વર્ષીતપ : પ્રથમ તીર્થંકર ઋષભદેવે શરૂ કરેલું વ્રત
એક વર્ષનું તપ એટલે વર્ષીતપ, પરંતુ જૈનદર્શનમાં ૧૩ મહિનાના તપને વર્ષીતપ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષના ફાગણ વદ-૮થી તપની શરૂઆત થાય છે., જે આવતા વર્ષના વૈશાખ સુદ-૨ સુધી ચાલશે. તપના પારણાં વૈશાખ સુદ-૩ એટલે કે અખાત્રીજના રોજ કરવામાં આવશે.
જૈન ધર્મપરંપરામાં ભારે મહાત્મ્ય ધરાવતા આ તપમાં ૧૩ મહિના એકાંતરે ઉપવાસ અને બેસણું કરવાનું વિધાન છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત ઉપવાસમાં માત્ર ઉકાળેલું પાણી પીવાનું અને પછીના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન નક્કી કરેલા સમયે જમીન ઉપર બેસીને માત્ર બે વાર ભોજન લઇ સૂર્યાસ્ત પછી ત્રીજા દિવસે ફરી ઉપવાસ કરવાનો. આમ લગાતાર ૧૩ મહિના અન્ય વિધિવિધાન સાથે બે સમય પ્રતિક્રમણ જાપ, જિનપૂજા વગેરે શાસ્ત્રીય વિધિ સાથે તપ કરવાનું હોય છે.
વર્ષીતપનો ઇતિહાસ જાણવા જેવો છે. ફાગણ વદ-૮ના રોજ જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે દીક્ષા લીધેલી તેથી અને યોગાનુયોગ ફાગણ વદ-૮ના રોજ તેમનો જન્મ થયેલો એટલે પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકનો દિવસ છે. પણ વર્ષીતપની શરૂઆત દીક્ષાના દિવસથી થઇ હતી.
દીક્ષા
લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. તે વખતે કોઇ ન ભિખારી હતું.
તેથી લોકોને ભિક્ષાચાર અંગે કાંઇ ખ્યાલ ન હતો. આથી લોકો તેમને હીરા, માણેક, રત્ન
વગેરે આપવા લાગ્યા. ભગવાનને તો આહારની જરૂર છે એવું કોઇ જાણતું કે માનતું નહીં.
તેમને થતું કે આવા અઢળક સંપત્તિવાળા રાજાને તે વળી આહાર માગવો પડે ખરો? આમ, કોઇ
તેમને ભોજનનું આપતું નહીં.
ભગવાન તો સહન કરે, પણ અકળાયેલા અન્ય સાધુઓએ ગચ્છ-મહાગચ્છને પૂછ્યું. તેમને પણ ખબર હતી. તેઓ પણ ભૂખથી ખૂબ હેરાન થવા લાગ્યા હતા. તેથી ઘરે પાછા જવાનો વિચાર આવ્યો, પરંતુ શરમના માર્યા ઘરે ન જતાં છેવટે ગંગાતટે રહીને ખરી પડેલાં પાંદડાં ખાઇને જટાધારી તપસ્વી બનીને તપોવનોમાં ‘બાવા’નું જીવન વિતાવવા લાગ્યા.
ભગવાન આદિનાથજી મૌનપણામાં નિરાહાર રહીને એક વર્ષ સુધી આર્ય-અનાર્ય દેશમાં વિચરતા રહ્યા. આમ, તેર માસના ઉપવાસ થઇ ગયા. વિચરતાં વિચરતાં પ્રભુ ગજપુર (આજના હસ્તિનાપુર) નગરે પધાર્યા. ત્યાં બાહુબલીના પૌત્ર તેમજ સોમપ્રભુ રાજાના પુત્ર શ્રેયાંસકુમાર રહેતા હતા. તે ઝરૂખામાં બેઠા હતા. ત્યાં લોકોનાં ટોળે ટોળાં જતાં હતાં. ખૂબ કોલાહલ થતો હતો. બધાની એક વાત હતી, ‘ભગવાન કેમ કાંઇ લેતા નથી?’ ત્યાં શ્રેયાંસે ભગવાનને જોયા, અને તેમનો સાધુવેશ જોઇને તરત જાતિસ્મરણ જ્ઞાન થયું.
તેમણે
જોયું કે હું પૂર્વભવમાં ભગવાનનો સારથિ હતો અને તેમની સાથે મેં દીક્ષા લીધી હતી
અને તે વખતે ત્યાંના વજ્રસેન તીર્થંકર આવા વેશમાં હતા અને તે તીર્થંકરે કહ્યું
હતું કે, ‘આ વજ્રનાભમુનિ, ભરત
ક્ષેત્રમાં પહેલા તીર્થંકર થશે. તે ભગવાન છે.’
તે
વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ તરીકે આપ્યા. તેમાંથી એક ઘડો
લઇને શ્રેયાંસ બોલ્યા: ‘પ્રભુ, નિર્દોષ પ્રાસુક રસ
વાપરો.’ પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા એટલે શ્રેયાંસે બધા ઘડાનો રસ રેડી દીધો.
એક પણ ટીપું નીચે પડ્યું નહીં. આ પ્રમાણે પ્રભુએ ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું
શ્રેયાંસના હાથે કર્યું. શ્રેયાંસકુમારે દાન આપ્યું તે વખતે દેવોએ પાંચ દિવ્યો
પ્રગટ કર્યાં.
લોકોએ
શ્રેયાંસને પૂછ્યું કે, ‘તમને નિર્દોષ આહાર અંગે શી રીતે ખબર પડી?’ ત્યારે
શ્રેયાંસે ભગવાન સાથેનો ભવનો સંબંધ કહ્યો. આમ પ્રભુને ઇક્ષુરસ વહોરાવીને
શ્રેયાંસકુમારના આનંદમાં કઇ પાર ન રહ્યો. અવસર્પિણીના આદિ મહાશ્રમણ શ્રી ઋષભદેવજીએ
દીક્ષા લીધા પછી એક વર્ષે પહેલી વાર શેરડીના રસનું પાન કર્યું. છઠ્ઠના તપની સાથે
દીક્ષા લીધેલી પણ છઠ્ઠનું પારણું ન થયું અને લગાતાર ઉપવાસમાં વર્ષ વીતી ગયું. અને
આજે પારણું થયું તે શ્રેયાંસકુમારના હાથે થયું અને વર્ષીતપ આરાધના શરૂ થઇ.
આજે સૈકાઓ પછી પણ પાલિતાણા પ્રભુ ઋષભદેવના ધામમાં તથા હસ્તિનાપુરમાં મોટી સંખ્યામાં વર્ષીતપનાં પારણાં અખાત્રીજના દિવસે થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો