સોમવાર, 28 જૂન, 2021

Motivational Story 52

Talk of the Day Series

Motivational Story 52


-------------------------------------------------------

👉 Please.. પરિવારને ભેગો કરીને વાંચો.

-------------------------------------------------------


સત્ય ઘટના


તલાશ તમારી, તકદીર તમારું, બાકી નગરમાં ઉપવન પણ છે, ને ઉકરડા પણ છે. વૃધ્ધાશ્રમમાં સીસકતી-રડતી માં-બાપની લાચાર આંખો પણ છે, તો કોઈ બંગલામાં-ઘરમાં દીકરા-વહુને જોઈ-જોઈ હરખાતી ને લાગણીના આંસુ વહાવતી આંખો પણ છે. દીકરા-વહુ મળો.. તો આવા મળજો, એમ કહેનારા'ય ઘર છે, તો.. પ્રભુ હવે અમને જલ્દી ઉપાડી લે, એવું બોલતા'ય ઘર છે. એક ઉપવની તલાશ ને તકદીર જેવી સત્ય ઘટના, આપણા દિલને ભરી જશે.. ભાવુકતાથી-પ્રસન્નતાથી.


🥼 છે એ બહુ જ મોટા ડૉક્ટર. સમાજમાં, શહેરમાં, ને પ્રદેશમાં ખૂબ જ જાણીતા ને માનીતા, લોકપ્રિય. એક દિવસે નિરાંત હતી. ડૉ. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા. અલક-મલકની વાતો ચાલતી હતી. ત્યાં.. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા આવી. ડૉ. અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગઈ. શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ જોડે મહત્ત્વની ચર્ચાઓ ચાલી રહી હતી.


🥼 ત્યાં જ બાજુની રૂમમાંથી ખાંસીનો અવાજ આવ્યો. ને તુરંત જ ડૉક્ટર ઉભા થઇ ગયા, ને બારણું ખોલી અંદર દોડી ગયા. બધા સ્તબ્ધ બની ગયા. ને એમણે ખુલ્લા રૂમ તરફ જોયું તો, ડૉક્ટરે રૂમની અંદર સૂતેલી કોઈ ડોશીને ધીમેથી બેઠી કરી, ને ડોશીએ મોઢું ખોલ્યું, ને ડૉક્ટરે હાથ ધરી દીધો. ડોશી હાથમાં બે-ત્રણ વાર થૂંક્યા. ડૉક્ટરે હાથ ધોયા ને આવીને ડોશીને ધીમેકથી સુવાડ્યા. ડોશીએ ડૉક્ટરના માથે બે'ય હાથ મુક્યા, ને સૂઈ ગયા.


🥼 ડૉક્ટર બહાર આવ્યા, ને મિટિંગ ચાલુ કરી. પણ.. બધા ડૉક્ટરનું મોઢું જ જોતા રહ્યા. ડૉક્ટર કહે, "બોલો આગળ." એક ભાઈ બોલ્યા, "ડૉક્ટર, આ કામ તમારું નથી. આ તો નર્સનું કામ છે." ડૉક્ટર કહે, "આ મારા patient નથી, આ તો મને પેટે જણનારી છે. આ મારી માં છે." ત્યાં જ ડૉક્ટરના પત્ની આવી ગયા. ને બોલ્યા, "આ અમારી મમ્મીએ જ એમને અહીં સુધી પહોંચાડ્યા છે."


🥼 ડૉક્ટર કહે, "હું 1 વર્ષનો હતો, ને મારા પિતાજી ગુજરી ગયા. મારી માંએ ઘાસની ભારીઓ વેચી-વેચીને, ઘરોમાં કામ કરી-કરીને મને મોટો કર્યો, ભણાવ્યો. હું Matricમાં first આવ્યો." મેં માંને કહ્યું, "હવે તું આરામ કર. હું ક્યાંક સારી નોકરી ગોતી લઉં છું." પણ.. માંએ સોગંદ આપ્યા, ને કહ્યું, "બેટા! તું ખૂબ ભણ, ને મોટો સાહેબ થા. એ મારી ઈચ્છા છે." માંએ દાગીના વેચી નાખ્યા, હું ખૂબ ધ્યાનથી ભણ્યો, ને ડૉક્ટર બન્યો.


🥼 "આ બંગલો, આ ગાડી-હોસ્પિટલ, આ બધું જ.. મારી માંની મજૂરીનું ફળ છે. તમે તો માત્ર મારા હાથમાં થૂંક જોયું, પણ.. આ મારી માંએ તો મારા મળ-મૂત્ર હાથથી સાફ કર્યા છે. મારી ઉલટીઓને હાથમાં ઝીલી છે. ને પોતાની સાડીના પાલવથી મારુ મોઢું લૂછ્યું છે. મિત્રો, માંએ જે કર્યું છે, એના તો 100માં ભાગનું'ય હું નથી કરતો. અને મારા કરતા તો આ વધારે કરે છે."


🥼 ત્યાં જ ડૉક્ટરના wife બોલ્યા, "સાહેબ તો સાહેબ છે. બાકી.. એક વાત કહું, મારા સાસુમાં લગ્નના બીજા વર્ષે જ વિધવા બન્યા. લોકો કહેતા, ગામમાં એમના જેવી રૂપાળી કોઈ સ્ત્રી નો'તી. અત્યંત રૂપાળા હોવા છતાં'ય એમણે બીજા લગ્ન ન કર્યા, કારણ.. માત્ર, મારા પુત્રને તકલીફ ન પડવી જોઈએ. અને એમણે જ પિતાની ને માતાની બેવડી જવાબદારી નિભાવીને એમને આટલે સુધી પહોંચાડ્યા. ને ડૉક્ટરના પત્ની રડવા માંડ્યા. બધા જ અગ્રણીઓ ભીના બની ગયા.


-------------------------------------------------------

1 મિનિટ કથા પછી વાંચજો,

આ ડૉક્ટર દંપતી માટે તમારું feelings કેવું? તમને એવું લાગે કે નહીં, આવા જ દીકરા-વહુ જોઈએ. એક વાત કહું, તમારા માતા-પિતાનું તમારા માટે'ય આવું જ feelings હશે, એકવાર Just Try. તમે આવું કરો, ભલે લોકડાઉન છે, મંદિર બંધ છે, પ્રભુ મળતા નથી. પણ આ ઘરમંદિરના દેવને તો પૂજી શકો છો. કેમ છો, પૂછી શકો છો. આ ઘરના દેવને પૂજો ને પૂછો.

-------------------------------------------------------


🥼 કથા - ડૉક્ટરના પત્ની આંસુ લૂછતાં બોલ્યા, "અડધી રાતે'ય ખાંસી આવે ને, તો ડૉક્ટર દોડી જાય." ત્યાં જ ડોક્ટર બોલ્યા, "સાચું કહું, તો માંના આશીર્વાદે જ આ મળી છે. મારા કરતા પહેલા આ દોડી જાય છે. મારી માંને હું ન હોઉં તો ચાલી જાય, પણ.. આના વગર ન જ ચાલે." ડૉક્ટરના પત્ની બોલ્યા, "સાહેબને એમણે હથેળીનો છાંયો આપી મોટા કર્યા છે, એ સાસુમાંને હું હાથ અડાડું ને, તો મારી હથેળીની રેખાઓ બદલાઈ જાય."


🥼 ડૉક્ટર, wife ને આવેલા બધાની જ આંખો ભીની બની ગઈ. બધા કહે, "ડૉક્ટર, એકવાર તમારી માતાના દર્શન કરાવો." ડૉક્ટર ને wife ખુશ થઇ ગયા. ને બોલ્યા, "તમે મળશો, તો મમ્મીને બહુ જ ગમશે." બધાને જોઈ ઘરડા ડોશીમા ખૂબ ખુશ થયા.


-------------------------------------------------------

એક મેસેજ,

ઘરમાં ઘરડા માતા-પિતા હોય, તો આવેલા મહેમાનને એમની જોડે મેળવજો. તમને બે મહિનાનું લોકડાઉન ભારી પડે છે, તો એ તો.. કેટલા વરસથી બેડડાઉન છે, રૂમડાઉન છે, એમને'ય થોડીક હળવાશ લાગશે ગમશે.

-------------------------------------------------------


🥼 ડૉક્ટર, "માં! આ બધા મારા મિત્રો છે." માં એટલું જ બોલી, "ભગવાન તમને સુખી રાખે. મારો દીકરો-વહુ મને બહુ સાચવે છે." ને ડોશીમાને ખાંસી ચઢી, ડૉક્ટર હાથ ધરે, એ પહેલા તો બેને હથેળી ધરી દીધી. ડૉક્ટર બધાને લઈને બહાર આવ્યા. બધા વિદાય થયા ત્યારે એટલું જ બોલ્યા, "ડૉક્ટર! પેટ ભરીને જ નહિ, મન ભરીને જઈએ છીએ. અમારી માંને'ય અમે આવી ખુશ રાખીએ." કથા તો પૂરી કરીએ, પણ વધતા વૃદ્ધાશ્રમોની સામે, શ્રવણોની વૃદ્ધિમાં તમારું નામ જોડાય.


આ લોકડાઉનનો સમય છે. કંટાળવાથી સમય ઘટતો નથી, ઉપરથી સમય લાંબો લાગે છે. કોઈક Activity-પ્રવૃત્તિ તમને કંટાળતા અટકાવશે. ડિપ્રેશનથી બચાવશે. ચીડિયા થતા રોકશે. જાઓ, માતા-પિતા હોય તો એમની પાસે, બેસો પરિવાર જોડે, Game તો બહુ રમ્યા, હવે થોડાક પ્રેમથી આરાધનામાં રમો. ને તમારા કોક સાધર્મિકને ફંડથી કે ફોનથી રાહત આપો.



જે મસ્તી આંખોમાં છે, તે સુરાલયમાં નથી હોતી,

અમીરી કોઈ દિલની, મહાલયમાં નથી હોતી;

શીતળતા પામવા, તું દોટ ક્યાં મૂકે માનવી,

જે "માં"ની ગોદમાં છે, તે હિમાલયમાં નથી હોતી!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top