મંગળવાર, 29 જૂન, 2021

Motivational Story 47

Talk of the Day Series

Motivational Story 47


-------------------------------------------------------

👉 Please.. પરિવારને ભેગો કરીને વાંચો.

-------------------------------------------------------


તમારા શબ્દોની અસર જો બીજા પર થાય, તો તમારા વિચારોની અસર.. તમારા પર થાય જ. તમે જે છો, તે તમારા વિચારોનું જ પરિણામ છો. કારણ તમે જ છો, પરિણામ તમે જ છો. You are the cause & you are the effect. ગુજરાતી ભાષા.. જેનું પહેલું વ્યાકરણ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મ.જે. બનાવ્યું હતું. પ્રત્યેક ગુજરાતી જૈનાચાર્યનો આભારી રહેવો જ જોઈએ. એ ગુજરાતી ભાષામાં એક કહેવત છે, રોતો જાય, તે મુઆની ખબર લાવે.


જે માણસ negative વિચારોથી કામ કરે, તેના કામમાં ક્યાંય ભલીવાર ન આવે. જ્યોતિષ શાસ્ત્રનો એક સર્વમાન્ય ને શક્તિશાળી નિયમ છે, "चित्तोत्साहो प्रगल्भते" ચિત્તનો ઉત્સાહ એ શ્રેષ્ઠ મુહૂર્ત છે. ઉત્સાહ વગર તમે ગુરુ-પુષ્યના અમૃત સિદ્ધિયોગમાં કામ કરોને, તો'ય એમાં શક્કરવાર નહીં જ આવે. જયારે ઉત્સાહ સાથે positive thinking સાથે તમે જે પણ કરશો, એમાં સફળતાની શક્યતા ખૂબ જ વધી જશે.


Positive વિચારો હંમેશા હકારાત્મક પરિણામ લાવે જ. વર્ષો પૂર્વે વત્સલ પૂ.ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.ના શ્રીમુખે એક કથા સાંભળેલી. એ કથા, હકારાત્મક વિચારસરણીની પડેલી ગેબી અસરોને, perfect વ્યક્ત કરે છે.


🧲 હતા એ શહેરના કોટ્યાધિપતિ શ્રેષ્ઠી. પણ.. ગ્રહદશા માઠી બેઠી. એમની દશા એ હદે બદલાઈ કે, સાત માળની હવેલી મુકીને પહેરે લુગડે આખા'ય પરિવારને બહાર નીકળી જવું પડ્યું. બધાનું ચૂકતે કરીને જ્યારે શેઠે ગામ છોડ્યું, ત્યારે એમના ગજવામાં એકે કોરી કે પૈસો નો'તો. હતો માત્ર એક ભાતાનો ડબ્બો, જેમાં થોડુંક ખાવાનું હતું.


🧲 ગામ બહાર શેઠે પગ મુક્યો. ગામ તરફ ભીની નજર નાખી. જ્યાં પગ ઉપાડ્યો ત્યાં જ, સામેથી સાધુ ભગવંતોનું વૃંદ-સમુદાય આવતો નજરે નિહાળ્યો. શેઠના ચહેરા પર ખુશીના ખુશ્બુભર્યા ફૂલ ખીલ્યા. શેઠાણી-દીકરો ને વહુ.. બધા જ આનંદમાં આવી ગયા. ને ગુરુવંદના કરીને શેઠે ગોચરીનો-ભિક્ષાનો લાભ આપવા વિનંતી કરી. મહાત્માએ એમનો અત્યંત ભાવ જોઈ હા પાડી. ને પાત્ર ધર્યું. ને કહ્યું, "એકદમ થોડુંક લેજો. વધારે ખપ નથી."


🧲 પણ.. શેઠ પરિવારનો ભાવ એટલો ઉત્કૃષ્ટ ને અદમ્ય હતો કે, એમણે ભાતાનો આખો ડબ્બો ઊંધો વાળી દીધો. મહાત્મા કહે, "અરે.. અરે.., ભાગ્યશાળી! આટલો ખપ નો'તો. તમે બધું જ વહોરાવી દીધું. ડબ્બો જ ઊંધો કરી દીધો." પરિવારના ચહેરા પર આનંદ હતો, ને શેઠની આંખમાં આંસુ. પણ.. બેમાંથી એકને'ય ખબર નો'તી કે, ભાતાનો ડબ્બો ઊંધો થયો, ને ઊંધા ભાગ્યનો ડબ્બો સીધો થઇ ગયો!


🧲 શેઠે પરિવારને કહ્યું, "હવે પગલે-પગલે આપણો સિતારો છે. કેમ કે, મહાત્માના શુકનનો સથવારો છે. હવે, જે થાય તે સારા માટે. સુપાત્રદાન જેવું શુકન કયું, લાભ કયો!" પરિવારે પ્રસન્ન મને જંગલની વાટ પકડી. જંગલ પાર કરતા સાંજ પડી. બપોરથી જમ્યા નથી. જે થોડાક વૃક્ષના ફળ ને નદીના જળ મળ્યા તેનો ટેકો રહ્યો. પત્ની ને દીકરો કહે, "હવે ક્યાં જઈશું? ગામમાં તો કોઈ જાન-પહેચાન ક્યાં."


🧲 શેઠ કહે, "ચિંતા ના કરો. કોઈની ઓળખાણ-પિછાણ નથી, તો કંઈ નહિ. હું જાઉં છું ગામમાં. હવે, જે થાય તે સારા માટે." શેઠ ભૂખ્યા પરિવાર માટે, ભોજનની વ્યવસ્થાના વિચારમાં ગામમાં આવ્યા. પણ.. માંગવા જીભ ઉપડતી નથી. જે હાથે સદા આપ્યું છે, એ જીભે માંગે કઈ રીતે? શેઠ એક દુકાનના ઓટલા પર બેઠા. હજુ પાંચ મિનિટ બેઠા ન બેઠા ત્યાં તો, શેઠની દુકાન પર ઘરાકોની ભીડ જામી ગઈ. ને દુકાન ખાલી થવા માંડી.


🧲 શેઠ વિચારમાં પડી ગયા, કોઈ દિવસ નહીં ને આજે આટલી ભીડ? આટલો ધંધો? દુકાનદારને ચમત્કાર લાગ્યો. એની નજર ઓટલા પર બેઠેલા તેજસ્વી લલાટધારી શેઠ પર પડી. એ બહાર આવ્યા ને પૂછ્યું, "ભાઈ! ક્યાંથી પધાર્યા?"


-------------------------------------------------------

ઊંચા માણસોની ભાષા'ય ઊંચી જ હોય. જો કે, કલિયુગે "ઊંચે લોગ-ઊંચી પસંદ" R.M.D.ને આપી દીધું. બાકી શ્રેષ્ઠ ને સજ્જન માણસોની ભાષા'ય મધુર ને ઊંચી રહેવાની જ.

-------------------------------------------------------


🧲 ઓટલા પર બેઠેલા શ્રેષ્ઠીએ ઉભા થઇ દુકાનમાલિકને પ્રણામ કર્યા. ને કહ્યું, "બાજુના દૂરના ગામડામાંથી આવ્યા છીએ." "તે એકલા છો, કે પરિવાર સાથે?" "ના, શેઠ! બધો જ પરિવાર સાથે છે." "તો ભાઈ! આજે જમવાનો લાભ મને જ મળવો જોઈએ. ચાલો, હું'ય ચોવિહાર કરું છું. રાત્રે નથી જમતો. પરિવારને'ય સાથે જ આવવાનું છે."


-------------------------------------------------------

1 મિનિટ, કથા પછી વાંચજો.

હજારોને જમાડનારા શેઠની આંખમાં આંસુ આવી ગયા, કોઈએ જમવાનું કહ્યું એટલા માત્રથી. કોના દિવસો, ક્યારે, કેવા આવે, કોને ખબર! કોઈ ભૂખ્યા ને કોઈ સાધર્મિક પરિવારને એકવાર કર જોડીને, શબ્દોમાં સ્નેહ જોડીને, વિનવજો. કદાચ.. ક્યારેક કલ્પવૃક્ષને સીંચવાનો લાભ મળી જાય. કથા વાંચો.

-------------------------------------------------------


🧲 શેઠની આંખોમાં ભીનાશ તરવરી. પણ.. એમની ખાનદાની બોલી, "ના, શેઠ! જમવું નથી." પણ.. દુકાન માલિક શેઠે કહ્યું, "મારા સોગંદ! ના પાડી તો." ને શેઠે ગામ બહાર બેઠેલા પરિવારને હકીકત કહીને કહ્યું, "આપણને ગુરુના સુપાત્રદાનનો લાભ મળ્યો હતો, માટે.. જે થાય તે સારા માટે. ચાલો, જમવા." હજારોના અન્નદાતા કરોડપતિ પરિવારના કોઠે -કોઠે દીવા પ્રગટયાં. બધા ગામમાં શેઠના ઘરે આવ્યા. બધા સાથે જમ્યા પછી ઘર માલિક શેઠે કહ્યું, "આવો, આપણે બે ઘડી બેસીએ." ને બંને બેઠા.


🧲 ને પૂછ્યું, "સાચું કહેજો, તમે કોઈ તકલીફમાં છો? જે હોય તે સાચેસાચું કહેજો. તમારો રાજવંશી ચહેરો, આ તમારો વિવેકી ને તેજસ્વી પરિવાર.. મને લાગે છે તમે કોઈક મુસીબતમાં છો. તમે પુણ્યશાળી છો. તમે મારા ઓટલે બેઠા, ને મારી દુકાનમાં દિવાળી આવી ગઈ. તમે મારી દુકાનમાં જોડાઈ જાઓ. અથવા એક બીજું ઘર ને દુકાન મારા જ બંધ પડ્યા છે. તમે ત્યાં ધંધો શરુ કરો. હું માલ ભરાવી દઉં. તમે કમાશો જ. પછી આપી દેજો."


-------------------------------------------------------

યાદ રહે,

મદદ કરનારને.. મદદ કરનાર મળી જ રહે!

-------------------------------------------------------


🧲 શેઠે સારો દિવસ જોઈ દુકાન ખોલી. ને પરિવારની સાથે પ્રભુનું સ્મરણ કરી, મહામંત્ર નવકાર ગણીને કહ્યું, "અજાણ્યા ગામમાં, અજાણ્યા માણસને, અજાણ્યા શેઠ, આટલી બધી મદદ કરે, એ પ્રભાવ છે ગુરુના શુકનનો ને મળેલા સુપાત્રદાનનો. તમે બધા વિશ્વાસ રાખજો હવે તો, જે થાય તે સારા માટે." ને થયું પણ એવું જ. શેઠના positive angle વિચારે બધી જ બાજી પલટી નાખી.


🧲 થોડા જ દિવસમાં દુકાન જામી ગઈ. ધંધો ધમધોકાર જામ્યો. ને શેઠે દુકાન ને ઘર છ મહિનામાં તો ખરીદી લીધા. ચાર જણનો પરિવાર સુખેથી રહે છે. એક દિવસ ખબર નહીં, પણ.. કોઈક અટકચાળો-કાંકરીચાળો કરી ગયો. ને વહુ, સાસુથી રિસાઈને પિયર ચાલી ગઈ. પહેલી જ વાર આવું બન્યું હતું. એટલે શેઠાણી ને દીકરો upset થઇ ગયા. શેઠને દુકાનમાંથી શેઠાણીએ બોલાવ્યા. ને કહ્યું, "વહુ રિસાઈને પિયર ચાલી ગઈ." ને શેઠાણી રડી પડ્યા.


🧲 શેઠ કહે, "એમાં રડે છે શું? ચિંતા મૂકી દે. આપણે શુકન સાથે નીકળ્યા છીએ. જે થાય તે સારા માટે." શેઠ તો ઘરાકોમાં ખોવાઈ ગયા. શેઠાણીએ જઈને દીકરાને કહ્યું, "તારા પિતાજી તો એક જ બોલે છે, જે થાય તે સારા માટે." છોકરો કહે, "માં! પિતાજીને ગામ બહાર નીકળતા થયેલા ગુરુના શુકન, ને મળેલા સુપાત્રદાન પર પાક્કો ભરોસો છે. ને જો, થઇ પણ એવું જ રહ્યું છે. માટે.. જે થાય તે સારા માટે."


🧲 થોડાક દિવસ વીત્યા, ને શેઠાણીએ બપોરે દુકાનમાં આવીને શેઠને કહ્યું, "ખૂબ નુકસાન થયું છે. આપણો જે વાડો છે, એના compoundનો આગળનો થોડોક ભાગ તૂટી પડ્યો." શેઠ કહે, "તું ચિંતા ન કર, જે થાય તે સારા માટે." શેઠાણી કહે, "શું? compound તૂટી ગયું સારા માટે? કોઈ ચોર ઘૂસીને રાતે ચોરી કરી જશે, ને તમે તો બસ ફક્ત એક જ રટના લઈને બેઠા છો. જે થાય તે સારા માટે. મને ચિંતા થાય છે."


🧲 શેઠ કહે, "મૂક ચિંતા. જે થાય તે સારા માટે." શેઠાણી પગ પછાડી અંદર ચાલ્યા ગયા. થોડાક દિવસ ઓર વીત્યા, ને એક દિવસ શેઠાણીએ આવીને રડતા-રડતા કહ્યું, "આપણો વફાદાર મોતીયો મરી ગયો. એ હતો તો રાતે ધરપત રહેતી. કોઈને compoundમાં ઘૂસવા દેતો નો'તો." શેઠ કહે, "ચિંતા ના કર. જે થાય તે સારા માટે."


🧲 શેઠાણી ચિડાઈ ગયા. ને બોલ્યા, "દર વખતે એક જ બોલે રાખો છો. જે થાય તે સારા માટે. મારી વહુ ગઈ.. સારા માટે. compound તૂટ્યું.. સારા માટે. મોતીયો મરી ગયો.. સારા માટે. કાલે હું મરી જઈશ, તો'ય બોલજો.. જે થાય તે સારા માટે." શેઠ કહે, "તું ભરોસો રાખ. આમાં'ય કંઈ સારું થવાનું હશે. આપણને ગુરુ ને સુપાત્રદાનનો લાભ મળ્યો છે." શેઠાણી પગ પછાડી બોલતા-બોલતા અંદર ચાલ્યા ગયા.


🧲 4-8 દિવસ વીત્યા ન વીત્યા, ત્યાં તો બપોરે શેઠાણીએ શેઠને દુકાનમાંથી ઘરમાં બોલાવ્યા. શેઠ કહે, "દુકાન ચાલુ છે, તું ચિંતા ના કર. જે થાય તે સારા માટે." શેઠાણી કહે, "પહેલા અંદર આવો." શેઠ ઘરમાં ગયા. શેઠાણીએ ઘરનો દરવાજો બંધ કર્યો. ને કહ્યું, "જુઓ આપણો તૂટેલો compoundનો ખાંચો છે ને, ત્યાં આજે આ પોઠ-આખી કોથળી પડી હતી. હું ખેંચીને ઘરમાં લઇ આવી. ને ખોલીને જોયું તો, અધધધ... સોનામહોરો ને મોતી."


🧲 શેઠાણી કહે, "આપણે પહેલા જેવા જ થઇ જવાના." શેઠ કહે, "મેં તને કહ્યું નો'તું, જે થાય તે સારા માટે." શેઠાણી કહે, "આ ધન મળ્યું તે સારા માટે. બાકી મારી વહુ ગઈ ને, તે સારા માટે છે જ નહિ." શેઠ કહે, "જો તારી વહુ અહીં હોત, તો આ પોઠ ને હીરા-મોતી ને સોનૈયા મળ્યા, એ વાત ગુપ્ત રહેત ખરી? કે આજુબાજુમાં વહુ કહી આવત?" દીકરો કહે, "પપ્પા! એ બહાર બોલ્યા વગર રહે એવી નો'તી." "તો બેટા! એ પિયર ગઈ એ, જે થાય તે સારા માટે."


🧲 શેઠાણી કહે, "ચાલો, પણ compound તૂટ્યું, એમાં'ય તમે તો બોલતા હતા, જે થાય તે સારા માટે." "જો સાંભળ, compound તૂટ્યું ન હોત, તો આ પોઠ અંદર આવત કઈ રીતે? compound તૂટેલું હતું, માટે જ પોઠ અંદર આવી, ને પોટલું નાખી ગઈ." "હા ચાલો, પણ.. મોતીયો મરી ગયો, તે'ય તમે તો સારા માટે કહ્યું હતું."


🧲 શેઠ, "જો સાંભળ, મોતીયો જીવતો હોત, તો એ ડાગીયો compoundમાં પોઠને ઘૂસવા દેત?" શેઠાણી, "ના, ન જ ઘૂસવા દેત." શેઠ, "તો.. જે થાય તે સારા માટે. હજુ'ય કહું છું, તને ગુરુના શુકન ને સુપાત્રદાનનો લાભ મળ્યો છે, જે થાય તે સારા માટે. આપણું બધું જ સારું થવાનું, positive જ થવાનું. તું negative-નકારાત્મક વિચાર જ નહિ. નકારાત્મક વિચારસરણી અપશુકન છે, હકારાત્મક વિચારસરણી શુકન છે."


🧲 ને ત્યાં તો ડેલીની સાંકળ ખખડી. ને શેઠાણીએ દરવાજો ખોલ્યો, તો વહુ આવી હતી. વહુએ સાસુને પાયં લાગણ કર્યા. શેઠને પગે લાગી. પતિને પગે લાગી. ને બધું પતિ ગયું. શેઠ બોલ્યા, "જે થાય તે સારા માટે."


કથા તો પૂરી થાય છે. પણ.. આ લોકડાઉનના સમયમાં આ સૂત્ર રોજ 27 વાર બોલો, "જે થાય તે સારા માટે" ગંગાના નીર પીવાલાયક થઇ ગયા. દૂરથી હિમાલય દેખાવા લાગ્યો. આકાશી દુનિયાનો નઝારો અલૌકિક દીસે છે. ઘરના માણસો જોડે રહેવાનું આટલું બધું નસીબ, 7 પેઢીમાં કોઈને મળ્યું હશે કે નહિ, પણ.. લોકડાઉને આપ્યું છે.


ને વધુમાં, એક તક ને તકદીર.. આ લોકડાઉનના હિસાબે ઘણા બધા પૂ.સાધુ સાધ્વીજી મ. એક જ ઠેકાણે રોકાયા હશે, કે રોકાશે. એ બધાનો લાભ આ સમયે ઉત્તમ મળી શકે. તમે વ્યક્તિગત કે સંઘના લેવલ પર આ લાભ અવશ્ય લેશો. આવો અપૂર્વ સેવાનો અવસર ફરી નહીં જ મળે. ને સાધાર્મિકને'ય ભૂલતા નહિ.



जस घर जिनपूजा नहीं, नहीं सुपात्रे दान,

वह घर.. घर नहीं, वह घर जाण स्मशान!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top