પ્રસિદ્ધિ એટલે જાહેરાત, પ્રકાશિત થવા પણું, નામના, ખ્યાતિ અને કીર્તિ એવા અર્થ સંદર્ભે હોય છે. કોઇ વ્યક્તિની પ્રસિદ્ધિ હોય તો બીજા માટે પ્રેરણારુપ હોય છે. પરંતું, પોતાની જાતને પ્રસિદ્ધિ અપાવવી તે માન કષાયનો એક વિષય હોય છે. પ્રસિદ્ધિ પ્રાપ્ત થતાં તે વ્યક્તિને અહંકાર આવવો સંભવ બને છે. કોઇક જુજ વ્યક્તિ હોય છે તે જ તેમાંથી બચી શકે છે, બાકી લગભગ શક્ય નથી.
આજે દરેક વ્યક્તિ પોતાને સારો બતાવવા કે લોકોથી કંઇક વિશેષ બતાવવા પ્રયત્નશીલ હોય છે એટલે તે આડકતરી રીતે માન કષાય તરફ આગળ વધી રહ્યો છે. એવા કાર્ય નિઃસ્વાર્થ ભાવે કરો કે પ્રસિદ્ધિ સ્વયંમેવ મળી જાય, નહીં કે પ્રસિદ્ધિ મેળવવા તેવા કાર્ય કરવા. બંને વિચારધારામાં કાર્ય એક છે પરંતું તેની માનસિક અસર એકદમ અલગ છે.
ઘણાં લોકો ધાર્મિક કે સામાજિક કાર્ય સારી રીતે સંપન્ન થાય તે માટે સહજપણે દાન આપતાં હોય તેમજ ઘણાં લોકો એવા પણ હોય કે તેમાં પ્રસિદ્ધિ કેટલી મળશે તે પ્રમાણે દાન આપતાં હોય તે બંને બાબતમાં તફાવત હોય છે. કોણે શું ભાવથી આપ્યા તે તો દાન આપનાર જ જાણે. લોકો તેમાંથી સારો-નરસો અર્થ કાઢી તેનું મુલ્યાંકન કરતાં હોય છે.
ઘણાં એવા લોકો હોય જેઓ સંઘ, સંસ્થા કે સમાજિક કાર્યોના પદ પર રહી સેવાના ભાવ ઉદ્દેશ્યથી કાર્ય કરી પ્રસિદ્ધિ મેળવી લેતા હોય જ્યારે એવા લોકો પણ હોય જેઓ પ્રસિદ્ધિ મેળવવા તે પદ પર બિરાજમાન થઇ પ્રસિદ્ધિ મેળવતાં હોય છે તેમાં પણ સ્પષ્ટ તફાવત છે.
અહીં ભાવદશા મહત્વનું છે. પ્રસિદ્ધિ તે તેના કાર્યનું સ્વયંમેવ પરિણામ છે. કષાય ભાવદશા ઉપર નિર્ભર રહે છે કે પ્રસિદ્ધિ માટે કાર્ય કર્યું છે કે કાર્યથી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ છે તેનો ભેદ સમજાઇ જાય તો બહુ જ ઉત્તમ કહેવાય. જૈન દર્શનમાં કહેવાય છે જેવા કર્મ તેવા ફળ. અહીં કર્મતો એક જ થયું પરંતું, ભાવદશા અલગ-અલગ રહી.
લગભગ પ્રસિદ્ધિના કારણે પ્રસિદ્ધિ વ્યક્તિ પોતાને માન કષાયથી બચાવી શકતો નથી. નામનાથી એટલો અંજાઇ જાય છે કે તેના દરેક કાર્યમાં અસર દેખાય છે, તે જ પ્રમાણે તે વ્યક્તિ દંભી થતો જાય છે અને તેનાથી માયા કષાય ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિનું વ્યક્તિત્વ અંદરથી જેવું હોય તેવું બહારથી ન દેખાય તો સમજવું કે માયા ઉત્પન્ન થઇ છે.
અરિહંત પરમાત્માને તીર્થંકર નામકર્મનો ઉદય જન્મથી જ હતો પરંતું, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં, તીર્થની સ્થાપના કર્યા પછી જ તીર્થંકર કહેવાયા એ પહેલાં તો નહીં. આટલી સુક્ષ્મ બાબતો સમજાઇ જાય તો પ્રસિદ્ધિની વાત પુરેપુરી સમજાઇ જાય.
ઘણી વ્યક્તિઓને પ્રસિદ્ધિનો વળગાડ ચડે એટલે તેના પગ જમીનમાં જ રહે! તે પોતાને દુનિયાનો આઠમો અજુબો સમજી લોકો સાથેનો તેનો વ્યવહાર-વર્તન પણ બદલાઇ જાય, જે જેના પતનનું કારણ બને. સમજદાર લોકો તેવા વ્યક્તિઓથી દુર રહેવાનું પસંદ કરે છે. અંતે એક જ સાર છે, કાર્યથી પ્રસિદ્ધિ ભલે મળે પરંતું, પ્રસિદ્ધિ માટે કાર્ય તો નહીં!
✍️જીજ્ઞેશ ચંદ્રકાન્ત લોડાયા (વારાપધર-ડોંબિવલી)
➖➖➖➖➖➖➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો