સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 128

Talk of the Day Series

Motivational Story 128

Part A


-------------------------------------------------------

શ્રાવક જીવનના વાર્ષિક 11 કર્તવ્યો.

સુંદર ને સરળ શૈલીમાં સમજ.

-------------------------------------------------------


તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ભલે ને હોય, પણ.. જેણે તરવુ હોય એણે ત્યાં જવુ પડે. શત્રુંજય મહાતીર્થ મને કે તમને તારવા ક્યારેય આપણા આંગણે નહિ આવે. જ્યારે પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ તો મને ને તમને સૌને તારવા વરસો વરસથી આપણા આંગણાથી આગળ.. આપણા દ્વારે.. આવીને ઊભા રહે છે.


8 દિવસ જે આરાધનનાની હોડીમાં આરાધક ભાવ લઈને બેસી જાય, એનો બેડો પાર થઈ જાય, એ તરી જાય. પર્વાધિરાજની આરાધનાનો કાલે બીજો દિવસ છે. કાલે પ્રવચનમાં વાર્ષિક 11 કર્તવ્યોનું વર્ણન થશે. શ્રાવકે વરસમાં એકવાર આ 11 કર્તવ્યોને ઉજવવા જ જોઈએ. યથાશક્તિ કર્તવ્યો ઉજવવા એ ધર્મ છે. એ ૧૧ કર્તવ્યોના નામ છે...

• 1) સંઘપૂજા

• 2) સાધર્મિક ભક્તિ

• 3) યાત્રાત્રિક

• 4) સ્નાત્ર મહોત્સવ

• 5) દેવદ્રવ્ય વૃદ્ધિ

• 6) મહાપૂજા

• 7) રાત્રિજગો

• 8) શ્રુતપૂજા

• 9) ઉજમણુ

• 10) તીર્થપ્રભાવના

• 11) આલોચના


આપણે Shortમાં 11 કર્તવ્યો જાણીએ.


✒️ 1) સંઘપૂજા :

શ્રાવકે વર્ષમાં એકવાર અવશ્ય સંઘની પૂજા કરવી જ જોઈએ. સંઘપૂજા એટલે એનુ બહુમાન કરવુ. સંઘપૂજન, તિલક, લ્હાણી, પ્રભાવના આદિ કરવા. વસ્તુપાલ વર્ષમાં 3 વાર સંઘપૂજા કરતા. પેથડ શાહે 72 લાખ પ્રાંત ખર્ચી સંઘપૂજા કરી હતી. મુનિચંદ્રસૂરીજી મ.એ તો લખ્યુ છે, "તીર્થંકર અનંતર શ્રીસંઘ" એટલે તીર્થંકર પછી તરત પૂજ્ય હોય તો તે સંઘ છે. આવા સંઘના સભ્યોની અવજ્ઞા, ઉપેક્ષા, નિંદા ક્યારેય ન થાય. યથાશક્તિ સંઘપૂજા એકવાર તો કરવી જ. કુમારપાળ દર વર્ષે કરોડ સાધર્મિક ભક્તિમાં વાપરતા.


✒️ 2) સાધર્મિક વાત્સલ્ય :

પુણિયા શ્રાવકની સાધર્મિક ભક્તિની પ્રેરણા લઈ યથાશક્તિ સાધર્મિકને જમાડવા. બને તો સંઘસ્વામીવાત્સલ્ય વર્ષમાં એક તો કરવુ જ. સ્વામીવાત્સલ્યમાં કોઈ તીર્થંકરનો જીવ, કોઈ ગણધરનો આત્મા કે કોઈ ઉચ્ચ આત્માનો આરાધકોનો લાભ પણ અજાણતા’ય મળી જાય. ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ પ્રભુએ આ જ સાધર્મિક ભક્તિથી તીર્થંકર નામકર્મ બાંધ્યુ હતુ.


વસ્તુપાળ-તેજપાળ-અનુપમાના રસોડે રોજના 50,000 જમતા હતા. આપણે પણ યથાશક્તિ સાધર્મિક ભક્તિ કરીએ.


✒️ 3) યાત્રાત્રિક કર્તવ્ય :

3 યાત્રાના નામ છે, અષ્ટાહ્નિકા યાત્રા, રથયાત્રા, સંઘયાત્રા. શ્રાવકે વર્ષમાં એકવાર અવશ્ય આ ત્રણ યાત્રાનું આયોજન કરવુ જ જોઈએ.


A) અષ્ટાહ્નિકા યાત્રા : ભક્તિયાત્રા એટલે પ્રભુનો ભવ્યાતિભવ્ય આઠ દિવસનો કે અનુકુળતાનુસાર ઠાઠમાઠથી જિનભક્તિ મહોત્સવ ઉજવવો. પણ.. વર્ષે એક નાનુ-મોટુ અનુષ્ઠાન તો કરાવવુ જ.


B) રથયાત્રા : નગરના રાજમાર્ગો પરથી દબદબાભેર રથયાત્રાનું આયોજન શ્રાવકે કરવુ. સામૈયા ને શોભાયાત્રા યથાશક્તિ કરવા.


C) તીર્થયાત્રા-સંઘયાત્રા : છ’રી પાલિત સંઘ શ્રાવકે વર્ષમાં એક તો શક્તિ ગોપવ્યા વગર કાઢવો. વસ્તુપાળે જાજરમાન રીતે સાડા બાર સંઘ કાઢ્યા હતા. રાજા કુમારપાળે, રાજા વિક્રમે કાઢેલા સંઘ.. એના વર્ણનો આજે’ય આપણને ભાવોની દુનિયામાં ડૂબાડી દે છે.


સુરતથી નીકળેલો પાલીતાણાનો સંઘ 3 વર્ષે પાલીતાણા પહોંચ્યો. શ્રી જ્ઞાનવિમલસૂરિ મ.ની નિશ્રામાં આ સંઘે કમાલ કરી હતી. પ્રાયઃ 300 વર્ષ પહેલા આ સંઘ નીકળ્યો હતો.


તો હમણા જ થોડા વર્ષો પહેલા કલકત્તાથી પાલીતાણા ને હૈદ્રાબાદ- સીકન્દરાબાદથી 6-6 મહિનાના સંઘો પૂ.ગુરુદેવશ્રી વિક્રમસૂરિ મ.ની નિશ્રામાં અજબગજબની શાસન પ્રભાવના સાથે નીકળ્યા, જેમાં અમે’ય હતા.


દરેક શ્રાવકે મનોરથ કરવો. નાનામોટા છ’રિપાલીત સંઘના સંઘપતિ બનવાનો. Luxuryમાં નીકળતા સંઘોએ સંઘપતિના બિરુદો લેવા એ ગુનો છે. શ્રી ભરત ચક્રવર્તીએ આદિનાથ દાદાને પૂછ્યું, "આત્મકલ્યાણનો રસ્તો કયો?" આદિનાથ દાદાએ ચારિત્ર બતાવ્યુ, "પ્રભુ! એ સિવાય કોઈ રસ્તો?" દાદાએ કહ્યુ, "પૂછ, શ્રી નાભ ગણધરને." ગણધરે ફરમાવ્યુ, "ક્યાં સાધુ બન, ક્યાં સંઘવી." ને અવસર્પિણીનો સૌથી પહેલો શત્રુંજય મહાતીર્થનો સંઘ ભરત ચક્રવર્તીએ કાઢ્યો.


✒️ 4) સ્નાત્ર મહોત્સવ :

શ્રાવકે વર્ષમાં એક સ્નાત્ર મહોત્સવ ઠાઠમાઠથી કરવો. રાજા કુમારપાળ પાટણમાં 1,800 કરોડપતિ શેઠીયાઓ સાથે પ્રતિદિન સ્નાત્ર મહોત્સવ કરતા હતા. એક અજૈન રાજકુમાર લગ્ન કરવા જતો હતો. રસ્તામાં ખૂબ સુગંધ આવી. એણે રથ થોભાવ્યો. જોયું તો જૈનમંદિરે સ્નાત્ર મહોત્સવ ચાલે છે. એમાં ભાવવિભોર બનેલા જૈનો અભિષેક કરી રહ્યા છે. આ સ્નાત્ર મહોત્સવમાં ભાવવિભોર બનેલા રાજકુમારને કેવળજ્ઞાન થયું. ને પછી રાજકુમારી’ય કેવળજ્ઞાની બની. એવો પ્રભાવ છે સ્નાત્ર મહોત્સવનો.


✒️ 5) દેવદ્રવ્ય વૃદ્ધિ :

શ્રાવકે વર્ષમાં પ્રભુભક્તિમાં યથાશક્તિ દ્રવ્ય વાપરવુ જ. ઘણીબધી રીતે અત્યારે દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ રહી છે. સંઘમાળા, મોક્ષમાળા, પ્રતિષ્ઠા આદિ.. ને દેવદ્રવ્ય ખાતે રકમ જાહેર કરવી આદિ. કોઈપણ ઉપાયે દેવદ્રવ્યનો વધારો કરવો ને તુરંત ભરવો પણ.


મુંબઈ પાર્લા-ઈર્લા આજુબાજુના એક ભાઈ કામળીનો 45,000નો ચડાવો બોલ્યા. ને થોડાક મહિના પછી ગુજરી ગયા. એકવાર સંઘે યાદ કરાવ્યુ. એના છોકરા કહે, "બોલનારા બાપા ઉપર ગયા છે. એમની પાસેથી લઈ આવો."


પીંડવાડામાં મૂલચંદ કોઠારીએ 25 લાખના ચડાવા લીધા. ને તુરંત પૈસા ભરી દીધા. સાંજે Off! દેવુ માથે રાખ્યા વગર ગયા. ચેન્નાઈના એક ગુરુભક્તે આ.ક.પેઢી પાલીતાણામાં જેટલાની રકમ બાકી હતી તે ભરી દીધી. આપણે યથાશક્તિ પ્રયત્ન કરીએ.


Part B


-------------------------------------------------------

શ્રાવક જીવનના વાર્ષિક 11 કર્તવ્યો.

સુંદર ને સરળ શૈલીમાં સમજ.

-------------------------------------------------------


પાપોને પખાળનારા, આત્માને અજવાળનારા, ને સિદ્ધશિલા સુધી પહોંચાડનારા એવા પર્યુષણા મહાપર્વની આરાધના ચાલી રહી છે. ગઈકાલે 5 વાર્ષિક કર્તવ્યોની વાત કરી. આજે બીજા 6 કર્તવ્યો સમજીએ.


✒️ 6) મહાપૂજા :

વર્ષમાં એકવાર તો જિનાલયનો ભવ્ય શણગાર કરવો. પ્રભુની ભવ્યાતિભવ્ય અંગરચના કરવી. દેહને શણગારનારે.. દેવાધિદેવને પણ શણગારવા. હજારો લોકો પ્રભુના દર્શન કરે.. બોધિ પામે.. ઘણાને આ આડંબર લાગે, આ આડંબર નથી. હજારો જીવો માટે આલંબન છે.


15મીએ ચઢી 16 ઓગસ્ટે ઉતરી જનારા તિરંગાને લાખો મીટર કપડાનો વેડફાટ ન કહેવાય, એ દેશપ્રેમ છે. લગ્નના 4 દિવસ માટે થતા કરોડોના ધુમાડા, એ આડંબર છે.. નહિ કે 4 કલાક માટે થતી અંગરચના ને શણગાર.


✒️ 7) રાત્રિજગો :

રાતના આત્મજાગૃતિ માટે શ્રાવકે ધર્મજાગરિકા એટલે કે રાત્રિજગો કરવો. જેમાં આત્મચિંતનને કેન્દ્રમાં રાખી પ્રવૃત્તિ કરવી. एक रात.. परमात्मा से.. आत्मा से बात!"


✒️ 8) શ્રુતપૂજા :

જ્ઞાનપંચમીના દિવસે શ્રુતપૂજા કરીએ છીએ. એથી આગળ શ્રુતરક્ષા માટે Donation કરવુ. પુસ્તકો લખાવવા. કોઈ સાધુ-સાધ્વીજી મહારાજને ગ્રંથો વહોરાવવા. એમના પંડિતોનો પગાર આપવો. લલ્લિગ શ્રાવકે રાત્રે એવા રત્નો મૂક્યા, જેના ઉજાશમાં પૂ.હરિભદ્રસૂરિ મ.એ ગ્રંથો રચ્યા.


ધનજી સૂરા શ્રાવકે ઉપાધ્યાય યશોવિજયજી મ.નો ભણવાનો તમામ ખર્ચ માથે લીધો ને એમને ભણાવ્યા. જ્ઞાનપંચમીના દિવસે થોડોક વિવેક રાખવો. નોટ-પેનો, કલમો બધુ મોટાભાગે રખડતુ રહે છે. રોકડ મૂકો, સોનુ-ચાંદી મૂકો, હસ્તલિખિત પ્રતોના કાગળો મૂકો. યથાશક્તિ કરો.


✒️ 9) ઉદ્યાપન :

પ્રત્યેક શ્રાવકે વર્ષમાં એકવાર ઉજમણુ કરવુ જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્રના ઉપકરણો મૂકીને, છોડ ભરાવીને આ કરાય. હમણા છેલ્લુ ઉજમણુ સિદ્ધવડમાં ઋષભરાજ્યમાં શાંતાબેન કેશરીચંદ પરિવારે 99 ને ઉપધાન વખતે કરાવ્યુ. અદ્‌ભૂત ને ખૂબ જ ભરપૂર હતુ. ઉપકરણનું દાન ઉર્ધ્વગતિમાં લઈ જાય, અધિકરણ અધોગતિમાં.


✒️ 10) તીર્થપ્રભાવના :

જિનશાસનની જાહોજલાલી કરવી. જેથી લોકોમાં જૈનશાસન માટે અહોભાવ પ્રગટે. જે બોધિબીજ પ્રદાતા બને. એવા કાર્યો કરવા જેનાથી લોકોમાં જિનશાસન આદરણીય બને. આ Corona Covid-19 માં જે જૈનોએ કર્યું તે જોઈ અજૈનો પણ બોલ્યા, આવું તો જૈનો સિવાય કોઈ કરી ન શકે.


✒️ 11) શોધિ - આલોચના :

જાણે-અજાણે જે પણ પાપો કરેલા હોય તેની ગુરુ પાસે આલોચના-પ્રાયશ્ચિત લઈ લેવુ. દુષ્કૃત ગર્હા એટલે પસ્તાવો કરી પ્રાયશ્ચિત લઈને આત્માને શુદ્ધ બનાવવો. શરીરમાં પરસેવો હોય ને મેકઅપ કરે, તો મેકઅપ જામે નહિ. આત્મશુદ્ધિ વગર આત્મકલ્યાણકારી આરાધના કેમ થશે!


આ 11 કર્તવ્યો પ્રત્યેક શ્રાવકે વર્ષમાં સ્વદ્રવ્યથી કરવા. અથવા તો સામુદાયિક સંઘમાં જોડાઈને કરવા. પણ.. આવતા પર્યુષણ પૂર્વે નોંધ કરીને રાખશો કે પૂરા થયા કે નહિ. ઘરમાં એક Board બનાવીને રાખી શકાય. ચાલો.. પર્વાધિરાજને પૂરા આરાધીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top