Talk of the Day Series
Motivational Story 49
-------------------------------------------------------
👉 Please.. પરિવારને ભેગો કરીને વાંચો.
-------------------------------------------------------
સેવા એ સોદો નથી. વૈયાવચ્ચ એ વ્યાપાર નથી. ભક્તિ એ ભીખ નથી, ભક્તિ એ તો સમર્પણ છે. સોદા ને વ્યાપારમાં condition હોય, જ્યારે ભક્તિ unconditionally હોય. શરત હોય, ત્યાં સમર્પણ ના હોય. સમર્પણ હોય, ત્યાં શરત ના હોય. સોદામાં સ્વાર્થ હોય. વૈયાવચ્ચ ને ભક્તિમાં પરમાર્થ હોય. ભક્તિ.. દેના બેન્ક છે, સોદો.. લેના બેન્ક છે. ભક્તિ.. એ ખુમારી છે, ભીખ.. એ લાચારી છે. ખુમારીની એક શેરદિલ ઘટના..
🗻 હિમાલયના ઉત્તુંગ શિખરોની આસપાસ-ચોપાસ-ગુપ્તવાસમાં અષ્ટાપદ મહાતીર્થ બેઠું છે. એ અષ્ટાપદ મહાતીર્થના રત્નબિંબો ને સોનાના શિખરો ને મણિ મોતી મઢયા ફ્લોરિંગ પર રંગમંડપમાં, દુનિયાને ભૂલીને દિલ ખોલીને લંકાના રાજા રાવણ ને રાણી મંદોદરી ભાવભર્યા સ્તવનો બોલીને સદેહ પ્રમાણ પરમાત્મા આદીશ્વરદાદાની રત્નપ્રતિમા સન્મુખ ભક્તિ કરી રહ્યા હતા.
🗻 દ્વૈતની હાજરી છતાં, અદ્વૈત રચાયું હતું. ભેદ.. અભેદ રૂપે પરિણમ્યો હતો. સરવાળે જુદાઈ ખુદાઈમાં સમાઈ હતી. આ ભક્તિના એકાંત પ્રદેશમાં પ્રભુમિલનનો માંડવો બંધાયો હતો. નિજાનંદનો ઉત્સવ રચાયો હતો. બરાબર એ જ સમયે આકાશી દુનિયાના ધરણેન્દ્રદેવ તીર્થપૂજન ને દર્શન કાજે આવ્યા.
🗻 આ ઋદ્ધિ ને સમૃદ્ધિ ને શક્તિના ભંડાર જેવા શ્રી ધરણેન્દ્ર ઇન્દ્રે મંદિરમાં પ્રવેશ કરતા પૂર્વે પ્રભુને વાંદ્યા. ને એમણે જોયું તો, લંકેશ રાવણ ભક્તિમય બનીને દુનિયા ભૂલીને સ્તવનો બોલી રહ્યા છે. ઇન્દ્ર ધરણેદ્ર ડોલીને ત્યાં જ ઉભા રહી ગયા. એમણે અંદર પ્રવેશ ન કર્યો. કેમ કે, રખે ને.. રાવણની ભક્તિમાં ભંગ પડે તો, એમ વિચારી.
-------------------------------------------------------
One Message,
ક્યારેક મંદિરમાં જઈએ ને કોઈ ભાવવિભોર બની ભક્તિ કરી રહ્યા હોય, ત્યારે આપણે હાથનું જોર ઘંટ પર, ને શબ્દોનું જોર ગળા પર ન લાવીએ. ને કોઈનો પ્રભુદર્શનનો દોર ન તૂટે, માટે વચ્ચે'ય ન ઉભા રહીએ.
-------------------------------------------------------
🗻 કથા - ક્યાંય સુધી રાજા રાવણ ને રાણી મંદોદરી ભક્તિની દુનિયામાંથી બહાર ન આવ્યા. તો'ય વિવેકી ધરણેન્દ્ર ઇન્દ્ર બહાર જ ઉભા રહ્યા. લંકેશ રાવણ ભક્તિ કરીને મંદિરની બહાર આવ્યા. ધરણેન્દ્ર ઇન્દ્રે રાજા રાવણને, "પ્રણામ! સાધર્મિક બંધુ.." કહી મસ્તક નમાવ્યું. લંકેશ રાવણે પણ ધરણેન્દ્ર ઇન્દ્રને ભાવથી પ્રણામ કર્યા. ભાવુક બનેલા ધરણેન્દ્ર ઇન્દ્ર બોલ્યા, "લંકાપતિ રાવણ! તમારી ભક્તિ જોઈ મારા હૃદયમાં'ય ભક્તિના પૂર ઉમટયા છે. તમે તો ધન્ય થયા છો. ને આવી ભક્તિ માણી હું કૃતકૃત્ય થયો છું."
🗻 "લંકાપતિ રાવણ! આજે દિલ અનુમોદનાથી ઉભરાઈ રહ્યું છે. મને અનુમોદના કરવા દો, કંઈક અવસર આપો." લંકાપતિ રાવણે સ્મિત કર્યું. ધરણેન્દ્ર ઇન્દ્ર કહે, "રાજા રાવણ! કંઈક માંગો. તમારી આ ભક્તિથી હું ધન્ય ધન્ય બની ગયો છું. મને તમારી ભક્તિનો કંઈપણ લાભ આપો. જે જોઈએ તે માંગી લો." રાજા રાવણ તો કંઈ ન બોલ્યા, પણ.. એમની ભક્તિસૂરમાંથી આંજેલી નિર્લેપ આંખોએ જવાબ કહી દીધો.
🗻 પણ.. ઇન્દ્ર ધરણેન્દ્ર આજે આ ભક્તિની પ્રબળ અસરો હેઠળ બેઠા હતા. એમણે કહ્યું, "રાજા રાવણ! તમે આજે કંઈક માંગો. આ ભક્તિના બદલામાં તમે જો મારું ઇન્દ્ર સિંહાસન માંગશો તો આજે એ'ય કુરબાન છે. તમારી લોકોત્તર ભક્તિની અલૌકિક વેદી પર. પણ.. તમે કંઈક પણ માંગો." રાજા રાવણના હોઠ તો'ય ન ખુલ્યા. પણ.. ઇન્દ્ર ધરણેન્દ્ર હઠ કરીને બેઠા કે, "તમે હોઠ ખોલો, ને કંઈક બોલો."
-------------------------------------------------------
One Message,
સાચી ભક્તિ.. વિરક્તિ આપે જ. કેમ કે, ભક્ત પ્રભુને સમર્પિત બન્યો હોય. પ્રભુનો command જેની ઉપર હોય, તેને કોઈ demand ક્યાં હોય!
-------------------------------------------------------
🗻 કથા - રાવણ તો'ય કંઈ ન બોલ્યા. છેલ્લે ધરણેન્દ્રના આગ્રહે હદ વટાવી. ત્યારે રાવણે કહેવું પડ્યું, "ધરણેન્દ્ર! મારે કશું જ નથી જોઈતું." ઇન્દ્ર ધરણેન્દ્ર બોલ્યા, "તમારે જોઈએ કે ન જોઈએ, પણ.. મારા મન ખાતર પણ તમે કંઈક માંગો." ઘણી બધી વાર સ્વીકાર ને ઈન્કારની તકરાર ચાલી. છેલ્લે રાવણે કહ્યું, "જો ધરણેન્દ્ર! તમે આપવા જ માંગો છો, તો મને એક ચીજ જોઈએ છે. આપો." ઇન્દ્ર કહે, "ઇન્દ્રાસન હાજર કરું."
🗻 એ વખતે ભક્તિની ખુમારી રાવણના મોઢે બોલી કે, "ઇન્દ્ર! જો આપવું જ છે, તો આપો. મારે એક જ ચીજ જોઈએ છે, જેનું નામ છે "મોક્ષ". તમે એ મને આપો." લંકેશ રાવણના શબ્દો સાંભળતા ઇન્દ્ર ધરણેન્દ્ર ગળગળા થઇ ગયા. ભાવવિભોર થઇ ગયા. ને રાવણ પર ઓળઘોળ થઇ ગયા. ને ભીના બની બોલ્યા, "લંકેશ રાવણ! તમે મારી પાસે મોક્ષ માંગો છો, પણ.. હું પણ પ્રભુ પાસે રોજે-રોજ મોક્ષ માંગુ છું. મોક્ષનો તો હું'ય ભિખારી છું."
🗻 "તો ભિખારી થઇ, દાતાનો દેદાર શું કામ રચે છે." ઇન્દ્ર ધરણેન્દ્ર.. અષ્ટાપદ મહાતીર્થ પર ઇન્દ્રને ભિખારી કહેનારી આ ભવ્ય ખુમારીને, નમેલી નઝરે જોઈ રહ્યા. રાવણ ધરણેન્દ્રને ઝુકેલી નજરે જોઈ રહ્યા ને રત્નમય 24 તીર્થંકરો અમી ભરેલી નજરે જોઈ રહ્યા. આવો, એકવાર આપણે ઇચ્છાઓથી વિભક્ત બની પ્રભુના ભક્ત બનીએ.
🗻 આ પ્રભુભક્તની પ્રાચીન ઘટનાના અંશને લઈને બેઠેલી, એક ગુરુભક્તની અર્વાચીન ઘટના.. જેમનો જન્મદિવસ આવશે. એ પરમ ઉપકારી પૂ.ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ને એક દિવસ બહાર જઈને આવતા અચાનક પૂ.દાદા ગુરૂદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પૂછ્યું, "બોલ વિક્રમ! અત્યારે મારા મનમાં શું વિચાર ચાલતો હશે?" ને વગર ચોમાસે, ને વગર વાદળે, કોઈ વરસાદની આગાહી કરે, ને એ સાચી પડે.. તો ચમત્કાર જ કહેવાય. ન કોઈ વાત, કે નો'તી થઇ ક્યારેય ચર્ચા.
🗻 ને પૂજ્યપાદ ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સાહેબે કહ્યું, "ગુરુદેવ! અત્યારે આપના મનમાં એ વિચાર ચાલે છે કે, હું વિક્રમવિજયને આચાર્ય બનાવું." એક સેકન્ડ પૂ.દાદા ગુરુદેવની નજરો સ્થિર થઇ ગઈ. એમણે બે'ય હાથ માથે મૂકી દીધા. ને કહ્યું, "વિક્રમવિજય! તને કયું જ્ઞાન થયું છે? મારા મનના વિચારો તે કઈ રીતે જાણી લીધા?"
-------------------------------------------------------
Message,
ગુરુ જોડેનો અભેદ ભાવ આ ભેદ ઉકેલી શકે, ભેદભાવ નહિ.
-------------------------------------------------------
🗻 પછી તો ઘણી વાતો થઇ. પણ. પૂજ્યપાદ ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. એક જ સવિનય શબ્દ કહ્યો, "ગુરુદેવ! મારે તો આપના પદકમલ જોઈએ. પદવી ને પદ કરતા, એ પદ ને સંપદા સર્વદા મારુ કલ્યાણ કરશે." ઈચ્છા પર જેનો command.. એને demand ક્યાંથી જાગે. વંદના કરીએ, જિનશાસનના મહાપ્રભાવક, ઊંચા આરાધક, બહુશ્રુત, સમર્થ પૂજ્યપાદ ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ને આજે (જેઠ સુદ 3, સોમવાર, તા. 25.5.2020 - ચાણસ્મા) 90માં દીક્ષાદિને તથા પરમ દિવસે (જેઠ સુદ 5, બુધવાર, તા. 27.5.2020) 104માં જન્મદિને!
આ લોકડાઉનનો સમય છે. જેમાં રોજિંદી ઘણી demand પર આપણે command મેળવ્યો છે. વારે-વારે હોટલમાં જવાનું, લારી-ગલ્લા ને ખુમચા ખૂંદવાના, ને પાઉચો ખોલવાના, ને બિનજરૂરી ખર્ચાઓ, ને શોખો.. ઘણા બધા પર command આવ્યો છે. લોકડાઉનની છૂટછાટ કે પૂર્ણતા, ક્યાંક ફરી commandની કમાન છટકાવી ન જાય, તે જોજો. ને Repeat, કો'ક ઘરોમાં સાધર્મિક બંધુ અડધો ભૂખ્યો, ને ચિંતામાં ન સૂતો હોય.. તે જોતા રહેજો, યથાશક્તિ કરજો.
तेरा दर हो, मेरा सर हो,
बस! ये तमाशा उम्रभर हो!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો