*અમદાવાદના ઐતિહાસિક હઠીસિંહના દેરાસરની સ્થાપનાને 175 વર્ષની ઉજવણીના ભાગરૂપે 10 થી 14 માર્ચ દરમિયાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસના આ મહોત્સવમાં દરરોજ દેરાસરમાં ભાવિકો દ્વારા ભગવાનને સુંદર આંગી રચીને પ્રભાવના કરવામાં આવી હતી. નવી પેઢીને જૈનધર્મની પૂજાઓ તેના અસલી શાસ્ત્રીય રાગો તેમજ ઢાળોમાં શીખવવામાં આવી રહી હતી. જેમાં બાર વ્રતની પૂજા, અષ્ટાપદની પૂજા, શ્રી નવાણું પ્રકારની પૂજા વગેરેનો સમાવેશ થાય છે. આજના સમયમાં પૂજા અને તેના સાચા રાગ -ઢાળ લૂપ્ત થઇ રહયા છે ત્યારે ઐતિહાસિક સ્થળના 175 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભવ્ય જૈન વારસાને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જિનાલયના સમગ્ર પરીસરને રંગમંડપ તથા જિનાલયને ગહુંલીઓ,શ્રેષ્ઠ રંગોળીઓ,પુષ્પમાળાઓ, પુરાતન ધાતુપાત્રોની હસ્તકળા વડે નિર્મિત ચૌદ સ્વપ્ન વગેરે સુંદર રીતે ગોઠવવામાં આવ્યા હતા.*
*હઠીસિંહ દેરાસરના ઇતિહાસ અંગે વાત કરતા હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ગૌરવભાઇ કહે છે હઠીસિંહના દેરાસરના પોણા બસો વર્ષના જાજરમાન ઇતિહાસ સાથે શેઠ હઠીસિંહ અને તેમના પત્ની હર કુંવર શેઠાણીનું નામ જોડાયેલું છે. હઠીસિંહ કેસરીસિંહ અમદાવાદમાં રેશમના કાપડનો ખૂબ મોટો કારોબાર ધરાવતા હતા. મુંબઇના શાહ સોદાગર શેઠશ્રી મોતીશા સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ હતો. હઠીસિંગ અને હરકુંવર બંને પતિ પત્ની ધર્મના ખૂબ અનુરાગી હતા.* *બંનેએ વિશાળ દેરાસર બાંધવાનો નિર્ણય કરીને પોતાની ધર્મ ભાવના અને લક્ષ્મીને ચરિતાર્થ કરી હતી. 49 વર્ષની નાની વયે હઠીસિંહનું ઇસ 1845માં અવસાન થતા દેરાસર તૈયાર કરવાની જવાબદારી પત્ની હરકુંવર શેઠાણીએ નિભાવી હતી. હઠીસિંહ માતૃશ્રી સુરજબહેને પણ ખૂબ મદદ કરી હતી.*
*પાંચ દિવસના મહોત્સવમાં ભાવિકોએ ભગવાનને સુંદર આંગી રચી હતી*
*શેઠશ્રી હઠીસિંહના પિતાશ્રીનું નામ કેસરીસિંહ ખુશાલચંદ હતું અને માતુશ્રીનું નામ શેઠાણી સૂરજબેન હતું. તેમનો જન્મ વિક્રમ સંવત 1852માં થયો હતો. વિશિષ્ટ વ્યકિતત્વના લીધે તેઓ રાજમાન્ય અને પ્રજામાન્ય બની શકયા હતા. તેમણે વેપારમાં અઢળક લક્ષ્મી મેળવી હતી. દેશના જુદા જુદા સ્થાનોમાં અનેક પેઢીઓ ખોલી હતી. હરકુંવર તેમના ત્રીજા પત્ની હતા. એમ કહેવાય છે કે એમના પગ 'પદ્મ' હતું આથી લગ્ન પછી શેઠની લક્ષ્મીમાં ખૂબ વધારો થયો હતો. બંને પતિ પત્ની ધર્મપ્રેમી હોવાથી જ દેરાસર બાંધવાનો વિચાર આવ્યો હતો.*
*ઇ.સ.1847માં પ્રતિષ્ઠા મહોત્સવમાં 1 લાખ લોકોને આમંત્રણ અપાયું હતું*
*હરકુંવર શેઠાણીએ પોણા બસો વર્ષ પહેલા મુખ્ય સલાટ પ્રેમચંદભાઇની મદદ લઇને 12 લાખ રૂપિયાના ખર્ચે માત્ર બે જ વર્ષમાં આ ભવ્ય જિનાલય તૈયાર કરાવ્યું હતું.* *હઠીસિંહની વાડી કે દેરાસર તરીકે પ્રખ્યાત આ જિનાલયની પ્રતિષ્ઠા વિ.સં 1903 (ઇ.સ.1847) મહા વદ 11 ના રોજ સાગર ગચ્છના આચાર્ય શ્રી શાંતિસાગરસૂરિજીના વરદ હસ્તે કરવામાં આવી હતી.* *એ જમાનામાં પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે સેંકડો ગામોમાં આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી હતી.* *પ્રતિષ્ઠામાં 1 લાખથી વધુ ભાવિકોની વ્યવસ્થા સાચવવા છેક દેરાસરથી માંડીને છેક શાહીબાગ સુધી તંબુઓ નાખવાની જરૂર પડી હતી. આના લીધે મંદિરની પાછળનો ભાગ આજે પણ હઠીપરાના નામથી ઓળખાય છે. આ પ્રતિષ્ઠામાં જ એ જમાનામાં 6 થી 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જે આજના હિસાબે કરોડો રૂપિયા થાય છે.*
*ભગવાનને બારેમાસ વરસાદના શુધ્ધ પાણીથી જ પક્ષાલ થાય છે*
*હઠીસિંહ દેરાસરમાં બાવન જેટલા નાના દેરાસરના મધ્યભાગની અંદર મુખ્ય જિનાલય આવેલું છે. ઝરુખા જેવા માળ વાળુ ઝીણી તથા મોટી કોતરણીથી ખૂબ સમૃધ્ધ છે જેને મુખમંડપ કહેવામાં આવે છે.* *મુખમંડપના થાંભલાઓ, પ્રવેશદ્વાર અને ઉપરનો ભાગ જાતજાતની કળામય કોતરણીઓ જોવા મળે છે.* *ત્રણ દરવાજા ધરાવતા ગર્ભગૃહ (ગભારા)માં જુદા જુદા પ્રકારના તીર્થંકરોની પાષાણની તથા ધાતુની જિનપ્રતિમાઓ બિરાજમાન છે. આ જિનપ્રતિમાઓમાં મુખ્ય જિનેશ્વર તરીકે વર્તમાન ચોવિસીના પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામીની 27 ઇંચની જિન પ્રતિમા બિરાજમાન છે. દેરાસરનું ચોગાન 160 ફૂટ લાંબુ અને 126 ફૂટ પહોંળું છે. ચોમાસામાં ભોમતીના શિખરો પરથી જે પણ વરસાદી પાણી પડે તેનો દેરાસરના ચોકમાં બનાવવામાં આવેલા બે (30 ફૂટ ઉંડા અને 15 ફૂટ પહોળા) ટાંકામાં સંગ્રહ થાય છે. બારેમાસ કુદરતી રીતે જ શુધ્ધ એવા વરસાદના પાણીથી જ પક્ષાલ થાય છે. હઠીસિંગ કેસરીસિંહ ટ્રસ્ટના ગૌરવભાઇના જણાવ્યા અનુસાર આ પવિત્ર પાણી હિંદુ મંદિરોની પ્રતિષ્ઠા માટે પણ લઇ જાય છે. અહીં કાર્તિક પુનમે શેત્રુંજય પટના દર્શનનો પણ મહિમા છે.*
*હરકુંવર શેઠાણીને અંગ્રેજોએ સખાવતે બહાદૂરનો ઇલકાબ આપ્યો હતો*
*હઠીસિંહના ઐતિહાસિક દેરાસરના શિલ્પી હરકુંવર શેઠાણીનો જન્મ ભાવનગર પાસેના ઘોઘા તીર્થમાં એક સામાન્ય પરીસ્થિતિના ઓસવાળ પરીવારમાં થયો હતો. પતિ હઠીસિંહના અકાળે અવસાન અને નિસંતાન હોવા છતાં ભાંગી પડવાના સ્થાને તેમને પતિના કરોડો રૃપિયાના કારોબારને સંભાળ્યો હતો. જે સમયે મહિલાઓ ઘરની બહાર પગ મુકિત ન હતી એ સમયે હરકુંવરે હઠીસિંગના દેરાસરના મહા મહોત્સવનું આયોજન કરીને પોતાની કાબેલિયતનો પરચો આપ્યો હતો. એ સમયના ગાડાયુગમાં સમેતશિખરજી જેવા સૂદૂર તીર્થનો વિશાળ સંઘ કાઢવાની હિંમત કરી હતી. તેમણે કન્યા કેળવણી માટે સ્કૂલ પણ શરૂ કરી હતી.*
*હરકુંવર શેઠાણીની કરુણા અને ઉદારતાને હજુ પણ અમદાવાદીઓ યાદ કરે છે*
*175 વર્ષ પહેલાની વાત છે. કારીગરો હઠીસિંગના દેરાસર નિર્માણ કરી રહયા હતા ત્યારે શેઠાણી જે સ્થળેથી પગાર કરતા હતા તે સ્થળે એક કારીગરે ખોદકામ કરીને પૈસા ચોરવા પ્રયાસ કર્યો પરંતુ કશું હાથમાં આવ્યું નહી. બાજુના બંગલામાં રહેતા શેઠાણી આ વાત જાણી ગયા હતા. તેમને કારીગરોને પગાર ચુકવતી વખતે મુનિમને કહયું કે જેને દિવસે મહેનત કરી છે એને એક ગણો અને રાત્રે પણ મહેનત કરી છે એને બમણો પગાર આપો. આ સાંભળીને ચોરીના ઇરાદાથી ખોદકામ કરનારો કારીગર તરત જ સમજી ગયો અને પગમાં પડીને ભૂલ સ્વીકારી લીધી. શેઠાણીએ તપાસ કરાવી તો કારીગરના ઘરે બીમારી હોવાથી ચોરી કરવા મજબૂર બન્યો હતો. શેઠાણીને થયું કે મારે ત્યાં કામ કરનારા દુખી હોવા જોઇએ નહી આથી તમામ કારીગરોનો પગાર બમણો કરીને કરુણા અને ઉદારતો પરીચય આપ્યો હતો.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો