*આ પવિત્ર નગરીમાં વીસમા શ્રી મુનિસુવ્રત સ્વામીના ચાર કલ્યાણકો થયા છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીએ 14 ચાર્તુમાસ આ નગરીમાં કર્યા હતા. અહીં પાંચ પર્વતો પર પાંચ સુંદર જીનાલયો આવેલા છે. આ સ્થળ નાલંદાથી 13 કિ.મી. અને પાવાપુરીથી 30 કિ.મી. અને રાજગીરી રેલ્વે સ્ટેશનથી 1કિ.મી. દૂર આવેલું છે.*
*એવું કહેવાય છે કે ભગવાન મહાવીર 11 ગણધર ભગવંતો અહીં નિર્વાણ પામ્યા હતા. અહી ગામના જીનાલયમાં મુનાયક શ્રી મુનિસુવ્રત પ્રભુની શ્યામ વર્ણની પ્રતિમા પ્રતિષ્ઠિત છે.આગળ પ્રાચીન પ્રતિમા છે અને પાછળ નવી પ્રતિમા છે. દેરાસરની બાંધણી શેરીસા તીર્થ જેવી છે. તેની પાછળના મંદિરમાં શ્રી ગૌતમ સ્વામીની પ્રાચીન પ્રતિમા છે.*
*અહી જુદા - જુદા પાંચ પર્વત પર પાંચ સુંદર જીનાલયો આવેલા છે.*
*વિપુલગિરિ :- 555 પગથીયા ચઢતા શ્રી મુનીસુવ્રત સ્વામીનું જીનાલય આવે છે. અન્ય જિનાલયોમાં શ્રી મહાવીરસ્વામી, શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી ઋષભદેવના ચરણ પાદુકા સ્થાપિત છે.*
*રત્નગિરિ :- 1277 પગથિયા ચઢતા શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી ચંદ્રપ્રભુનું જિનાલય આવે છે. તેમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ અને શ્રી અભિનંદનસ્વામીના ચરણ પાદુકા સ્થાપિત છે.*
*ઉદયગિરિ :- 782 પગથીયા ચઢતા શ્રી શ્યામળા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવે છે.ચાર બાજુ ચાર દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મુનિસુવ્રત સ્વામીના ચરણ પાદુકા સ્થાપિત છે.*
*સ્વર્ણગિરિ :- 1064 પગથિયા ચઢતા શ્રી ઋષભદેવ સ્વામીનું ચરણ પાદુકા મંદિર આવે છે. તેમાં તેમની શ્યામવર્ણી પ્રતિમા છે.વૈભારગીરી તરફ જતા રસ્તામાં શ્રેણિક રાજાની જેલ આવે છે. આગળ ઉતરતા બે ગુફાઓ આવે છે. એક ગુફામાં શ્રેણિકનો સુવર્ણ ભંડાર છે. તે ભંડાર મેળવવા અનેક પ્રયત્નો થયા છે, પરંતુ સર્વે નિષ્ફળ ગયા છે. બીજી ગુફામાં 15 પ્રતિમાઓ પહાડમાં કોતરેલી છે.*
*વૈભારગિરિ :- આ સ્થળે ભગવાન શ્રી મહાવીરસ્વામીના 11 ગણધરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. પહાડની તળેટીમાં કુદરતી ગરમ પાણીના 6 કુંડ આવેલા છે.*
*પ્રસિદ્ધ શાલીભદ્ર અને ધન્ના શેઠ રાજગૃહીના હતા અને આ ગિરિ ઉપર અણસણ કર્યું હતું. અહી શાલીભદ્રનો કુવો છે, જે નિર્માલ્યકુપ તરીકે ઓળખાય છે, જેમાં શાલીભદ્ર તથા તેની 32 પત્નીઓમાટે સ્વર્ગમાંથી આવતી 33 પેટીઓના અલંકારો તથા વસ્ત્રો રોજ ઉપયોગ કર્યા બાદ નાખવામાં આવતા હતા.*
*શાલીભદ્રની મૂર્તિ અહીંથી ચોરાઈ હતી, જે પાછળથી પરત મળતા ધર્મશાળામાં પ્રસ્થાપિત કરાઈ છે.અહી ગૌતમસ્વામીનું મંદિર છે. અંતિમ કેવળી શ્રી જમ્બુસ્વામી અહીંથી નિર્વાણ પામ્યા હતા.*
*દેરાસરોની પાછળ રોહીણીયા ચોરની ગુફા છે.*
*રાજા* *શ્રેણિક,અભયકુમાર,મેઘકુમાર,હાલ્લ-વિહલ્લ, કયવન્ના શેઠ,નંદીષેણ, પુણીયો શ્રાવક,મમ્મણ શેઠ,પ્રભવ સ્વામી,સ્વયંભવસૂરી(જેમણે દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી), અર્જુન માળી,મેતાર્ય મુની,અર્હતભુતા,ધન્ના તથા શાલીભદ્રની આ કર્મભૂમિ છે તથા જરાસંઘ વગેરેની આ જન્મભૂમિ છે.*
*આ પાંચેય પહાડો પવિત્ર છે અને અહીં આવેલું "વિરાયતન" મ્યુઝીયમ જોવાલાયક છે.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો