દાન સંદર્ભે વિવિધ દ્રષ્ટિકોણ લેખ મારફતે રજુ થાય છે. જેમ દાનના વિવિધ પ્રકાર છે તેમ દાન આપનારના પણ વિવિધ પ્રકાર હોય છે. દરેક વ્યક્તિ પોતાની સમજ અને ભાવના પ્રમાણે દાન આપતા હોય છે. આવું માત્ર જૈનો સાથે જ થાય છે તેવું નથી. દાન આપવાની ભાવના જૈનેતરો પણ ધરાવતા હોય છે. પરંતું, વિશેષતાએ જૈનો વધુ પડતા આગળ આવે છે. આમ કહીએ કે જૈનોના લોહીમાં જ દાનના સંસ્કાર હોય છે.
દાન આપવાથી પુણ્ય તો અચૂક બંધાય છે. દાન નામના અને પ્રસિદ્ધિના ઉદ્દેશ્યથી હોય કે નામના કે પ્રસિદ્ધિના કોઇ જ ભાવ ન હોય. પરંતું, પુણ્ય તો અચૂક બંધાય છે. તો પછી બંનેમાં તફાવત ક્યાં રહ્યો? હા! તફાવત પુણ્યના ફળના ગુણાકારમાં આવે છે. સંખ્યાબંધ, અસંખ્યાત અને અનંતગણા ફળમાં રહેલો સ્પષ્ટ તફાવત દાનનો હોય છે.
ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે ધર્મસભામાં, વ્યાખ્યાનમાં કે પરિસ્થિતિવશ લાચાર જીવની મદદ માટે સદાય તત્પર હોય છે. પોતાની પરિસ્થિતિ નાજૂક હોય તો પણ પ્રથમ મદદ માટે પડખે ઊભા હોય છે. એમને એટલી જ ખબર છે કે જીવતાં રહીશું તો રુપિયા તો કમાવી લઇશું. તેઓ સમજે છે કે રુપિયા આવશે અને જશે. પરંતું, કોઇને યોગ્ય સમયે કામ આવીએ તે જ મહત્વનું છે.
દાનનું બીજું પાસુ તપાસીએ, પહેલાં આપણે બરાબર થઇ જઇએ. આપણી જીવન જરુરીયાત પરિપૂર્ણ હોવી જોઇએ. કેમ કે દાન આપનારને સમાજ સંપૂર્ણ ચકાસે છે ૧) દાન આપનાર ક્યાં રહે છે. ભાડાનું, પાઘડીનું, બિલ્ડીંગમાં, બંગલામાં, રાજમહેલમાં વગેરે ૨) તેનો વ્યવસાય શું છે? સામાન્ય, મધ્યમ કે ઉચ્ચ. ૩) ઘરની પરિસ્થિતિ કેવી છે? ૪) ઘરેણાં - પહેરવેશ અને રહેણીકરણી તપાસી લે છે.
આવી તપાસણી કરનારા લોકો એક જ સ્પષ્ટતઃ માનસિકતા ધરાવે છે કે દાન માત્ર શ્રીમંત અને રાજઘરાનાના લોકો જ કરી શકે છે. કેમકે તેમણે દાન એવા લોકોને જ આપતાં જોયા છે જેઓ ગર્ભ શ્રીમંત છે. તેમની માનસિકતા આ લોકો પુરતી જ મર્યાદિત હોય છે કે જે આર્થિક પરિસ્થિતિ સામાન્ય ધરાવનાર વ્યક્તિ દાન લઇ શકે છે. પરંતું, તેવી વ્યક્તિ જ્યારે દાન દેવા આગળ આવે ત્યારે આવી માનસિકતા ધરાવનાર લોકોની આંખો પહોળી થઇ જાય છે, ટૂંકમાં તેઓ શરમાઇ જાય છે. તેઓ સામાન્ય પરિસ્થિતિ ધરાવનાર લોકોને દાન આપતા હોય ત્યારે તેઓને અછૂત જેવા સમજતાં હોય છે તેમજ એક ઘૃણાના ભાવ આવતા હોય છે.
અરે ભાઇ! આ સામાન્ય વ્યક્તિએ જોરદાર પુણ્યાનુંબંધ કર્યું કે આવનાર જન્મમાં સુખ સમૃદ્ધિઓમાં આળોટશે. જ્યારે આ ભવમાં મહાન પુણ્યોદયે પણ અઢળક ધન હોવા છતાં પણ દાન ન આપી શકવાની ભાવના તેમજ તેમની ધનસંપત્તિ હજી ઘણી જ ઓછી છે તેવી ભાવના સાથે સંઘર્ષમય જીવન જીવતાં હોય છે. આવા લોકો મમ્મણ શેઠના પણ કીર્તિમાન તોડી નાખે તેવી ક્ષમતા ધરાવતા હોય છે. ત્યારે આવા લોકો દયાને પાત્ર હોય છે. અફસોસ છે કે સામાન્ય કક્ષાનો માણસ સંઘર્ષ કરતો હોવા છતાં મળેલા અવસરે પોતાની બચતમાંથી દાન આપી શકે છે જ્યારે ધનાઢ્ય વ્યક્તિ ધનસંપત્તિ વધારવામાં જ જીવન પૂર્ણ કરી લે છે. અંતે કહીશ *દાન કેટલું છે તે મહત્વનું નથી, પરંતું, દાન કેવું છે તે બહુ જ મહત્વનું છે.*
*✍️જીજ્ઞેશ ચંદ્રકાન્ત લોડાયા (વારાપધર-ડોંબિવલી)*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatdApp-8898336677
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો