ગિરનાર પછીનુ નેમિનાથ દાદાનુ મહાપ્રભાવી તીર્થધામ.
આ ગુજરાતના કપાળે સૌભાગ્ય તિલક જો શેત્રુજ્ય અને ગિરનાર છે તો શંખેશ્વર અને તારંગા જેવા સુવર્ણ મઢેલા હાર ગુજરાતના કંઠને શોભાવે છે. ધર્મના શ્વાસથી ધબકતા ગરવા ગુજરાતની ધન્ય ધરા પર આવા અનેક ધર્મ નિધાન શોભી રહ્યા છે. જેમાં મહેસાણા મહાપ્રાંતની સમીપમાં શોભી રહેલા દિવ્ય અલોકિક રમણીય વાતાવરણથી સર્જેલું શ્રી નેમી સરસ્વતીધામ- શ્રી રાંતેજ જૈન તીર્થ પોતાની ઉર્જાશક્તિથી ભક્તોના હૃદયમાં આગવું સ્થાન પામેલું છે.
આ મહાતીર્થ માટે કહેવાય છે કે શ્રી નેમિનાથ પ્રભુ આકર્ષની વિદ્યાના સ્વામી લાગે છે તો સમ્યજ્ઞાનની પરબ બાંધી બેઠેલા માડી શ્રી માં સરસ્વતી જ્ઞાનનું દાન ખુલ્લા હાથે કરતા હોવાથી ભક્તોને સ્વમેય અહીં ખેંચી લાવે છે.
રાંતેજ તીર્થનો ઇતિહાસ:-
ઇતિહાસ કહે છે કે વર્ષો પહેલા રાંતેજ ગામનું નામ રત્નાવતીનગરી નામે હતું. બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય બાવન જિનાલય આશરે 500 વર્ષ પૂર્વે ધરતીમાં ઢંકાયેલું હતું. જેના પ્રાગટ્ય વિશે કહેવાય છે કે રાંતેજ પાસે ધનપુરા (કટોસણ) ગામનો શ્રાવક વેપાર ધંધા અર્થે દરરોજ રાંતેજ આવતો હતો. કયારેક તે રાંતેજ ગામમાં જ રાતવાસો કરતો હતો એક દિવસ ભરનિંદ્રામાં સુતેલા આ શ્રાવકને એક સ્વપ્નું આવ્યું કે આ ગામના ટેકરા ઉપર બાવાજીના મઢની નીચે ભવ્ય દેરાસર છે તેને તું બહાર કઢાવ. આવું સ્વપ્ન વારંવાર આવવા છતાંયે શ્રાવકે આ સ્વપ્ન ઉપર ધ્યાન આપ્યું નહીં.
એક દિવસ ફરીવાર અધિસ્થાક દેવે પ્રગટ થઇ નિંદ્રાધીન શ્રાવકને કહ્યું કે , હે શ્રાવક તું જિનમંદિર ને કેમ બહાર કઠાવતો નથી ? ત્યારબાદ શ્રાવકે સ્વપ્નમાં આવેલી હકીકતને ત્યાંના સંતને તથા કટોસણ દરબારને જણાવી. શ્રી સંત તથા દરબાર રૂબરૂ રાંતેજ આવી ને બાવાજીને સમજાવીને ટેકરાનું ઉત્ખનન કરાવ્યું. ખોદકામ કરાવતા જમીનમાંથી ગરિમામય કલાત્મક બાંધણીવાળું બાવન જિનાલય અખંડ સ્વરૂપે બહાર નીકળ્યું.
પરંતુ તેમાં એક પણ માતાજી ન જોવા મળતા બધા નિરાશ થયા તેથી આ શ્રાવકે દેરાસરમાં પ્રતિમા પ્રસ્થાપિત કરવા અઠ્ઠમતપની આરાધના કરી. જે છેવટે ફળી અને દેવ પ્રગટ થયા અને શ્રાવક ને કહ્યું કે પૂર્વ દિશામાં રબારીઓના ધરે એ જગ્યાએ ખોદકામ કરવાની સૂચના આપી કહ્યું કે ત્યાં ખોદકામથી પ્રતિમા મળશે.
અધિસ્થાયક દેવની સૂચના પ્રમાણે ખોદકામ કરાવતાં સંપત્તિકાલીન 2200 વર્ષ પ્રાચીન આબેહૂબ મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન સહીત અઠાર પ્રતિમાઓ પ્રગટ થઇ. જે આજે પણ આ જિનાલયમા શોભે છે. જ્ઞાન દેનારી સરસ્વતીદેવી ની પ્રતિમા 750 વર્ષથી વધુ પ્રાચીન છે તો સાથે મહાલક્ષ્મીજી ,ખેત્રપાલદાદા પણ ઘણા પ્રાચીન છે.
પ્રતિમાઓ ઉપર તથા ભમતીમાં ના ભાગોમાં લખેલા લેખો આજે પણ વાંચી શકાય છે. જિનાલયનો જીર્ણોધાર 1100,1300,1600 તેમજ 1874માં થયાનું અનુમાન છે. જેના ચમત્કાર ને પરચા ભક્તોએ નજરે નિહાળ્યા છે એવા 650 વર્ષ પ્રાચીન માં સરસ્વતી આ તીર્થના અધિષ્ઠાત્રી છે. 18 સાંપ્રતકાલીન પરમાત્માઓએ આ તીર્થને સમૃદ્ધિનું શિખર સર કરાવ્યું છે તો પ્રાચીન અધિસ્થાન દેવોએ આ તીર્થનું ગૌરવ વધાર્યું છે.
શ્રી નેમિનાથ પ્રભુનુ જન્મ કલ્યાણક એટલે શ્રાવણ સુદ પાંચમ. જ્ઞાનની દેવી માં સરસ્વતી નો પ્રાગટ્ય દિવસ એટલે મહા સુદ પાંચમ અને તીર્થંકરો વડે પ્રરૂપિત જ્ઞાન આરાધનાનો દિવસ એટલે કારતક સુદ પાંચમ.આ દિવસોમાં અહિ યાત્રિકો વધુ દર્સનાર્થે આવે છે.
રાંતેજ તીર્થમાં વર્ષ દરમ્યાન 1 લાખ કરતા વધારે યાત્રિકો તેમજ 2000 કરતા વધુ સાધુ સાધ્વિજી દર્શનાર્થે પધારે છે તથા મંદિર પરિસરમાં નિઃશુલ્ક ભોજનનો લાભ પણ લે છે. આ તીર્થમાં રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા છે.
આ તીર્થ મહેસાણા શહેરથી 27 કિમિ અને અમદાવાદથી 92 કિમિ ના અંતરે આવેલું છે. આ તીર્થની બાજુ માં જ ચેહર માતાનું મંદિર મરતોલી માં આવેલું છે જે ફક્ત 6 કિમિ ના અંતરે છે જો તમે મહેસાણાથી આવશો તો પહેલા જ આ તીર્થ આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો