરી મહાપર્વની આરાધના પૂર્વે ઇતિહાસના ચોપડે અમર બનેલા મહાભારતના ભીષણ યુદ્ધમાંથી ચૂંટેલી એક દિલસ્પર્શી કથા.

પરિવાર સાથે જ વાંચજો.

-------------------------------------------------------


સત્યઘટના.


એક ખોવાઈ ગયેલી ચાવી માટે માણસ આખું ઘર ફેંદી નાખે. ઘરમાં એકબીજા પર દોષારોપણ કરી દે. ક્લેશ-કંકાસ કરી દે. છેલ્લે.. ચાવીવાળાને શોધે. નવી ચાવી બનાવી લે. નવી બનાવી શકાય તે ચાવી માટે માણસ નવા-જૂની કરી બેસે. એક ખોવાયેલા Shoes માટે.. બૂટ માટે.. માણસ Time બગાડી દે. આખો હોલ કે મંદિર માથે લઈ લે, CC TV Camera Check કરી દે.


બેનો તો રોટલી હાથમાં હોય તો ઘી ચોપડી દે, પણ.. આગળ વધેલો.. આ તો ટ્રસ્ટી હાજર ન હોય તો'ય ટ્રસ્ટીઓને વગર ઘીએ ઘણું બધુ ચોપડી દે. * છેલ્લે Shoes Houseમાં જઈ નવા બૂટ ખરીદી લે. નવા મળી શકતા બૂટ માટે'ય પાર વગરની માથાકૂટ કરી બેસે છે માણસ! *ત્યારે Mallમાં, Marketમાં કે બ્રહ્માંડમાં ગમે તેટલુ શોધવા છતા.. પૈસા દેવા છતા.. દરિયા જેટલુ રડવા છતા.. જે ખોવાયેલા ક્યારેય જડવાના નથી, મળવાના નથી, જેનો ખાલીપો કાયમ ખાલી જ રહેવાનો.


એવા ખોવાયેલા કાળજાના ટુકડાઓ માટે એક આર્યનારીએ બતાવેલા ઔદાર્યને તમે વાંચો. તમારા રોમરોમમાં Current ન લાગે, તો કહેજો. ઝનઝનાટી ન થાય તો કહેજો. તમારા રોમેરોમ એને વંદી પડશે. ચાલો વાંચો..ખુન્નસ, ખુમારી ને પછી ખેલદિલી ભરી સત્યઘટના.


🏹 મહાભારતનું ભીષણ યુદ્ધ સમાપ્તિને આરે આવીને ઊભુ હતુ. દુર્યોધન ભયાનક ઘવાયા હતા. મોત એમની ચારેબાજુ આંટા મારી રહ્યુ હતુ. જીવ જઉં.. જઉં.. કરતો હતો. પણ.. જીવ જતો નો'તો. જીવ ડહોળાતો હતો કે જીવ નીકળી શકતો નો'તો. જે હોય તે, પણ.. દુર્યોધનની કદાવર કાયા લોહીથી લથબથ હતી. આખી કૌરવસેના આસપાસ.. ચોપાસ.. એટલે.. ચારે બાજુ પોતાના રાજવીને વીંટળાઈને ઊભી હતી.


🏹 કાયમી ખૂન્નસ ધરાવતા ચહેરાઓ દીન બની ઊભા હતા. ત્યાં જ દર્દથી કણસતા દુર્યોધને હુંકારો કર્યો ને કહ્યુ, "મારા પ્રાણ જવા તૈયાર નથી. મારો જીવ નથી નીકળતો. ઓ! કોઈક વીર તો આગળ આવે. જે મારા જીવને છોડાવે.'' ઊભેલા બોલ્યા, "મહારાજ! આજ્ઞા કરો. શું કરીએ? આપના પ્રાણ પીડા વગર..'' ને કોઈ આગળ બોલી ના શક્યું. મરણાસન્ન દુર્યોધન કહે, *"એક વીર તો એવો આગળ આવે, જે મારી અધૂરી ઈચ્છાને પૂરી કરે. શું કૌરવસેનામાં કોઈ એવો વીર નથી, જે મરતા મને શાંતિ આપે?''


🏹 એક સાથે અવાજ પડઘાયા, "મહારાજ! આપની જે ઈચ્છા હોય તે ફરમાવો. અમે પૂરી કરીશુ.'' મોત સાત કદમ પણ દૂર નો'તુ. ને દુર્યોધન બોલ્યો, "મારી એક જ ઈચ્છા અધૂરી રહી છે. મારે પાંચે પાંડવોના માથા કાપી નાખવા હતા. એમના ધડને રણમેદાનમાં રગદોળવા હતા.'' આટલું બોલતા તો દુર્યોધનનો કંઠ રુંધાયો. શબ્દો પાછા વળી ગયા.


🏹 ને પીડાના ઉંહકારા નાખતો દુર્યોધન થોડીકવારે બોલ્યો, "એમના માથા કાપી ન શક્યો એ અધૂરી અબળખાએ મારો જીવ નીકળતો નથી.'' આગળના શબ્દો દુર્યોધનના કંઠ સુધી ન પહોંચી શક્યા. બધા જ ચૂપ-સન્નાટો-સ્મશાન ચૂપ્પી. દુર્યોધને હતુ એટલુ જોર ભેગુ કરી કહ્યુ, "શું કોઈ વીર નથી, જે પાંડવોના મસ્તક છેદી નાખે? કાપી નાખે? મારા જીવને..'' ને ફરી દુર્યોધન બોલી ન શક્યો.


🏹 ત્યાં જ અશ્વત્થામા આગળ આવ્યો. એ બોલ્યો, "મહારાજ! તમારી ઈચ્છા હું પૂરી કરીશ. હું પ્રતિજ્ઞા કરુ છું. પાંડવોના મસ્તકોને કાપી નાખવાની. ને હું એ માથાને આપના ચરણે પટકીશ.'' દુર્યોધનની નજરોમાં પીશાચી હાસ્ય ઉભરાયુ. ને સંસારમાં એના છેલ્લા શબ્દો હતા, "હાશ! હવે હું શાંતિથી મરીશ.'' ને દુર્યોધન મરી ગયો. પાંડવોના મોતની મહેફીલ માણવા એ બચ્યો નહિ. કૌરવસેના શોકસાગરમાં ડૂબી ગઈ.


🏹 આ બાજુ અશ્વત્થામા પર ઝનૂન સવાર થઈ ગયુ. એના હાથ સળવળવા માંડ્યા. એણે Plan બનાવ્યો. આજે રાત્રે જ પાંડવોના માથા કાપી નાખુ. ક્રૂર લેશ્યામાં.. ક્રૂર ભાવમાં ડૂબેલા એણે તલવારની ધારને અતિ તેજ કરી. એક ઝાટકો બસ થઈ પડે. એક માથા માટે એટલી તીક્ષ્ણ ધાર કઢાવી. ને યુદ્ધના નિયમનો ભંગ કરી એ રાતે ને રાતે પાંડવોની છાવણી તરફ સંતાતો સંતાતો પહોંચી ગયો.


🏹 યુદ્ધના નિયમાનુસાર અત્યારે કોઈ હુમલો હોય જ નહિ. પણ.. કાયદા સજ્જન પાળે, શેતાન થોડા પાળે. એ સીધો જ પાંડવોની રાવઠીમાં ઘૂસી ગયો. ને આછા અંધારામાં એણે જોયુ તો પાંચે સૂતા છે. એણે દાંત કચકચાવ્યા ને પૂરા ખૂન્નસ સાથે ધડ-ધડ તલવાર વીંઝી દીધી. ચીસ પડે એ પહેલા તો ધડ ને માથુ અલગ કરી દેતા એણે પાંચે'ય માથા વધેરી નાખ્યા. ને પાંચેને ઉપાડીને વળતી જ પળે નાસી છૂટ્યો.


To be continued...



Talk of the Day Series
Motivational Story 130
Part B

-------------------------------------------------------
સંવત્સરી મહાપર્વની આરાધના પૂર્વે ઇતિહાસના ચોપડે અમર બનેલા મહાભારતના ભીષણ યુદ્ધમાંથી ચૂંટેલી એક દિલસ્પર્શી કથા.
પરિવાર સાથે જ વાંચજો.
-------------------------------------------------------

સત્યઘટના.

🏹 પાંચ માથા વધેરાયાની ખબર પડતા પાંડવ સેનામાં હાહાકાર મચી ગયો. આખી સેના ખળભળી ઉઠી. રાજપૂતી લોહી લાવા બની ગયુ. પાંડવો શૂન્યમનસ્ક થઈ ગયા. આઘાતથી અવાચક બની ગયા. આ બાજુ અશ્વત્થામા પાંચે માથા લઈને કૌરવસ્થાને પહોંચ્યા. ને ત્યાં બધાએ મસ્તક જોયા ને બધા હેબતાઈ ગયા.

🏹 અશ્વત્થામા ચક્કર ખાઈ ગયો. બધા જ બોલી ઉઠ્યા, "આ માથા પાંડવોના નથી. આ તો પાંચે માથા પાંડવોના પાંચ પુત્રોના છે. મહારાજા દુર્યોધનને પાંડવોના માથા ખપતા હતા. એ તો કપાયા જ નહિ." બધા અફસોસમાં ડૂબ્યા. ને આ બાજુ દ્રૌપદી આવી. એ પોતાના પુત્રોના ધડ જોઈ, લોહીના ખાબોચીયામાં સૂતેલા કાળજાના ટુકડાઓ જોઈ માથા પછાડવા લાગી. એના છાતીફાટ રૂદને કોઈને કોરા ન રાખ્યા અને રહી પણ કોણ શકે!

🏹 ધર્મરાજ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ બધા જ રડી ઉઠ્યા. દ્રૌપદીનું આક્રંદ સૌને પીડામાં મીઠુ ભભરાવી રહ્યુ હતુ. બધા જ દુઃખી હતા. પણ.. માનો પ્રેમ ને માનુ દુઃખ.. 'જગતમાં કોઈ નહિ આવે એની તોલે, એવુ આખુ જગત બોલે.' દ્રૌપદીના રૂદનમાં શબ્દો ભળ્યા. માતૃત્વનો પુણ્યપ્રકોપ જાગ્યો.

🏹 ને એ બોલી, "જ્યાં સુધી હું મારા દિકરાના મારતલના લોહીમાં મારા માથાના વાળને ઝબોળીશ નહિ, ત્યાં સુધી મારે ખાવુપીવુ બધુ જ હરામ છે. મારા પાંચ-પાંચ પતિ.. બધા જ નપુસંકો છો. કોઈમાં મર્દાનગી નથી. કોઈને પૌરુષ જાગતુ નથી. દિકરાના મારતલને ઝાટકે દેવાનું. નપુસંકો છો, નપુસંકો.'' દ્રૌપદીના શબ્દોથી બળતા હૃદયમાં Petrol રેડાયુ.

🏹 ને પાંડવોના હાથ તલવાર પર ગયા ને જાણે વીજળીઓ ચમકી. પણ.. ભીમ આ દુઃખને, આ વચનને સહી ન શક્યો. એ એકલો દોડ્યો સીધો જ કૌરવો છાવણી તરફ. ને અચાનક જાણે વાવાઝોડુ આવ્યુ. આખી છાવણી કઈ વિચારે એ પહેલા તો ભીમે અશ્વત્થામાને ઉપાડી લીધો, બધા જ જોતા રહ્યા. કોઈ બાવળીયાની તાકાત નો'તી કે, આ બાહુબળીયા ભીમને આંગળી'યે અડાડી શકે. બધા જ ભયભીત બનીને નાઠા. જાણે સિંહે વરુને પકડ્યું.

🏹 ભીમ એને ઉંચકીને દ્રૌપદી પાસે આવ્યો ને બોલ્યો, "દ્રૌપદી! કર તારી પ્રતિજ્ઞા પૂરી.'' ને ભીમે અશ્વત્થામાને ગળેથી પકડીને જોરથી નીચે નમાવ્યો. ઉપાડી ગદા ને બોલ્યો, "દ્રૌપદી! મૂક થાળ ને લોહીમાં તારા વાળ ઝબોળ." આવેશથી કંપતા ભીમના રૌદ્રરૂપને જોઈ કોઈ ભીમને કંઈ કહી શક્યું નહિ. ને ભીમે ગદા ઉપાડી. ફરી એણે ત્રાડ પાડી, "દ્રૌપદી! આ મારતલના લોહીમાં સ્નાન કરીને તારી હૈયાની બળતરા ઠાર.''

🏹 ક્રોધથી ધમધમતી દ્રૌપદી.. પાંચે પુત્ર વિહોણી બનેલુ માતૃત્વ.. વેરની આગમાં સળગતુ દિલ.. આ ઘડીનો જ ઈંતજાર કરતું હતું. ને ત્યાં જ ભીમે ગદાને સ્હેજ વધુ ઉંચકી. બસ! હવે તો Second.. 2 Secondનો ખેલ હતો. ને પછી દેખાશે લોહીમાં તડફડતો અશ્વત્થામા. પણ.. આ 2 Secondમાં માતૃત્વ એના મૂળ સ્થાને પાછુ ફર્યું. એના મૂળ સ્વરૂપે ફરી સ્થાપિત થઈ ગયુ. એણે આડો હાથ દઈ દીધો.

🏹 ને ચીસ પાડીને કહ્યુ, "નહિ.. નહિ.. Please નહિ. એને મારશો નહિ.'' ને દ્રૌપદીએ અશ્વત્થામાના માથે હાથ મૂકી દીધો. ભીમ કહે, "દ્રૌપદી! તું બાજુ હટી જા. એના લોહીમાં તારે માથુ ઝબોળવાનુ છે. દૂર હટ.'' "નહિ, એને નહિ મારશો. હું એને મરવા નહિ દઉ.'' બધા જ ગુસ્સામાં હતા. શાંત હતું માતૃત્વ! એણે બધાને રોકી દીધા.

🏹 ભીમ ઉતાવળો.. એ કહે, "પણ.. કેમ? હમણા સુધી તો તુ બોલતી હતી. તે પ્રતિજ્ઞા કરી હતી કે, મારા દિકરાના મારતલના લોહીમાં મારે વાળ બોળવા છે. અને અત્યારે તું ના પાડે છે. બાજુ હટ.'' પણ.. દ્રૌપદીએ આડો હાથ ના હટાવ્યો. 
ભીમ કહે, "દ્રૌપદી! તું શું કામ ના પાડે છે?''

🏹 તે વખતે દ્રૌપદીએ આંસુભરી આંખે ભીમની સામે જોઈ કહ્યુ, "કારણકે હું મા છું. દિકરા માટે માનુ દિલ કેવુ પીડાય છે, એના દુઃખ કેવા આકરા હોય છે, એ હું આજે અનુભવુ છું. ભગવાન! આ પીડા દુશ્મનને'ય નહિ આપતો.'' ને રડતા-રડતા દ્રૌપદી બોલી, "માનું દુઃખ મા જ સમજી શકે. આ આકરી પીડા અશ્વત્થામાની માતા કઈ રીતે વેઠી શકશે? જે હું નથી વેઠી શકતી. જા, અશ્વત્થામા જા.'' ને દ્રૌપદીએ અશ્વત્થામાને ક્ષમા આપી દીધી.

🏹 થર-થર કાંપતો અશ્વત્થામા માતૃત્વની આ અમીધારાથી અભિભૂત બની, નિર્ભય બની ભારે પગલે પણ નાસી છૂટ્યો. જતા અશ્વત્થામાને માતૃત્વ સજલ નયને જોઈ રહ્યુ. બધા જ અચંબિત હતા. બધા જ ચોંકી ઉઠ્યા હતા. બધા જ સ્તબ્ધ હતા, ભીના હતા, ભાવુક હતા, સજલ હતા. બધાની આંખ, અંતર ને આત્મા માતૃત્વના મેરૂશિખરને અભિષેક કરી રહ્યા હતા.
કથા તો પૂરી કરીએ. પણ.. કાળજાના ટુકડા જેવા પાંચે પાંચ દિકરાના મારતલને એક 'મા' જો માફ કરી શકે, તો આનાથી વધારે દુઃખ, પીડા કે ખાલીપો દેનાર ને જીવનને ઉજ્જડ કરનાર અધમ આપણી જિંદગીમાં તો કોઈ નહિ આવ્યુ હોય.. તો આપણે કેમ કોઈને માફ ન કરી શકીએ? શા માટે કોઈની માફી ન માંગી શકીએ.. ?

આ પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ આપણા આંગણે આવ્યા છે. થોડોક અહંને અળગો કરીએ. થોડોક ક્રોધને વેગળો કરીએ. થોડોક વેરભાવ પાંગળો કરીએ. આવો.. પૂર્વગ્રહનો અંચળો ઉતારી સંવત્સરી પહેલા જેટલુ બને તેટલુ જલ્દી અબોલાને છોડી પ્રભુના બોલને સ્વીકારી હાથ જોડી "મિચ્છામિ દુક્કડં" કહી દઈએ.

હજુ'ય મન આનાકાની કરે, ક્ષમાપના કરતા પાછીપાની કરે, તો એક નાનકડુ સૂત્ર આપણી વ્હારે ધાશે :-
એનુ મોઢુ જોઈશ, તો ચૂકી જઈશ;
પ્રભુની આજ્ઞા જોઈશ, તો ઝૂકી જઈશ.


સામો થાય આગ, તો તું થાજે પાણી,
એ છે પ્રભુ મહાવીરની વાણી!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top