Talk of the Day Series
Motivational Story 124
-------------------------------------------------------
પહેલાના કાળના જૈનો કેવા સત્ત્વશીલ, સાચા ને પ્રામાણિક હતા એનું એક જીવંત દ્રષ્ટાંત.
પરિવાર સાથે જ વાંચજો. ને આપના ઘરમાં કોઈ વડીલ હોય, તો તેમને ખાસ વાંચીને સંભળાવજો.
-------------------------------------------------------
સત્ય ઘટના
સમય બદલાયો, માણસ બદલાયો કે વિશ્વાસ બદલાયો.. જે હોય તે. પણ.. 'એક વખત માણસ બોલે એટલે વાત પૂરી', વચન પર ભરોસો હતો. પછી વચનથી આગળ સાદા કાગળ પર સહી હોય, એટલે વાત પૂરી. આજે Stamp Paper. હજુ આગળ, Eye Witness, તો’ય વાત પૂરી નથી થતી.
સમય, માણસ, ને વિશ્વાસ બદલાયો કે બગડ્યો? એ બિમાર પડ્યો કે કમજોર થયો? એ બધી ચર્ચામાં સમયના ખર્ચા છે, વળતર વગરના. Best તો એ જ છે કે, માણસનો જ કાયાકલ્પ થાય. આ કાયાકલ્પમાં પ્રેરકબળ બને, એવી એક સત્યઘટના.
🪕 શૂન્યમાંથી સર્જન કરી શ્રેષ્ઠી બનેલા યુવાન ભીમને સૌ આદર્શ માનતા. એની જબરી ધગશ-આવડત ને વચનબદ્ધતા, સ્વભાવની મીઠાશને સૌ વખાણતા. જૈનાચાર્ય તપાગચ્છાધિપતિ શ્રી જગત્ચંદ્રસૂરીશ્વરજી મહારાજનાના એ પરમ ઉપાસક હતા. સંસારની સફરમાં હમસફર બનેલી શ્રાવિકા પણ ઉચ્ચ સંસ્કારી હતા. બાળકોને કેળવવામાં બંન્ને જણે પૂરું ધ્યાન આપ્યું હતું.
🪕 દિકરાઓ મોટા થયા. શેઠ ભીમ સોનીએ એમને ધંધામાં પલોટ્યા. ખંભાત મોટુ બંદર. ધંધો ધમધોકાર. શેઠ ભીમ સોનીએ પ્રમાણિકતા-વચનબદ્ધતા ને સ્વભાવમાં નમ્રતા ખૂબ ઘૂંટી-ઘૂંટીને દિકરાઓમાં ભરી હતી. પણ.. પુષ્કરાવર્તના મેઘમાં’ય બધા ઘડા ના ભરાય, કો’ક તૂટેલ હોય, કોઈ ફૂટેલ હોય, કોઈ કાણો હોય, કોઈ ઊંધો હોય. હા, કોઈ પૂર્ણ ઘડો પણ હોય. તો’ય શેઠ ભીમસોની પોતાનો સંસ્કાર વારસો દિકરાને આપતા જ રહ્યા.
🪕 એક દિવસની વાત છે. શેઠ ભીમસોની જાગતી જ્યોત શ્રી મલ્લિનાથ દાદાના દર્શને ઉલટભેર નીકળ્યા. દાદાના દર્શનાર્થે ગયેલા ભીમસોનીને સશસ્ત્ર ધાડપાડુઓએ-ચોરોએ પાછા વળતા પકડી લીધા. શેઠ ભીમસોની પ્રતિકાર કરે કે વિચાર કરે એ પહેલા તો ધાડપાડુઓ એમને બાંધીને જંગલમાં ખેંચી ગયા. ધાડપાડુઓએ કહ્યું, “જો બચવું હોય, તો 4,000 સોનામહોર આપ.‘’
🪕 શેઠ ભીમસોની નિર્ભય હતા. નીડર હતા. એમણે કહ્યું, "સોનામહોર આપું. પણ.. અત્યારે તો મારી પાસે નથી. તમે ચાલો મારી સાથે, ઘેર જઈને ગણી આપું.‘’ ધાડપાડુ-ચોર કહે, “તમે અમને મૂર્ખા સમજો છો? અમે આવીએ, ને તમે અમને પકડાવી દીધા વગર થોડા રહેવાના. અમે ત્યાં ન આવીએ.‘’ શેઠ ભીમસોની કહે, “હું જૈન છું. મારા પર ભરોસો હોય, તો ચાલો.‘’
🪕 ચોર કહે, “ના, એ ધંધો અમારે નથી કરવો. તમે એમ કરો, તમારા ઘરે ચિઠ્ઠી લખી આપો. અમારો માણસ ત્યાં જઈને લઈ આવશે. ને 4,000 સોનામહોર અહીં આવશે, પછી જ તમને છોડશું.‘’ શેઠ ભીમસોનીએ દિકરાઓ પર ચિઠ્ઠી લખી આપી. ને સ્પષ્ટ લખ્યું, "4,000 તુરંત આપજો." ધાડપાડુ કહે, “શેઠીયા! ધ્યાન રાખજો. જો અમારા માણસને કંઈ થયું, તો તમે બચી નહિ શકો.‘’
🪕 શેઠ ભીમસોની કહે, “તમને વિશ્વાસ હોય તો મોકલો. હું જૈન છું. અમારે ખોટું બોલવાની મનાઈ છે.‘’ ધાડપાડુ કહે, “લ્યો ચિઠ્ઠી, લખો.‘’ શેઠ ભીમસોનીએ ચિઠ્ઠી લખીને સ્પષ્ટ કહ્યું કે, "તુરંત 4,000 સોનામહોર આપી દેશો." ધાડપાડુનો માણસ શેઠના ઘરે સોનામહોર લેવા ગયો. સમય પાસ કરવાનો હતો. શેઠ ભીમસોનીએ નવકાર જાપમાં ને પ્રભુમાં પોતાનું ચિત્ત પરોવ્યું.
🪕 ચોરો આ જોઈ ચકરાયા. એ બધા કહે, "આ માણસને થડકારો’ય નથી. ને મંત્ર જપે છે." ચોરોએ વાત ચાલુ કરી કે, “તમને ડર નથી લાગતો?‘’ શેઠ ભીમસોની કહે, “ડર શેનો?‘’ “અરે! અમે તમને મારી નાખીએ તો?“ શેઠ ભીમસોની, “જો તમે મારી જ નાખવાના હો, તો ડરીને મરવું એના કરતા પ્રભુને સ્મરીને મરવું શું ખોટું?‘’ ચોરોને આ માણસ અજબ લાગ્યો. આ બાજુ ધાડપાડુનો માણસ 4,000 સોનામહોર લઈ આવ્યો.
🪕 ધાડપાડુઓએ બરાબર ગણી. 4,000 પૂરી હતી. ચોરોએ શેઠને કહ્યું, “અમે તમને ગામ બહાર છોડી દઈએ, ચાલો.‘’ શેઠ ધાડપાડુઓ સાથે જંગલમાં ચાલ્યા. ને અચાનક એક ધાડપાડુ કહે, "સોનામહોર સાચી તો હશે ને? આપણો એક જણ ગામમાં જઈ ખાતરી કરી આવે, પછી જ આગળ વધીએ." ત્યાં બીજો ધાડપાડુ કહે, “આ શેઠ પોતે જ સોની છે. એને જ પૂછી લો ને.‘’ બધા ધાડપાડુએ શેઠ ભીમસોનીને પૂછ્યું, “આ સોનામહોર સાચી છે કે બનાવટી?‘’
🪕 શેઠ ભીમસોની કહે, “મને તપાસવા આપો.‘’
-------------------------------------------------------
One Minute,
ચોરોને થોડાક કલાકના સહવાસમાં શેઠ પર ભરોસો બેસી ગયો. વ્યવહાર એવો રાખીએ ને તો, ચોરને’ય વિશ્વાસ બેસે. બાકી.. ઘરના ચારને’ય આપણી પર વિશ્વાસ નથી, વર્ષોના સહવાસ પછી’ય!
યાદ રહે,
માણસ સાચો હોવો જરૂરી છે, તો સાચો દેખાવો’ય.. લાગવો’ય.. જરૂરી છે. વ્યવહારને Transparent રાખો, ચોક્ખો રાખો.
-------------------------------------------------------
🪕 કથા - ધાડપાડુઓએ સોનામહોર સોની શેઠને આપી. શેઠ ભીમસોનીએ એક-એક સોનામહોર જોઈને કહ્યું, “આ બધી જ બનાવટી છે. મારા દિકરાએ તમારી સાથે દગો કર્યો.‘’ ધાડપાડુ, “શેઠીયા! તું બનાવટી કહે છે, એનું પરિણામ તારું મોત...‘’ શેઠ ભીમસોની, “જો ભાઈઓ! જૂઠું બોલી હિરાસતમાંથી છૂટવા કરતા, સાચું બોલી શહાદત વહોરવી, એમાં વધુ મૌજ છે.‘’
🪕 ધાડપાડુ કહે, “શેઠીયા! તમને મારવા જીવ ના પાડે છે.‘’ શેઠ ભીમસોની, “જો તમને વિશ્વાસ હોય, તો મને જવા દો. હું તમારી 4,000 સોનામહોર તમને પહોંચાડીશ. આજે ને આજે જ. પછી મોઢામાં પાણી નાખીશ.‘’ ધાડપાડુ કહે, “શેઠીયા! અમને તારા બોલ પર વિશ્વાસ છે.‘’ ને ધાડપાડુઓએ શેઠને જંગલ પાર કરાવી દીધું.
-------------------------------------------------------
જરીક પછી વાંચજો,
લૂંટારા.. શેઠના બોલ પર વિશ્વાસ રાખે, એ કાલનો જમાનો. સાથે રહેનારા..તમારા કોલ પર, કરાર પર વિશ્વાસ રાખે કે ન રાખે, એ આજનો જમાનો!
-------------------------------------------------------
🪕 શેઠ ભીમસોની ચૂસ્ત જૈન. ભૂખ-તરસ બંન્ને પરેશાન કરી રહી હતી. એમણે ઘરે પહોંચતા જ છોકરાઓને નજરથી ઠપકો આપ્યો. ચારે છોકરા શરમિંદા થઈ ગયા. શેઠે 4,000 સોનામહોર લીધી. ત્યાં જ સમાચાર આવ્યા, ધાડપાડુ ને રાજાના સિપાઈઓ વચ્ચેની અથડામણ થઈ. એમાં ચારે ચોરો વિંધાઈ ગયા. શેઠે 4,000 સોનામહોર જુદી મૂકી ને દોડતા ગામ બહાર આવ્યા.
🪕 ચારે ધાડપાડુના શબનો અગ્નિસંસ્કાર કર્યો ને ઘેર આવ્યા. દિકરાઓને કહ્યું, “આ 4,000 પર આપણો હક નહિ. ચોરોના કોઈ વારસદાર હોય તો પણ.. કોણ વારસદાર થવાનો દાવો કરે?‘’
-------------------------------------------------------
એક નાનોશો પ્રશ્ન,
હવે સોનામહોર આપવાની જરૂર ખરી?
તમે કથા વાંચો છો ને? તમને શું લાગે? જેને આપવાની હતી એ તો રહ્યા જ નથી, હવે વચન પાળવાનું’ય ક્યાં રહે? પણ.. ખંભાત નગરના આ જૈન શ્રેષ્ઠી ભીમસોનીએ જે નિર્ણય લીધો ને, તે કદાચ મારી તમારી ને આપણી કલ્પના બહાર છે.
-------------------------------------------------------
🪕 શેઠ ભીમસોનીએ દિકરાઓને કહ્યું, “બેટા! આ સોનામહોર એમના નામ પર થઈ ગઈ હતી. એની ઉપર આપણો હક નથી.‘’ અને એ જ વખતે સોની ભીમ શ્રેષ્ઠીએ એ 4,000 સોનામહોર વ્યાજે મૂકી દીધી. ને એના વ્યાજમાંથી ચોરોના આત્મકલ્યાણાર્થે 19મા તીર્થંકર શ્રી મલ્લિનાથ દાદાના જિનાલયે દર વર્ષે પૂજા ભણાવવી ને બાકીની રકમ જિનાલયમાં અર્પણ કરી દેવાની. વાંચ્યુ છે, આજે’ય એ પૂજા ભણાવાય છે. ને વધેલી રકમ દેરાસરમાં ભરાય છે.
કથા તો પૂરી કરીએ. પણ.. એક સંકલ્પ કરજો કે, કોઈનું’ય દેવું માથે રાખવું નહિ. તેના કે આપણા.. બેમાંથી એકે’યના આયુષ્યનો ભરોસો નથી.
એક સૂત્ર ઘરે લખો અથવા યાદ રાખો,
"દેવું થાય તેવું ખરચવું નહિ, અજીર્ણ થાય તેવુ ખાવું નહિ, ઝઘડો થાય તેવું બોલવુ નહિ."
પ્રમાણિકતા ને વચનબદ્ધતાની આ કથા જીવનમાં હંમેશા કામ લાગશે, જો યાદ રાખશું તો. એક વાર જૈનત્વની ગરિમાને વધારનારાને હૈયેથી વધાવો.
ऐसी जगह बैठ,कोई ना कहे ,उठ।
ऐसी बानी बॉल ,कोई ना कहे झूठ।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો