Talk of the Day Series
Motivational Story 45
ધરતી.. વાવો તે આપે, માંગો તે નહિ. Mall.. માગ્યા પ્રમાણે નહિ, હોય તે પ્રમાણે આપે. ફૂલની સુગંધ ને બબુલની ઉપજ.. તમારા પ્રમાણે નહિ, એના પ્રમાણે જ મળે. પણ.. શબ્દોનો અર્થ તો.. ભાવાર્થ તો.. ઈશારો તો.. માણસ પોતા પ્રમાણે લે છે, અથવા લઇ શકે છે. સવાલ.. શબ્દોને બોલનારનો નથી, સવાલ માત્ર સાંભળનારનો જ છે. સાંભળનારો.. શબ્દોનો અર્થ-ભાવાર્થ-ઈશારો, ઈચ્છે એ પ્રમાણે કાઢી શકે છે. પોતા પ્રમાણે કરી લે છે.
સંવાદ અને વાદ, મધુર યાદ ને કડવી ફરિયાદ, માણસ એક જ શબ્દોમાંથી જુદા-જુદા અર્થ તારવી શકે છે. Taunt અને ટકોરનો ફેંસલો, ચકોર પોતાની રીતે કરી લે છે. અનુભવગમ્ય આ વાત, કદાચ.. અગમ્યને અમાન્ય બને. પણ.. સાચી ને સંમ્માન્ય છે જ. એક નાની કથા, શ્રદ્ધાગમ્ય બનાવી જશે તે ચોક્કસ.
જિનશાસનના સમર્થ મહાપુરુષ, પરમ વત્સલ, પૂજ્યપાદ ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં સાંભળેલી આ કથા. હજુ'ય થોડીઘણી યાદ છે.
🎊 રસ-રઢિયાળી રાતે રાજમહેલના વિશાળ પટાંગણમાં શાહી નૃત્યનો કાર્યક્રમ પૂર્ણરૂપે જામ્યો હતો. રાજા ને રાજપરિવાર, મહામંત્રી, મંત્રી, દરબારીઓ, ને નગરશેઠ, ને નગરજનોથી આખું'ય પટાંગણ ઉભરાઈ ગયું હતું. સંગીતના સાજિંદા જોરદાર હતા. દિવ્ય સંગીતની મોહિનીને, ગાનારી ને નૃત્ય કરનારી કન્યાએ, ચરમસીમાએ પહોંચાડી દીધી હતી.
🎊 ઉતરવા આવેલી રાત, ને લાગી રહેલા થાકનો કોઈને ખ્યાલ જ નો'તો. બધા નૃત્ય ને ગાનમાં ગુલતાન ને મસ્તાન હતા. પણ.. નાચનારી કન્યા થાકી ગઈ. કારણકે હજુ સુધી રાજાએ કે પ્રજાએ ઇનામ આપ્યું નો'તું.
-------------------------------------------------------
યાદ રહે,
પ્રોત્સાહન એ પણ ટોનિક છે. બજારમાં મળતો Protsahan Powderનો ડબ્બો જો માણસને તાકાત આપી શકે, તો બે હાથની તાળી ને ખુલેલી મુઠ્ઠી માણસને જોશ પૂરું પાડે, પાડે, ને પાડે જ.
-------------------------------------------------------
🎊 પણ.. ન પડી તાળી, કે ન ખુલી મુઠ્ઠી. નૃત્ય કરતી કન્યા ધીમી પડવા માંડી. આ જોઈ કન્યાના પિતા બેચેન થઇ ગયા, ચિંતાતૂર થઇ ગયા. એમણે વિચાર્યું, જો કન્યા બેસી જશે, તો રાજાનું ઇનામ નહીં મળે. ને મારી ઈજ્જત જશે. કન્યાના ગાનારા પિતાએ એ જ વખતે સમયસૂચકતા વાપરી, ને ગીત વચ્ચે એક દુહો બોલ્યા, ને દુહાની ચાર લાઈને કમાલ કરી.
-------------------------------------------------------
યાદ રહે,
સમય.. ચૂકતા તો ઘણાને આવડે છે. પણ.. સમયસૂચકતા વાપરતા આવડે, એની નૈયા વિજયના કિનારે લાંગરે.
-------------------------------------------------------
🎊 ગીત ગાતા-ગાતા મધુર સ્વરે દુહો ગાયો કે, "बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाय, थोड़ी देर के कारणे, बाजी हाथ से न जाय।" દીકરીએ ગીતની વચ્ચે ટેભા મૂક્યા જેવો દુહો આવતા એક સેકન્ડ તો વિચારમાં પડી ગઈ. એણે પિતાની આંખમાં આંખ મેળવીને, એ દુહાના શબ્દોનો અર્થ-ભાવાર્થ ને ઈશારો સમજી ગઈ.
🎊 એનું જોશ વધી ગયું. એનો થાક ઉતરી ગયો. ને ઉલ્લાસથી છલકેલી એણે, નૃત્યને પરાકાષ્ઠાએ પહોંચાડ્યું. ને એણે ફરી પોતાના મસ્ત-મધુર હળવા કંઠે ગાયું, "बहुत गई थोड़ी रही..." એ ચાર લાઈન દુહાની પૂરી કરે, ન કરે, ત્યાં તો રાજાના કુંવરે ઉભા થઇ પોતાની અત્યંત મૂલ્યવાન હીરાજડિત વીંટી નર્તકી તરફ ઉછાળી.
🎊 આ જોઈ રાજાએ પોતાનો નવસેરો હાર ઉછાળ્યો. મંત્રીએ પોતાની હીરાજડિત પોંચી ઉછાળી. ને પછી તો, પ્રજા ઉછળી. ને નાચનારી કન્યાના પગ આગળ અલંકારોનો ઢગલો થઇ ગયો. નૃત્ય સવારે 5:00 વાગે પૂરું થયું. નૃત્ય કરતી કન્યા આવીને રાજાને પગે લાગી ને આશીર્વાદ માંગ્યા.
🎊 રાજાએ રાજકુંવરને પૂછ્યું, "બેટા! તું આજે એટલો ઉલ્લાસમાં આવી ગયો કે, મારા પહેલા તે દાન આપી દીધું. તને આજે ગીતનૃત્ય ખૂબ ગમ્યા." રાજકુંવર બોલ્યો, "પિતાજી! માફ કરજો. મારે આવું વિચારા'ય પણ નહિ. પણ કેટલાક દિવસથી મારા મનમાં આવતું હતું ને મારા મિત્રો'ય કહેતા હતા કે, તું હવે યુવાન થઇ ગયો, રાજા ક્યારે બનીશ? ને પિતાજી મેં plan બનાવ્યો હતો. બસ.. બે દિવસની વાર હતી. તમને પદભ્રષ્ટ કરી ઉઠાડી, હું રાજા બનવાનો હતો."
🎊 "પણ.. આ કન્યાએ ગાયું કે बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाय, थोड़ी देर के कारणे, बाजी हाथ से न जाय। પિતાજી મેં વિચાર્યું, પિતાજીની ઉંમર આટલી તો થઇ ગઈ છે, હવે થોડી જ રહી છે, તો ભલે પિતાજી રાજ કરે. મારાથી પિતાની ગદ્દારી ન થાય. બસ.. મેં મારો નિર્ણય ફેરવી નાખ્યો. હું કપૂત બનતા અટક્યો. એ ખુશીમાં મેં મારી વીંટી નર્તકીને ભેટ આપી."
🎊 રાજાએ મંત્રીને પૂછ્યું, "મંત્રીશ્વર! તમે કેમ સોનાની પોંચી ભેટ આપી?" મંત્રી કહે, "મહારાજા! ઘણા દિવસથી મને વિચાર આવતો હતો કે, તમને ઝેર આપી મારી નાખી હું રાજા બનું. મેં લશ્કરને'ય ફોડવાનું ચાલુ કર્યું હતું. પણ.. આ કન્યાના ગીતે મને કહ્યું, बहुत गई...। હવે મંત્રી, તારી ઉંમર કેટલી વીતી ગઈ છે, હવે થોડીક બાકી રહી, એમાં રાજાહત્યા શું કામ કરે? ને મેં મારો નિર્ણય બદલ્યો. એ બચ્યાની ખુશીમાં મેં મારી મૂલ્યવાન પોંચી આપી દીધી."
🎊 રાજાએ નગરશેઠને પૂછ્યું, "નગરશેઠ! તમે કેમ અલંકાર ભેટ કર્યો?" નગરશેઠ કહે, "મહારાજા! આ કન્યાએ.. મારા ધોળામાં ધૂળ પડતી અટકાવી, એટલે. સાચું કહું તો, મહારાજા! મારું મન ક્યાંક ભટકી ગયું હતું, અટકી ગયું હતું, ને હું પતનના રસ્તે જવાની તૈયારીમાં જ હતો. ને ત્યાં મને આ કન્યાએ ટકોર કરી, बहुत गई थोड़ी रही...। ને હવે હું કેટલું જીવવાનો? ને મેં મારો પાપી નિર્ણય છોડી દીધો. એ ખુશીમાં મેં અલંકાર ભેટ કર્યો."
🎊 મહારાજાએ બધાની વાત સાંભળીને કહ્યું, "તમે કોઈ મને નહીં પૂછી શકો કે, મેં કેમ નવલખો હાર ભેટ કર્યો? પણ.. આ કન્યાએ મારી આંખો ખોલી નાખી કે, बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाय...। મને રાજગાદીનો મોહ હતો. એટલે હું કુંવરને રાજા બનાવતો નો'તો. પણ.. આ કન્યાએ કહ્યું, મહારાજા! बहुत गई - તમારી ઉંમર ઘણી ગઈ, હવે જે થોડી છે તે'ય જાય છે. હવે થોડીક બાકી છે. એમાં બાજી હારી ન જા. ને મેં સંન્યાસ લેવાનું ને જીવન સફળ કરવાનો નિર્ણય કરી લીધો. એ ખુશીમાં મેં નવલખો હાર આપ્યો."
🎊 એક શ્લોક, અને એના એ જ શબ્દો, પણ.. જુદા-જુદા ઈશારાઓ સૌએ મેળવ્યા. પણ.. જ્યારે કન્યાના પિતાને પૂછ્યું, "તમે આ દુહો ગીતમાં વચ્ચે કેમ બોલ્યા?" એ વખતે ગાનારા પિતા કહે, "મહારાજા! માફ કરજો. મારી દીકરી નાચતા-નાચતા થાકી ગઈ હતી. ને બેસી જવાની હતી. એટલે મેં એને આ દુહાથી ઈશારો કર્યો."
🎊 "મેં એને સમજાવી કે, બેટા! રાત પૂરી થવા આવી છે. ઘણી વીતી ગઈ છે. સવાર થવાની તૈયારી છે. बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाय.. થોડીક વાર છે, સવાર પડવાને. બેટા! થોડીકવાર નાચી લે, નહીં તો बाजी हाथ से जाय.. ઈનામની તૈયારી છે. બાજી હાથથી જવા ન દે. ને મારી દીકરી સમજીને નાચવા માંડી." રાજા, રાજપરિવાર, દરબાર, ને પ્રજા.. બધા જ વિસ્મિત બનીને માથું ડોલાવવા લાગ્યા.
કથા તો અહીં પૂરી થાય છે. પણ આ લોકડાઉનનો સમય પૂરો નથી થયો. જો કે એ'ય હવે પૂરો થશે. પણ.. એ પહેલા આ કથાનો ઈશારો આપણે'ય સમજીએ. કદાચ જિંદગીના problem solve થઇ જશે. બોલનારના હાથમાં માત્ર શબ્દો છે. ઈશારા તો આપણે લેવાના છે. ચાલો, ઈશારા સારા જ લઈએ. યાદ રહે, "बहुत गई, थोड़ी रही..." રહેલીને સુધારી લઈએ. વ્યસન, વિરોધ, ને ક્રોધને દૂર કરી.. બાજી જીતી લઈએ, ઈશારો.. ઈશ્વરનો સમજી લઈએ.
धीरे-धीरे रे मना,
धीरे सबकुछ होय;
माली सींचे सो घड़ा,
ऋतु आए फल होय!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો