શનિવાર, 26 જૂન, 2021

Motivational Story 138

સત્ય ઘટના


કલાકોનું અંધારું માટીનો દીવો Second માં દૂર કરી દે ને ઘરને અજવાસથી ભરી દે. પણ.. દીવો સોનાનો હોય તો'ય કોઈના જીવતરને અજવાળાથી ભરી ન શકે. જીવતરને અજવાળાથી ભરવાનું કામ તો માત્ર 'ગુરૂદીવો' જ કરી શકે. અથવા તો ગુરૂદીવો જેને મળ્યો છે એવા જીવો જ કરી શકે.


એ જીવો ક્યારેક પિતા રૂપે મળે, ક્યારેક પુત્ર રૂપે મળે, ક્યારેક મિત્ર રૂપે મળે, માતા રૂપે મળે, ભાઈ-બેન-સ્વજન રૂપે મળે, રે! પત્ની રૂપે'ય એ દીવો મળે.. ને આપણા જીવતરના કાજલઘેરા અંધારાને હટાવી અજવાળાથી ઝળાહળ-ઝળાહળ કરી દે.


વાંચો.. એક દીવાએ અજવાળેલા ઘરની ને જીવતરની સત્ય ઘટના. કદાચ એકવાર તમે'ય એ દીવાને દિલથી ઝૂકી જશો.


✡️ મનમૌજી પણ ફૌજી મિજાજી પતિએ ઘરમાં પગ મૂકતા જ Order કર્યો કે, ''આજે મારા ખાસ મિત્રો મુંબઈથી આવ્યા છે. ને આપણે ત્યાં બપોરે Lunch માટે આવશે. તો તું આજે બટાટાવડા બનાવી દેજે. એમને બટાટાવડા ખૂબ ભાવે છે ને બીજું એમણે ખાસ કહેવડાવ્યું પણ છે.''


✡️ પત્નીએ પૂછ્યું, "આશરે કેટલા વાગે જમવા આવશે? તો એ પ્રમાણે રસોઈ શરૂ કરું." "બાર-સાડાબારની આસપાસ આવી જશે. પણ.. બટાટાવડા તે જ વખતે ગરમાગરમ ઉતારજે. એ લોકોના ખાસ Favourite છે. એટલે Tasty બનાવજે." ધર્મપત્ની ભગવતીબેને કહ્યું, "વડા તો ગરમાગરમ ને Tasty જ બનાવીશ. તમે ચિંતા ના કરો. કેળાવડા એવા બનાવીશ કે એ લોકો બટાટાવડા ભૂલી જશે.''


✡️ "કેળાવડા નહિ, બટાટાવડા બનાવજે.'' ભગવતીબેન કહે, "બટાટાવડા બનાવતા મને નહિ આવડે. મેં ક્યારેય બનાવ્યા નથી. પણ.. કેળાવડા એવા બનાવીશ કે એ લોકો બટાટાવડાને યાદે નહિ કરે.'' પતિ, "તને કહ્યું ને બટાટાવડા બનાવજે. બસ, બનાવવાના એટલે બનાવવાના. કોઈ બહાના નહિ કાઢવાના.''


✡️ ભગવતીબેન કહે, "મેં જિંદગીમાં કંદમૂળ ચાખ્યા નથી, બટાટાવડા ખાધા નથી ને બનાવ્યા નથી. એટલે એ મને નહિ ફાવે. હું કેળાવડા એવા બનાવીશ કે એ લોકોને જરાય ઓછું નહિ લાગવા દઉ.'' પતિ ગરમ થઈને બોલ્યા, "મારે બટાટાવડા જોઈશે જ.'' ભગવતીબેન બોલ્યા, "મેં બટાટાવડા ખાધા નથી તો કોઈને ખવડાવું કેમ?"



-------------------------------------------------------

મોદીજીનું સૂત્ર, હું ખાતો નથી ને ખાવા દેતો નથી. એ સૂત્રનું બીજ કદાચ આજથી 50 વર્ષ પહેલા મહારાષ્ટ્રના સ્ટેશન પણ નથી એવા નાનકડા ગામમાં વવાયું હશે!!!

-------------------------------------------------------



✡️ કથા - ફૌજી મિજાજી પતિએ Last Warning આપી દીધી ને કહ્યું, "જો બટાટાવડા ના બનાવ્યા, તો જોઈ લેજે.'' ને બાર-સાડાબાર થતા તો મિત્રોને લઈ પતિ આવી ગયા. ભગવતીબેને બધાને ભાવભીનો આવકારો દીધો ને જમવા બેસાડ્યા.


✡️ ભગવતીબેન એક-એક આઈટમ પીરસતા જાય ને મહેમાનોને આગ્રહ કરી કરીને જમાડતા જાય. એક-એક આઈટમ એટલી સ્વાદિષ્ટ હતી કે, મહેમાનો મોજમાં આવી ગયા. ને ત્યાં પતિએ વડા મંગાવ્યા. ભગવતીબેને ગરમાગરમ વડા આપ્યા. મિત્રોને પતિએ વડા પીરસ્યા. બધા જ મિત્રો વડા ખાતા જાય ને બીજા મંગાવતા જાય, ને વાહ! વાહ! કરતા જાય.


✡️ એક મિત્રે તો કહ્યું, "આવા વડા ક્યારેય ખાધા નથી. આવા Tasty વડા શેના બનાવ્યા?'' પતિ બોલ્યા, "બટાટાવડા છે. બટાટામાંથી બનાવ્યા.'' ભગવતીબેને આ સાંભળ્યું. એમને થયું, હવે ઘડિયાળમાં તો બાર વાગી ગયા, પણ ઘરમાં મારા બાર વાગવાના! કેમ કે પતિનો મિજાજ કેટલો ગરમ છે, ને પરિણામ શું આવે તે'ય ખબર છે.


પણ.. એમની ધર્મનિષ્ઠાએ એમને મજબૂતાઈ આપી. એમના સત્યે એમને Compromise કરવા ન દીધી. ને એમણે બટાટાવડા ના જ કર્યા.


✡️ આ બાજુ મિત્રોએ જમતા-જમતા કહ્યું, "તારાચંદ! તું કહે છે બટાટાવડા છે. પણ.. આ બટાટાવડાનો Taste નથી. આ બટાટાવડા કરતા'ય અજબના સ્વાદિષ્ટ છે. તારાચંદ! આવા વડાની રેસીપી અમને'ય આપજે. બાકી.. ભાભીના હાથમાં જાદુ છે.'' બધા જ મિત્રો પેટ ભરીને જમ્યા ને કહ્યું, "આ બાજુ આવીએ ત્યારે જમવાનું તારે ત્યાં જ. ને વડા પાક્કા!''


✡️ મિત્રોએ કહ્યું, "તારાચંદ! તારા ઘરે જમતા, ઘરે જમતા હોય એથી'ય વધુ સારુ લાગ્યું.'' બધા મહેમાનો ગયા પછી ભગવતીબેને પૂછ્યું, "આ વડા એ બટાટાવડા નો'તા. તો'યે તમારા મિત્રો રાજી થયા કે નહિ?'' ફૌજી મિજાજી, પણ.. મૌજી પતિએ કહ્યું, "રાજી નહિ, રાજીના રેડ થયા. પણ.. વડા શેના બનાવ્યા હતા?''


✡️ પત્નીએ પાણી પહેલા પાળ બાંધતા કહ્યું, "તમે ગુસ્સે ન થાઓ, તો કહું.'' પતિ કહે, "આજે મારા બધા મિત્રો તારી રસોઈના વખાણ કરતા થાકતા નો'તા. મારે એ જ જોઈતુ હતું. મિત્રો નારાજ ન થાય. પણ.. વડા પર તો બધા આફરીન પોકારી ગયા. મને સમજાતું નથી, એ વડા શેના હતા?''



-------------------------------------------------------

One Minute Please,

પાણી આવતા પહેલા પાળ બાંધતા, આગ લાગતા પહેલા કુવો ખોદતા, ને શબ્દ બોલતા પહેલા પડઘો વિચારતા.. એટલે કે શબ્દોના પરિણામ વિચારતા જો આવડી જાય, તો ભલભલા જોખમ ટળી જાય.

-------------------------------------------------------



✡️ ભગવતીબેને પાળ બાંધીને કહ્યું, "એ વડા બટાટાવડા નો'તા, કેળાવડા જ હતા. પણ.. તમારા બધા મિત્રો ખુશ થઈને ખાઈને ગયા. ને ફરીવાર આવવાનું કહી ગયા.'' ફૌજી મિજાજી પતિ.. મનમૌજી પણ હતા. ને એક દિવસ આ શ્રાવિકાની નમ્રતા, કુશળતા ને ધર્મનિષ્ઠાએ પતિને ધર્મિષ્ઠ બનાવી દીધા.


✡️ બટાટાવડાને બદલે કેળાવડાથી શરુ થયેલી આ પ્રક્રિયાએ એવા સપરમા દહાડા ઉગાડયા કે એક દિવસ સોનાનો ઉગ્યો. ને ફૌજી મિજાજી તારાચંદ સ્વયં અધ્યાત્મની એ ઊંચાઈએ પહોંચ્યા કે સ્વયં સંયમધારી બન્યા!!! ને મહાતપસ્વી પૂ.મુનિરાજ શ્રી તિલકયશ વિજયજી બન્યા. ને હજારો આત્માઓની ધર્મપ્રેરણા બન્યા.


✡️ એમની ઉપશમધારા એ શિખરે પહોંચી કે, ગઈકાલ ને આજને જોઈ માની જ ન શકાય એટલી મધુર ને પ્રશાંત એમની સ્વભાવદશા પ્રગટી હતી. ને પછી આ જ ઘરમાંથી એકવાર નહિ, પણ.. 13-13 વાર એવી શુભવેળા આવી કે, આજે 13-13 સંયમી ભેળા થઈ સંયમપંથે વિચરી રહ્યા છે.


✡️ ને.. વધુ તો આશ્ચર્યને આંચકો ત્યારે લાગે કે, આ એવો પરિવાર બની ગયો કે, 140 વર્ષમાં પરિવારમાં આવેલી-જન્મેલી એક પણ દિકરીનો લગ્નનો માંડવો નથી બંધાયો!!! બધી જ દિકરીઓ દિવડી બની આજે'ય ઝળાહળ તેજ વેરી રહી છે જિનશાસનમાં. આ ગામ એટલે બોરડી(દહાણુ).


✡️  શ્રાવક તારાચંદજી પુનમિયા, શ્રાવિકા ભગવતીબેન પુનમિયા. આ પુનમિયા પરિવાર એટલે વિદ્વદ્વર્ય પૂ.આ.ભ. શ્રી ભાગ્યયશસૂરિજી મ.સા., વિદ્વાન પૂ.પં.શ્રી હ્રીંકારયશવિજયજી મ. ને વિદ્વાન પૂ.મુ. શ્રી તીર્થયશવિજયજી મ.ના, ને 13-13 શ્રમણીના સંસારી દાદા-દાદી. ને.. મહાતપસ્વી શતાધિક ઓળી આરાધિકા સા.શ્રી વિશિષ્ટમાલાશ્રીજી મ. ને વિદૂષી સા.શ્રી વિરલમાલાશ્રીજી મ. આદિના માતા-પિતા.


✡️ ને આ ભગવતીબેનને આવા સુસંસ્કારોનું સિંચન કરનારા હતા, એમના પૂ. પિતાશ્રી જેઠમલજી. જેઓએ પણ પાછળથી સંયમ સ્વીકારી 100 ઓળીના આરાધક મહાતપસ્વી પૂ.મુનિરાજ શ્રી યોગીન્દ્રવિજયજી મ.સા. બની આત્મકલ્યાણ સાધ્યું. ને વંદન કરવાનું મન તો એટલે જ સહજ થયા કરે કે, આજે'ય આ ઘરમાં મુમુક્ષુઓ જન્મે છે ને ચારિત્ર લઈ રહ્યા છે, અથવા કદાચ આવા આત્માઓ જ આ પરિવારમાં જન્મ લેતા હશે જે, બચપણથી જ શ્રમણજીવન ઝંખે છે!


કથા તો પૂરી કરીએ. પણ.. એક મક્કમ શ્રાવિકા, એક સત્ત્વશાળી સ્ત્રી, એક ધર્મનિષ્ઠ પત્ની શું કરી શકે છે, એનું આ ઉદાહરણ પ્રત્યેક જૈનોએ ને ખાસ તો શ્રાવિકા બહેનોએ યાદ રાખવા જેવું છે કે, એક વ્યક્તિ ક્યારેક આખે આખા પરિવારને બદલી શકે છે. પરિવારના સંસ્કાર, સૌભાગ્ય ને બધાને જ બદલી શકે છે. ફક્ત એ ધર્મનિષ્ઠાવંત હોવી જોઈએ. આજે ઘરઘરમાં આવી ગુણવંતી-ભગવતી બેન જો જાગે તો... "જૈનં જયતિ શાસનમ્‌!"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top