મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 48

Talk of the Day Series

Motivational Story 48


-------------------------------------------------------

👉 Please.. પરિવારને ભેગો કરીને વાંચો.

-------------------------------------------------------


મહેંદી પીસાય.. ને કોઈના હાથને રંગ દે છે. ધૂપસળી જલીને.. સુગંધના ગોટે-ગોટા ઉછાળે છે. ફૂલડાં શહીદ થઇ.. ચિરકાળ સુધી મહેંકાવતા રહે છે. શેરડી પીલાય.. ને રસઝરણું વહાવતી રહે છે. કેસર-ચંદન-બરાસ ને દીપજ્યોત.. પોતાના અસ્તિત્વને હોડમાં મૂકી, સુવાસને-ઉજાસને દેતા-દેતા સોડ તાણી લે છે. તો થાક્યા વગર અવિરત વહીને નદી.. બાગ ને ખેતરોને લીલાછમ બનાવી દે છે. તો આકરા તાપ સહીને વડલા.. પથિકને શીતળ છાંયડો દે છે.


તો એવા'ય માનવીઓ આ ધરતી પર અવતરે છે. જે કો'કના તાપ ને તાડના ને માર ને પ્રહારને સહીને, બીજાને સહાય ને સુરક્ષા દેતા હોય છે. આવા જ અવતરેલા એક અવતારી મહાપુરુષની જીવન તળેટીની, એટલે.. બચપનની એક નાની ઘટના. જે એમના મેરુ સા ઉત્તુંગ જીવનનો ઈશારો જ હતી. વાંચો, ઇમારતના એ ઇશારાને.


🌄 વડોદરા શહેર, ગાયકવાડી રાજ્ય. એની હદમાં આવેલું છાયાપુરી, એટલે.. "છાણી" ગામ. ત્યાં એક પરિવાર વસે. એક દિવસની વાત છે. ઘરના નાના ભાઈ-બેનો રમતે ચડ્યા. આખું ઘર માથે લીધું. ને ઘરનું નાજુક નમણું ઠામ, એક ભાઈથી ભૂલમાં તૂટી ગયું. હવે બધા ગભરાયા. છ એ છ ભાઈ-બેનો શાંત થઈને આડા-અવળા થઇ ગયા.


🌄 થોડીક વારે મોટાભાઈ બહારનું કામ પતાવી ઘેર આવ્યા. એમણે પરાક્રમના અવશેષો જોયા. આમે એમનો સ્વભાવ આક્રમક હતો. ને આ નુકસાન જોઈ એમનો પિત્તો.. ચિત્તો બની નાના ભાઈ-બેનો પર ત્રાટક્યો. પહેલો જે હાથમાં આવ્યો એને, બે જોરદાર તમાચા પડ્યાં. ને પૂછ્યું, "બોલ, તે તોડ્યું?" ભાઈની લાલ આંખો, પડેલા તમાચા, એણે રડતા-રડતા કહ્યું, "ના મોટાભાઈ, મેં નથી તોડ્યું."


🌄 બીજાનો કાન આમળી, બે તમાચા.. ને કહ્યું, "બોલ, તે તોડ્યું?" બીજાએ કહ્યું, "ના, મેં નથી તોડ્યું." ને ત્રીજાને પકડ્યો, "બોલ નાના, તે તોડ્યું છે?" બાકીના બધા ભાઈ-બેન ધ્રુજવા માંડ્યા. હવે આપણને માર પડવાનો. ત્યાં જ આ નાનો બાલુ બોલ્યો, "હા મોટાભાઈ, મારાથી તૂટી ગયું." ને બે-ત્રણ તમાચા પડ્યા. ને મોટાભાઈ બોલ્યા, "હવે જો આવું કર્યું છે તો, બાલુ.. તારી ખેર નહિ રહે." ને મોટાભાઈ ચાલ્યા ગયા.


🌄 લાલ બુંદી જેવા બાલુનો ગાલ, ઓર લાલ-લાલ થઇ ગયો. થોડીક વારે છ એ છ ભાઈ-બેનો ભેગા થયા. ને બધા બોલ્યા, "બાલુ! તોડનારો તો આ છે. તે તારા પર કેમ લઇ લીધું? તને એક તમાચો વધુ પડ્યો. તે આનું નામ કેમ ન આપ્યું?" એ વખતે પાંચ કે છ વર્ષનો બાલુ બોલ્યો,


-------------------------------------------------------

1 મિનિટ કથા પછી વાંચજો,

તમે કલ્પના કરોને, બાલુ શું બોલ્યો હશે? કદાચ.. આપણી કલ્પના, આ હિમાલયી ઊંચાઈને આંબી નહીં શકે. હિન્દીમાં એક કહેવત છે, होनहार चीज़ के होत है, चीकने-चीकने पाँव| ભાવિના ભેદ.. વેદ વાંચનારા પણ ખોલી ન શકે, તો પોપટિયા જ્યોતિષીઓ શું ભાખી શકવાના. આપણે બાલુના શબ્દો ક્યાંથી કલ્પી શકવાના.

-------------------------------------------------------


🌄 બાલુ તે વખતે બોલ્યો, "મારી આગળ ભાઈએ માર ખાધો. હવે જો હું એમ કહું કે, મેં નથી તોડ્યું.. તો મારા પછી નંબર તમારો બધાનો આવે. તમારે બધાએ માર ખાવો પડે. એટલે મેં વિચાર્યું, મારે ખાવો પડે તો ખાઈ લઉં, પણ.. મારી પાછળના ભાઈઓ તો મારથી બચી જાય. નહીં તો વારો બધાનો આવે. એટલે મેં માથે લઇ લીધું."


-------------------------------------------------------

જરાક વિચારો,

બચપનની આ સમજ, જો યૌવનમાં ને વૃદ્ધાવસ્થામાં રહે, તો યૌવન.. નંદનવન બને, ને વૃદ્ધાવસ્થા.. વૃંદાવન બને. એક બીજા પર દોષારોપણ કરી, અશાંતિના શિલારોપણ કરવાના બદલે, કોઈનો ગુનો ઓઢી.. આવા પ્રેમના વૃક્ષારોપણ કરીએ, તો... ઘણા બધા પ્રદૂષણોથી-pollutionથી-problemથી વૃક્ષો બચાવે છે. થોડામાં ઘણું. વાંચો આગળ

-------------------------------------------------------


🌄 મોટા-નાના ભાઈ-બેન બોલ્યા, "પણ.. તને ભય ન લાગ્યો? તને મોટાભાઇનો ડર ન લાગ્યો?" પણ.. તે વખતે આ નાના-મોટા ભાઈ-બેનને ક્યાં ખબર હતી કે, જગત આખાને નિર્ભય કરનારા આ જીવને ભય શેનો? ને ડર પણ જેનું ડેરિંગ જોઈ ડરી જાય, ને જેની જોડે શેરિંગ કરવા દિલ કરે, એને વળી ડર શું લાગે!


🌄 બાલુનું દિલ તે વખતે બોલ્યું હશે, "આ બાજુ ભાઈ હતા. આ બાજુ'ય તમે ભાઈ હતા. બે બાજુ ભાઈ હોય તો, બે ભાઈ વચ્ચે ભાઈને ભય કેમ લાગે!"


-------------------------------------------------------

જરીક પછી વાંચો,

ભાઈ-ભાઈ વચ્ચે આવી અતૂટ આસ્થા ને અખૂટ આત્મીયતા પ્રગટે, તો દિવાળી બારેમાસ! વાંચો.

-------------------------------------------------------


🌄 બધા જ ભાઈ-બેનો બાલુથી ખુશ થઇ ગયા. એ 5-10 વરસના ભાઈ-બેનોની પાસે, આવતીકાલને જોઈ શકે એવી capacity ક્યાં! એ નાની ફૂટપટ્ટીઓ, હિમાલયને ક્યાં માપી શકે! બાકી તો આ ઈશારો હતો, આવતીકાલનો. અને ઈશારાઓએ જયારે આવતીકાલમાં પ્રવેશ કર્યો, ત્યારે વિશ્વ આકાશે ને જૈન જગતે, એમને.. સમર્થ મહાપુરુષ "પૂજ્યપાદ આ.ભ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા."ના નામે ઓળખ્યા, આવકાર્યા ને હૃદય સિંહાસને બેસાડ્યા.


આ અવતારી જેવા અલગારી પૂજ્ય ગુરૂદેવશ્રીજીનો કાલે.. જેઠ સુદ 3, તા. 25.5.2020, સોમવારે દીક્ષાદિવસ તથા જેઠ સુદ 5, તા. 27.5.2020, બુધવારે જન્મદિવસ છે. જૈનશાસને જન્મ એ.. કર્મની ભેટ માન્યો છે. જન્મ એ કર્મનો ઉદય છે, દુઃખનું નિમિત્ત છે. એની પ્રશંસા ના હોય. તે છતાં, અપવાદ રાખ્યો છે. ને તત્ત્વાર્થ કારિકામાં પૂર્વધર ઉમાસ્વાતિજી મ.જે લખ્યું છે,*


सम्यग्दर्शन-शुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति |

दु:खनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ||

જેનો જન્મ સમ્યગદર્શનથી શુદ્ધ હોય, ને સમ્યગચારિત્રથી યુક્ત હોય, એનો જન્મ પ્રશંસાને પાત્ર છે.


સૃષ્ટિના સર્વોચ્ચ સિંહાસન.. સર્વવિરતી પર બિરાજેલા, ને દ્રષ્ટાના સર્વોચ્ચ દર્શન.. સમ્યગ્દર્શનને વરેલા.. પૂ.ગુરૂદેવશ્રી, આપના ચરણે અમારી અખંડ વંદના!



समदर्शी शीतल सदा, जिनकी अद्भुत चाल;

ऐसे सद्गुरु कीजिए, जो पल में करे निहाल!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top