રવિવાર, 13 માર્ચ, 2022

Anupama Devi ni Prabhu Bhakti

🏵️ *અનુપમાદેવીની અજોડ પ્રભુ ભક્તિ...*
➖➖➖➖➖➖➖➖➖
 એક વખત વસ્તુપાલ અને તેજપાલે પોતાની ધર્મપત્ની લલિતાદેવી અને અનુપમાદેવીની સાથે ગિરનારજીનો છ 'રી પાલિત સંઘ કાઢ્યો..થોડા જ દિવસોમાં શ્રી સંઘ શ્રી નેમિનાથ પ્રભુની શીતળ છાયામાં પહોંચી ગયો..

  *પ્રવેશના દિવસે અનુપમાદેવીના શરીર ઉપર કુલ બત્રીસ લાખ સોનામહોરોના આભૂષણ શોભી રહ્યા હતા. જિનપૂજા કરતા-કરતા અનુપમા દેવીના હૃદયમાં પ્રભુની પ્રત્યે એવી ભાવના આવી કે હું મારા સર્વ અલંકાર પ્રભુના ચરણોમાં ચઢાવી દઉં..એણે એકસાથે સર્વ અલંકાર ઉતારી જળથી શુદ્ધ કરી પ્રભુના ચરણોમાં રાખી દીધા...* 

*બરાબર તે જ સમયે પરમાત્માની પૂજા કરીને બહાર નીકળેલા તેજપાલે અનુપમાની ભક્તિથી ખુશ થઈ બત્રીસ લાખ સોનામહોરના સર્વ આભૂષણ નવા બનાવી દેવાનું અનુપમાને વચન આપ્યું..થોડા જ સમયમાં સર્વ અલંકાર નવા બનાવી દીધા અને અનુપમાદેવી ફરી અલંકારોથી શોભવા લાગ્યા..*

   ગિરનારની યાત્રા પૂર્ણ કરી બધા શ્રી આદિનાથના દર્શન કરવા શત્રુંજય તરફ ચાલ્યા. પાલિતાણા નગરમાં પહોચીને સવારે સૌ ગિરિરાજ પર ચઢ્યા..ત્યાં પૂજાની સામગ્રી લઈ બધા રંગમંડપમાં આવી પહોંચ્યા..

  *જેમ જેમ પૂજાનો સમય નજીક આવતો ગયો, તેમ તેમ મહાદેવી અનુપમા તેમના હ્રદય પર કાબૂ ન રાખી શક્યા.."હે પ્રભુ ! હે નાથ ! એ તો બતાવ, તારાથી અધિક દુનિયામાં મને બીજું કોણ છે ? મારા વ્હાલા પ્રભુ ! તું જ મારા માટે સર્વસ્વ છે. મારું જે કાંઈ છે એ તારું જ છે." અનુપમા દેવી બોલતા ગયા અને ગળાનો હાર, કાનની બુટ્ટી, બંગડી, વીંટી, કંગન, કડા, કુંડલ, કટિસૂત્ર આદિ અલંકાર ઉતારી ક્ષણભરમાં તો ૩૨ લાખ સોનામહોરોના નવા સર્વ અલંકારો પણ પ્રભુ ચરણોમાં સમર્પિત કરી દીધા..*

 *દેરાણીના ઉત્કૃષ્ટ ભક્તિભાવ જોઈને જેઠાણી લલિતાદેવીનું હ્રદય પણ દ્રવી ઉઠ્યું. તે પણ ઘરેણા ઉતારવા લાગ્યા અને જોતજોતામાં તેમણે પણ ૩૨ લાખના આભૂષણ પ્રભુના ચરણોમાં સપર્પિત કરી દીધા...*

  *દેરાણી-જેઠાણીની આ આભૂષણ પૂજા જોઈ રહી હતી...ઘરની દાસી શોભના...એ શોભનાના શરીર ઉપર પણ એક લાખ સોના મહોરના આભૂષણો શોભી રહ્યા હતા. પ્રભુ ભક્તિની અદ્ભૂત છટા જોઈ તેનું હૃદય પણ પીગળી ગયું અને બોલી - "હે શેઠાણીજી ! જો આપને ઘરેણાની નથી પડી તો મારે પણ નથી જોઈતા આ ઘરેણા." એવું કહેતા તેણે પણ તેના બધા આભૂષણ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધા...*

  ધન્ય છે મહાદેવી અનુપમા આપને ! આપ ઘરેણા ઉતારી પણ શકો છો અને બીજાના ઉતરાવી પણ શકો છો..ધન્ય છો લલિતાદેવી આપ ! દેરાણીના કદમો પર ચાલી આપે પણ કમાલ કરી દીધું.. અને દાસી શોભના ! તારા હ્રદયને પણ નમસ્કાર છે ! તારું આ સમર્પણ ક્યારેય ભૂલાશે નહિ...! 

*આજના વિશ્વ મહિલા દિવસે અનુપમાદેવી, લલિતાદેવી અને દાસી શોભનાની પ્રભુભક્તિને કોટિ કોટિ પ્રણામ !* 🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top