બુધવાર, 23 માર્ચ, 2022

Narshih Kesavji

શ્રી નરશી કેશવજી 

                  200 વર્ષ પહેલાં અબડાસાના લાખણિયા ગામમાં સંવત 1857 માં જન્મેલો અને કોઠારા ગામમાં રહેતો કેશવજી 10 વર્ષનો હતો ત્યારે તેની વિધવા મા હિરબાઈએ ગરીબીથી કંટાળી પોતાના ભાઈ નેણશી સવાણી સાથે મુંબઈની વાટ પકડી. થોડા સમયમાં નેણશીબાપાએ મુંબઈમાં કપાસની પેઢી શરૂ કરી અને ભણવાની સાથે કેશવજીએ મામાની પેઢી પર નામુ લખી પોતાનું અને બાનું જીવન ચલાવવા ઢીંગલા (રૂપિયા) કમાવા લાગ્યો.

                 એક દિવસ મામાના દીકરા જેવા જરીવાળાં કપડાં પહેરવાની જીદ લઈ બા પાસે પૈસા માગ્યા, પણ માંડ ઘર ચલાવતાં હિરબાઈમા પાસે જરીનાં કપડાં માટે પૈસા ક્યાંથી હોય? રિસાઈને કચવાતા મને કેશવજી મામાની પેઢી પર નામુ લખવા ગયો. ત્યાં કંઈક ભૂલ થતાં મામાએ ઠપકો આપ્યો અને આવેશમાં આવી નામાનાં ચોપડાં પર શાહી ઢોળીને પેઢીનાં પગથિયાં ઊતરી ગયો.

                     કેશવજી હવે જાય તો જાય ક્યાં? બાનાં દુઃખો અને પોતાની અસહાયતાથી હારીને આપઘાત કરવા દરિયાકિનારે ગયો, પણ રે... નસીબ ! દરિયામાં ઓટનો સમય હતો એટલે ભરતીની વાટ જોતાં-જોતાં રેતી પટ પર ઊંઘ આવી ગઈ. સવારના દેવજી ઝવેરી નામના એક ભાટિયા શેઠે તેને જગાડ્યો. ભાટિયા શેઠ માનતા કે તે પોતાના નામે વેપાર કરે છે તો નફો નથી મળતો. એટલે સવારે જે પહેલો માણસ મળે તેના નામે વેપાર કરવો. એટલે કેશવજીના નામે સોદો કરવાનું વિચારી બંદર પર નાંગરેલા વહાણમાં ભરાયેલી ખજૂરનો સોદો કરવા કેશવજીને મોકલ્યો. નિર્દોષ કિશોરવયના કેશવજીએ ખજૂરનો સોદો કર્યો અને બીજા દિવસે તો ખજૂર વેચાઈ પણ ગઈ ! ભાટિયા શેઠને 8000નો નફો થયો. ભાગીદારીના રૂપિયા 4000 કેશવજીને મળ્યા. 190 વર્ષ પહેલાંની 4000ની અધધધ કિંમત થાય.

                    કિશોરવયે રૂપિયા 4000ની માતબર રકમ કમાવી કેશવજીએ વિધવા બાને સુખમાં ઝૂલતી કરી દેવાનો પુરુષાર્થ આદર્યો. નાની વયે સમાજના મહારથી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. એ સમયની પ્રથા પ્રમાણે તેમનાં ત્રણેક લગ્ન યોજાયાં હતાં. વિક્રમ સંવત 1895 માં કેશવજી શેઠ સુથરીના વેરશી પાસુના બહેન પાબુબાઈ સાથે પરણ્યા. માંકબાઈ એમના બીજા પત્ની હતા. એ પછી વીરબાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. પાબુબાઈથી વિક્રમ સંવત 1900 માં પુત્રી તેજબાઈ તથા વિક્રમ સંવત 1903 માં નરશીભાઈનો જન્મ થયો. માંકબાઈએ ત્રિકમજીને જન્મ આપ્યો. જે અલ્પજીવી થયો. 

                   25 વર્ષની ઉંમરે તો નેણશીમામાની રૂની પેઢીમાં ભાગીદાર બની પેઢીનો કારોબાર હાથમાં લઈ લીધો. સાહસ અને દીર્ઘદૃષ્ટા કેશવજી શેઠે વિક્રમ સંવત 1909 માં ચીનના હોંગકોંગ બંદર અને આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાની પેઢીઓ સ્થાપી ત્યારે તેમની ઉંમર હતી માત્ર 28 વર્ષની.

                     એ સમયમાં વિલિયમ નિકલની કંપની રૂના વેપાર માટે સૌથી મોટી કંપની હતી. કંપનીના ભાગીદાર જ્હૉન ફેલેમિંગો સાથે યુવાન કેશવજી શેઠે મૈત્રી કેળવી મુકાદમીનું કામ મેળવી જબરદસ્ત આવક ઊભી કરી. 40 વર્ષની ઉંમરે નેણશીમામા સાથે ભાગીદારી સમાપ્ત કરી પોતાના પુત્રના નામે નરસિંહ કેશવજીની કંપની શરૂ કરી મબલક સફળતા મેળવી. દશા ઓશવાળ જૈન જ્ઞાતિને સુવર્ણકાળમાં લઈ ગયા. ઈસવી સન 1862માં અમેરિકામાં લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવ આસમાને પહોંચી ગયા. કમાવી લેવાની લાલચથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ કાઢી વેચી દીધું. એ વર્ષે કેશવજી શેઠની પેઢી પર પૈસાનો વરસાદ વરસ્યો. બીજા લોકોની આવકમાં પણ તેજી આવી અને જાણે નાનકડું મુંબઈ વેપારનું મસમોટું કેન્દ્ર બની ગયું. એ સમયે કેશવજી શેઠ અને બીજા મિત્રોને બેન્કિંગ સિસ્ટમ ઊભી કરવાનો વિચાર આવ્યો. પરિણામે કેશવજી શેઠે ભારતમાં બેન્કિંગની શરૂઆત કરી. બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ, બોમ્બે ટ્રેડિંગ એન્ડ બેન્કિંગ અસોસિયેશન, ઈસ્ટ ઈન્ડિયા બેંક લિમિટેડ, એલ્ફિન્સ્ટન લેન્ડ એન્ડ પ્રેસ કંપની વગેરે શરૂ કરી ભારતમાં બેન્કિંગનો પાયો નાખ્યો અને દેશમાં ઉદ્યોગો શરૂ કરવાનું વાતાવરણ રચ્યું. બેન્કિંગની શરૂઆત પછી રૂની મોટામાં મોટી પેઢીના માલિક કેશવજી શેઠે મુંબઈમાં કાપડની મિલો શરૂ કરવાનું સ્વપ્ન જોયું. પરિણામે કેશવજી શેઠ અને પુત્ર નરસિંહે કેલિકો મિલ્સ, નરસિંહ સ્પિનિંગ મિલ્સ, પ્રિન્સ ઓફ વેલ્થ, એલેક્ઝાન્ડ્રા, કોલાબા મિલ વગેરેની શરૂઆત કરી. પારસી સદ્ગૃહસ્થોની ભાગીદારીમાં પણ મિલ શરૂ કરી. પરિણામે મુંબઈએ વિકાસમાં હરણફાળ ભરી. અંગ્રેજોના સમયમાં મુંબઈનો વહીવટ સરકાર તરફથી નિમાયેલી જસ્ટિસ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તેમ જ તેમના દીકરા નરસિંહ શેઠ નિમાયા હતા.

                    કેશવજી શેઠે પોતાના મિલ-કામદારો માટે ગિરગાવમાં કેશવજી નાયક ચાલીઓ બાંધી કામદારોને વિનામૂલ્યે ઘર આપી ત્યાં વસાવ્યા. અંદાજે 125 વર્ષ પહેલાં લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણપતિની સ્થાપના આ કેશવજી નાયક ચાલમાં કરી. ત્યાં આજે પણ દર વર્ષે સાર્વજનિક ગણપતિની સ્થાપના થાય છે. સમયને પારખી કેશવજી શેઠે મુંબઈમાં બહુ મોટી જમીનો ખરીદી જમીનદાર તરીકે પ્રખ્યાત થયા. ઉમરખાડી વિસ્તાર તેમની માલિકીનો હતો. આજે જે વિસ્તાર નરસિંઘપુરા તરીકે ઓળખાય છે એ નામ તેમના પુત્ર નરસિંહ પરથી પડ્યું છે. કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિના આ સાહસવીર નિકલ કંપનીના ભાગીદાર હતા. એટલે ક્લેર બંદર, મસ્જિદ બંદર, કર્ણાક બંદર, એલ્ફિન્સ્ટન બંદર વગેરે બંદરો તેમના હસ્તકે હતા.

                    સમય જતાં મુંબઈના અંગ્રેજ ગવર્નર (સર સાયમુરે) દાણાબંદર પર આવેલા કેશવજી શેઠના બંગલા પર મુલાકાત લીધી. બધાં જ બંદર સરકારના હસ્તકે લેવા વાટાઘાટ આદરી. એક અંગ્રેજ ગવર્નર કચ્છી શેઠના બંગલે સામેથી પધાર્યા એ વાત માત્ર મુંબઈમાં જ નહીં, દેશભરમાં ફેલાઈ ગઈ. કેશવજી શેઠના મૈત્રીપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થઈ ગવર્નરે તેમને સન્માનની સાથે-સાથે સરની પદવીથી નવાજ્યા. એ સમયે માત્ર બે જ જણને સરની પદવી આપવામાં આવી હતી. સર કાવસજી જહાંગીર અને શેઠ કેશવજી નાયકને! સરની પદવી મળતાં ઘણી બધી સત્તાઓ તેમને મળી. સામાન્ય રીતે બે ઘોડાની બગી શ્રેષ્ઠિઓ રાખી શકતા, પણ સરના પદવીધારી ચાર ઘોડાની બગી રાખી શકતા. આ કચ્છી શેઠની બગીનો કોચવાન એક અંગ્રેજ હતો.
શેઠ કેશવજી નાયકનો એક બંગલો ત્યારના નેપિયન સી રોડ (હાલમાં શ્રીપાલ નગર, વાલકેશ્વર) વિસ્તારમાં પણ હતો. ત્યાં એક નાનકડું પણ ભવ્ય ગૃહ દેરાસર દરિયાને બરાબર અડીને બનાવ્યું હતું, જેથી રોજ અરિહંત દેવની સેવાપૂજા કરી શકાય. આજે વર્ષો પછી એ દેરાસર એ જ સ્વરૂપે ઊભું છે. એ સમયે સવારે 9 વાગ્યે કોઈ પણ જ્ઞાતિનો માણસ શેઠ પાસે મદદ લેવા જાય તો અચૂક મદદ મળે જ. ગરીબ કન્યાઓનાં લગ્નથી માંડીને માંદગી સુધીના અનેક પ્રસંગો માટે કેશવજી શેઠ ગુપ્ત મદદ કરી પ્રસંગો સાચવી લેતા. એક લોકવાયકા પ્રમાણે એક વિધવા ગરીબ મા સવારે શેઠ પાસે મદદ લેવા આવી. એના નિર્દોષ દીકરાને સાંજે પાંચ વાગ્યે ઉમરખાડી જેલમાં ફાંસી થવાની હતી, પણ સરની પદવી ધરાવતા કેશવજી શેઠની બગી એ સમયે ત્યાંથી પસાર થાય તો મુંબઈ સરકારના કાયદા પ્રમાણે તેને મૃત્યુદંડમાંથી મુક્તિ મળે. કોઈ પણ ફાંસીના સમયે અનિવાર્ય સંજોગો સિવાય સરની પદવીધારકને ત્યાંથી પસાર થવાની રજા નહોતી. અનિવાર્ય સંજોગ ઊભો કરવા ઉમરખાડીથી નજીક આવેલા તેમના રૂના ગોદામમાં સાંજે આગ લગાડવાનો મેનેજરને હુકમ કર્યો. સાંજે આગ લાગવાના અનિવાર્ય સંજોગને કારણે શેઠને જેલ પાસેથી પસાર થવું પડ્યું અને વિધવા માનો દીકરો મૃત્યુદંડમાંથી બચી ગયો. કેશવજી શેઠે લાખોનું નુકસાન વેઠીને પણ નિર્દોષ જીવ બચાવવાનું કાર્ય કર્યું.

                  ભાતબજારના કેશવજી નાયક ફુવારા તરીકે ઓળખાતું સ્થાપત્ય આજે ભારતભરમાં વિખ્યાત છે. વર્ષો પહેલાં ભાતબજાર વિસ્તારમાં વેપારીઓ બળદગાડી લઈ માલ લેવા આવતા. બળદ અને વટેમાર્ગુઓ માટે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી શેઠ કેશવજી નાયકે 8/01/1876 ના દિવસે આ ફુવારો 23000 રૂપિયાની મોટી રકમથી બંધાવ્યો. એનું ઉદ્ઘાટન મુંબઈના ગવર્નરે કર્યું. એ પ્રસંગે કચ્છ કાઠિયાવાડના રાજા-મહારાજાઓ, યુરોપિયન વેપારીઓ, શ્રેષ્ઠિઓ, શ્રીમંતો હાજર રહ્યા હતા. આજે 145 વર્ષ પછી પણ આ ફુવારો શેઠ કેશવજી નાયકનો છડીદાર બની લાખો વટેમાર્ગુઓની પ્યાસ બુઝાવી રહ્યો છે. પ્લેગથી લઈ આઝાદીની લડતનો સાક્ષી છે. ફુવારાથી લઈ ટ્રામ સ્ટેશન (ચિંચબંદર) સુધીના લાંબા માર્ગને સુધરાઈએ શેઠ કેશવજી નાયક નામ આપી ઋણ ફેડવવાનો પ્રયત્ન કર્યો છે.

                  શેઠ કેશવજી નાયકે દશા ઓસવાળ જ્ઞાતિ માટે અનેક કાર્યો કર્યાં હતાં. કુરિવાજો દૂર કરવા ભગીરથ કાર્યો કર્યાં. મહાજન પરંપરાની મહાન સંસ્થા શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન મહાજન દ્વારા એનાં કાર્યોને અનુમોદવા ‘જ્ઞાતિમુગુટ મણી’ તરીકે તેમને નવાજવામાં આવ્યા હતા. આ મહાનાયકે ગણ્યા ગણાય નહીં એવાં કાર્યો મુંબઈ અને જ્ઞાતિ માટે તો કર્યાં, પણ તેમનું ધર્મક્ષેત્રે પણ પ્રદાન અદ્ભુત છે. 

                  વિક્રમ સંવત 1914 માં કેશવજી શેઠે શેઠ શિવજી નેણશી તથા શેઠ વેલજી માલુ સાથે તેમના વતન કોઠારામાં ભવ્ય જિનાલય નિર્માણ કરવાની યોજના બનાવીને તેનું કામ કરાવ્યું. કચ્છ સાભરાઈનો સલાટ નથુ એ બેનમૂન કલા સ્થાપત્ય કલાનો સૂત્રધાર હતો. તેના માર્ગદર્શન હેઠળ સેંકડો કારીગરોએ સતત ચારેક વર્ષની જહેમત પછી શિલ્પકલાથી સમૃદ્ધ મેરુપ્રભ જિનાલયનું સર્જન કર્યું. વિક્રમ સંવત 1918 માં તેની પ્રતિષ્ઠા પ્રસંગે ત્રણેય શ્રેષ્ઠીઓ મુંબઈથી શ્રી શત્રુંજય તીર્થનો વિશાલ સંઘ કાઢી કોઠારા પધારેલા. મહા સુદ 13 ને બુધવારે અચલગચ્છાધિપતિ શ્રી રત્નસાગરસૂરિજી મ.સા. ના ઉપદેશથી યાદગાર પ્રતિષ્ઠા સંપન્ન થઈ. કેશવજી શેઠે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનના બિંબને બિરાજમાન કર્યું. આ પ્રસંગે 8 દિવસનો મહોત્સવ થયો. 

                    પાલીતાણાના ડુંગર પર કેશવજી નાયક અને નરસિંહ કેશવજીની ટૂંક બંધાવી. જેનું માહાત્મ્ય જૈનો માટે અનેરું છે. પાલીતાણા ગામમાં દેરાસર અને ધર્મશાળા બાંધી જૈન યાત્રિકો માટે સગવડ ઊભી કરી. વિક્રમ સંવત 1921 માં મહા સુદ 7 ને ગુરુવારે અચલગચ્છાધિપતિ આચાર્ય રત્નસાગરસુરિના હસ્તે એક સાથે 7000 જિન પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી રેકોર્ડ કર્યો હતો. જે આજ સુધી અકબંધ છે. 12 દિવસ સુધી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. વિક્રમ સંવત 1921 મહા સુદ 13 ના બુધવારના દિવસે ગિરિરાજ ઉપર નરશી કેશવજી ટૂંકમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી તથા પાલિતાણા ધર્મશાળાના જિનાલયમાં ચૌમુખજી પ્રતિમા સહિત અનેક જિન બિંબોને બિરાજીત કરવામાં આવ્યા. કેશવજી નાયકજીની ટુંકનું કામ પૂર્ણ થયું ન હોવાથી તેની પ્રતિષ્ઠા પાછળથી વિક્રમ સંવત 1928 માં થયેલી. પાલિતાણાની ઉક્ત પ્રતિષ્ઠામાં શેઠે 15 લાખ રૂપિયા ખર્ચ્યા. આ પ્રસંગની યાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં 1 લાખ રૂપિયા લખાવ્યા હતા.

                   ત્યાંથી શેઠ ગિરનારજીની યાત્રાએ સંઘ સહિત પધાર્યા. ત્યાં જિનાલયો ખુલ્લા હોઈને એમને કોટ બંધાવી આપ્યો. વિક્રમ સંવત 1932 માં થયેલા જીણોદ્ધારના કાર્યોમાં તેમણે 45000 ખર્ચ્યા હતા. જેમાં સુરજકુંડનો ઉદ્ધાર મુખ્ય છે. 

                  કચ્છના સૌથી ઊંચા ત્રણ માળના દેરાસર કોઠારા ગામમાં એ સમયે બીજા બે શ્રે‌‌ષ્ઠિઓ સાથે બાંધી અદ્ભુત શિલ્પકલાનો પરિચય આપ્યો. આજે એ કોઠારાના દેરાસરનું પંચર્તીથીમાં સમાવેશ થાય છે. ઉપરાંત સુથરી તીર્થમાં મહાજનવાડી, સમેતશિખર (બિહાર)માં કુલિકાઓનો જીર્ણોદ્ધાર, પાલીતાણામાં ગૌશાળા, ગ્રંથભંડાર વગેરેની સ્થાપના કરી. ગિરનાર, પાલીતાણા કોઠારા, કેસરિયાજી વગેરે જગ્યાઓએ સંઘ કાઢી ધર્મ માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો. વિક્રમ સંવત 1931 માં શેઠે શ્રી સમેતશિખર તીર્થમાં શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી ધર્મનાથ ભગવાનની જીણોદ્ધાર કરાવ્યો હતો. ભાવનગર ગોડીજી જિનાલયમાં ગણધર મંદિર બંધાવ્યું. 
          
                  શેઠ કેશવજી નાયકે 66 વર્ષની ઉંમરે વિક્રમ સંવત ૧૯૪૧ વૈશાખ સુદ પૂનમ બુધવારના દિવસે તેમણે પાલીતાણામાં દેહ ત્યાગ કર્યો.

સંકલન - દેવલોક જિનાલય પાલિતાણા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top